ચોઘડીયા

 

હોરા

ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જે ‘ચોઘડિયાં’ શબ્દથી અપરીચિત હશે. આપણા સમાજમાં દરેક સારા-નરસાં કાર્યનો પ્રારંભ ચોઘડિયું જોઈને કરવામાં આવે છે. હકિકતમાં આપણા પ્રાચીન મુહૂર્ત ગ્રંથોમાં ચોઘડિયાં વિષે કોઈ ઉલ્લેખ નથી. ચોઘડિયા માત્ર યાત્રા-પ્રવાસમાં જ ઉપયોગી થાય છે તેવું માનવામાં આવે છે. પરંતુ સામાન્ય જન સમાજમાં ચોઘડિયાં જોવાની પ્રથા એટલી હદે વ્યાપ્ત છે કે દરેક કાર્યની શરૂઆત કરતા પહેલા તે જોવાનું ચૂકવામાં આવતું નથી. જો શુદ્ધ મુહૂર્ત જોતી વખતે ચોઘડિયાંને અવગણવાની સલાહ આપીએ તો એક જ્યોતિષી તરીકેના આપણા જ્ઞાન પર જ પ્રશ્નાર્થચિહ્ન લાગી જાય!

એક ચોઘડિયું આશરે દોઢ કલાકનું બનેલું હોય છે. દોઢ કલાક એટલે કે ૯૦ મીનીટ. પહેલાના જમાનામાં સમયને ઘડીમાં માપવામાં આવતો હતો. ૧ ઘડી = ૨૪ મીનીટ. દોઢ કલાકમાં આશરે ચાર ઘડી (૯૬ મીનીટ) સમાયેલી હોય. આ ‘ચાર ઘડી’ શબ્દનું અપભ્રંશ થઈને ‘ચોઘડિયાં’ શબ્દ પ્રચલનમાં આવ્યો.

ચોઘડિયાંની ગણતરી સૂર્યોદયથી શરૂ થાય છે. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીના સમયના એકસરખાં આઠ ભાગ કરવામાં આવે છે. જેટલી મીનીટ આવે તેટલી મીનીટનું એક ચોઘડિયું બને છે. તે જ રીતે રાત્રિના ચોઘડિયાં માટે સૂર્યાસ્તથી લઈને સૂર્યોદય સુધીના સમયના આઠ સરખાં ભાગ કરવામાં આવે છે. પ્રત્યેક ચોઘડિયાં પર સૂર્યથી લઈને શનિ સુધીના સાત ગ્રહોનું આધિપત્ય રહેલું છે. જે નીચે મુજબ છે.

| ઉદ્વેગ - સૂર્ય |
| અમૃત – ચન્દ્ર |
| રોગ – મંગળ |
| લાભ – બુધ |
| શુભ – ગુરુ |
| ચલ – શુક્ર |
| કાળ – શનિ |

જે વાર હોય તે દિવસે પ્રથમ ચોઘડિયું જે-તે વારના સ્વામીનું હોય છે. દા.ત. રવિવારે પ્રથમ ચોઘડિયું ઉદ્વેગ, સોમવારે પ્રથમ ચોઘડિયું અમૃત, મંગળવારે પ્રથમ ચોઘડિયું રોગ વગેરે. દ્વિતીય ચોઘડિયું જે વાર હોય તેનાથી છઠ્ઠા વારના સ્વામીનું આવે. એટલે કે રવિવારે દ્વિતીય ચોઘડિયું તેનાથી છઠ્ઠા વાર શુક્રવારનું ચલ આવે. તૃતીય ચોઘડિયું ત્યાર પછીના છઠ્ઠા વાર એટલે કે બુધવારનું લાભ આવે. આ જ રીતે દરેક દિવસો માટે સમજવું. પૃથ્વીથી સૌથી દૂર રહેલા ગ્રહથી શરૂ કરીને સૌથી નજીક રહેલા ગ્રહના ક્રમમાં ચોઘડિયાંનો ક્રમ ગોઠવાય છે. એટલે કે શનિ, ગુરુ, મંગળ, સૂર્ય, શુક્ર, બુધ અને ચન્દ્ર એ ક્રમમાં એક બાદ એક ચોઘડિયાં આવે છે.

divaschogadiya

ratrichodiya

 

