• આઠ દ્રષ્ટિમાં..1stvrat-mainpic

  • 1
"प्राणायामवती दीप्रा, न योगोत्थानवत्यलम् । तत्वश्रवणसंयुक्ता, सुक्ष्मबोधविवर्जिता ।।57।। योगद्रष्टि समुच्चय"
"દીપ્રા નામની ચોથી યોગદ્રષ્ટિ છે, એટલે આગળ કહેલા અનુક્રમે યોગનું ચોથું અંગ - ભાવપ્રાણાયામ અહીં હોય છે,
ઉત્થાન નામના ચોથા આશયદોષનો પરિત્યાગ થાય છે, અને શ્રવણ નામનો ચોથો ગુણ પ્રગટે છે, પરંતુ દર્શન તો હજું પણ સૂક્ષ્મ બોધ વિનાનું હોયછે,
તેને દીપકના પ્રકાશની ઉપમા ઘટે છે, કારણ કે પ્રકાશ તેલ અને વાટના અવલંબનને આધારે છે.

યોગદૃષ્ટિ ચોથી કહીજી, દીપ્રા તિહાં ન ઉત્થાન;
પ્રાણાયામ તે ભાવથીજી, દીપપ્રભાસમ જ્ઞાન. મનમોહન જિનજી, મીઠી તાહરી વાણ. 1

ચોથી દૃષ્ટિ સમકિતની લગભગ પાસે છે. સદ્ગુરુના બોધની પ્રમાણતા થઈ છે, આજ્ઞાંકિત થયો છે, પણ અંતરંગ કારણ પૂર્વનાં બાંધેલાં કર્મ દૂર થયાં નથી. ત્રીજી દૃષ્ટિ કરતાં બોધનું બળ વધ્યું છે, તેથી પોતાને દૃઢ કરે અને બીજાને પણ કહી શકે તેવો થયો છે. આ દૃષ્ટિનું નામ દીપ્રા છે. બોધનું બળ વધ્યું છે તો પણ દીવાના પ્રકાશમાં જેમ સ્પષ્ટ દેખાય છતાં દોરીમાં સાપની ભ્રાંતિ પણ થાય, તેમ આ દૃષ્ટિમાં બોધ સ્પષ્ટ થાય છતાં અંતરનું મિથ્યાત્વ ખસ્યું નથી, પુદ્ગલમાં સુખની ભ્રાંતિ છે તે સર્વથા દૂર થતી નથી.

દૃષ્ટાંત: મરીચિ ત્રિદંડી (ભગવાન મહાવીરનો ત્રીજો ભવ - ભગવાન ઋષભદેવના પૌત્ર)

દેવલોકમાંથી ચ્યવી ભરતક્ષેત્રમાં ભરત ચક્રવર્તીના તે મરીચિ નામે પુત્ર થયા. તેણે ભગવાન ઋષભદેવ (દાદા) પાસે દીક્ષા ગ્રહણ કરી હતી. તે કાળે તે અગિયાર અંગોના જ્ઞાતા થયા. સમય પસાર થતાં એક વાર ગ્રીષ્મ ઋતુના તાપથી પીડિત થઇ તેમના પરિણામ શિથિલ થતા ગયા. તેમણે વિચાર કર્યો કે આ સંયમ તો ઘણો આકરો છે, તે પાળવાને હું શક્તિમાન નથી. સંયમનો ત્યાગ કરી સંસારમાં જવું તે પણ શોભે તેવું નથી, તેમ વિચારી તેમણે સ્વયં એક નવીન જાતનો વેષ રચ્યો. તેમાં તેમણે પોતાની શિથિલતાને તેના બોધના બળને લક્ષમાં રાખીને રચના કરી. તેમણે વિચાર્યું કે મારા ગુરુભાઇઓ - અન્ય સાધુજનો મન, વચન, કાયાના દંડથી (યોગ) અનાસક્ત છે. હું તો તેમ કરી શકતો નથી માટે કપાળમાં ત્રિદંડનું ચિહ્ન કરવું તથા તેઓ દ્રવ્ય અને ભાવથી મુંડિત - સંયમી છે. હું એમ કરી શકતો નથી માટે મસ્તક પર ચોટલી રાખીશ. વળી હું તેમના જેવાં અહિંસાદિ પાળી શકતો નથી. તેથી વિલેપન, સ્નાન, છત્ર, પાવડી વગેરેનો ઉપયોગ કરીશ. મેં મોહને જીત્યો નથી, કષાયયુક્ત છું તેથી ભગવા વસ્ત્ર ધારણ કરીશ. આવો વેશ ધારણ કરી તે ભગવાન સાથે વિહરવા લાગ્યા. પોતે જેને ઉપદેશ આપતા તેને કહેતા કે સાચો ધર્મ ભગવાન પાસે છે, અને દીક્ષા પણ તેમની પાસે અપાવતા. ભગવાન ઋષભદેવ દીક્ષાગ્રહણ કર્યા પછી મૌન રહ્યા હતા. પ્રભુ કેવળજ્ઞાન પામ્યા પછી મુનિઓ સાથે અયોધ્યામાં પધાર્યા હતા. દીપ્રા દૃષ્ટિ આવે ત્યાં ઉત્થાન નામનો દોષ દૂર થાય છે. તેથી મન બીજે જતું નથી. એકાગ્રતા વધતી જાય. અહીં ભાવ પ્રાણાયામ હોય છે અને બોધ દીવાના પ્રકાશ જેવો હોય છે. દીવો જેમ સ્વપર પ્રકાશક છે, તેમ આ દૃષ્ટિવાળો પોતે સમજે તથા અન્યને પણ સમજાવી શકે એવું બોધનું બળ હોય છે.

