(૧) અરિહંત પદ- જે દેવ, દાનવ અને મનુષ્યોને વિષે વંદન અને પૂજનને યોગ્ય છે.
તીર્થંકર-નામકર્મ રૂપ અરિહંત-પદવીના ઉપભોગપૂર્વક સિદ્ધિને પામનારા છે. સર્વ ગુણોથી પરિપૂર્ણ હોવાથી સર્વોત્તમ છે, સ્તુતિ કરવા યોગ્ય છે અને ભયાનક ભવાટવીમાં પરિભ્રમણ કરવાથી ભયભીત થયેલાં પ્રાણીઓને પરમ-આનંદ સ્વરૂપ મોક્ષ માર્ગને બતાવનારા છે. જે ભવાટવીમાં સાર્થવાહ ભવ-સમુદ્રમાં નિર્યામક બને છે અને છ કાય જીવોના રક્ષક હોવાથી મહાગોપ ના યથાર્થ બિરુદને ધારણ કરનારા છે. જે ઈદ્રિયો, વિષય-કષાય, પરીષહ, વેદના, ઉપસર્ગ, રાગ-દ્વેષ, મોહ અને કર્મ આદિ ભાવ-શત્રુઓને હણનારા છે-જીતનારા છે, સર્વજ્ઞ, સર્વદર્શી અને અચિન્ત્ય શક્તિ-સંપન્ન છે. જેમનું શારીરિક રૂપ-સૌંદર્ય અને બળ-પરાક્રમ સર્વ દેવો અને ઈદ્રોના રૂપ તથા બળથી અનંતગણું છે. જેમની વાણી પથ્થર જેવા હ્રદયને પાણી કરી દે તેવા વિશિષ્ટ પ્રકારના પાંત્રીસ ગુણોથી યુક્ત છે. જેમના પુણ્યદેહમાં વહેતું રુધિર દૂધની ધારા જેવું શ્વેત હોય છે. જેમને જન્મથી ત્રણ જ્ઞાન હોય છે. જેમનું આત્મદળ અનન્ય કોટિનું હોય છે. જેઓ સમગ્ર જગતના જીવોના કલ્યાણ માટે જ ધર્મ-તીર્થની સ્થાપના કરનારા અને પરોપકારમય જીવન જીવનારા હોય છે. જેઓ કૃતજ્ઞતા-ગુણના સ્વામી હોય છે. જગતની કોઈ પણ દૈવી-શક્તિ જેમની તુલનામાં અતિશય સામાન્ય ગણાય છે. જે ત્રણ ભુવનના સ્વામી છે, ગુરુ છે, માતા છે, પિતા છે, બંધુ છે, પ્રિયતમ છે, સર્વ હિતકર અને સુખકર છે, તે જ અરિહંત પરમાત્મા છે.
સઘળી શ્રેષ્ઠ ઉપમાઓ જેમની આગળ વામણી બની જાય છે એવા વિરાટ અરિહંત પરમાત્માના પ્રભાવે જ આ વિશ્વ સૌભાગ્વવંતુ છે, વ્યવસ્થિત છે, નિયમ બદ્ધ છે,
(૨) સિદ્ધ પદ - જેમને અનુપમ, અક્ષય અને અવ્યાબાધ સુખો સિદ્ધ થયાં છે અર્થાત્ જેમનાં સર્વ પ્રયોજનો પરિપૂર્ણ થયાં છે, જેઓ સર્વથા કૃતકૃત્ય છે.
આઠે કર્મના સંપૂર્ણ ક્ષયથી અવિનાશી સિદ્ધિ-પદને પ્રાપ્ત થયેલા છે. જે અનંત જ્ઞાન, દર્શન અને ચારિત્ર્ય આદિ ગુણોથી યુક્ત છે, તેથી જ ભવ્ય જીવોને અતિશય પ્રમોદ ઉત્પન્ન કરનારા છે. જેમનાં સ્મરણ-ચિંતન અને ધ્યાનથી ભવ્ય-જીવોને ગુણ-સમૂહની પ્રાપ્તિ થાય છે.  જે સ્વયં પરમ-મંગળ સ્વરૂપ હોવાથી તેમનું ધ્યાન કરનાર ભવ્યાત્માને પણ મંગળ-સ્વરૂપ બનાવનારા છે. જે અજર-અમર અને અસંગ છે, જન્મ-મરણાદિનાં સર્વ બંધનોથી સર્વથા વિમુક્ત બનેલા છે અને સદાકાળ શાશ્વત, અવ્યાબાધ સુખને અનુભવનારા હોય છે, તે જ સિદ્ધ પરમાત્મા છે.
તેમનું સ્મરણ-મનન અને ધ્યાન ભવ્ય-આત્માને સિદ્ધ સ્વરૂપી બનાવે જ છે.
(૩) આચાર્ય પદ - જેઓ જ્ઞાનાદિ આચારોને અહર્નિશ-પ્રતિપળ આચરનારા છે અને ઉપદેશ-દાનાદિ દ્વારા ભવ્યજીવોને આચાર-પાલન કરાવનારા છે, બીજાના અને પોતાના આત્માનું એકાંતે હિત આચરનારા છે.
 

