• પાંચ અણુવ્રતમાં..1stvrat-mainpic

  • 1

૧૪૦૦ જેટલા મહાન ગ્રંથરાશિનું મૌલિક સર્જન કરનારા, સાડા ત્રણ ક્રોડ શ્લોકપ્રમાણ સાહિત્યના સર્જક કલિકાલસર્વજ્ઞ
હેમચંદ્રાચાર્યની જેમ અસાધારણ કોટિના સાહિત્યસ્વામી મહર્ષિ શ્રી હરિભદ્રાચાર્યજી

"योगद्रष्टि समुच्चय" ગ્રંથ ૨૨૮ ગાથાનો છે. યોગધર્મની આઠ દ્રષ્ટિઓનું સંસ્કૃત ભાષામાં પદ્યપદ્ધ કાવ્યરૂપે વર્ણન કરેલ છે. "મોક્ષની સાથે જોડે તે યોગ" એવી યોગની વ્યાખ્યા કરીને આઠ દ્રષ્ટિને સમજાવતાં તેમાં ઘણા વિષયો સમજાવ્યા છે. આ જ આઠ દ્રષ્ટિઓનું વર્ણન સમજાવવા માટે ગુજરાતી ભાષામાં કાવ્યરૂપે પૂ. શ્રી યશોવિજયજી મ.સા. એ આઠ દ્રષ્ટિની સજ્ઝાય બનાવે છે. જેનું વિવેચન અહીં પ્રકશીત કર્યું છે.

heading

 "પક્ષપાતો ન મે વીરે, ન દ્વેષઃ કપિલાદિષુ । યુક્તિમદ્વચનં યસ્ય, તસ્ય કાર્યઃ પરિગ્રહઃ ।।"

"વીર પ્રત્યે મને પક્ષપાત નથી અને કપિલ આદિ પ્રત્યે મને દ્વેષ નથી, યુક્તિવાળું જેનું વચન હોય તેનું જ ગ્રહણ કરવા યોગ્ય છે" એવા પ્રકારે નિષ્પક્ષ ન્યાયમૂર્તિ જેમ મધ્યસ્થ તત્ત્વપરીક્ષાની વીરગર્જના કરનારા અને મત-દર્શનના આગ્રહથી પર એવા આ પરમ પ્રામાણિક આચાર્ય આ પ્રાચીન ભારતવર્ષના ભૂષણરૂપ સમર્થ તત્ત્વજ્ઞાનીઓની પ્રથમ પંક્તિમાં બિરાજનારા મહાન જ્યોતિર્ધર થઇ ગયા છે. દિવ્ય યોગદૃષ્ટિથી પરમાર્થમય યોગમાર્ગનું યથાર્થ દર્શન કરાવનાર આ શાસ્ત્રકર્તા મહર્ષિના પવિત્ર ચરિત્ર સંબંધી જાણીયે. આ ભારત ભૂમિમાં મત - દર્શનના આગ્રહથી પર એવા જે ગણ્યાગાંઠ્યા `નિર્પક્ષ વિરલા કોઇ' સાચા સંતપુરુષો થયા છે, તેમાં શ્રી હરિભદ્રાચાર્ય કોઇ અનેરી ભાત પાડનારા વિલક્ષણ સંત તત્ત્વજ્ઞ થઇ ગયા; સર્વ દર્શનનો સાધર્મિક બંધુત્વભાવે સમન્વય કરનારી પરમ ઉદાર નિરાગ્રહ અનેકાંત દ્રષ્ટિને યથાર્થપણે ઝીલનારા મહાપ્રભાવક જ્યોતિર્ધર આર્ષદૃષ્ટા થઇ ગયા. વિક્રમના આઠમા નવમા સૈકામાં થઇ ગયેલા આ `યાકિનીમહત્તરા સૂનુ' તરિકે સુપ્રસિદ્ધ હરિભદ્રસૂરિના જીવન સંબંધી જે અતિ અલ્પ માહિતી શ્રી પ્રભાવકચરિત્ર આદી પરથી આપણને ઉપલબ્ધ થાય છે તે પ્રમાણે તેઓશ્રી ચિત્રકૂટના (ચિત્તોડના) નિવાસી સર્વશાસ્ત્રપારંગત મહાપંડિત બ્રાહ્મણ હતા અને ત્યાંના રાજા જિતારિના સંમાનિત પુરોહિત હતા. તે ચતુર્દશ વિદ્યાસ્થાનોમાં પ્રકર્ષને પામેલા હતા, પણ તેમને પોતાની વિદ્યાનો મદ ચઢ્યો હતો. પોતાને કલિસકલજ્ઞપણે માનતા આ ઘમંડી વિપ્રે દુસ્તર પ્રતિજ્ઞા કરી હતી કે `અત્રે જેનું કહેલું હું ન સમજી શકું, તેનો હું શિષ્ય થઇ જાઉં' આમ દ્વિજશ્રેષ્ઠ હરિભદ્ર પુરોહિત અભિમાની છતાં સરલતાની મૂર્તિ અને સત્યતત્ત્વગવેષક હતા. એક દિવસ તે મહાપંડિત કોઇ ઉપાશ્રય પાસેથી પસાર થતા હતા, ત્યાં એક `યાકિની' મહત્તરા નામના વૃદ્ધ સાધ્વીજીને નીચેની ગાથાનો મધુર સ્વરે પાઠ કરતાં તેણે સાંભળ્યા.