અગાઉ કહ્યું તેમ ચોઘડિયાં ફક્ત યાત્રા-પ્રવાસમાં ઉપયોગી મનાય છે. દરેક સારા-નરસાં કાર્યોનો પ્રારંભ કરતા પહેલા ચોઘડિયાંને બદલે હોરા જોવી વધુ સલાહભર્યું છે. આપણા પ્રાચીન ગ્રંથોમાં અનેક જગ્યાએ હોરાનો ઉલ્લેખ આવે છે. હોરા શબ્દ અહોરાત્ર પરથી લેવામાં આવ્યો છે. અહોરાત્ર એટલે કે એક સૂર્યોદયથી બીજા દિવસનાં સૂર્યોદય સુધીનો સમય. અ’હોરા’ત્ર શબ્દમાંથી પહેલા અને છેલ્લાં અક્ષરને દૂર કરીને હોરા શબ્દ મેળવામાં આવ્યો છે. પ્રત્યેક હોરા એક કલાકની બનેલી હોય છે. એક સૂર્યોદયથી બીજા સૂર્યોદય સુધીના સમયને એકસરખાં ૨૪ ભાગમાં વહેંચી નાખવામાં આવે છે. હોરા સ્થાનિક સૂર્યોદય પરથી ગણવામાં આવે છે. સ્થાનિક અખબારમાંથી જે-તે સ્થળના રોજનાં સૂર્યોદય અને સૂર્યાસ્તના સમય મેળવી શકાશે. સૂર્યથી લઈને શનિ સુધીના સાત ગ્રહો હોરા પર આધિપત્ય ધરાવે છે. ચોઘડિયાંની જેમ જ કોઈ પણ દિવસની પ્રથમ હોરા જે-તે દિવસનાં સ્વામીની હોય છે. એટલે કે રવિવારે સૂર્યની, સોમવારે ચન્દ્રની, મંગળવારે મંગળની, બુધવારે બુધની, ગુરુવારે ગુરુની, શુક્રવારે શુક્રની અને શનિવારે શનિની હોરા સૌ પ્રથમ આવે છે. ત્યારબાદ દ્વિતીય હોરા છઠ્ઠા વારના સ્વામીની આવે છે. દા.ત. રવિવાર હોય તો પ્રથમ હોરા સૂર્યની, દ્વિતીય હોરા છઠ્ઠા વારના સ્વામી શુક્રની, તૃતીય હોરા ત્યાર પછીના છઠ્ઠા વારના સ્વામી બુધની વગેરે. દરેક દિવસો માટે આ જ ક્રમ સમજવો. સૂર્યાસ્ત બાદ પ્રથમ હોરા જે-તે વારથી પાંચમાં વારના સ્વામીની આવે છે. દા.ત. રવિવાર હોય તો સૂર્યાસ્ત પછીની પ્રથમ હોરા પાંચમાં વારના સ્વામી ગુરુની આવશે. ત્યારબાદ ગુરુવારથી છઠ્ઠા વારના સ્વામી મંગળની આવશે અને એ જ છઠ્ઠા વારના ક્રમમાં આગળ વધશે. હોરાના અધીપતિ ગ્રહનો ક્રમ પૃથ્વીથી સૌથી દૂર રહેલા ગ્રહથી શરૂ કરીને સૌથી નજીક રહેલા ગ્રહના ક્રમમાં જ રહેશે. એટલે કે શનિ, ગુરુ, મંગળ, સૂર્ય, શુક્ર, બુધ અને ચન્દ્ર. દરેક પંચાંગમાં હોરાનું કોષ્ટક આપવામાં આવેલું હોય છે.

કાર્યનો પ્રકાર જાણીને કઈ હોરામાં કાર્ય કરવું તે નક્કી કરવામાં આવે છે. નીચે મુજબ કઈ હોરામાં કયું કાર્ય કરવું શુભ રહેશે તે જાણી શકાશે.

દિવસની હોરા સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી

divashora

રાત્રિની હોરા સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી

horaratri

સૂર્ય: રાજકીય કાર્ય, સરકારી કામકાજ, રાજકારણી, નેતા, ઉચ્ચ અધિકારી કે સરકારી અમલદારને મળવું કે વાટાઘાટો કરવી, સરકારી નોકરીમાં જોડાવું કે તે માટે અરજી કરવી, કોર્ટ સંબંધિત કાર્ય, ખરીદ-વેંચાણ, સાહસિક કાર્ય, નેતાગીરી સંબંધિત કાર્ય, પિતાને લગતી બાબત, આરોગ્ય સંબંધિત બાબત, ઓપરેશન, રસી મૂકાવવી, આધ્યાત્મિક કાર્ય.

ચન્દ્ર: નોકરીમાં જોડાવું, વડીલોને મળવું, સ્થળ અથવા રહેઠાણ બદલવું, કુંભ સ્થાપન, મુસાફરી, સ્થાવર મિલકત સંબંધિત કાર્ય, વિજાતીય વ્યક્તિને મળવું, પ્રણય, આભૂષણોનું વેંચાણ કે ધારણ કરવા, વસ્ત્રોનું ખરીદ-વેંચાણ, જળ કે પ્રવાહી સંબંધિત કાર્ય, કૂવો ખોદવો, સર્જનાત્મક અને કલાત્મક કાર્યો, કૃષિ, બાગકામ, ખાદ્ય પદાર્થ સંબંધિત કાર્ય, ઘરેલું બાબતો, ગૃહઉપયોગી વસ્તુઓની ખરીદી, માતા સંબંધિત બાબત, સામાજિક જીવન, અંગત જરૂરીયાતો.