મરીચિનું મન બીજે જતું નથી, દાદા આદીશ્વરમાં જ તેનું મન ચોટેલું હોય છે, જે કોઇ તેમની પાસે આવે તો મરીચિ બોધ આપે કે સાચા તો ભગવાન છે, હું સાચો નથી છતાં પણ મિથ્યાત્વ જતું નથી, (હજી દેહપરનું મમત્વ એવું જ છે, ભેદજ્ઞાનના અભાવે પોતે પોતાને બોધ નથી આપતા પણ બીજાને માર્ગ બતાવે છે! પોતે ગ્રંથી ભેદ કરતા નથી. બીજાને સમજાવી શકાય પણ પોતાના મનને સમજાવી ન શકાય. તેથી તેમનો દેહ પ્રત્યે મોહ ઘટતો નથી અને સ્વચ્છંદને કારણે મોહ બમણો થતો જાય છે, પુદ્ગલમાં સુખ છે એવી ભ્રાંતિ ઊભી જ છે.) વણથંભ્યો સમય વહ્યો જાય છે, ભગવાન તો મોક્ષે સિધાવ્યા હતા. મરીચિ ભવ્યજીવોને પ્રતિબોધ પમાડી ભગવાનના સાધુઓની પાસે મોકલી આપતા. હજી તેણે એક પણ શિષ્યને પોતાની પાસે રાખ્યો નથી. એક વાર તે સખત બીમાર પડી ગયા, પણ તે અસંયમી હોવાથી તેની સેવાચાકરી કોઇ કરતું નહિ, તેથી તે દુઃખી થયા છતાં સાચી વાતનો સ્વીકાર કરતા કે સંયમી સાધુઓ મારી અસંયમીની સેવા કેવી રીતે કરે? માટે હવે હું જ એક શિષ્ય કરીને રાખીશ, જેથી આવા સમયે કામ આવે. એક દિવસ કપિલ નામે રાજપુત્ર તેનો ઉપદેશ સાંભળી પ્રતિબોધ પામ્યો. નિયમ મુજબ મરીચિએ તેને સાધુઓ પાસે જવા કહ્યું, પણ કપિલનું ભાવિ કંઇ જુદું નિર્માણ થયું હતું, તેણે સાચા મુનિમાર્ગના કષ્ટો પ્રત્યે પોતાની નબળાઇને કારણે કહ્યું કે હું તમારી પાસે રહીશ. પ્રથમ તો મરીચિએ સમજાવ્યો કે હું મુનિધર્મ પાળવાને અશક્ત છું. સાચો ધર્મ ત્યાં છે.

કપિલ - તો પછી શું તમારા મતમાં ધર્મ નથી?

મરીચિએ વિચાર્યું કે આ જીવ સાચો જિજ્ઞાસુ નથી અને ભારે કર્મી છે, વળી મારે એક શિષ્યની આવશ્યકતા છે. આમ મનમાં રહેલી વાસનાએ મરીચિની ભાવનાને વિપરીત કરી નાંખી અને તેના ઉદ્ગાર નીકળી પડ્યા કે, "જેમ ત્યાં ધર્મ છે, તેમ અહીં પણ ધર્મ છે.'

"પાપ નહિ કોઇ ઉત્સૂત્ર ભાષણ જિસ્યો ધર્મ નહિં કોઇ જગસૂત્ર સરિખો..''
શ્રી અનંતનાથ સ્વામી સ્તવન (શ્રી આ.ઘ.ચોવીશી)

આવા ઉત્સૂત્ર વાક્યની પ્રરૂપણાથી મરીચિએ પુનઃ વળી કર્મમાં વૃદ્ધિ કરી. એ પાપની ક્ષમા-આલોચના કર્યા વગર તેણે સમકિત બીજને ઉખેડી નાંખ્યું અને ચોરાશી લાખ પૂર્વનું પોતાનું આયુષ્ય પૂર્ણ કરી મૃત્યુ પામ્યા.

