જં જં ઘર વાવારં કુણઇ, ગિહિ તથ્થ તથ્થ આરંભો, આરંભે વિહુ જયણં, તરતમ જોએણ ચિંતેઇ.
ગૃહસ્થ જે જે ઘરના કામ કરે છે ત્યાં ત્યાં આરંભ રહેલો છે પણ શ્રાવક તે આરંભને વિશે તરતમતાના યોગે કરી યતના કરે અહીં તરતમતાનો અર્થ એ છે કે અલ્પારંભથી જે કાર્ય સાધ્ય હોય તેમાં મહારંભ કરે નહીં એટલે બહુ સાવદ્ય કર્મને તજીને અલ્પસાવદ્યને આચરે તો થોડી ઘણી અહિંસા પળાય.
યો રક્ષતિ પરજીવાન, રક્ષતિ પરમાર્થતઃ સ આત્માનમ્, યો હંત્યન્યાન્ જીવાન, સ હન્તિ નર આત્મન્ આત્માનામ્.
જે બીજા જીવોની રક્ષા કરે છે તે પરમાર્થ પણે પોતાના જ આત્માની રક્ષા કરે છે. અને જે બીજા જીવોની હિંસા કરે છે તે પોતાના જ હાથે પોતાના આત્માની જ હિંસા કરે છે.
જે ય સંસાર જં દુઃખં, મોક્તુમિચ્છંતિ જંતુણો, અનુકંપા પરા નિચ્ચં, સુલસુવ્વ હવંતિ તે.
જે પ્રાણીઓને આ સંસારમાંથી ઉત્પન્ન થયેલા દુઃખથી મુક્ત થવાની ઇચ્છા હોય તેમણે સુલસની જેમ અનુકંપા દયામાં તત્પર રહેવું.
પ્રાણાતિપાતવિરમણ વ્રત એટલે શું?
પ્રાણ + અતિપાત + વિરમણવ્રત - જીવના + વધથી + અટકવું. તેનું નામ પ્રાણિતાપત વિરમણ વ્રત. શાસ્ત્રમાં કહ્યું છે કે કોઇપણ આત્મા છેદાતો નથી, ભેદાતો નથી, કપાતો નથી કે મરતો નથી. જો આત્મા મરતો જ ન હોય તો તેને મારનાર શી રીતે હોય? તેને મારવાનું પાપ પણ શી રીતે લાગે? શુદ્ધાત્મા ભલે મરતો ન હોય પણ આત્મા જ્યારે કર્મથી યુક્ત હોય છે ત્યારે તે જીવ કહેવાય છે. આવો જીવ જ્યારે 5 ઇદ્રિય, 3 બળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય એ દસ દ્રવ્ય પ્રાણોથી યુક્ત બને છે ત્યારે તેનો જન્મ થયો કહેવાય અને તે દસ દ્રવ્ય પ્રાણોથી છૂટો પડે ત્યારે તેનું મૃત્યુ થયું કહેવાય.
જીવોને તેના પ્રાણોથી વિયોગ કરાવવો તેનું નામ પ્રાણાતિપાત અને પ્રાણોનો વિયોગ ન કરાવવો તે પ્રાણાતિપાત વિરમણવ્રત. જેને અહિંસાવ્રત પણ કહેવાય છે. જૈન ધર્મનું મૂળ જ અહિંસા છે, જીવદયા છે માટે જ જિનશાસનની કૂળદેવી જીવદયા અને ઉપાસ્યાદેવી ક્ષમા કહી છે. `જે આપો તે મળે' આ જગતનો નિયમ છે, `જેવા ભાવ તેવો બંધ' આ કર્મનો નિયમ છે. તેથી જે જીવ પોતાના પ્રાણોથી આત્માનો વિયોગ ન થાય તેમ ઇચ્છતા હોય તે જીવ પ્રાણાતિપાત કાયમ માટે બંધ કરી દેવો જોઇએ. જે બીજાના પ્રાણોનો આત્માથી વિયોગ કરાવે છે તેના પોતાના પ્રાણોનો આત્માથી વિયોગ થયા વિના શી રીતે રહે? બીજાને મોતમાંથી મુક્તિ આપવા દ્વારા કાયમ માટે પોતાનું મોત દૂર ઠેલી શકાય છે, જીવોનો પ્રાણાતિપાત અટકાવીને કાયમ માટે પોતાનો પ્રાણાતિપાત અટકાવી શકાય છે અર્થાત્ મોક્ષ મેળવી શકાય છે, જન્મ-મરણના ફેરા બંધ કરી શકાય છે. `સવિ જીવ કરૂં શાસન રસી' આ ઉત્તમ ભાવનામાં આ ભાવ પણ ગર્ભીત છે.