મંગળ: જમીન અને કૃષિ સંબંધિત બાબતો, વાહન ખરીદ-વેંચાણ, વિદ્યુત કે અગ્નિ સંબંધિત કાર્ય, મિકેનીકલ કે એન્જીનીયરીંગ કાર્ય, સાહસી કાર્યો, તર્ક, રમત-ગમત, સ્પર્ધા, શારીરિક કસરત, કઠોર શ્રમ, લોન આપવી-લેવી, કોર્ટ કેસ, ભાઈઓ સંબંધિત કાર્ય, ઓપરેશન, મંગળની હોરામાં અગત્યનાં કાર્ય ટાળવા. લડાઈ-ઝઘડાં કરવાથી દૂર રહેવું.

બુધ: વ્યાપાર કે વ્યવસાય સંબંધિત કાર્ય, દલાલી, દવા-દારૂ, વિદ્યાભ્યાસ શરૂ કરવો, શાળા-કોલેજમાં દાખલ થવું કે દાખલા માટે અરજી કરવી, અભ્યાસ કરવો કે શીખવવો, અધ્યાપન, જ્યોતિષ, લેખનકાર્ય, પ્રકાશન, મુદ્રણ, ધર્મ ગ્રંથોનું અધ્યયન, ભાષણ આપવું, આભૂષણો ખરીદ કે ધારણ કરવા, દરેક પ્રકારના હિસાબી કાર્યો, પ્રત્યાયન, કોમ્પ્યુટર સંબંધિત કાર્ય, ટીવી, ટેલીફોન, પોસ્ટ સંબંધિત કાર્ય, માહિતીની આપ-લે, ચર્ચા, માનસિક કાર્યો, સમાજ કલ્યાણની પ્રવૃત્તિ, મામા સંબંધિત બાબત.

ગુરુ: દરેક પ્રકારના કાર્યો માટે અતિ શુભ, લગ્નજીવન શરૂ કરવું, નોકરીમાં જોડાવું, વડીલોને મળવું, નવો અભ્યાસ શરૂ કરવો, શાળા-કોલેજમાં દાખલ થવું, જ્યોતિષ, વેદ અને પવિત્ર ગ્રંથોનું અધ્યયન, પુસ્તક ખરીદવા, કોર્ટ સંબંધિત કાર્ય, નાણાકીય બાબતો, બેન્ક સંબંધિત બાબત, ખાતું ખોલાવવું, સંતાન સંબંધિત કાર્ય, ગર્ભાધાન, દવા ખરીદ-વેંચાણ, સોનું ખરીદવું, ધાર્મિક પ્રવૃત્તિ, ધાર્મિક સ્થળની મુલાકાત, આધ્યાત્મિક પ્રવૃત્તિ, મંદિર નિર્માણ, દીક્ષા.

શુક્ર: પ્રણય અને લગ્ન સંબંધિત કાર્ય, લગ્નની વાતચીત, યુવક અને યુવતીની પ્રથમ મુલાકાત, સગાઈ, વસ્ત્રો, શૃંગારના સાધનો અને આભૂષણોની ખરીદી-વેંચાણ, મનોરંજક પ્રવૃતિઓ, નવું વાહન વાપરવું કે ખરીદવું, નૃત્ય, સંગીત, કલા સંબંધિત કાર્ય, સ્ત્રી સંબંધિત બાબત, લક્ષ્મી પૂજા.

શનિ: મજૂરી સંબંધિત કાર્ય, નોકર સંબંધિત બાબત, તેલ, લોખંડ કે સ્ટીલનો વ્યાપાર, પાયો મૂકવો, ફિક્સ્ડ ડિપોઝીટ મૂકવી, ઘરની સાફ-સફાઈ, જવાબદારીઓની કાળજી લેવી, બિલ ચૂકવવા, યોગ અને ધ્યાન, જૈન દીક્ષા, વૈરાગ્ય, અન્ય કાર્યો માટે અશુભ.

મંગળ અને શનિની હોરામાં કાળજી રાખવી. મંગળની હોરામાં દલીલો, લડાઈ-ઝઘડાં કે કઠોરતાની સંભાવના રહે છે. જો કે તે મહત્વાકાંક્ષા અને જોમ-જુસ્સાથી ભરેલી હોય છે. શનિની હોરા વિલંબ, અવરોધ કે માનસિક દબાણ પેદા કરી શકે છે. દરેક હોરા પોતાના મિત્ર ગ્રહના વારે વધુ શુભ ફળ આપે છે. જ્યારે શત્રુ ગ્રહના વારે ઓછું શુભ ફળ આપે છે.