બીજું અણુવ્રત સ્થૂલ મૃષાવાદ વિરમણવ્રત
શ્રી સમ્યક્ત્વમૂલ એટલે શ્રદ્ધા સહિતનું, સ્થૂલ એટલે મોટુ, મૃષા એટલે અસત્ય-જૂઠ, વાદ એટલે બોલવું વિરમણ એટલે અટકવું, વ્રત એટલે નિયમ - પ્રતિજ્ઞા.
- ખોટું વચન બોલવું તેનું નામ મૃષાવાદ
- અહિતકારી ચર્ચા કરવી તેનું નામ મૃષાવાદ
- રાગ-દ્વેષ કષાય સહિતના વચન બોલવા તેનું નામ મૃષાવાદ
- દુષ્ટ મનોવૃત્તિ અને તીવ્ર સંકલેશથી મોટા પાંચ જૂઠા બોલવા તેનું નામ મૃષાવાદ
- સત્યને ખોટી ભાવનાથી છુપાવવું હોય ત્યારે અસત્ય બોલવું તેનું નામ મૃષાવાદ
- વિપરીત બોલવું, સાવદ્ય બોલવું તે અસત્યનું - મૃષાવાદનું જ સ્વરૂપ છે.
સૂક્ષ્મ અને બાદર એમ બે ભેદવાળુ મૃષાવાદ હોય છે, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક અને દુગંચ્છાથી જે બોલાય તે સૂક્ષ્મ મૃષાવાદ તથા તીવ્ર સંકલ્પથી જે બોલાય તે સ્થૂલ મૃષાવાદ. શ્રાવકે સૂક્ષ્મ મૃષાવાદની યતના કરવી જોઇએ, અર્થાત્ મશ્કરીમાં કે હસતાં હસતાં જુઠ્ઠું બોલવાનો પણ શ્રાવકે ત્યાગ કરવો જોઇએ. જે જીવ પોતાના જીવનમાં મૃષાવાદ એટલે અસત્ય, જુઠ, ખોટું બોલે છે તે આત્માની જીવનશક્તિ ઘસાઇ જાય છે, આત્મતેજ વેડફાઇ જાય છે, સર્વત્ર સર્વ સાથે વૈરવિરોધ પેદા થાય છે. લોકોને તેના ઉપરથી વિશ્વાસ ઊઠી જાય છે, આલોકમાં અવિશ્વાસનું અને પરલોકમાં દુરાચારનું ભાજન બને છે, નીચ ગતિઓ બંધાય છે, મૂંગા, બુદ્ધિહીન, ઇદ્રિયોની ખામીવાળા, બોલવાની શક્તિની ખામીવાળા, વાણીથી નિંદીત બનેલા અને દુર્ગંધી મુખવાળા થાય છે, આમ અસત્ય ભાષણથી આ ભવમાં અપયશ અને પરભવમાં દુર્ગતિ મળે છે અને મહાઅનર્થ થયા જ કરે છે. સ્થૂલ મૃષાવાદ વિરમણવ્રતની પ્રતિજ્ઞા: દુષ્ટ મનોવૃત્તિથી કે તીવ્ર સંકલેશથી કન્યા, ગાય, ભૂમિ થાપણ અને જૂઠી સાક્ષીએ પાંચ મોટા જૂઠ-અસત્ય હું બોલીશ નહિ બીજા પાસે બોલાવીશ નહિ બોલતાને અનુમોદીશ નહિ. સ્વરૂપ કોઈનો જીવ બચાવવાના હેતુ સિવાય દુષ્ટ વિવિક્ષાથી, પેટમાં પાપ રાખીને, પાંચ મોટાં જૂઠ બોલવા નહિ. જેમ કે :
- કન્યાલીક - કન્યા સંબંધી સગપણ વગેરેમાં, તેના ઉપલક્ષણથી બે પગવાળા, દરેક મનુષ્ય અને પંખી સંબંધી વ્યવહારમાં જાણી જોઈને ઈરાદાપૂર્વક જૂઠ બોલવું નહિ.
- ગવાલીક - ગાય, પશુ વગેરે ઉપલક્ષણથી દરેક ચાર પગવાળાં પ્રાણી સંબંધી દૂધ વગેરે વિષયમાં જુઠ્ઠું બોલવું નહિ.