હવે આપણને થશે કે આવું જીવન જીવવા સર્વસંગ પરિત્યાગ કરવો અનિવાર્ય છે એટલે કે દીક્ષા લીધા વગર સાધુ જીવન સ્વીકાર્યા વગર છુટકો નથી, પણ વ્યક્તિગત રીતે સાધુજીવન જીવવું શક્ય ન હોય તો પોતાનાથી શક્ય બને તેટલો પ્રાણાતિપાત ઓછો કરવો શક્ય છે જ. બીજા જીવોને મારવાનું બંધ કરવું જોઇએ, તે માટે પ્રથમ અણુવ્રત `શ્રી સમ્યક્ત્વમૂલ સ્થૂલ પ્રાણાતિપાત વિરમણવ્રત' ઉચ્ચરવું જોઇએ. પૂજ્ય સાધુ - સાધ્વી ભગવંતોને વીસ વિસાની એટલે સંપૂર્ણ જીવદયા પાળવાની હોય છે અને શ્રાવકોને સવાવિશ્વાની જીવદયા પાળવાની હોય છે તે કેવી રીતે તે જાણી લઇએ.
જીવદયા 20 વિશ્વાની સાધુ ભગવંતો પાળે તે કઇ?
તો જીવના બે ભેદ છે.
1) સ્થાવર જીવ અને 2) ત્રસ જીવ. સ્થાવર જીવ એટલે પોતાને થતાં સુખ દુઃખના કારણોમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જઇ ન શકે. અર્થાત્ જે હલન-ચલન ન કરી શકે પણ સ્થિર જ રહે તેને સ્થાવરજીવો કહેવાય છે. આવા સ્થાવરજીવોનાં દસ પ્રકાર છે. જેમાં પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય અને વનસ્પતિકાય એ પાંચ પર્યાપ્તા અ એ જ પાંચ અપર્યાપ્તા ઇં 10 પ્રકારે સ્થાવર જીવો થાય.
ત્રસ જીવો એટલે સુખ દુઃખના સમયે હલન - ચલન કરી શકે તેને ત્રસજીવો કહેવાય અર્થાત્ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઇ શકે તેને ત્રસજીવો કહેવાય. આ ત્રસજીવો પણ 10 પ્રકારે છે. જેમાં બેઈદ્રિય, તેઈદ્રિય, ચઉરિદ્રિય, અસંજ્ઞીપંચેદ્રિય અને સંજ્ઞી પંચેદ્રિય એ પાંચ પર્યાપ્તા અને પાંચ અપર્યાપ્તા 10 ત્રસ જીવો. પંચમહાવ્રતધારી સાધુ-સાધ્વીજી ભગવંતો 10 સ્થાવરજીવોની અને 10 ત્રસજીવોની એમ વીસ વિસાની પૂરી દયા પાળી શકે છે, પરંતુ શ્રાવકો તેમાં 10 ત્રસની દયા પાળી શકે પણ 10 સ્થાવરની દયા ન પાળી શકે. કેમ ન પાળી શકે તે વિસ્તૃતથી સમજી લઇએ.