arihantadipanchapad

જેઓ પ્રાણના ભોગે પણ પૃથ્વીકાયાદિ સમારંભોને ત્રણ કરણ અને ત્રણ યોગ વડે કદી આચરતા નથી.
કોઈ કોપ કરે કે કોઈ પૂજા કરે, તો પણ રાગ-દ્વેષને આધીન ન બનતાં ઉભય તરફ સમતા-ભાવ ધરનારા છે.
સ્વ-પર દર્શનના જ્ઞાતા છે, મર્મજ્ઞ છે.
જેઓ પ્રમાદાદિ દોષોથી વેગળા રહેવામાં સદા ઉપયુક્ત છે.
સદાચારની ગંગાના પ્રવાહને સદા જીવંત રાખનારા છે. સદુપદેશનું જાતે પાલન કરીને, સદુપદેશ આપનારા છે, માટે નિત્ય નમસ્કરણીય છે, પૂજનીય છે, વંદનીય છે, સેવ્ય છે.
(૪) ઉપાધ્યાય પદ - આ પદે બિરાજમાન આત્મા, આસ્ત્રવનાં દ્વારોને સારી રીતે રોકીને મન, વચન અને કાયાના યોગોને આત્માધીન બનાવીને વિધિપૂર્વક સ્વર, અધ્યાપન કરનાર-કરાવનાર અને તેના વડે સ્વ-પરના આત્માને હિતકારી એવા મોક્ષના ઉપાયોનું નિરંતર સેવન કરનારા હોય છે.
જેઓ વિનયગુણના ભંડાર છે, મૂર્ખ યા અલ્પ-બુદ્ધિવાળો શિષ્ય પણ જેમની કૃપાથી સરળતાપૂર્વક વિનયવંત બનીને શ્રુત-જ્ઞાનનો અભ્યાસી બની જાય છે.
સૂત્ર-પ્રદાન દ્વારા ભવ્ય-જીવોના ઉપકારી હોવાથી તેઓ પણ નમસ્કરણીય હોય છે.
(૫) સાધુ-પદ - જેઓ સ્વયં મોક્ષની સાધના કરનારા તેમજ બીજા આત્માઓને પણ ધર્મની સાધનામાં સહાય કરનારા હોય છે.
જેઓ બાહ્ય અને અભ્યાંતર બાર પ્રકારનાં તપનું આચરણ કરનારા, અત્યંત કષ્ટકારી ઉગ્ર તપýાર્યા, અહિંસાદિ વ્રતો, નિયમો અને વિવિધ પ્રકારના અભિગ્રહો કરવાપૂર્વક સંયમનું વિશુદ્ધપણે પાલન કરનારા તેમજ અનેક પ્રકારના પરીષહ અને ઉપસર્ગોને સમતાપૂર્વક સહન કરનારા, જગતના સર્વ જીવોને આત્મૌપમ્ય દૃષ્ટિથી જોનારા અને તદનુરૂપ જીવન જીવનારા સાધુ ભગવંતો યાવત્ સર્વ કર્મોનો ક્ષય કરીને મોક્ષને પ્રાપ્ત કરનાર હોય છે.
પંચ પરમેષ્ઠી ઃ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ-એ દરેકને પરમેષ્ઠી કહેવામાં આવે છે અને તે પાંચને પંચપરમેષ્ઠા તરીકે ઓળખવામાં આવે છે.
અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ-એ દરેકને પરમેષ્ઠી કહેવામાં આવે છે અને તે પાંચને પંચપરમેષ્ઠા તરીકે ઓળખવામાં આવે છે.