બાહ્ય ભાવ રેચક ઈહાંજી, પૂરક અંતરભાવ;
કુંભક થિરતાગુણે કરીજી, પ્રાણાયામ સ્વભાવ. મન઼ 2

દ્રવ્ય પ્રાણાયામમાં શ્વાસ બહાર કાઢવો તે રેચક, શ્વાસ અંદર લેવો તે પૂરક અને શ્વાસની સ્થિરતા તે કુંભક. કુંભકના વળી ત્રણ ભેદ છે. શ્વાસ મૂકે પછી થોભે તે રેચકકુંભક, શ્વાસ પૂરે પછી થોભે તે પૂરકકુંભક, અને જ્યારે શ્વાસોચ્છ્વાસની ક્રિયા સૂક્ષ્મ થઈ જાય, રેચક પૂરક સહેજે થાય, તે પ્રત્યે ઉપયોગ ન હોય, તેથી માત્ર સ્થિરતા જણાય તે કેવલકુંભક. ભાવ પ્રાણાયામમાં કેવલકુંભકરૂપ દ્રવ્યપ્રાણની સ્થિરતા હોય તો તે કાર્યકારી થાય છે. જો કે અહીં ભાવ પ્રાણની મુખ્યતા છે. પાપની પ્રવૃત્તિ અને વિકલ્પોરૂપ બાહ્ય ભાવ છૂટી જાય તે રેચક, સદ્ગુણો ગ્રહણ કરવાનો ભાવ તે પૂરક અને શુભ અશુભ વિકલ્પો બંધ પડીને સ્થિરતા થાય તે કુંભક. એ રીતે વૃત્તિ રોકે છતાં આત્માનો અનુભવ નથી ત્યાં સુધી આ ભાવ પ્રાણાયામ પણ દ્રવ્યરૂપ છે. દ્રવ્યપ્રાણને અને મનને સંબંધ છે. જેમ જેમ શ્વાસોચ્છ્વાસ મંદ થાય તેમ તેમ મન શાંત થાય છે. એ દ્રવ્ય ને ભાવ પ્રાણાયામ આ દૃષ્ટિનું અંગ છે.

ધર્મ - અર્થે ઈહાં પ્રાણનેજી, છાંડે પણ નહીં ધર્મ;
પ્રાણ - અર્થે સંકટ પડેજી, જુઓ એ દૃષ્ટિનો મર્મ. મન઼ 3

આ દૃષ્ટિવાળો ધર્મને પ્રાણ કરતાં પણ અધિક સમજે. ધર્મ એ આત્માનો ભાવ પ્રાણ છે. સદ્ગુરુની આજ્ઞાએ જે ધર્મનું આરાધન કરતો હોય તે ન છોડે. જેમકે ભીલે પ્રાણ છોડÎા પણ કાગડાનું માંસ ન જ ખાધું. એમ શ્રદ્ધા એવી દૃઢ હોય છે કે જ્ઞાનીની આજ્ઞાના માહાત્મ્ય આગળ પ્રાણ તુચ્છ લાગે. દેહ તો ફરી મળે પરંતુ જ્ઞાનીની આજ્ઞા મળવી બહુ દુર્લભ છે. ધર્મ કરતાં અન્ય કોઈ વસ્તુનું માહાત્મ્ય વધારે માન્યું હોય તો તે છોડવું પડે એવી કસોટીનો પ્રસંગ આ દૃષ્ટિવાળાને આવે છે. પરંતુ ધર્મ માટે પ્રાણ પણ જતા કરે તો પછી અન્ય વસ્તુને તો અવશ્ય છોડી દે. ગમે તેવા ભય કે લાલચને વશ થઈને ધર્મને તજે નહીં; એવું આ દૃષ્ટિનું રહસ્ય છે. એટલી તૈયારી હોય ત્યારે સમકિત થાય છે.

તત્ત્વશ્રવણ - મધુરોદકેજી, ઈહાં હોય બીજ - પ્રરોહ;
ખાર - ઉદક સમ ભવ ત્યજેજી, ગુરુભગતિ અદ્રોહ. મન઼ 4