- ભૂમ્યાલીક - ભૂમિ, ખેતર, મકાન, દુકાન ઉપલક્ષણથી આપણાં સ્થાવર વૃક્ષાદિ દરેક વસ્તુ સંબંધી જુઠ્ઠું બોલવું નહિ.
- થાપણમોસો - પારકી થાપણ ઓળવવા માટે જુઠ્ઠું બોલવું નહિ.
- કૂડી શાખ - લુચ્ચાઈ કે ઈર્ષાદિથી ખોટી સાક્ષી પૂરવી નહિ.
વિકલ્પો
- કોઈને મોટું નુકસાન થાય તેવું જુઠ્ઠું બોલીશ નહિ. ખોટી સલાહ, ઠગાઈ, વિશ્વાસઘાત કારક વચનો વગેરે કદી નહીં બોલું.
- કોઈની ગુપ્ત વાત કોઈને કહીશ નહિ/ કોઈના ઉપર ખોટો આક્ષેપ મુકીશ નહિ.
- ધર્મમાં અંતરાય થાય તેવી સલાહ આપીશ નહિ.
- ખોટી સાક્ષી પૂરીશ નહિ.
- ખોટા ચોપડા લખીશ / લખાવીશ નહિ.
- ખોટા સહી / સિIા / દસ્તાવેજ - બનાવટ કરીશ નહિ.
પૂરક નિયમો
- ધર્મના સોગંધ ખાવા નહિ. સ્વપ્રશંસા અને પરનિંદા ન કરવી.
- મૂળથી જ ન હોય તેવું મોટું અને હડહડતું જુઠ્ઠું બોલવું નહિ.
- પરપીડાકર વચન સત્ય હોય તો પણ હાંસી કે આક્રોશ વગેરેથી પણ ન બોલાય તેનો ઉપયોગ રાખવો.
- ધર્મના વિષયમાં કે સિદ્ધાંતની વાતમાં ન જાણતા હોય તો મૌન રહેવું, પરંતુ અસત્ય પ્રતિપાદન કરવું નહિ કે સત્યનું ખંડન કરવું નહિ. હંમેશાં આગમાનુસારી વચનો બોલવાનો ઉપયોગ રાખવો,
|
|
જયણા
અજાણપણાથી, પરાધીનતાથી, આજીવિકા સંબંધથી, ચાડી-ચુગલી કરનારથી, ઘરપ્રસંગાદિ કારણથી અને સ્વ-પરરક્ષણ હેતુથી જુઠ્ઠું બોલાય તેની તથા માલિકના અભાવે થાપણનો સદ્ઉપયોગ કરવાની યોગ્ય જયણા કરવી.
ધ્યેય
ક્રોધ, લોભ, ભય વગેરેથી પણ જુઠ્ઠું ન બોલવાનું ધ્યેય રાખવું. પ્રિય, હિતકર, સત્ય અને તે પણ અલ્પ વચન, પ્રયોજન હોય તો સમજી-વિચારીને બોલવું, અન્યથા દ્રવ્ય અને ભાવથી મૌન કેળવવું. બાહ્ય વસ્તુઓમાં જેટલું ઓછું બોલાય તેટલી સત્યની રક્ષા વધારે છે.
અતિચારો
- સહસાત્કાર - વિના વિચાર્યે, ઉતાવળા થઈ, કોઈના ઉપર `આ ચોર છે' ઈત્યાદિ અસદ્દોષારોપ મૂકવા તે. અથવા
- સાકાર અભ્યાખ્યાન - આકાર વિશેષથી જાણેલ ખાનગી અભિપ્રાય પ્રગટ કરવો તે.
- રહસ્યભાષણ - કોઈની ગુપ્ત વાત જાહેરમાં મૂકવી તે, ચાડી ખાવી તે અને સ્ત્રાળ-પુરુષ કે અન્યની હાંસીöમશ્કરીમાં કાનભંભેરણી કરવી તે.
- વિશ્વસ્ત મંત્રભેદ - પોતાની સ્ત્રાળ વગેરે વિશ્વાસુની કરેલી વાત પ્રગટ કરવી તે.
- મૃષા ઉપદેશ - ધર્મના નામે જુઠ્ઠો ઉપદેશ, ખોટી સલાહ, અજ્ઞાત મંત્ર, ઔષદાદિ આપવાં તે.