10 સ્થાવરની દયામાં 1) પૃથ્વીકાયના જીવો આવ્યા તો શ્રાવકને રહેવા મકાન બાંધવા પડે, તેમાં કૂવા-તળાવ-ડંકી ખોદાવે, બંધાવે, માટી-રેતી, સીમેન્ટ, ચૂનો, ઈંટ આદિ જોઇએ. આ દરેક પૃથ્વીકાયના જીવો છે. પછી રસોઈમાં મીઠું વાપરે તે પૃથ્વીકાયના જીવો છે. સોનું, રૂપું, તાંબુ, પિત્તળ, સ્ટીલ, લોઢું, એલ્યુમિનિયમ આ દરેક ધાતુઓ, હીરા-માણેક, મોતી, રત્ન આદિ પૃથ્વીકાયના જીવો છે. આ જીવોની વિરાધના તેને કરવી જ પડે. 2) અપકાયના જીવો ઃ- શ્રાવકને સ્નાન કરવા, કપડા ધોવા, રાંધવા, પીવા, પાણીની જરૂર પડવાની માટે આ જીવોની વિરાધનાથી પણ તે બચી ન શકે. 3) તેઉકાયના જીવો ઃ શ્રાવકને રાંધવા, સગડી, ગેસના ચૂલા આદિ જોઇએ, દરેક મશીનો ચાલુ કરે તેમાં ઇલેકટ્રીક પાવર વપરાય તેમાં પણ તેઉકાય એટલે અગ્નિકાયની વિરાધના થાય માટે તે જીવોની વિરાધનાથી પણ ન બચી શકે. 4) વાઉકાયના જીવો ઃ પંખા, એ.સી. આદિ વાપરે, પ્લેનમાં બેસે તો વાઉકાયના જીવોની વિરાધના થાય માટે આ જીવોની વિરાધનાથી પણ શ્રાવક બચી ન શકે. 5) વનસ્પતિકાયના જીવો ઃ સંસારમાં રહેલ શ્રાવકને દરેક જાતના ધાન્ય, ફળ, ફૂલ, શાક, આદિ વનસ્પતિના જીવોનું છેદન-ભેદન કરવું પડે, દળવું-પીસવું પડે, વળી શ્રાવકો જે વસ્ત્રાે પહેરે છે તે વનસ્પતિકાય (કપાસ)માંથી જ બને છે. આથી જીવોની વિરાધનાથી શ્રાવક બચી શકતો નથી. હવે શ્રાવકને 10 ત્રસની દયા બાકી રહી, તેમાં ત્રસજીવોનો વધ બે રીતે થાય (1) સંકલ્પ-5 અ આરંભથી-5ઇં10 ત્રસની દયા. તેમાં સંકલ્પથી જે વિરાધના છે તેનાં પાપથી બચી શકે, સંકલ્પથી એટલે ઈરાદાપૂર્વક કોઇ જીવને મારવો, તેને સંકલ્પથી હિંસા કહેવાય. દા.ત. ઃ આ જીવને મારે આજે મારવો છે, તેવો સંકલ્પ (વિચાર) આવે તો હિંસાનું પાપ લાગે પણ આ હિંસાથી શ્રાવક બચી શકે, પરંતુ આરંભથી જ હિંસા છે તેનાથી શ્રાવક બચી શકે નહીં. કારણકે કુટુંબ, પરિવારના નિર્વાહ માટે કર્માદાનના ધંધા તેને કરવા પડે જેમાં ત્રસકાયના જીવોની વિરાધના થાય જ છે, માટે તે દસમાંથી પાંચ બાકી રહી.