આ દૃષ્ટિમાં શ્રવણ ગુણ પ્રગટે છે. તત્ત્વશ્રવણથી જે યોગનાં બીજ પ્રથમથી ગ્રહણ કર્યાં છે તેને ફણગા ફૂટીને ઊગવા માંડે છે. અર્થાત્ યોગનાં બીજોથી યોગ્યતા આવે છે. તેમાં તત્ત્વશ્રવણરૂપ મધુર પાણીનું સિંચન થતાં તેમાંથી શમ સંવેગ આદિ સમકિતનાં લક્ષણો પ્રગટ થાય છે. જ્ઞાનીનો બોધ જે આત્માને સ્પર્શીને નીકળે છે, તે તેની મધુરતા છે. તે વાત સમજાય નહીં પરંતુ તે મધુરતા કામ કરે છે અને ભવ જેનાથી વધે તેવા અતત્ત્વશ્રવણ, કુસંગતિ આદિ ખારા પાણીની જેમ તજે છે. જેટલો સંસાર -ભાવ છૂટÎો તેટલો ગુરુ પ્રત્યે ભાવ થાય છે. ગુરુભક્તિથી આત્મબોધ થાય છે. સમકિત ન હોય તો પણ ગુરુભક્તિ એ અવશ્ય કલ્યાણકારી છે અને તેથી સુખ અનુભવાય છે. પરંતુ સેવા ભક્તિ કરતાં ગર્વ કરે કે હું જાણી ગયો, પોતે બીજાને કહેવા જાય, બોધ દેવા ટોળાં એકત્ર કરે, તેથી પછી ગુરુનો ડર લાગે, અથવા ચિંતવે કે ગુરુ ન હોય તો સારું. ગુરુનો શબ્દફેર થાય તો ભૂલ કાઢે કે તેમને ઉતારી પાડવા પ્રવર્તે એ આદિ અહંકાર કષાય કરે તે દ્રોહ છે. તેથી સમકિત થતું અટકી જાય અને પાપ બાંધે. આ દૃષ્ટિમાં તો દ્રોહરહિત સાચી ભક્તિ હોય છે. સદ્ગુરુની ભક્તિથી સમાપત્તિ આદિ ભેદથી તીર્થંકરગોત્ર સુધીનું પુણ્ય બાંધે. અર્થાત્ દ્રોહરહિત ગુરુભક્તિ ઉત્તમ ફળને આપનારી છે. માત્ર સમકિત અર્થે વિનય ભક્તિ કરે, આજ્ઞા આરાધે તે અદ્રોહભક્તિ છે. એવી અદ્રોહભક્તિથી કષાયાદિ ઉપશમ પામી ગ્રંથિભેદ થાય ત્યારે સમ્યક્દર્શન અને સમ્યજ્ઞાન પ્રગટ થાય છે અને પાંચમી દૃષ્ટિમાં જીવ આવે છે.

સૂક્ષ્મબોધ તો પણ ઈહાંજી, સમકિત વિણ નવિ હોય;
વૈદ્ય સંવેદ્ય પદે કહ્યોજી, તે ન અવેદ્યે જોય. મન઼ 5

પરંતુ આ ચોથી દૃષ્ટિમાં હજુ ગ્રંથિભેદ થયો નથી. તેથી સમકિતના અભાવમાં સૂક્ષ્મબોધ પણ હોય નહીં. સૂક્ષ્મબોધ એટલે વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ અંતરમાં સમજાવું. સૂક્ષ્મબોધની પ્રાપ્તિ એ જ ભક્તિ કરવાનું પ્રયોજન છે. તે સૂક્ષ્મબોધ વેદ્ય સંવેદ્ય પદમાં હોય છે. મિથ્યાત્વ દૂર થવાથી અને ગ્રંથિભેદ થવાથી સમ્યગ્દર્શન કે સ્વાત્માનુભવરૂપ સ્વસંવેદન જ્યાં પ્રગટ થાય છે તે વેદ્ય સંવેદ્ય પદ છે. અર્થાત્ જાણવા, વેદવા, અનુભવવા યોગ્ય જે આત્મસ્વરૂપ, તેનું સમ્યગ્ વેદન એટલે જ્ઞાન, અનુભવ જેમાં પ્રગટ છે તે વેદ્ય સંવેદ્ય પદ છે. તે દશા પાંચમી દૃષ્ટિમાં પમાય છે. પહેલી ચાર દૃષ્ટિમાં આત્માનુભવરૂપ સ્વસંવેદન નથી. તેથી તે પદ અવેદ્યસંવેદ્ય કહેવાય છે. તે મિથ્યાત્વયુક્ત દશામાં, અવેદ્યસંવેદ્ય પદમાં, સૂક્ષ્મબોધ હોતો નથી.

વેદ્ય-બંધ શિવöહેતુ છે જી, સંવેદન તસ નાણ;
નયનિક્ષેપે અતિભલુંજી, વેદ્ય સંવેદ્ય પ્રમાણ. મન઼ 6

વેદ્ય એટલે જાણવા યોગ્ય. તે શું? તો કે બંધöશિવöહેતુ. બંધનાં કારણ અને મોક્ષનાં કારણ એ જાણવા યોગ્ય અથવા વેદ્ય છે. અને વેદ્યનું જે જ્ઞાન અથવા જાણવું તે સંવેદન છે. અર્થાત્ જાણવા યોગ્ય વસ્તુöવેદ્ય સંબંધી જે વિવેકજ્ઞાન તે વૈદ્યસંવેદ્ય છે અને વ્યવહાર સમકિત તથા નિýાય સમકિત જેમ કહેવાય છે તેમ, નયનિક્ષેપથી વસ્તુ સ્વરૂપને વેદ્યöસંવેદ્યવાળો જાણે છે. અર્થાત્ વસ્તુને નયનિક્ષેપથી યથાર્થ સ્વરૂપે જેમ છે તેમ જાણે છે તેથી પ્રમાણ છે. સૂક્ષ્મબોધ સંસારથી તારનાર અને કર્મને ભેદનાર છે. તે વસ્તુને અનંત ધર્માત્મક જાણે છે તેથી જાણેલું પ્રમાણભૂત છે.