haribhadrasuri2

વાદ વિવાદમાં સામેવાળાની દલીલોને ઝડપથી સમજીને તત્કાળ મહાત કરી દેતા હરિભદ્ર નામના બ્રાહ્મણ, પોતાનો ગર્વિષ્ટ સ્વભાવ છોડી
જૈન સાધ્વીજીને પોતાને શિષ્ય તરીકે સ્વિકારવા વિનંતી કરે છે.


એકવાર ગુસ્સે ભરાયેલો હાથી હરિભદ્ર તરફ દોડી આવ્યો, પગ તળે કચરી નાંખશે એવા ભયથી તેઓ બાજુના દેરાસરમાં ઘૂસી ગયા, પણ અન્યપંથી હોવાથી દેરાસરને અણગમાથી જોવા લાગ્યા, હાથી ચાલ્યા ગયા બાદ પાછા ફરતા ઉપાશ્રયમાંથી યાકીની મહત્તરા નામના જૈન સાધ્વીજી પાઠ કરતા હતા તે શ્લોક તેમના કાને પડ્યો. તે ન સમજાતા તેના શિષ્ય બનવાનું નક્કિ કર્યું, પણ સાધ્વીજી તેમના ગુરૂ જિનભટ્ટ મ.સા. પાસે મોકલ્યા.


केसव दुगं हरिपणगं पणगं चक्कीण केसवो चक्की ।
केसव चक्की केसव दुचक्की केसी य चक्की य ।।