જે સંકલ્પની પાંચ વિસાની દયા બાકી રહી તેમાં પણ શ્રાવક 2।। વસા નિરઅપરાધીની દયા પાળી શકે પણ 2।। વસા અપરાધીની દયા ન પાળી શકે. કારણકે શ્રાવક જે બિનગુનેગાર છે તેની હિંસા ન કરવી તેવો નિયમ લઇ શકે. પણ ગુનેગાર અપરાધીની હિંસા ન કરવી તેવો નિયમ શ્રાવકો લઇ શકાતા નથી. દા.ત. ઃ કોઇ માણસે કોઇ શ્રાવકના ઘરે દુકાને કે ઓફીસે ચોરી કરી તો તેના ગુના પ્રમાણે તેને સજા કરે છે, માટે પાંચ વિસામાંથી નિર - અપરાધીની 2।। વિસાદયા બાકી રહી. હવે જે નિર-અપરાધી ની 2।। વિસાની દયા બાકી રહી તેમાંથી સાપેક્ષ નિર-અપરાધીની 1। વસા અને નિરપેક્ષ અપરાધીની 1। વસા એમ 2।। વિસાની દયા બાકી રહી. હવે શ્રાવક નિરપેક્ષ નિરઅપરાધીની એટલે જેમાં કોઇપણ સ્વાર્થ આદિ નિમિત્તે ન હોય તે નિરપેક્ષ હિંસા પાળી શકે. પણ સાપેક્ષ નિરઅપરાધીની હિંસા ન પાળી શકે કારણકે સ્વાર્થાદિ નિમિત્તે હિંસા કરવી પડે. દા.ત. ઃ બળદ, ઘોડા, આદિ બિનગુનેગાર હોય તો પણ તેમને ભાર ઉપાડવા માટે તેમ જ બાળકને ભણાવવા માટે વધ, બંધન વિગેરે કરે. આથી સાપેક્ષ નિરઅપરાધીની હિંસાથી શ્રાવક બચી ન શકે, માટે 1। વિસાની જ દયા રહી. માટે શ્રાવક વીશવિશ્વાની દયામાંથી માત્ર 1। વિસાની જ દયા પાળી શકે.
પહેલે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણવ્રતના પાંચ અતિચાર પ્રથમ વ્રતનું પાલન કરનાર શ્રાવકે ખાસ કરીને પ્રથમ વ્રતના પાંચ અતિચારોને પણ ક્રોધાદિ કષાયોને વશ થઇને કરવા ન જોઇએ. પ્રમાદવશ જો અતિચારોનું સેવન થયું હોય તો તેનું પ્રાયશ્ચિત લઇ શુદ્ધ થવું જોઇએ. વંદિત્તાસૂત્રની 10મી ગાથામાં પહેલા સ્થૂલ પ્રાણાતિપાત વિરમણવ્રતના પાંચ અતિચારોનું પ્રતિક્રમણ કરતાં મિચ્છામિદુIડમ્ આપીએ છીએ તે ક્યાં પાંચ અતિચાર તે આપણે જોઇએ.
|
|
વહ બંધ છવિચ્છેએ, અઇભારે ભત્ત પાણવુચ્છેએ; પઢમ વયસ્સઇઆરે; પડિક્કમે દેસિએં સવ્વં
1) વધ: એટલે રાગ, દ્વેષ કે પ્રમાદથી કોઇપણ નાના કે મોટા જીવના પ્રાણનો નાશ કરવો. લાકડીના પ્રહારથી જીવોને મારવા વગેરે. ખંધકમુનિ - 499 શિષ્યોને ઘાણીમાં પીલાતા જોઇ સમભાવમાં રહી શક્યા પણ નાના બાલમુનિને પીલાતા જોઇ સમભાવમાં ન રહી શક્યા આથી મનમાં દ્વેષ આવતા પાપકર્મ બંધાયું, મંત્ર-તંત્ર આદિ વિધિ વિધાનો કરાવવા તે વધ નામનો પહેલા વ્રતનો પહેલો અતિચાર.
2) બંધ: એટલે ગાય, બળદ, બકરા, ઘોડા પ્રમુખ જીવને સ્વાર્થના કારણે દોરી, દોરડા વિગેરેના ગાઠ બંધે બાંધવા, પાંજરામાં પૂરવા તે બંધ નામનો પહેલા વ્રતનો બીજો અતિચાર.