તે પદ ગ્રંથિ - વિભેદથીજી, છેહલી પાપ - પ્રવૃત્તિ;
તપ્ત-લોહ-પદöધૃતિ- સમીજી, તિહાં હોય અંતે નિવૃત્તિ. મન઼ 7

એ પદ ક્યારે પ્રાપ્ત થાય? તો કે ગ્રંથિભેદöસમકિત થાય ત્યારે વેદ્યસંવેદ્યપદ પ્રાપ્ત થાય છે. પછી જે પાપપ્રવૃત્તિ કરે છે, તે ન છૂટકે કરે છે. કારણ કે બંધનાં કારણ દુ:ખદાયી જાણ્યાં છે, તેથી કર્મના ઉદયમાં પરવશપણે યુદ્ધાદિ કરે, તો પણ તે અગ્નિથી તપી ગયેલા લોઢા ઉપર ચાલવા સમાન મહાદુ:ખદાયી સમજીને કરે છે. અર્થાત્ જેટલી પાપપ્રવૃત્તિ તે સમકિતી કરે છે, તે પૂર્વકર્મના ઉદયે થાય છે અને છૂટે છે. તેવું કરવાના ભાવ નથી, તેથી ફરી કરે નહીં. તેથી છેલ્લી પાપપ્રવૃત્તિ કહી છે. તપાવેલા લોઢા ઉપર પગ મૂકીને તરત ઉપાડી લે છે પણ ત્યાં પગ ટકાવવા જેમ ઈચ્છા થતી નથી, તેમ બહારથી પાપની પ્રવૃત્તિમાં પ્રવર્તતો છતાં ચિત્ત ત્યાં ટકતું નથી. સંસારના કાર્યોમાં મન ખૂંચે નહીં; માત્ર હેયબુદ્ધિથી વૈરાગ્યસહિત પ્રવર્તે છે. તેથી તે પાપપ્રવૃત્તિ છેવટની છે અર્થાત્ ફરી તેવાં કર્મબંધનું તે નિમિત્ત થતી ન હોવાથી અંતે નિવૃત્તિ થાય છે.

એહ થકી વિપરીત છેજી, પદ તે અવેદ્યસંવેદ્ય;
ભવાભિનંદી જીવનેજી, તે હોય વજ્ર અભેદ્ય. મન઼ 8

વેદ્યસંવેદ્યપદ જ્ઞાની યોગીઓનું છે અને તે છેલ્લી ચાર દૃષ્ટિમાં હોય છે. ચોથી દૃષ્ટિ સમકિતની ઘણી નજીક હોવાથી યોગ્યતાવાળી છે તેમ છતાં હજી તેમાં ઉપર કહ્યું તેથી વિપરીત એવું અવેદ્યસંવેદ્ય પદ હોય છે. અવેદ્યસંવેદ્યમાં સૂક્ષ્મબોધ ન હોવાથી સત્ય વસ્તુની ઝાંખી થતી નથી. પાણીમાં પક્ષીનો પડછાયો જોઈ તેને સાચું પક્ષી જાણી પકડવા જાય એવી ભ્રાંતિવાળું અવેદ્યપદ છે. તે ભ્રાંતિને કારણે જીવને પોતાના દોષ દેખાતા નથી. સંસારમાં દુ:ખ સર્વત્ર દેખાવા છતાં વૈરાગ્ય આવતો નથી અને પાપમાં પ્રવૃત્ત થાય છે. સ્ત્રાળ, વસ્ત્ર, ગંધ, આહારાદિ સંસારનાં સુખો ઝાંઝવાના નીર જેવાં છતાં તેને સાચાં માને છે અને તે મેળવવા આસક્તિપૂર્વક પ્રવર્તે છે એવા ભવાભિનંદી જીવને આ અવેદ્ય પદ વજ્ર જેવું દુર્ભેદ્ય હોય છે. અનાદિની વાસના હોવાથી તેને છેદવા જતાં જીવ ગળિયા બળદ જેવો થઈ જાય છે. ગ્રંથિભેદ થવાનો વખત આવે ત્યાં દોષમાં લપટાઈ જાય. તેથી ત્યાં સત્પુરુષનો આધાર જરૂરનો છે. તે ભવાભિનંદીનાં લક્ષણ કહે છે

