• 1

મહર્ષિ શ્રી હરિભદ્રાચાર્ય રચિત "યોગદ્રષ્ટિ સમુચ્ચય" ગ્રંથ પર આધારિત
મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી દ્વારા રચિત
"આઠદ્રષ્ટિની સજ્ઝાય"
સચિત્ર દ્રષ્ટાંત સહિત વિવેચન

योगः कल्पतरुः श्रेष्ठ; योगश्चिन्तामणि परः । योगः प्रधानं धर्मांणां, योगः सिद्धेः स्वयंग्रहः ।।
શ્રી હરિભદ્રસૂરિજી કૃત યોગબિન્દુ.
યોગ કલ્પતરુ શ્રેષ્ઠ છે, ચિન્તામણિ પર યોગ; યોગ પ્રધાન જ ધર્મમાં, સિદ્ધિ સ્વયંવર યોગ.
મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સા.

નૂતન વર્ષાભિનંદન.

અનંતલબ્ધિનિધાન ગુરૂ શ્રી ગૌતમસ્વામી ભગવાનના કેવળજ્ઞાનના આજના આ મંગળ દિનને સર્વ સાધર્મિક જીવો વર્ષનો પ્રથમ દીવસ એટલે કે `બેસતું વર્ષ' તરીકે ઊજવે છે અને આ આ દિવસો દરમ્યાન જીવોમાં એક અપૂર્વ એવો આનંદ છવાઈ રહેતો હોય છે. ગણધર ભગવંત શ્રી ગૌતમસ્વામીના જીવન પ્રસંગ પરથી અલૌકિક એવા આત્મસ્વાતંત્ર્યનું સહજ સ્મરણ થાય છે અને વિચાર સ્ફુરે છે કે આ આત્મા અનાદિ અવિદ્યારૂપ પરશાસનના મહાભાર તળે દબાઇ ગયો છે, પરભાવરૂપ કર્મની જંજીરોથી જકડાઇ ગયો છે અને તેથી પારતંત્ર્યનું મહાદુઃખ અનુભવી રહ્યો છે. આ પરવશતા દુઃખના મૂળરૂપ અવિદ્યા-મોહના પરશાસનને ફગાવી દઇ, સુખધામરૂપ નિજવશ સ્વશાસનનો - આત્મરાજ્યનો અપૂર્વ અવસર જીવને કેમ પ્રાપ્ત થાય? કર્મપરતંત્રતાની શૃંખલામાંથી મુક્ત થઇ આ આત્મ પુરુષ મુક્તત્વનો અનન્ય ઉલ્લાસ ક્યારે અનુભવે? પૂર્ણ આત્મસ્વાતંત્ર્યનો પરમધન્ય મહોત્સવ જીવને શી રીતે પ્રાપ્ત થાય?

"સઘળું પરવશ તે દુઃખલક્ષણ, નિજવશ તે સુખ લહિયે;
એ દૃષ્ટે આતમ ગુણ પ્રગટે, કહો સુખ તે કુણ કહિયે?'' શ્રી યશોવિજયજી

"તુજ મુજ અંતર અંતર ભાંજશે, વાજશે મંગલ તૂર; જીવ સરોવર અતિશય વાધશે, આનંદઘન રસપૂર..'' શ્રી આનંદઘનજી

"આતમ ઘર આતમ રમે રે, નિજ ઘર મંગલ થાય રે.'’ - શ્રી દેવચંદ્રજી

"આતમ ઘર આતમ રમે' ને `નિજ ઘર મંગલમાલ' ક્યારે પ્રગટે? "આનંદઘન રસપૂર" થી આ જીવ-સરોવર છલકાઇ જઇ `વાજશે મંગલ તૂર' ક્યારે થાય?

