જિનેશ્વર ભગવાનના શાસનમાં ધ્યાનનું અત્યંત મહત્ત્વ છે. 12 પ્રકારના તપમાં ધ્યાનને ઉત્કૃષ્ટ તપ તરીકે સ્વીકારવામાં આવ્યું છે. ગાઢ કર્મોના ક્ષયમાં, આત્મશુદ્ધિમાં અને વિવિધ લબ્ધિઓ તથા સિદ્ધિઓની પ્રાપ્તિમાં ધ્યાન મહત્ત્વના અંગ રૂપે જૈન દર્શનમાં - જૈન શાસનમાં સ્વીકારેલું જ છે. ભગવાન હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ યોગશાસ્ત્રના ચોથા પ્રકાશમાં જણાવે છે કે.. 

મોક્ષઃ કર્મક્ષયાદેવ સ આાત્મજ્ઞાનતો મતઃ ।
ધ્યાનસાધ્યં મતં તચ્ચ તદ્ ધ્યાનં હિત્માત્મનઃ ।।

મોક્ષ કર્મના ક્ષયથી જ થાય છે, કર્મનો ક્ષય આત્મજ્ઞાનથી થાય છે, આત્મજ્ઞાન ધ્યાનથી થાય છે, માટે ધ્યાન આત્માનું હિત કરનાર છે. ધ્યાતા જે ધ્યેયનું વારંવાર ધ્યાન કરે છે, તે ધ્યેય રૂપે તે પોતાને પણ અનુભવે છે અર્થાત્ ધ્યાનાભ્યાસના પરિણામે ધ્યાતા સ્વયં તે ધ્યેય સ્વરૂપને પામે છે.
ધ્યાતા જો વીતરાગનું ધ્યાન કરે તો વીતરાગી બને છે, સરાગીનું ધ્યાન કરે તો સરાગી બને છે આ નિયમ સર્વ સામાન્ય છે. માટે જ ઉપકારી મહર્ષિઓએ ફરમાવ્યું છે કે કૌતુક માત્રથી પણ અશુભ તત્ત્વોનું ચિંતન અને ધ્યાન ન થઇ જાય તે માટે તેવા પ્રકારનાં અશુભ આલંબનો - નિમિત્તોથી સદા દૂર રહેવું જોઈએ. અંગારાને અડવાથી શરીર દાઝે છે, તેમ અશુભ તત્ત્વોનું ચિંતન કરવાથી મન દાઝે છે -બગડે છે, જીવન બગડે છે અને દેવદુર્લભ માનવ-ભવ હારી જવાય છે.
તાત્પર્ય કે અશુભ તત્ત્વોનાં સંસર્ગ - પરિચય અને આલંબન શુભ ધ્યાનમાં વિઘ્નરૂપ બને છે, તેથી શુભ ધ્યાન માટે અશુભ તત્ત્વોના સંસર્ગનો ત્યાગ કરીને શુભ તત્ત્વોનું આલંબન અનિવાર્ય છે, તો જ શુભ ધ્યાનની સિદ્ધિ શીઘ્ર થાય છે.

 

parammantra

dhyan

શુભ આલંબન માટે આ વિષમ કાળમાં ભવ્યાત્માઓને જિન-બિંબ અને જિનાગમનો સુગમ અવસર સાંપડ્યો છે જેના આલંબનથી મોક્ષ માર્ગની આરાધના થાય છે. જિન મૂર્તિનું માહાત્મ્ય અવર્ણનિય છે.
જિનેશ્વર પરમાત્માનાં સાક્ષાત્ દર્શન - વંદન જેટલો જ આનંદ અને લાભ જિન-મૂર્તિનાં દર્શન - વંદનથી ભક્તાત્માને થાય છે. જેમ પ્રભુના નામ-સ્મરણ દ્વારા મનમાં પ્રભુનું સાનિધ્ય પ્રાપ્ત થાય છે, તેમ તેમનું રૂપ (મૂર્તિ) જોવાથી હૃદયમાં તેમનું પ્રતિબિંબ પડે છે અને તન, મન અને નયનાદિમાં પણ આનંદ તથા ભાવોલ્લાસ પ્રગટે છે.
`નામ' અને `સ્થાપના' દ્વારા પરમાત્માની ભક્તિ ઉપાસના થાય છે તેમાં નામ એ પ્રભુનો મંત્રાત્મક દેહ છે, તેના આલંબનથી `પદસ્થ-ધ્યાન' થાય છે. પ્રભુ પ્રતિમા એ સાક્ષાત્ પરમાત્માતુલ્ય છે, તેના આલંબનથી `રૂપસ્થ-ધ્યાન' થાય છે

 

અને તેના સતત અભ્યાસથી `રૂપાતીત-ધ્યાન' સુધી પહોંચી શકાય છે. મૂર્તિ એ પરમાત્માની સાકાર - મુદ્રા છે. સાકાર વડે નિરાકારનો બોધ થાય છે. નિરાકાર પોતાનો આત્મા છે, તેનો બોધ થવાથી અનાત્મ-તત્ત્વ અર્થાત્ જડ પદાર્થો તરફનું આકર્ષણ ઘટતું જાય છે. તેનું નામ `વૈરાગ્ય' છે અને આત્મ તત્ત્વ તરફનું આકર્ષણ વધતું જાય છે, તેનું નામ `ભક્તિ' છે. વૈરાગ્ય સંસારના પ્રવાહ તરફથી વળતી ચિત્ત-વૃત્તિઓને રોકે છે અને `ભક્તિ' એ કૈવલ્યના પ્રવાહ તરફ ચિત્ત-વૃત્તિને વાળે છે. મૂર્તિના ધ્યાનથી ધ્યાતા ધ્યેયની સાથે એકતાનો અનુભવ કરે છે. `ધ્યાતા' અંતરાત્મા છે. `ધ્યેય' પરમાત્મા છે અને `ધ્યાન' એટલે ચિત્ત-વૃત્તિનો ધ્યેયને વિષે અખંડ પ્રવાહ, મૂર્તિ દ્વારા સધાય છે તેથી જિન મૂર્તિને `પરમ આલંબન' કહ્યું છે. જિન મૂર્તિનાં દર્શન - પૂજન - સ્તવનાદિથી આત્માના જ્ઞાન-દર્શનાદિ ગુણોની પ્રાપ્તિ અને શુદ્ધિ થાય છે. હકીકતમાં પરમાત્માનું ધ્યાન એ પણ એક પ્રકારે પોતાના શુદ્ધાત્માનું જ ધ્યાન છે. આ ધ્યાન સિદ્ધ કરવા માટેનું ઉત્કૃષ્ટ આલંબન પરમાત્મા-મૂર્તિ છે. આ રીતે `ચૈત્ય' `જિન-મૂર્તિ' એ આત્મ વિકાસની સાધનાનું આગવું અંગ હોવાથી તેની ઉપકારકતા અને ઉપયોગિતા અમાપ છે. એવી જ રીતે દેવાધિષ્ઠિત પ્રભાવશાળી જિન-મૂર્તિઓથી પ્રતિષ્ઠિત જિનાલયો અને તીર્થોની પણ આધ્યાત્મિક ક્ષેત્રે ઘણી જ મહત્તા અને ઉપારકતા છે.

namopad