3) છવિચ્છએ: બળદ પ્રમુખ જીવના અંગ - ઉપાંગાદિનો નિર્દયપણે છરી વિગેરેથી છેદ કરવો. છવિ એટલે ચામડી અને છેદ એટલે કાપવી, ફાડવી વિગેરે. મેતારજ મુનિએ પુર્વભવમાં કોઠાની છાલ ઉતારતા કર્મ બાંધેલ તે કર્મના વિપાક સ્વરૂપે મેતારજમુનિના ભવમાં રાજ સેવકે તેમના શરીરની છાલ ઉતારી તે છવિચ્છએ નામનો પહેલા વ્રતનો ત્રીજો અતિચાર.
4) અતિભાર: બળદ, મજૂર પાસે અતિભાર ઉપડાવવો, જવાબદારી ઉપરાંત નોકરો પાસે મફતમાં વધુ કામો કરાવવા તે અતિભાર નામનો પહેલા વ્રતનો ચોથો અતિચાર.
5) ભાતપાણી વિચ્છેદ: ભોજનપાણી સમયસર ન આપવા, વિલંબ કરવો, જરૂરીયાત કરતાં ઓછું આપવું તે ભાતપાણવુચ્છએ નામનો પહેલા વ્રતનો પાંચમો અતિચાર.
શ્રી ઋષભદેવ પ્રભુએ તેમના પૂર્વના ભવમાં બળદના મોઢે સીંકુ બાંધવાની સલાહ ખેડૂતને આપી. ખેડૂતે સીંકુ બાંધ્યું, પરંતુ કામપૂર્ણ થયા પછી તુરત છોડ્યું નહિ આથી બળદને ખાવ-પીવાનું સમય કરતા મોડું મળ્યું, તે સમયમાં બળદોએ 400 નિસાસા નાખ્યા, અને પ્રભુને એવું અંતરાય કર્મ બંધાયું કે પ્રભુએ દિક્ષા લીધી ત્યારથી અંતરાય કર્મ ઉદયમાં આવ્યું ને પ્રભુને 400 દિવસ સુધી નિર્દોષ આહારપાણી ન મળ્યા.
આ રીતે આપણે શાસ્ત્રાેક્ત રીતે જોઇ ગયા કે કેટલા પ્રકારના જીવ છે, કેટલા પ્રકારે હિંસા થાય છે કેટલા અતિચારો છે વગેરે. પણ આ હિંસાથી કઇ રીતે બચી શકાય છે તે આપણે હવે અમુક દૃષ્ટાંતો દ્વારા અહીં જોઇશુ જેથી આપણને સમજવામાં વધારે સરળતા પડે અને આ કુકર્મો કરતા જીવ અટકી શકે. ક્રોધાદિ કષાયોથી પણ માનસિક, વાચિક અને કાયિક હિંસા ન થાય તે અંગે દ્રષ્ટાંતો :

માનસિક હિંસા પર તંદુલીયો મત્સ્યનું દૃષ્ટાંત : આ તંદુલીયો મત્સ્ય ગર્ભજ જાણવો, તેનું શરીર ચોખાના દાણા જેવડું હોય છે અને તે પ્રથમ સંઘયણ એટલે વ્રજઋષભનારાચય સંઘયણવાળો અને દુષ્ટ મનોવ્યાપારવાળો હોય છે તે ભીમકાય મગરમચ્છના મુખ પાસે આંખની પાપણમાં પેદા થાય છે, હવે આ ભીમકાય મગર પોતાના મુખમાં માછલા પકડે અને તેને ખાવા મોઢું બદાવે ત્યારે તેના દાંતના પોલાણમાંથી નાના - નાના માછલા નીકળી પાછા પાણીમાં ચાલ્યા જતા હોય છે અને બચી જાય છે. ત્યારે મોટા મગરની પાંપણ પર બેઠેલો તે તંદુલીયો મત્સ્ય મનમાં વિચારે કે `આ મોટો મત્સ્યમાં જરાય આવડત જ નથી, તેની જગ્યાએ જો હું હોઉ તો એકપણ માછલાને જવા ન દઉં, બચવા ન દઉં, બધા જ માછલા હોઇઆ કરી જાઉં. જધન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગના શરીરવાળો આ તંદુલીયો મત્સ્ય કાંઇ ખાતો નથી કે કોઇની પણ કાયિક હિંસા કરતો નથી, છતાં પણ માનસિક હિંસાના પરિણામથી સાતમી નરક સુધી જાય છે આ વાત શ્રી ભગવતી સૂત્રમાં વર્ણવી છે.
