દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકી આ ચાર ગતિમાંથી ધર્મની આરાધના કરી આત્મકલ્યાણ કરી શકીએ તેવો મનુષ્યભવ જ એક ભવ છે, ઘણો જ દુષ્કર એવો મનુષ્યભવ જ્યારે બહુ જ પુણ્યનો પુંજ ભેગો થાય ત્યારે આત્મા મનુષ્ય દેહ ધારણ કરે છે, તેમાં પણ આર્યદેશ, આર્યકુલ અને જિનેશ્વરદેવની આજ્ઞાને આરાધનાર કુટુંબમાં જન્મ, નવકાર મહામંત્રનું શ્રવણ, પવિત્ર તીર્થોનો સ્પર્શ થવો અને સાથે સાથે જૈન ધર્મમાં રૂચિ થવી તે અતિ દુષ્કર છે. આપણને બધું જ મળ્યું છે ત્યારે આપણે સૌ આપણા રોજિંદા જીવનમાંથી બીનજરૂરી પાપોનો ત્યાગ કરીએ, પુણ્ય પાપને જાણીયે. જો સમજી - વિચારી પાપોનો ત્યાગ ન કર્યો હોય તો તે પાપોની સાથેનો સંબંધ છોડ્યો નથી, તેથી તે પાપો ક્રિયાત્મક રીતે આપણે ન કરવા છતાં તે પાપોનો આશ્રવ ચાલુ જ રહે છે, અર્થાત્ આપણે અનર્થ કર્મો બાંધતા જ રહીએ છીએ અને આત્મા અનર્થ દંડ ભોગવતો રહે છે અને આપણા જન્મ - મરણ રૂપી ફેરા ચાલુ જ રહે છે. આ કર્મ બંધનથી અટકવા અને પૂર્વે કરેલા કર્મોની નિર્જરા કરવા જ્ઞાની ભગવંતોએ પચ્ચક્ખાણ, વ્રત, નિયમરૂપી માર્ગ બતાવ્યો છે. જેથી સહજતાથી નવા કર્મ બંધાય નહિ અને પૂર્વના કર્મોની નિર્જરા થાય. `સમ્યક્ત્વમૂલ બાર વ્રત' આ વ્રતોમાં પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એ રીતે દરેક વ્રતોના આર્થ, દૃષ્ટાંત, વિવેચન સહિત બતાવવાનો પ્રયત્ન કર્યો છે. મુમુક્ષુ જીવોને આ વ્રતો વાંચતા - સમજતા એમ લાગશે કે ખરેખર તીર્થંકર ભગવંતોનો જેટલો ઉપકાર માનીએ તેટલો ઓછો જ છે. તેઓની વાણી અનરાધાર આપણા ઉપર વર્ષી રહી છે. જે સ્થાને તેઓ પહોંચી ગયા છે તે સ્થાને દરેક જીવ પહોંચે એવી અત્યંત કરૂણાના ભાવથી તીર્થંકર ભગવંતો, ગણધર ભગવંતો, જ્ઞાની મુનિ ભગવંતોએ જીવનો મોક્ષ માર્ગ સહજ જ સમજાય તે અર્થે બાર વ્રતોરૂપી સુગમ માર્ગ જીવનો બતાવ્યો છે. આ બાર વ્રતો જેણે સમજાય છે, તે અચૂક કર્મનિર્જરા કરી શકે છે અને નવા કર્મો ન બંધાય તેની પુરેપુરી જાગૃતિ પણ રહે છે. આ નિયમો, પચ્ચકખ્ખાણો સઘળું સમકિત પામવાના અર્થે જ કરવાના છે અને આ વ્રતો જીવને આત્મજ્ઞાન પામવા હેતુ જ બોધ્યા છે. હવે આપણે આવીએ આપણા વિષય ઉપર. `પચ્ચકખાણ' નામનો શબ્દ વારંવાર આપણા સાંભળવામાં આવ્યો છે. એનો મૂળ શબ્દ `પ્રત્યાખ્યાન' છે અને તે અમુક વસ્તુ ભણી ચિત્ત ન કરવું એવો જે નિયમ કરવો તેને બદલે વપરાય છે. પ્રત્યાખ્યાન કરવાનો હેતુ મહા ઉત્તમ સૂક્ષ્મ છે. પ્રત્યાખ્યાન નહિ કરવાથી ગમે તે વસ્તુ ન ખાઓ કે ન ભોગવો તો પણ તેથી સંવરપણું નથી, કારણ કે તત્વરૂપે કરીને ઇચ્છાનું રૂંધન કર્યું નથી. રાત્રે આપણે ભોજન ન કરતા હોઇએ, પરંતુ તેનો જો પ્રત્યાખ્યાનરૂપે નિયમ ન કર્યો હોય તો ફળ ન આપે, કારણ આપણી ઇચ્છા ખૂલ્લી રહી. જેમ ઘરનું બારણું ઉઘાડું હોય અને શ્વાનાદિક જનાવર કે મનુષ્ય ચાલ્યો આવે તેમ ઇચ્છાના દ્વાર ખુલ્લા હોય તો તેમાં કર્મ પ્રવેશ કરે છે. |