 

પરમેષ્ઠી એટલે પરમપદે રહેલા ઉત્તમ આત્માઓ.
આ પંચ પરમેષ્ઠીઓમાં પ્રથમનાં બે પદ દેવ-તત્વ સ્વરૂપ છે અને પછીના ત્રણ પદ ગુરુ-તત્વ સ્વરૂપ છે.
આ પંચ પરમેષ્ઠી-ભગવંતોમાં એકસો આઠ ગુણો રહેલા છે. જેનું સ્મરણ-મનન અને ધ્યાન કરવાથી સર્વ અશુભ-કર્મોનો વિનાશ અને સર્વ પ્રકારનાં શુભનો વિકાસ થાય છે.
 જ્ઞાન, ધ્યાન, યોગ, અધ્યાત્મ અને ધર્મની સર્વ પ્રકારની સાધના-ઉપાસના આ એકસો આઠ ગુણોમાં અંતર્ભૂત થઈ જાય છે. તેથી જ પરમેષ્ઠી-ધ્યાન સ્વરૂપ આ પદ-ધ્યાનમાં ધ્યાનના સર્વ ભેદ-પ્રભેદો સમાઈ જાય છે.
અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ- આ પાંચ પરમેષ્ઠી ભગવંતો- એ નવકારની પાંચ વસ્તુ છે અને તે ગુણમય હોવાથી મૂર્તિમાન ગુણો જેવા છે. ફૂલ અને સુવાસ જેવો અભેદ તેમના જીવન અને ગુણો વચ્ચે છે તેથી જ સમ્યગ્-દર્શન-જ્ઞાન-ચારિત્ર રૂપ રત્નત્રયીની જેમ તે અરિહંતાદિ ભગવંતો ગુણના અર્થી-જીવોને અત્યંત પૂજનીય છે, નમસ્કરણીય છે.
આ પાંચ (વસ્તુ) ને નમસ્કાર કરવા પાછળ મુખ્ય જે પાંચ હેતુઓ રહેલા છે તે નીચે પ્રમાણે છે ઃ-

મગ્ગો અવિપ્પણાસો આયારો વિણયયા સહાયત્તં
પંચવિહ નમુIારં કરેમિ એએહિં હેઉહિં

ભાવાર્થ ઃ- અરિહંત પરમાત્માઓ રત્નત્રય રૂપ મોક્ષ-માર્ગના ઉપદેશદાતા છે અને સ્વયં મોક્ષ-માર્ગના હેતુ છે, તેથી તેઓશ્રી નિત્ય નમસ્કરણીય છે.
આ છે અરિહંત-નમસ્કારનો હેતુ.
સિદ્ધ ભગવંતો મોક્ષ-માર્ગની સાધનાના ફળ રૂપે જે અવિનાશીપણું પ્રાપ્ત કરે તે અવિનાશપણાની પ્રાપ્તિ માટે સિદ્ધ ભગવંતોને નમસ્કાર છે.
આચાર્ય ભગવંતો વિશ્વ-સ્નેહાત્મક આચારનું અણિશુદ્ધપણે પાલન કરવાપૂર્વક તેનો ઉપદેશ આપે છે તે આચારની પ્રાપ્તિનો હેતુ આચાર્ય-નમસ્કારના મૂળમાં રહેલો છે.
ઉપાધ્યાય ભગવંતો વિનય ગુણના ભંડાર છે, સતત સ્વાધ્યાયરત છે તેમજ સૂત્રપાઠાદિ આપનારા છે- આ ગુણોમાં મુખ્ય ગુણ વિનય છે. તેની પ્રાપ્તિના હેતુપૂર્વક ઉપાધ્યાય-નમસ્કાર છે.
() અરિહંત પરમાત્માના  ગુણો, () સિદ્ધ પરમાત્માના  ગુણો, () આચાર્ય ભગવંતનો  ગુણો, () ઉપાધ્યાય ભગવંતનો  ગુણો અને () સાધુ ભગવંતના  ગુણો આમ બધા મળી  ગુણ થાય છે.
સાધુ મહાત્માઓ મોક્ષ-માર્ગની સાધનામાં સહાય કરે છે માટે તેઓ પણ પૂજ્ય છે.
આ રીતે () મોક્ષ માર્ગ, ()અવિનાશીપણું, () આચાર, () વિનય અને () સહાયકતા- એ પાંચ હેતુઓ માટે પંચ પરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર કરવાના છે. તાત્પર્ય કે પંચ પરમેષ્ઠી ભગવંતોના અનુગ્રહથી જ જીવનમાં મોક્ષ-માર્ગ આચાર પાલનતા, વિનય-સંપન્નતા અને પરાર્થકરણ રૂપ સહાયકતા આદિ ગુણો પ્રાપ્ત થાય છે અને તે ગુણોનો ઉત્તરોત્તર વિકાસ થવાથી અનુક્રમે અવિનાશી પદ પ્રાપ્ત થાય છે.