• જિનશાસનની
    કીર્તિગાથા

    ચતુર્વિધ સંઘના ચાર સ્તંભોનું વિવરણ કરવામાં આવ્યું છે. અહિં ૨૭-૨૭ મળીને કુલ ૧૦૮ ચરિત્રો સચિત્ર કથાઓ દ્વારા આલેખાયેલા છે. આ વિભૂતિઓનાં ચરિત્રોમાં જોવા મળતા ગુણોની સુવાસ સ્વજીવનમાં પ્રગટાવવાનો પ્રયાસ કરવો.

    ૨૭ શ્રેષ્ઠ શ્રાવીકા-

    શ્રેષ્ઠ શ્રમણ । । શ્રેષ્ઠ શ્રમણી । । શ્રેષ્ઠ શ્રાવક

  • 1

028

textborder1 શ્રેષ્ઠ શ્રાવિકા શ્રી બાલશામાતા textborder2

પાંડિત્ય, વીરત્વ અને ધર્મભાવનાથી શોભતી નગરી ઉજ્જૈનીની નજીક આવેલા એક નાનકડા ગામમાં બાલાશા નામનો ધર્મનિષ્ઠ જુવાન વસતો હતો. આ યુવાનની માતૃભક્તિ ઉદાહરણીય ગણાતી. તે ઘરકામમાં માતાને સાથ આપતો અને ધર્મયાત્રામાં એની સાથે જતો. એક વાર બાલાશા ઉજ્જૈની નગરીમાં ગયો. આ નગરીમાં મોટી-મોટી દુકાનો આવેલી હતી અને તેમાં અનેક ચીજ-વસ્તુઓ વેચાતી હતી. બાલાશાએ વિચાર્ય઼ું કે એની માતા જમીન પર સૂએ છે તે બરાબર નહિ, આથી એણે પલંગ ખરીદ્યો. પલંગ લઈને બાલાશા ઘેર આવ્યો. એણે એની માતાને વાત કરી. બાલાશાની માતા પુત્રની માતૃભક્તિ જોઈને પ્રસન્ન થઈ ગઈ, પરંતુ સાથોસાથે ખડખડાટ હસી પડી. એણે બાલાશાને કહ્યું, `આપણું ઘર નાનું છે. એમાં આટલો મોટો પલંગ કઈ રીતે રહેશે ?' માતાની વાત સાંભળીને બાલાશા પણ વિચારમાં પડયો. બાલાશાની માતાએ કહ્યું કે આ પલંગના ચારે પાયા ખોલી નાખ તો જ એ ઘરમાં જશે. માતાની આજ્ઞા મુજબ બાલાશાએ પલંગ ખોલી નાખ્યો તો પલંગના ચારે પાયામાંથી હીરાનો ઢગલો થયો. બાલાશાને અણધારી રીતે કીમતી હીરાઓ મળ્યા. માતા અને પુત્રએ ધાર્યુ હોત તો ભવ્ય મહેલ જેવું મકાન બાનવીને આનંદ-પ્રમોદથી રહી શક્યા હોત, પરંતુ અઢળક ધનથી જીવનમાં કશો ફેર ન પડયો. અગાઉની જેમ સાદાઈથી જ રહેવા લાગ્યાં. બાલાશાની માતાને શ્રી શત્રુંજય તીર્થની યાત્રા કરવાની અને તીર્થાધિરાજ આદિનાથ પ્રભુનાં દર્શન કરવાની ભાવના જાગી. પાવન ગિરિરાજનાં દર્શન, સ્પર્શન અને પૂજન કરીને સ્વજીવનને ધન્ય બનાવવાનો વિચાર જાગ્યો. એવામાં બાલાશામાતાને જાણ થઈ કે સમરાશા છ'રી પાળતો સંઘ લઈને શ્રી શત્રુંજય તીર્થની યાત્રાએ જઈ રહ્યા છે. છ'રી પાળતાં સંઘમાં જવું એ તો મહાભાગ્ય કહેવાય. માતાએ પુત્રને વાત કરી અને બાલાશા પોતાની માતાને લઈને સમરાશાના સંઘમાં શ્રી શત્રુંજય તીર્થમાં આવી પહોંચ્યો. સવારે સૌથી પહેલાં બંનેએ નવરત્નોથી પ્રભુપૂજા કરી. બીજે દિવસે અઢાર રત્નોની બોલી બોલીને માતા અને પુત્ર ગિરિરાજ પરથી તળેટીમાં આવ્યાં. બીજી બાજુ સંઘપતિ સમરાશા પહેલી પૂજાનો લાભ મેળવી શક્યા નહીં તેથી લાભ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એમણે ઉપવાસ કરવાનો નિયમ લીધો. બીજા દિવસે પણ ઉપવાસ કર્યો. જ્યારે બાલાશા અને એની માતાએ જાણ્યું કે આવો સંઘ કાઢનારા સંઘવી સમરાશા પહેલી પૂજાનો લાભ લેવા માગે છે. વળી એ લાભ ન મળે ત્યાં સુધી એમણે ઉપવાસ કરવાનો નિયમ લીધો છે. સમરાશાના સંઘમાં આવનાર બાલાશા અને એમની માતા વિચારમાં પડયાં. એમણે જોયું કે સમરાશા જેવા ધર્મનિષ્ઠ સંઘવીની ભાવના સિદ્ધ થવી જોઈએ. પહેલી પૂજાનો લાભ એમને મળવો જોઈએ, આથી માતા અને પુત્ર બંને બીજે દિવસે સાંજે સમરાશાને મળવા ગયાં. ત્રીજે દિવસે પહેલી પૂજા કરવા માટે એમણે સમરાશાને છત્રીસ રત્નો આપ્યાં, એટલું જ નહીં પણ બાલાશાની માતાએ પોતાને હાથે સંઘવી સમરાશાને પારણું કરાવ્યું. બાલાશા પાસે હજી અઢળક સમૃદ્ધિ હતી. એમણે શ્રી શત્રુંજય તીર્થ પર ભવ્ય એવી બાલાશાની ટુંક બંધાવી. આ ટુંકમાં શ્રી આદીશ્વર ભગવાનનું ભવ્ય જિનાલય બંધાવ્યું અને આ ટુંક `બાલાભાઈની ટુંક' કે `બાલાવસહી' તરીકે ઓળખાઈ. આ બાલાશાની ટુંકમાં આજે 270 પાષાણબિંબ છે, 458 ધાતુનાં બિંબ છે અને તેર જેટલી દેરીઓ છે. માતાના સંસ્કારો કેવા ઉદારહૃદયી પુત્રો શાસનને ભેટ આપે છે તે બાલાશામાતાના ચરિત્રમાંથી જોવા મળે છે.

textborder

advt03.png