એટલે કે એ તરફ આપણા વિચાર છૂટથી જાય છે, તે કર્મબંધનનું કારણ છે, અને જો પ્રત્યાખ્યાન હોય તો પછીએ ભણી દ્રષ્ટિ કરવાની ઇચ્છા થતી નથી. આપણે જાણીએ છીએ કે આપણી પીઠનો મધ્ય ભાગ આપણાથી જોઇ શકાતો નથી, માટે એ તરફ આપણે દ્રષ્ટિ કરતા નથી, તેમ પ્રત્યાખ્યાન કરવાથી અમુક વસ્તુ ખવાય કે ભોગવાય તેમ નથી એટલે એ તરફ આપણું લક્ષ્ય સ્વાભાવિક જતું નથી, એ કર્મ આવવાને આડો કોટ થઇ બડે છે. પ્રત્યાખ્યાન કર્યા પછી વિસ્મૃતિ વગેરે કારણથી કોઇ દોષ આવી જાય તો તેનાં પ્રાયશ્ચિત નિવારણ પણ મહાત્માઓએ કહ્યા છે. પ્રત્યાખ્યાનથી એક બીજો પણ મોટો લાભ છે, તે એ કે અમુક વસ્તુઓમાં જ આપણું લક્ષ્ય રહે છે, બાકી બધી વસ્તુઓનો ત્યાગ થઇ જાય છે, જે જે વસ્તુ ત્યાગ કરી છે તે તે સંબંધી પછી વિશેષ વિચાર, ગ્રહવું, મૂકવું કે એવી કંઇ ઉપાધિ રહેતી નથી. એ વડે મન બહુ બહોળતાને પામી નિયમરૂપી સડકમાં ચાલ્યું જાય છે. અશ્વ જો લગામમાં આવી જાય છે, તો પછી ગમે તેવો પ્રબળ છતાં તેને ધારેલે રસ્તે લઇ જવાય છે, તેમ મન એ નિયમરૂપી લગામમાં આવવાથી પછી ગમે તે શુભ રાહમાં લઇ જવાય છે, અને તેમાં વારંવાર પર્યટન કરાવવાથી તે એકાગ્ર વિચારશીલ અને વિવેકી થાય છે. મનનો આનંદ શરીરને પણ નિરોગી કરે છે. વળી અભક્ષ્ય, અનંતકાય, પરસ્ત્રી આદિક નિયમ કર્યાથી પણ શરીર નિરોગી રહી શકે છે. માદક પદાર્થો મનને અવળે રસ્તે દોરે છે. પણ પ્રત્યાખ્યાનથી મન ત્યાં જતું અટકે છે, એથી તે વિમળ થાય છે. બારવ્રતો અને તેના નિયમો એ એવી ઉત્તમ પ્રતિજ્ઞા છે જે પાળવાથી જીવનો શિવ થાય છે આ વ્રતોની ટુંકમાં સમજ દ્રષ્ટાંતો સહિત આપી છે, વિશેષ તો સદ્ ગુરૂમુખથી અને શાસ્ત્રાવલોકનથી સમજવું. નવકાર મહામંત્રનું સ્મરણ કરી, પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરી આ વ્રતોમાં જેટલા ઉદ્યમી બની શકાય તેટલું બનવું. વિશેષ તો તમારા પુરુષાર્થ ઉપર આધાર રાખે છે. આ પુરુષાર્થનું બળ તીર્થંકર ભગવંતો, ગણધર ભગવંતો, મુનિ ભગવંતો આપણને સૌને આપે અને આપણે પણ એકધારા પ્રયત્નશીલ રહીયે તેવી પ્રાર્થના અને શુભકામના. આ `સમ્યકત્વમૂલ બાર વ્રતમાં' પ્રમાદાદિ, અજ્ઞાનતાને કારણે જાણતા કે અજાણતા, શાસ્ત્ર, ધર્મ કે જિનાજ્ઞા વિરુદ્ધ કંઇપણ લખાયું હોય તો અરિહંત ભગવંતોની સાક્ષીએ સર્વની અંતઃકરણપૂર્વક ક્ષમા માગીએ છીએ. ૐઆજ્ઞાહીનં ક્રિયાહીનં, મંત્ર-હીનં યત્ કૃતમ્ ।
|