- કૂટલેખ - ખોટા દસ્તાવેજ કરવા, સમાન અક્ષર બનાવવા, લખેલ અક્ષર કાઢી નાખવા વગેરે.
બીજા વ્રતના આ પાંચ અતિચારો છે, તે પરિણામે હિંસાનાં કારણો છે. જીવનશુદ્ધિના લક્ષ્યથી આ અતિચારો પણ ન સેવાય તેનું ધ્યાન રાખવું. કૌશિક નામનો તાપસ હતો, તે સત્યવાદી તરીકે પ્રસિદ્ધ હતો. પણ તેને સત્યાસત્યના મર્મનું જ્ઞાન ન હતું, સાચું બોલવું એટલે બોલવું જ. પછી તે અહિતકારી હોય તો પણ બોલવું. એકદા ચોરોએ કોઇ એક ગામને લૂંટયું અને રાજપુરુષોને ખબર પડતાં તે ચોરોને પકડવા તેની પાછળ દોડ્યા, પરંતુ એ ચોરો કૌશિક તાપસના આશ્રમની કેડીમાંથી વનમાં નાસી ગયા, એટલે રાજપુરુષોએ તે કૌશિક તાપસને પુછ્યું કે તપસ્વી! તમે કાયમ સાચું જ બોલો છો, અહીંથી ચોરો ક્યા રસ્તે ગયા? કૌશિક તાપસે વિચાર્યું હું પૂછનારને ખોટું કહું તો મહાપાપ લાગશે, આથી કૌશિક તાપસે રાજપુરુષોને તે ચોરો આ માર્ગે ગયા છે અને પેલી પલ્લીમાં તેમનું ગુપ્તસ્થાન છે. આ સાંભળી રાજપુરુષો લપાતા છુપાતા ચોરોના ગુપ્ત સ્થાનમાં ગયા અને ચોરોને મૃત્યુદંડ આપ્યો. આ ક્રુર કાર્યમાં કૌશિક તાપસ પણ નિમિત્ત બન્યો આથી તેના આયુષ્ય પૂર્ણ થયા બાદ નારકી બન્યા. જ્ઞાની મુનિઓને સત્યાસત્યના મર્મનું જ્ઞાન હોવાથી વિચારીને જ વાણી ઉપદેશે છે તે અંગેનું દૃષ્ટાંત.. એક વખત જ્ઞાનીમુનિ વનમાં ધ્યાનસ્થ હતા, પારધીથી ત્રાસેલું મૃગલાઓનું ટોળું દોડતું તેમની પાસેથી પસાર થઇ જંગલમાં નાસી ગયું, ધ્યાનમાંથી નિવૃત્ત થયેલા તે મુનિએ મૃગલાનું ટોળું જંગલમાં જતું જોયું, થોડી જ વારમાં પારધી આવી પૂછવા લાગ્યો અરે મુનિ! મૃગનું ટોળું અહીંથી કઇ બાજુ ગયું? મુનિ વિચારમાં પડ્યા શું જવાબ આપવો પરંતુ તે જ્ઞાની અને ધર્મના માર્ગને જાણનારા હતા, આથી મુનિએ ઉત્તર આપતા કહ્યું `જે દેખે તે બોલે નહિ અને જે બોલે તે દેખે નહિ.' પારધીએ વારંવાર પુછ્યું મુનિએ વારંવાર એક જ ઉત્તર આપ્યો આથી પારધીને થયું કે આ મુનિ અણસમજુ છે આની જોડે માથાફોડ કરવાથી કાંઇ મળે એમ નથી, એમ કૌતુક સમજી નિરાશ થઇ પારધી ચાલ્યો ગયો અને હરણા - મૃગલા બચી ગયા. આમ પરને પીડાકારી વચન પણ અનાભોગથી બોલવું તે બીજા વ્રતનો પહેલો અતિચાર છે, તેમ જ યુદ્ધને અર્થે અનેક કુયુક્તિઓ, છળ કપટ શીખવવા તે બીજા વ્રતનો પ્રથમ અતિચાર છે.
સ્થૂલ મૃષાવાદ વિરમણવ્રત પર વસુરાજાનું અસત્ય ભાષણ ઉપરનું દ્રષ્ટાંત

|