આ સમસ્ત પ્રશ્નોના ઉત્તર એક યોગમાં જ રહ્યો છે, કર્મપારતંત્ર્યમાંથી મુક્ત કરી આત્મસ્વાંત્ર્યની અનુપમ સિદ્ધિ કરાવનાર, જીવને `શિવ' બનાવનાર, આત્માનું મૂળ શુદ્ધ તે આત્મપદ- પરમાત્મપદ પમાડનાર જો કોઇ હોય તો તે યોગ જ છે અને આ આત્મસ્વભાવ યુંજનરૂપ યોગના સદુપાયનો સકલ અવિકલ વિધિ સાંગોપાંગપણે જે પ્રદર્શિત કરે તે યોગશાસ્ત્ર છે. તેમાં પણ અનેક યોગશાસ્ત્રાેના નવનીતરૂપ આ યોગદૃષ્ટિસમુચ્ચય શાસ્ત્રનું સ્થાન અનુપમ છે; અનેક નવીન અને મૌલિક વિચારધારાઓ રજૂ કરી અપૂર્વ `યોગદૃષ્ટિ' રૂપ દિવ્ય નયનના ઉન્મીલનરૂપ નિર્મલ બોધ પ્રકાશ રેલાવનાર આ ગ્રંથરત્નનું સ્થાન અનન્ય છે. સાગરનું મથન કરી વિબુધોએ (દેવોએ) અમૃત વલોવ્યું હતું, તેમ શાસ્ત્રસમુદ્રનું મંથન કરી મહાવિબુધ (પ્રાજ્ઞ) મહર્ષિ હરિભદ્રાચાર્યજીએ આ યોગામૃત વલોવ્યું છે, જેનું યથાપાત્ર યથેચ્છ પાન કરી આત્માર્થી મુમુક્ષુ `જોગીજનો' અમૃતત્ત્વને પામે છે. આ નિર્વાણરૂપ અમૃતત્ત્વ પામવું અને પમાડવું એ જ આ યોગપથ પ્રદર્શક ગ્રંથનું પ્રયોજન છે. મહર્ષિ હરિભદ્રાચાર્યજીએ અહીં માન-પૂજા-કીર્તિ આદિ તુચ્છ કામનાથી રહિત એવા શુદ્ધ આશયથી કેવળ એક આત્માર્થે જ આ સત્ત્વહિતાર્થ પરમાર્થ પ્રવૃત્તિ કરી છે, જે પરંપરાએ નિર્વાણનું અવંધ્ય બીજ છે, મોક્ષનું અમોઘ કારણ છે. માત્ર આત્માર્થે અને પરમાર્થે જે મુમુક્ષુ શ્રોતાજન આ શાસ્ત્રનું પરિશીલન કરશે, તે પણ યથોચિતપણે અત્રે યોગમાં જ પ્રવૃત્તિ કરશે - તે જીવો પણ નિર્વાણના અવંધ્ય બીજરૂપ થઇ પડશે; કારણ કે આ યોગદૃષ્ટિ આત્માના આધ્યાત્મિક વિકાસનું માપ છે, આત્મદશામાપક `થર્મોમીટર' છે.

ક્ષીરમાંથી નવનીતની સમાન, અનેક યોગશાસ્ત્રાેમાંથી ઉદ્ધરીને સર્વ યોગશાસ્ત્રાેના સારરૂપ, આઠ દૃષ્ટિના ભેદથી, પ્રધાન યોગરૂપ, `યોગદૃષ્ટિ સમુચ્ચય' ગ્રંથ શ્રી હરિભદ્રાચાર્યે સંસ્કૃતમાં રચ્યો છે, તેના આધારે મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સા. એ ગુજરાતીમાં આઠ દૃષ્ટિની સજ્ઝાય લખી છે. મિત્રા, તારા, બલા, દિપ્રા, સ્થિરા, કાંતા, પ્રભા અને પરા આ આઠે દૃષ્ટિ સંકલનાબદ્ધ છે, જ્ઞાન અને વર્તનમાં ઉન્નતિ કરતાં બોધબળની વૃદ્ધિ, દોષોનો હ્રાસ, ગુણોનો વિકાસ આદિ અનુક્રમે પ્રાપ્ત થાય છે. આ આઠ દૃષ્ટિ મોક્ષને અર્થે ઉપદેશી છે. આ વિષયને અહીં દૃષ્ટાંત કથા દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, દરેક દૃષ્ટાંતમાં કયા યોગના અંગની પ્રાપ્તિ થઇ, કયા દોષનો ત્યાગ થયો અને કયા ગુણની પ્રાપ્તિ થઈ તે યથાયોગ્ય સમજવા પ્રયત્ન કરવો. બાકી બધું કેવળીગમ્ય છે. ખૂબ જ ગંભીર, ગહન અને ગૂઢાર્થ ભરેલો આ વિષય છે જે 12 પાનામાં સમાવી ના શકાય, પણ પોતાને સમ્યગ્દૃષ્ટિ જ્ઞાની કે વિરતિ આદિ ગુણસ્થાનેકે માનતા મુમુક્ષુજનોને આ દૃષ્ટિ લક્ષપૂર્વક અવગાહવા યોગ્ય છે. પ્રથમની ચાર દ્રષ્ટિ કે જેમાં સમકિત (આત્મજ્ઞાન)ની યોગ્યતા પ્રાપ્ત થાય છે, તેમાં કહેલા ગુણો પણ પોતાનામાં પ્રગટ્યા છે કે કેમ? તે તપાસતાં, પોતાની મિથ્યા માન્યતાનો મદ ગળી જઇ, સાચા ગુણ પ્રાપ્ત કરવા વિશેષ પુરુષાર્થ જાગે તેમ છે. મુમુક્ષુજનોને સાચી યોગ્યતા પ્રગટાવી સમ્યક્દર્શન આદિ આત્મિક ગુણોથી વિભૂષિત બનાવી, ઉત્તરોત્તર ચઢતી દશા સન્મુખ કરી, પ્રાંતે પોતાને અનંત સુખમય સંપૂર્ણ સમાધિજન્ય શુદ્ધ સહજ આત્મસ્વરૂપ, પરમાત્મસ્વરૂપના અનંત અતીંદ્રિય આનંદમંદિરમાં, શાશ્વત શાંતિના ધામમાં અત્યંત વિરાજમાન કરવા, અદ્ભુત પ્રેરણા મળે, સતત પુરુષાર્થ જાગે, તે માટે આ દૃષ્ટિનું અવગાહન અત્યંત ઉપકારી થાય તેમ છે. જિનાજ્ઞા વિરુદ્ધ કંઇ પણ લખાયું હોય તો મિચ્છા મિ દુક્કડમ્.

પહેલી મિત્રા દ્રષ્ટિ ►