જાપ અનેક પ્રકારના છે, પણ જે જાપ કરવામાં પોતાનું સાધ્ય સ્મરણમાં રહે, રોમરોમમાં પોતાનું લક્ષ પરિણમી રહે તે જાપ ઉત્તમ છે. એવો જાપ ૐ અર્હં નમઃ આ જાપ પાંચ અક્ષરનો છે. આ જાપનું રહર્ય આ પ્રમાણે છે. ૐકારમાં પંચ પરમેષ્ઠિ ભગવંતોનો સમાવેશ થાય છે. પાંચે પરમેષ્ઠિ એ આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિની પાંચ ભૂમિકા છે. તે દરેકનો પ્રથમ અક્ષર લઇને ૐ કાર બનેલો છે. અરિહંત, અશરિરી, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ આ પાંચ ભૂમિકા છે. આત્માનું શુદ્ધ પૂર્ણ સ્વરૂપ તે અશરિરી સિદ્ધ પરમાત્મા છે. તેને દેહાતીત પૂર્ણબ્રહ્મ, બ્રહ્મસ્વરૂપ, સિદ્ધ, અજર,અમર, અવિનાશી, ઇત્યાદિ અનેક નામોથી બોલાવાય છે. આની અંદર નિર્વાણ પામેલા મોક્ષે ગયેદા દરેક આત્માનો સમાવેશ થાય છે. અરિહંત એ દેહમાં રહેલ પૂર્ણ સ્વરૂપ પરમાત્માનું નામ છે, અને દેહનો ત્યાગ કરતાં તે સિદ્ધ પરમાત્મા ગણાય છે. આની અંદર દરેક પૂર્ણજ્ઞાની, કેવળજ્ઞાની તીર્થંકર આદિનો સમાવેશ થાય છે. આચાર્યની અંદર પ્રભુ માર્ગના રક્ષક, પોષક, સંદેશ, વાહક, સત્યવસ્તુના પ્રતિપાદક, સમુદાયના માલિક અને પૂર્ણતા મેળવવા પ્રયત્ન કરનારનો સમાવેશ થાય છે. ઉપાધ્યાયની અંદર મૂળ વસ્તૂતત્તવના પ્રતિપાદક, અનેક જીવોને જાગૃતિ આપનાર ઉચ્ચ કોટિના સાધકોનો સમાવેશ થાય છે. મુનિઓની અંદર જેઓને બોધિબીજની પ્રાપ્તિ થઇ છે, તે પછીના સર્વસ્વ ત્યાગી, વૈરાગી સ્વસ્વરૂપમાં રમણતા કરનાર સ્વપર ઉપકારી, સર્વ સાધુ વર્ગનો સમાવેશ થાય છે.

 

આ સર્વના પ્રથમ અક્ષર અ, અ, આ, ઉ, મ્ થી ૐ કાર બનેલો છે. વ્યાકરણના નિયમ પ્રમાણે પાંચે મળી આ થાય છે. અર્હં શબ્દ એ પરમાત્માનું નામ છે. અર્હં એટલે લાયક, વિશ્વમાં જે લાયકમાં લાયક તત્વ છે તે અર્હં છે. વિશ્વના તત્વરૂપ, દેવ, અને મુનિ એનો ગુરુ વર્ગમાં સમાવેશ થાય છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ ચારનો ધર્મમાં સમાવેશ થાય છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ થવાનાં સાધનો તે ધર્મ છે.

omarhamnamah

 આત્માદિ વસ્તુનું જ્ઞાન તે જ્ઞાન છે. તેની દૃઢ શ્રદ્ધા તે દર્શન છે, જ્ઞાન શ્રદ્ધા પ્રમાણે વર્તન કરવું તે ચારિત્ર છે. સર્વ ઇચ્છાઓનો નિરોધ કરવો તે તપ છે. આ ચારને ધર્મ કહેવામાં આવે છે. ઉપરના પાંચ પરમેષ્ઠિ સાથે મેળવતાં નવ થાય છે અને નવના સમુદાયને સિદ્ધચક્ર કહે છે. તે નવનો વાચક શબ્દ અર્હં છે. અર્હં શબ્દ બીજ રૂપ હોવાથી તેમાં સિદ્ધચક્રનો સમાવેશ થાય છે.

  આ દેવ, ગુરૂ અને ધર્મ એ આત્માની ચડતી ભૂમિકાઓનું લક્ષ બરાબર છે. તે ૐ અર્હં નમઃ આ જાપ છે. આ મંત્રનો જાપ નિરંતર અને સતત કરવો જોઇએ, આ જાપ કરવાથી હલકા વિચારો આપણી આગળ આવતા નથી. મન બીજે ભટકી પાપ બાંધતું બંધ થાય છે.
જાપથી આપણી તરફ પવિત્ર પરિમાણુઓ ખેંચાઇ આવે છે. આપણી આજુબાજુનું વાતાવરણ પવિત્ર થાય છે. મન શરિરાદિના પરમાણુઓ પવિત્ર બને છે. સંકલ્પો સિદ્ધ થાય છે. પાપ ઘટે છે. પ્રતિકૂળતાઓ દૂર થાય છે. અનુકૂળતાઓ આવી મળે છે.
પ્રભુ માર્ગમાં આગળ વધવાના અધિકારી થઇએ છીએ. લોકપ્રિય થવાય છે. વ્યવહારની મુંઝવણ ઓછી થાય છે. લાંબા વખતે વચન સિદ્ધિ થાય છે આ સર્વ પરમાત્માના નામસ્મરણથી થાય છે. ટૂંકમાં કહીએ તો આ જાપથી દરેક મનોકામના સિદ્ધ થાય છે. અવધિજ્ઞાન જેવાં ત્રિકાળજ્ઞાન પણ જાપમાંથી પ્રગટે છે. આ જાપ ગુણનો બનેલો છે. કોઇપણ ધર્મને બાધ ન આવે તેવો છે. કેમ કે કોઇપણ ધર્મનું આમાં વિશેષ નામ નથી પણ સામાન્ય નામ છે, કે વિશ્વમાં કોઇપણ લાયકમાં લાયક તત્તવ હોય તેને હું નમસ્કાર કરું છું. એટલે મહાફળદાયક આ જાપ દરેક મનુષ્યોને કરવા યોગ્ય છે. આગળ વધવા ઇચ્છનારને આ જાપ એ પ્રથમ ભૂમિકા છે. આંખો બંધ કરી ભ્રકૂટીની અંદર ઉપયોગ - સુરતા આપી ઊઘાડી આંખે જેમ જોઇએ છીએ તેમ બંધ આંખે અંદર જોવું અને ૐ અર્હં નમઃ આ મંત્રનો જાપ કરવો.