લોભી કૃપણ દયામણોજી, માયી મચ્છર ઠાણ;
ભવાભિનંદી ભય ભર્યોજી, અફલ આરંભ અયાણ. મન઼ 9

લોભી : જે હોય તેથી વધારે મેળવવાની ઈચ્છા રાખે કે લાભથી રાજી થાય; કૃપણ : ઘણું હોય છતાં વાપરી શકે નહીં; દયામણો : મારી પાસે નથી એમ ચિંતા કર્યા કરે, કે અકલ્યાણની કલ્પના કર્યા કરે; માયી : પ્રપંચ કરે, મત્સર : પરના ભલામાં રાજી નહીં, (અદેખો). સંસારમાં અત્યંત આસક્ત હોવાથી, સંસારની વસ્તુઓના ત્યાગથી ભય પામે, એવા ભવાભિનંદીનાં શુભ કાર્યો પણ કીર્તિ કે પુણ્યબંધ અર્થે જ હોય છે, તેથી તેને આત્મહિતરૂપી ફળ આવતું નથી. વળી તે વસ્તુતત્ત્વને તથા હિતાહિતને નહીં સમજનાર હોવાથી અજ્ઞાનöમૂર્ખ છે.

એવા અવગુણવંતનુંજી, પદ છે અવેદ્ય કઠોર;
સાધુ-સંગ આગમતણોજી, તે જીત્યો ધુરંધોર. મન઼ 10

આવા દોષવાળા ભવાભિનંદી જીવનું જે અવેદ્યપદ છે તે અત્યંત કઠોર દુર્ભેદ્ય હોય છે. તેને ભેદવાનો ઉપાય સાધુસંગ અને આગમ છે. અર્થાત્ સત્પુરુષનો સમાગમ અને આજ્ઞાનુસાર સગ્રંથનું અવગાહન એ બન્નેની એકતા કરવા વડે ધુરંધર એટલે બળવાન પુરુષાર્થ કરનારા જીવાત્માઓ તે અવેદ્યપદને જીતી શકે છે. અર્થાત્ બળવાન જીવો સત્સંગ અને આગમ દ્વારા એ અવેદ્ય પદને જીતીને વેદ્યસંવેદ્યપદ પ્રાપ્ત કરે છે. ઓઘદૃષ્ટિમાં તેમજ મિત્રાદિ ત્રણ દૃષ્ટિમાં આ અવેદ્યસંવેદ્ય પદ જિતાવું અશક્ય છે. તેથી માત્ર આ ચોથી દીપ્રા દૃષ્ટિને છેડે તે જીતવાનું વિધાન છે. તે પહેલાં યોગ્યતા લાવવા માટે મુખ્યપણે ઉપદેશબોધનું કથન કરાય છે.

 

 તે જીત્યે સહજે ટળેજી, વિષમ કુતર્ક પ્રકાર;
દૂર નિકટ હાથી હણેજી, જેમ એ બઠર વિચાર. મન઼ 11

તે અવેદ્યસંવેદ્ય પદ જિતાતાં તેની સાથે જે અનેક પ્રકારના હાનિકારક કુતર્કો હોય છે તે વેદ્યસંવેદ્ય પદમાં સૂક્ષ્મબોધ પ્રાપ્ત થતાં આપોઆપ ટળી જાય છે. તે કુતર્ક વિષે બઠરનું દૃષ્ટાંત :ö કોઈ નૈયાયિક વિદ્યાર્થી ન્યાય ભણીને ઘેર આવતો હતો. ત્યાં રાજમાર્ગમાં સામેથી ગાંડો બનેલો હાથી દોડતો આવતો જોયો. તેની ઉપર બેઠેલો મહાવત બૂમો પાડીને લોકોને દૂર નાસી જવા કહેતો હતો તેથી લોકો દૂર નાસી ગયા. પરંતુ પેલો ન્યાયવાદી બટુક ત્યાં જ ઊભો રહ્યો ને તર્ક કરવા લાગ્યો કે હાથી પ્રાપ્તને હણે છે કે અપ્રાપ્તને? જો પ્રાપ્તને હણતો હોય તો મહાવત ઉપર બેઠો છે તેને હણે અને જો અપ્રાપ્તને હણતો હોય તો દૂર ગયેલા લોકોને હણે. એટલામાં તો હાથી નજીક આવ્યો અને તે બટુકને સૂંઢમાં પકડી ચીરી નાખ્યો, તેથી મરણ પામ્યો. જેમ એ બટુકöમૂર્ખ છાત્રે મહાવતનાં વચન માન્યાં નહીં અને આપમતે વિચાર કરતો ત્યાં જ ઊભો રહ્યો તેથી મરણ પામ્યો, તેમ શાસ્ત્ર વાંચીને કુતર્ક કરવા એ ઘણું ભયંકર છે. જે તત્ત્વગવેષક હોય તે, ગુરુમુખથી જાણી તેણે કહેલે માર્ગે પ્રવર્તન કરે, તો તત્ત્વ પામે, પરંતુ આપમતિ હોય તે નરક નિગોદનાં દુ:ખ પામે, માટે આપમતિ ન થવું.

