બીજું શિક્ષાવ્રત અને દશમું દેસાવગાસિયવ્રત
પહેલાં ગુણવ્રત અને છઠ્ઠા દિક્પરિમાણ વ્રતમાં આજીવન કે અમુક વરસો સુધી દશે દિશાઓમાં જવા આવવાની મર્યાદા બાંધેલી હોય છે. દા.ત.: આજીવન હું વિદેશનો પ્રવાસ નહિ ખેડું, દસેક વરસ સુધી અઢી હજાર માઇલ સુધી જરૂર પડે જઇશ. આમ પ્રવાસના અંતરની મર્યાદા પહેલા ગુણવ્રતમાં બાંધેલી હોય છે. આ દશામાં દેશાવગાશિક વ્રતમાં અગાઉની બાંધેલી મર્યાદા દિવસ અને રાત માટે ઘટાડવાની હોય છે. દશે દિશાઓમાં જવાના નિયત પરિમાણનો દિવસે અથવા રાત્રે ઉપલક્ષણથી પહોર માટે સંક્ષેપ કરવો તે દેશ અને તેમાં અવકાશ - અવસ્થાન તે દેશાવકાસિક વ્રત કહેવાય.
દિગવ્રત - દિશામર્યાદા બાંધી હોય તેમાંથી અમુક કલાક માટે અમુક અંતર સુધી તે મર્યાદાનો આ દશમાં વ્રતમાં ઘટાડો કરી આરંભ - સમારંભનો ત્યાગ કરવાનો હોય છે. આ વ્રતથી બીજા સર્વ વ્રતોના નિયમોનો પણ પ્રતિદિન સંક્ષેપ કરાય છે. આથી જ પૂર્વે કહેલ `સચિત્તદવ્વ' એ ગાથામાં બતાવેલા 14 નિયમોને શ્રાવક પ્રાતઃકાળે ગ્રહણ કરે છે અને તેનું પચ્ચક્ખાણ કરતાં `દેસાવગાસિયં પચ્ચક્ખામિ' એ પદથી ગુરુ સમક્ષ કબૂલ કરે છે. આ અંગે કહ્યું છે કે `દિશિ પરિમાણ વ્રતનો નિત્ય સંક્ષેપ કરવો તે દેશાવગાશિક અથવા સર્વ વ્રતનો સંક્ષેપ પ્રતિદિન જે વ્રતમાં થાય છે તે દેશાવગાસિક વ્રત જાણવું.'
પહેલા વ્રતનો સંક્ષેપ આ પ્રમાણે સમજવો. `પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ તથા ત્રસજીવો સંબંધી જે આરંભ અને ઉપભોગ તે સર્વનો દશમાં વ્રતમાં યથાશક્તિ ત્યાગ કરવો. સૂતી વખતે તો ખાસ કરીને સર્વ હિંસા તથા મૃષાવાદનો સંક્ષેપ કરવો જોઇએ. વિરતિધર્મની વધુ નજીક જવા માટેનું આ વ્રત છે. દરેક વ્રતનો સંક્ષેપ કરવા પૂર્વક આનંદ કામદેવ આદિ શ્રાવકની જેમ સંવાસાનુમતિની ઉચ્ચ ભૂમિકાએ પહોંચવાનું ધ્યેય રાખવું.
|
|
દેસાવગાસિય વ્રતના પાંચ અતિચારો આણવણે પેસવણે, સદે્ રૂવે અ પૂગ્ગ - લક્ખેવે, દેસાવગાસિઅંમિ, બીએ સિક્ખાવએ નિંદે.
અણવણે - આનયન એટલે મંગાવવું:- નિયત ક્ષેત્રની બહારથી કોઇના દ્વારા કંઇપણ મંગાવવાથી આ વ્રતના આરાધકને આનયન પ્રયોગ નામનો પહેલો અતિચાર લાગે છે. પેસવણે - પ્રેષ્ય એટલે મોકલવું: નિયત કરેલા ક્ષેત્રની બહાર પોતાના કોઇ કામ માટે કોઇ નોકર, મિત્ર, સ્વજન આદિને મોકલવામાં આવે તો તેનાથી પ્રેષ્યપ્રયોગ નામનો બીજો અતિચાર લાગે છે. સદે્ એટલે શબ્દાનુપાત: ખાંસી કે ખોખારો ખાઇને નિયમિત ક્ષેત્રની બહાર રહેલાને પોતાની હાજરીની જાણ કરવી તે શબ્દાનુપાત નામનો ત્રીજો અતિચાર લાગે છે. રૂવે એટલે રૂપાનુપાત: પોતાનું રૂપ દર્શાવે, અર્થાત્ નિસરણી, અટારી, છાપરે કે અગાસી પર ચડી પોતાનું રૂપ બતાવે તે રૂપાનુપાત નામનો ચોથો અતિચાર લાગે છે. પુગગલક્ખેવે એટલે પુદ્ગલ પ્રક્ષેપ: ધારેલા ક્ષેત્રની બહાર કપડું, કાગળ, કાંકરો જેવી કોઇ ચીજ ફેંકીને પોતાનું કાર્ય જણાવવું તે પુદ્ગલ પ્રક્ષેપ નામનો પાંચમો અતિચાર લાગે છે. આ વ્રત નિયત ભૂમિની બહાર ગમનાગમન વડે જીવોનો વધ ન થાય તેવા ખ્યાલથી ગ્રહણ કરાય છે. તે જીવવધ પોતે કર્યો કે બીજા પાસે કરાવ્યો તેનું કાંઇ વિશેષ મહત્વ નથી. ઉલ્ટું પોતે નિયત ક્ષેત્રની બહાર જાય તો તેમાં ઇર્યાયપથિકીની શુદ્ધિ વગેરે ગુણ હોય અને નોકરોને મોકલવાથી તેમનામાં નિપુણપણું ન હોવાથી, નિઃશંકપણું તેમ જ ઇર્યાસમિતિનો અભાવ હોવાથી વિશેષ દોષ રહેલા છે માટે આનયન પ્રયોગ વગેરે અતિચાર લગાડવા ઇચ્છનીય નથી. અહીં પહેલા બે અતિચાર `મારા વ્રતનો ભંગ ન થાઓ' એમ વ્રતને જાળવવાની સાપેક્ષવૃત્તિએ અનાભોગ વગેરેથી પ્રવર્તેલા છે અને છેલ્લા ત્રણ અતિચાર માયાવીપણાથી અતિચારપણાને પામે છે. ગુરુના વચનથી દેશાવગાશિક વ્રતને જે શ્રાવક જાણે છે, તે હિત-અહિતનો વિવેક કરી પુણ્યનું ભાતુ બાંધે છે, પૂર્વે કરેલા ઘણા પાપકર્મો ટૂંકા થાય છે અને કાળક્રમે સિદ્ધિ પામે છે.
|