પુરુષાતમરૂપની સ્થાપના - નવકારમંત્રની ધારણા     પરમેષ્ઠી નમસ્કારનું ફળ
 navkar dhyan  pacnhparmesthi
નમસ્કારમંત્રનું ધ્યાન કરવા માટે પ્રથમ ચૌદ રાજલોકરૂપ પુરુષ આકૃતિ કલ્પવી. તે આકૃતિના મુખમાં 'નમો અરિહંતાણં' પદની સ્થાપના કરવી. કપાળમાં 'નમો સિદ્ધાણં' પદની સ્થાપના કરવી. કંઠમાં 'નમો આયરિયાણં' પદની સ્થાપના કરવી. જમણા હાથમાં 'નમો ઉવજ્ઝાયાણં' પદની સ્થાપના કરવી. તેમ જ ડાબા હાથમાં 'નમો લોએ સવ્વસાહૂણં' પદને સ્થાપવું વળી (તેલોક) શરીરના પીઠ ભાગમાં 'એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વેસિં, પઢમં હવઇ મંગલં' એ પ્રકારે ચૂલિકાના ચાર પદોની સ્થાપના કરવી.
એ રીતે સ્થાપના કરીને એ પુરુષ આકૃતિમાં આત્માની પ્રતિષ્ઠા કરવી.
પછી ધ્યાતા આત્માએ નમસ્કાર મંત્રગત ધ્યેય એવા પરમ આત્માઓનું ધ્યાન કરવું. એ ધ્યાન દ્વારા ધ્યાતા અને ધ્યેય એકરૂપ બની જાય અર્થાત્ તે પરમાત્મા જ હું પોતે છું એવી ધ્યાનસ્થ રમણતા આવી જાય તો તે ધ્યાતા સ્વયં સર્વજ્ઞરૂપે લોકોને નમસ્કાર કરવા યોગ્ય બની જાય છે.
પંચમંગલસ્વરૂપ પરમેષ્ઠી નમસ્કાર - એ સર્વ પ્રકારના શોક, સંતાપ, ઉદ્વેગ, આધિ, વ્યાધિ, ઉપાધિ, મહાવ્યાધિ, વેદના, ઘોર દુઃખ, દરિદ્રતા, દીનતા, ક્લેશ, જ્ન્મ, જરા-મરણ તથા ગર્ભાવાસ આદિ દુઃખોથી ભરપુર એવા ભયાનક સંસાર-સાગરથી ઉદ્ધાર કરનાર છે.
સર્વ સમીહિત પદાર્થોની પ્રાપ્તિ માટે તે કલ્પવૃક્ષ અને ચિંતામણીરત્નથી પણ અધિક પ્રભાવશાળી છે. આ લોક, પરલોકનાં સર્વ વાંછિત પૂરનાર છે.
શાસ્ત્રો તો ત્યાં સુધી કહે છે કે - આ નવકારનો તાગ કોઈ પામ્યું નથી કે પામી શકે તેમ પણ નથી, માટે દુષ્કર સંસાર-સાગરને પાર પમાડવામાં તે સદા મોખરે છે.
વિધિપૂર્વક એક લાખ વાર નવકાર-મંત્રનું આરાધન કરનાર આત્મા, નિઃસંદેહ તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરે છે.
નવકારમંત્રના એક અક્ષરનું પણ ભાવપૂર્વક કરવામાં આવેલું આરાધન પચાસ સાગરોપમનાં સંચિત પાપ-કર્મોનો નાશ કરે છે અને નવે પદોનું આરાધન કરવાથી પાંચસો સાગરોપમનાં સંચિત પાપ-કર્મોનો ક્ષય કરે છે. જન્મ-જન્માંતરનાં સંચિત શારીરિક કે માનસિક સર્વ દુઃખો અને તેના કારણભૂત પાપ-ર્ક્મો ત્યાં સુધી જ ટકી શકે છે, જ્યાં સુધી ભાવપૂર્વક મહામંત્રનું સ્મરણ-આરાધન ન થયું હોય.
ખરેખર ! આ નવકાર મંત્ર- એ આ લોક અને પરલોકનાં સર્વ સુખોનું મૂળ છે.