હું પામ્યો સંશય નહીંજી, મૂરખ કરે એ વિચાર;
આળસુ આ ગુરુ-શિષ્યનોજી, તે તો વચન પ્રકાર. મન઼ 12

કુતર્કો કરતાં પછી પોતાનો તર્ક જ સાચો છે એમ આગ્રહ થઈ જાય, તેથી અભિમાન કરે. પોતાને સર્વજ્ઞ જેવો માને અને કલ્પિત મતની સ્થાપના કરે. એવા નિહ્નવ મહાવીરસ્વામીના વખતમાં પણ ઘણા થયા છે. અથવા તો શાસ્ત્ર પણ ન ભણે અને એમ માને કે હું બધું સમજું છું, મારે હવે વિશેષ જાણવા સમજવાનું કંઈ નથી. એમ વિચારી પ્રમાદ સેવે અને સ્વચ્છંદે વર્તે. તેના પર આળસુ ગુરુ-શિષ્યનું દૃષ્ટાંત:ö કોઈ અન્યદર્શની ગુરુöશિષ્ય બહુ આળસુ હતા. તેઓ નગરની બહાર એક મઢીમાં પડી રહેતા. ગામમાં એકાદ ઘેર ફરીને ભિક્ષા લાવે ને થોડું ઘણું જે મળે તેથી ઉદર પૂરણા કરે. પાસે ઓઢવા - પાથરવાનું તો હોય જ ક્યાંથી? એવામાં પોષમાસના દિવસો આવ્યા ને ઠાર પડવા લાગ્યો. એક દિવસ ટાઢ બહુ પડી, તેથી તે ગુરુ-શિષ્ય થરથર કંપતા ભિક્ષા જડી ન જડી એવે હાલે તુરત ગામમાંથી આવીને મઢીની અંદર પણ ગયા નહીં, એમ જ જીર્ણ વસ્ત્રે મુખ ઢાંકી બહાર સૂતા. પાછલી રાત્રે જાગ્યા ત્યારે નેત્ર ઉઘાડવા જેટલો પણ ઉદ્યમ કર્યા વિના ઢાંકેલે મુખે જ ગુરુએ પૂછÎું કે ઃ હે શિષ્ય! ટાઢ ઘણી લાગે છે, માટે હું ઝૂંપડીમાં છું કે બહાર છું? ત્યારે શિષ્ય જે ગુરુથી પણ વધારે અજ્ઞાની અને આળસુ હતો તે પણ બંધ નેત્રે ઢાંકેલે મુખે જ બોલ્યો કે આપણે ઝૂંપડીમાં છીએ. તેવામાં ટાઢથી બચવા કોઈ કૂતરો ગુરુ પાસે આવી સૂતો હતો તેનું પૂંછડું ગુરુના હાથમાં આવવાથી તે બોલ્યા કે ઃ હે શિષ્ય, મને આ પૂંછડું છે કે શું? ત્યારે શિષ્ય બોલ્યો કે એ તો તમારી કાછડીનો છેડો છે માટે હવે બોલ્યા વિના છાનામાના પડી રહો. એમ અજ્ઞાન ને આળસમાં ત્યાં જ સૂઈ રહેલા ગુરુ-શિષ્ય પ્રાત:કાળે હિમ પડવાથી ઠરીને મરણ પામ્યા. તેમ જે આળસુ હોય તે પોતાની મતિ કલ્પનાએ કુતર્ક કરે, પોતાથી વધારે જાણનારને પૂછે નહીં, તેમજ આગળ ભણવાનો ઉદ્યમ કરે નહીં, તેથી તત્ત્વ પામે નહીં. કુતર્ક અનેક પ્રકારે છે, પરંતુ તેમાં મહાપુરુષોનો અવર્ણવાદ બોલવો, જેમકે સર્વજ્ઞ નથી એમ કહેવું એ મુખ્ય કુતર્ક છે. શ્રી હરિભદ્રસૂરિ કહે છે કે ઃ જેમને મોક્ષે જવું છે એ જીવોએ કુતર્કનો આગ્રહ કરવા જેવો નથી. તેઓએ શેનો આગ્રહ કરવો? તો કહે છે કે શ્રુતજ્ઞાન ભણવાનો, શીલ એટલે દ્રોહöવિરતિનો અને સ્વરૂપમાં સ્થિર થવારૂપ સમાધિનો, તેમજ પરોપકાર કરવાનો આગ્રહ કરવો, કે જેથી જ્ઞાનદશા પ્રગટે. ગૌતમસ્વામી જેવા ચાર જ્ઞાનના ધણી હતા. તેઓએ પણ પોતાની ભૂલ થતાં તરત આનંદ શ્રાવકની માફી માગી હતી. તેવી રીતે કુતર્કનો આગ્રહ ન કરતાં, તરત તેનાથી પાછા વળવું.

