પ્રથમ જેમના જેવા આપણે છીએ, જેમના જેવું આપણે થવું છે તે આત્મપુરુષોનું શરણ ગ્રહણ કરીએ..

ચત્તારિ શરણં પવજ્જામિ;
અરિહંતે શરણં પવજ્જામિ;
સિદ્ધે શરણં પવજ્જામિ;
સાહુ શરણં પવજ્જામિ;
કેવલી પણત્તો ધમ્મો શરણં પવજ્જામિ

"આત્મા છે"

આત્મા છે તે વાત ચોક્કસ છે. હું છું કે કેમ? આ શંકાને જે જાણે છે તે જ આત્મા છે. આત્મા અરૂપી વસ્તુ છે તેથી જેમ આંખો વડે બીજી વસ્તુઓ આપણે જોઇ શકીએ છીએ તેમ આત્મા જોઇ શકાતો નથી. આત્મામાં કોઇપણ જાતનું રૂપ કે આકાર નથી, છતાં આત્મા એક વસ્તુ તો છે જ. આત્મામાં ગુણો છે, તે ગુણો વડે આત્મા 'છે' એમ આપણે જાણી શકીએ છીએ. ઉપયોગ એ આત્માનો મુખ્ય ગુણ છે. ઉપયોગ બે પ્રકારનો છે. એક "જ્ઞાન ઉપયોગ", બીજો "દર્શનઉપયોગ." જ્ઞાન ઉપયોગ વડે આપણે વસ્તુને જાણી શકીએ છીએ અને દર્શન ઉપયોગ વડે પદાર્થને જોઇ શકીએ છીએ. આ જાણવું અને જોવું તે આત્માના ગુણો છે.
આત્માનો અનુભવ થાય છે. આત્મા જ આત્માને જાણે છે. દુનિયાના બીજા કોઇ પદાર્થો આત્માને જાણી શકતા નથી. જે આત્મા આ વિશ્વને જાણી શકે છે તેને જાણનારો કોણ હોઇ શકે? તેને જે જાણે તે આત્મા જ છે. આત્મા હોય તો શરીર હાલી ચાલી શકે, મુખ બોલી શકે, કાન સાંભળી શકે, નાક સૂંઘી શકે, જીભ સ્વાદ લઇ શકે, ટાઢ, તાપ, આદિ શરીર જાણી શકે. મન વિચારી શકે અને સુખ - દુઃખાદિ જાણી શકે. આત્મા ન હોય તો સુખ-દુઃખ જાણી ન શકાય, મન વિચાર ન કરી શકે. મુખ બોલી ન શકે, નાક સુગંધ લઇ ન શકે. જીભ સ્વાદન લે, શરીર હાલી ચાલી ન શકે, કાન સાંભળી ન શકે, આત્મા વિનાનું શરીર મડદું કહેવાય, સચેતન દશા અને લાગણીઓ આત્માની હૈયાતીને જ આભારી છે.
જ્યારે સર્વ વિકલ્પો દૂર થાય છે અને સ્થિર થાય છે ત્યારે જે અનુભવ થાય છે, જે સ્થિતિ હોય છે તે આત્માનો શુદ્ધ સ્વભાવ છે. તે આત્માની સ્વરૂપદશા છે. આ સ્થિતિમાં જેમ વધારે વખત રહેવામાં આવે છે, તેમ તેમ આત્માની મહાન શક્તિઓ પ્રગટ થતી હોય છે, તેની લાયકાતમાં વધારો થતો રહે છે. આત્મા દેહમાં રહેલો છે એ દૃષ્ટિએ આપણે વિચાર કરીએ તો આત્મા દેહ પ્રમાણે છે. આત્મા જ્ઞાનસ્વરૂપે છે એ અપેક્ષા એ વિચાર કરીએ તો વિશ્વવ્યાપક છે. શુદ્ધ સ્વરૂપની અપેક્ષાએ આત્મા લાંબો નથી, ટૂંકો નથી, હલકો નથી, ભારે નથી, કોઇ જાતના તર્ક-વિતર્કથી આત્મા જાણી શકાતો નથી.
ઇંદ્રિયોના વિષયોની ક્રિયા અને મનના વિકલ્પો શાંત થતાં આત્માકારે આત્મઉપયોગે પરિણામતાં આત્મા શુદ્ધ સ્વરૂપે પ્રગટ થાય છે. અનુભવાય છે.

More