વાચિક હિંસા એટલે શું? વચન વડે કરીને હિંસાનું પાપ લાગે તેને વાચિક હિંસા કહેવાય. જેમકે આપણે ક્રોધાવશ કે માયાવશ કોઇક જીવને એમ કહીયે કે `મર', `મારીશ' કે `મરતો કેમ નથી?' આવા કટુવાણીના પ્રયોગથી વાચિક હિંસાનું પાપ લાગે છે. મહારાજા કુમારપાળના રાજ્યમાં `અમારી ઘોષણા' થકી પ્રજાજનો આવા શબ્દોનો પ્રયોગ પણ નહોતા કરતા. કેવી શુદ્ધ અહિંસા પાળતા હશે!!
કાયિક હિંસા : પરમાત્માની આજ્ઞા છે કે બત્રીશ અનંતકાય, બાવીશ અભક્ષ્યમાં વાસી, બોળ અથાણું, રાત્રિભોજન આદિનો શ્રાવક - શ્રાવીકાઓએ ત્યાગ કરવો જોઇએ. છતાં જે શ્રાવક - શ્રાવિકાઓ અનંતકાય (કંદમૂળ), કરતાં તેઓ કાયિક હિંસા કરનારા છે તેવુ કહી શકાય કારણ કે કંદમૂળ, વાસી, બોળ અથાણું, ઠંડા પીણા, આઇસક્રીમ, રાત્રિભોજનમાં આદિમાં જીવહિંસાનું પાપ લાગે છે. પાંચ - સાત દિવસની દૂધની મલાઇમાંથી કે દહીંમાંથી ઘી બનાવવું તે પણ કાયિક હિંસા જ છે.
હિંસાના ત્રણ પ્રકારો છે. 1) સ્વરૂપ હિંસા 2) હેતુ હિંસા અને 3) અનુબંધ હિંસા
1) સ્વરૂપ હિંસા: અંતઃકરણમાં દયાના પરિણામ હોય અને બાહ્ય ક્રિયા કરતા જે હિંસા થાય તેને સ્વરૂપ હિંસા કહેવાય. દા.ત. પ્રભુજીને જળનો અભિષેક કરતાં કાચા પાણીના જીવોની વિરાધના થાય છે તેમ જ પુષ્પપૂજા કરતાં પુષ્પોને ચૂંટતા તેને કિલામણા થાય, તેમ જ ધૂપપૂજા, દીપપૂજામાં અગ્નિકાયના જીવોની વિરાધના થાય છે, આ બધી જ સ્વરૂપ હિંસા કહેવાય. ગૃહસ્થો સંસારમાં જે સ્થાવરજીવોની હિંસા કરે છે તે સ્થાવર જીવોની હિંસા કરતાં તેનામાં જો દયાના પરિણામ હોય તો તેને પણ સ્વરૂપ હિંસા કહેવાય.
2) હેતુ હિંસા: જીવન નિર્વાહ માટે ખેતી આદિ પંદર કર્માદાનના ધંધા કરતા જે હિંસા થાય તે હેતુહિંસા કહેવાય.