આ ગાથાનો અર્થ બેસાડવા હરિભદ્ર ઘણું મથ્યા, પણ કાંઇ ઘડ બેઠી નહિ એટલે તેમણે પાસે જઇને ઉપાશ્રયમાં સાધ્વી ભગવંતને કહ્યું કે આપની આ ગાથાનો અર્થ સમજાવો કે આ તમે ચિક્ ચિક્ શું કર્યું? ત્યારે સાધ્વી મહત્તરા યાકિનીએ કહ્યું કે નવું લિપેલું ચિક્ ચિક્ થાય. "नवलिप्तं चिकचिकायते।" (અર્થાત્ વ્યંગમાં તું પણ નવો નિશાળીઓ છે, શિખાઉ અણઘડ છે, એટલે આ બધું તને ચિક્ ચિક્ લાગતું હશે, પણ તેમ નથી). આવા માર્મિક ઉત્તરથી ઉપહાસ કરવા ગયેલા હરિભદ્રનો ઉપહાસ થઇ ગયો ને તે ચાટ પડી ગયા. એટલે ચમત્કાર પામેલા સત્યપ્રતિજ્ઞ સરલાત્મા હરિભદ્રે વિનમ્ર બની વિનયથી પૂછ્યું - અહો માતે! તમે જે આ પાઠ કર્યો તેનો અર્થ આપ સમજાવો, હું તે અર્થ સમજતો નથી, મારી પ્રતિજ્ઞા મુજબ હવે હું આપનો શિષ્ય છું, ત્યારે પવિત્ર સાધ્વીજીએ કહ્યું હે ભદ્ર! પુરુષને શિષ્ય કરવાનો અમારો આચાર નથી, પણ ત્હારી જિજ્ઞાસા હોય તો તું અમારા ધર્માચાર્ય પાસે જા. એટલે હરિભદ્ર પુરોહિત જિનભટ્ટાચાર્ય પાસે જઇ તેમને સમસ્ત નિવેદન કરી તેમની પાસે દીક્ષિત થયા. પછી તો જિનદર્શનરૂપ પારસમણિનો સ્પર્શ થતાં, સત્યતત્ત્વપરીક્ષક હરિભદ્રનો આત્મા તેને રંગથી હડોહડ રંગાઇ ગયો. આમ જેના નિમિત્તથી પોતાનો આ જીવનપલટો થયો અને પરમ ધર્મબીજની પ્રાપ્તિરૂપ પરમ ઉપકાર થયો, એવા તે યોગિની `યાકિની' મહત્તરાને પોતાને સદ્ધર્મસંસ્કારરૂપ ધર્મજન્મ આપનારા, સાચો પરમાર્થ `દ્વિજ' બનાવનારા પોતાના ધર્મમાતા માની, કૃતજ્ઞશિરોમણિ હરિભદ્ર પોતાને `યાકિની મહત્તરાસૂનુ' તરીકે ઓળખાવવા લાગ્યા અને પોતાની અમર કૃતિઓમાં પણ તે પુણ્ય સ્મૃતિ તેમણે જાળવી રાખેલી. કુશાગ્રબુદ્ધિના સ્વામી હરિભદ્ર અલ્પ સમયમાં સમસ્ત જિનાગમના પારગામી થયાને તેને યોગ્ય જાણી ગુરુએ સ્વપદે સ્થાપન કર્યા.

તેમના બે ભાણેજ હંસ અને પરમહંસે તેમની સમીપે દીક્ષા લીધી. પ્રમાણ શાસ્ત્રમાં પારંગત આ બે મહાબુદ્ધિમાન શિષ્યો, ગુરુની અનુજ્ઞા નહિ છતા, બૌદ્ધ પ્રમાણ શાસ્ત્રાેના અભ્યાસાર્થે ગુપ્ત વેષે બૌદ્ધ નગરે ગયા. ત્યાં પાછળથી ખબર પડી જતાં બૌદ્ધોએ હંસને હણી નાંખ્યો પણ પરમહંસ નાસી છૂટી માંડ ગુરુ પાસે પહોંચ્યો અને હકીકત નિવેદન કરતાં તે પણ હૃદ્વિભેદથી મરણ પામ્યો. એટલે આવા બે ઉત્તમ શિષ્ય રત્નોના વિરહથી શોકનિમગ્ન થયેલા હરિભદ્રસૂરિને ક્ષણિક ાવેશરૂપ કોપ વ્યાપે છે; પણ તેમના ગુરુએ પાઠવેલી "गुणसेण अग्गिसम्मा" ઇ. ત્રણ ગાથાથી તેનું તક્ષણ શમન થાય છે અને તેમને પોતાના ક્ષણિક આવેશરૂપ કોપનો પારાવાર પશ્ચાત્તાપ થાય છે અને પ્રાયýિાત યાચે છે પછી શિષ્યસંતતિનો વિરહ જેને વેદાતો હતો અને આવા દુઃખમય સંસારસ્વરૂપ પ્રત્યે તીવ્ર વૈરાગ્યથી જે `ભવવિરહ' ગવેષતા હતા, એવા આ ભાવિતાત્મા મહામુમુક્ષુ તીવ્ર સંવેગરંગી શ્રી હરિભદ્રાચાર્ય `શાસ્ત્રસંતતિ'ના સર્જનાર્થે અનુપમ અતુલ પરમ આશ્ચર્યકારી પુરુષાર્થથી પ્રવૃત્ત થયા. ગુરુએ ત્રણ બીજભૂત ગાથા મોકલી હતી તે પરથી તેમણે વિસ્તારથી સંવેગરંગતરંગિણી સમી `સમરાઇચ્ચકહા' (સમરાદિત્ય કથા) રચી, અને તદુપરાંત માત્ર માનસિક કોપવેશના પ્રાયýિાત અર્થે આ પરમ ભવભીરુ મુમુક્ષુ મહાત્માએ 1400 પ્રકરણ ગ્રંથોનું અનન્ય સર્જન કર્યું! પોતાને વેદાયેલો સત્શિષ્યવિરહ, અને પોતે ઝંખેલો ભવવિરહ તેમણે પોતાની `ચિરંજીવ' શાસ્ત્રસંતતિમાં `વિરહ' અંકથી અમર કરેલો દ્રશ્ય થાય છે.

આવા આ સાધુચરિત સંતના અક્ષર-દેહમાં એમનો અક્ષર આત્મા અક્ષરપણે અમર રહ્યો છે. ચૌદસો (1400) ગ્રંથ જેટલા મહાન્ ગ્રંથરાશિનું મૌલિક સર્જન કરનારા આ `યાકિનીમહત્તરાસૂનુ' હરિભદ્રસૂરિ, સાડા ત્રણ ક્રોડ શ્લોકપ્રમાણ સાહિત્યના સર્જક કલિકાલ-સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની જેમ, અસાધારણ કોટિના સાહિત્યસ્વામી થઇ ગયા. એમની એક એકથી સરસ એવી અમરકૃતિઓમાં ગૂંજતો એમનો દિવ્ય ધ્વનિ એટલી બધી અમૃત-માધુરથી ભર્યો છે કે તેનું પાન કરતાં તૃપ્તિ થતી નથી. શાંતસુધારસ-જલનિધિ એવો આ હરિભદ્રસૂરિનો દિવ્ય નાદ અખૂટ રસવાળો અક્ષયનિધિ છે; આ દિવ્ય ધ્વનિ આ આર્ષ દૃષ્ટાના અંતરાત્માનો નાદ છે, એમાં પદે પદે નિર્ઝરતી પરા શ્રુતભક્તિ એમના પર ભક્ત હૃદયનું પ્રતિબિંબ પાડનારૂં દર્પણ છે. ઉત્તમ કલામય રીતે સુંદર શબ્દચિત્રમાં ગુંથેલ એકેક ગ્રંથ આ મહાનિર્ગ્રંથ મુનીશ્વરનું અદ્ભુત ગ્રંથ નિર્માણકૌશલ્ય દાખવે છે. વળી એમનો આશય તો એટલો બધો પરમાર્થગંભીર છે કે સાગરની જેમ તેનું માપ કાઢવું કે તાગ લેવો તે અશક્ય વસ્તુ છે. તેમના એકેક વચન પાછળ અગાધ શાસ્ત્રજ્ઞાન અને અનન્ય તત્ત્વચિંતવન ઉપરાંત ઉત્તમ આત્માનુભવનું સમર્થ પીઠબળ રહ્યું છે.