3) અનુબંધ હિંસા : અંતઃકરણમાં કલુષિત અધ્યવસાયના પરિણામે નિર્દયતાપૂર્વક કરાતી હિંસાને અનુબંધ હિંસા કહેવાય છે. માતાના કહેવાથી રાજા યશોધરે લોટના બનાવેલા કુકડાની હિંસા કરી જેથી તે દુરંત એવા દુઃખની પરંપરા પામ્યા અને બ્રહ્મદત્ત ચક્રવર્તીએ વડગુંદાને બ્રાહ્મણોના નેત્ર સમજી તેને ચોળતો, મસળતો, ફોડી નાખતો હોય તેવી અનુભુતિથી ખૂબ રાજી થયો. આમ સ્વરૂપ હિંસાનો ચોખ્ખો અભાવ હોવા છતાં અનુબંધ હિંસાના અધ્યવસાયે 16 વર્ષ પર્યંત વડગુંદાને બ્રાહ્મણની આંખો સમજી ફોડતો અને રૌદ્રધ્યાનમાં મૃત્યુ પામી સાતમી નરકે ગયો.
ઘાતકનો પણ ઘાત વર્જવો: એકેદ્રિય, બેઇદ્રિય યાવત્ પંચેદ્રિયના ઘાતમાં ન કલ્પી શકાય એટલું પાપ છે. પંચેદ્રિયનો વધ કરનાર નરકે જાય છે. પંચેદ્રિયના શરીરમાં બીજા ઘણા ત્રસ જીવો હોય છે માટે ઘાતકનો પણ ઘાતક વર્જવો. કેટલાક અણસમજુ જીવો કહે છે કે અન્ય પ્રાણીઓની હિંસા કરનાર ઘાતક હિંસક પ્રાણીઓને મારી નાંખવા જોઇએ કારણ કે એક હિંસક પ્રાણીને મારતા બીજા અનેક જીવોને બચાવી શકાય છે. તેમનું રક્ષણ કરી શકાય છે જેમ કે બિલાડીને મારી નાખવામાં આવે તો બીજા ઘણા ઉંદરો અને પારેવાને બચાવી શકાય છે. પરંતુ આવી વિચારસરણી અનુચિત છે, વળી આવી સમજણથી નિર્ધ્વંસ પરિણામ ઉત્પન્ન થાય છે જે ધર્મની ભાવનાનો પણ નાશ કરે છે. આ બધું જાણી જીવે મન-વચન-કાયાથી ચોIસ પીછે હટવું જોઇએ, તેમ જ કોઇપણ હિંસક કાર્ય ન તો કરવું જોઇએ, ન કરાવવું જોઇએ કે ના તો તેવા કોઇ પણ કાર્યની અનુમોદના કરવી જોઇએ ત્રણે માટે એક સમાન જ પાપ બંધાય છે, સ્થૂલ હિંસાથી કઇ રીતે બચાય તે જાણ્યું પણ સૂક્ષ્મ હિંસાથી પણ બચવું જોઇએ જેમ કે..
1) મોઢું ઢાંક્યા વિના બોલવું કે ભણવું ન જોઇએ, જો તેમ ન કરે તો વાયુકાયના જીવોની વિરાધના થાય છે. 2) કોઇના ભવિષ્ય કથન કરવા નહી 3) રાત્રિમાં કે પરોઢમાં ઉંચા સ્વરે બોલવું નહિ કે ભણવું નહિ., હોંકારો અને ખોંખારો પણ કોઇ ન સાંભળે તેમ કરવો. કરવું પડે તો મંદસ્વરે કરવું. જોરથી બોલવાથી કે જોરથી બારી-બારણા બંધ કરતાં ખોલતા હિંસક પશુ ગિરોલી વિગેરે જાગી જાય છે અને હિંસા કરે છે, પડોશી જાગી જાય તો આરંભ-સમારંભ કરે, હિંસાની પ્રવૃત્તિમાં પ્રવર્તે જેથી એ અનર્થમાં નિમિત્ત આપણે બનીએ. અનર્થના આરંભ-સમારંભના પાપોમાં નિમિત્ત આપણે બનીએ.
અહિંસા સંબંધી પરમાર્હત કુમારપાળ મહારાજાનું દૃષ્ટાંત
|