ધી જે તે પતિઆવવુંજી, આપમતેં અનુમાન;
આગમ ને અનુમાનથીજી, સાચું લહે સુજ્ઞાન. મન઼ 13

માત્ર બુદ્ધિથી તર્ક દ્વારા અતીંદ્રિય વસ્તુનું જ્ઞાન થઈ શકતું નથી. જેમકે આગમમાં શમ-સંવેગાદિ ગુણો હોય તો સમકિત કહ્યું છે. તે ન ગણે અને તર્કથી સમકિત છે એમ માની લે તેથી લાભ થાય નહીં. પરંતુ આગમને મળતી દશાથી પ્રમાણસહિત અનુમાન કરે. અર્થાત્ આગમમાં કહ્યા પ્રમાણે આજ્ઞાનુસાર આચરણ કરીને યોગાભ્યાસ દ્વારા તે દશા પ્રગટ કરે, પછી તેને આગમમાં કહેલાં લક્ષણો સાથે સરખાવી પ્રમાણ કરે, તો તેવા અનુમાન અથવા સુતર્કથી સમ્યજ્ઞાન પ્રાપ્ત થાય છે.

નહીં સર્વજ્ઞ જુજુઆજી, તેહના જે વળી દાસ;
ભગતિ દેવની પણ કહીજી, ચિત્ર અચિત્ર પ્રકાશ. મન઼ 14

હવે અહીં બુદ્ધિથી કરેલ અનુમાન અને આગમ એટલે આપ્તપુરુષના વચનને અનુસરીને કરેલ અનુમાન એ બેની પ્રમાણતા વિષે દૃષ્ટાંત આપે છે. જગતમાં અનેક ધર્મ પ્રવર્તે છે. તેમાં દરેક ધર્મવાળા પોતાના ધર્મસ્થાપકને સર્વજ્ઞ માને છે. વળી તે ધર્મપ્રર્વતકો ભિન્ન ભિન્ન માન્યતાવાળા જણાય છે, તેથી સર્વજ્ઞ જુદા જુદા છે એમ બુદ્ધિથી અનુમાન કરતાં માન્યા છે. પરંતુ આપ્ત પુરુષના વચનને અનુસરીને સ્યાદ્વાદથી વિચારવામાં આવે તો જણાય કે ત્રણે કાળમાં જે જે સર્વજ્ઞો થયા છે ને થશે તેઓના જ્ઞાનમાં ફેર હોતો નથી. તેમજ સર્વજ્ઞને અનુસરનારા શ્રુતકેવલી વગેરેનું જ્ઞાન પણ તેવું જ હોય છે. ન્યાયમતી પતંજલિ પણ કહે છે કે દર્શનો ભિન્ન ભિન્ન છતાં સર્વજ્ઞ તો એક જ હોઈ શકે. અર્થાત્ સર્વજ્ઞની વાણીમાં ભેદ નથી, પરંતુ તે વાણીને સમજવામાં બુદ્ધિ અનુસાર ભેદ પડે છે. વળી જગતમાં ચિત્ર અચિત્ર પ્રકાશવાળી ભક્તિ પ્રવર્તે છે, તેનું કારણ પણ એ જ છે. તે વિષે દૃષ્ટાંત :ö કોઈ રાજાએ એક સુંદર કલાભુવન બંધાવ્યું. પછી તેની અંદર આવેલા સભામંડપને શોભાવવા માટે અનેક ઉત્તમ ચિત્રકારોને યોગ્ય વેતનથી રોકવામાં આવ્યા. રાજાએ તે દરેકને ભીંતનો થોડો થોડો ભાગ વહેંચી આપી જાહેર કર્યું કે જેની કળા સર્વોત્તમ જણાશે તેને પારિતોષિક આપવામાં આવશે. પછી તે જુદા જુદા ચિત્રકારોએ ઘણી મહેનત કરીને પોતાની બુદ્ધિ અનુસાર ઉત્તમ રંગબેરંગી ચિત્રો દોર્યાં. પરંતુ તેમાંનાં એક ચિત્રકારે તો પોતાના વિભાગ આડો પડદો રાખીને તે ભીંતને દરરોજ ખૂબ ઘસી ઘસીને અરીસા જેવી સ્વચ્છ બનાવી. હવે જ્યારે મુદત પૂરી થઈ ત્યારે રાજા પરીક્ષા કરવા આવ્યો. તેણે બધાનાં ચિત્રો યથાયોગ્ય વખાણ્યાં. પછી પેલા ચિત્રકાર પાસે આવ્યો ત્યારે તેણે પડદો ઊંચો કરી બતાવ્યું તો તેમાં બધા ચિત્રકારોના ચિત્રોનું સુંદર પ્રતિબિંબ પડેલું દેખાયું. તેથી આખું કલાભુવન શોભી રહ્યું! તે જોઈ રાજા અત્યંત પ્રસન્ન થયો અને તે અચિત્ર ચિત્રકારને પારિતોષિક આપવામાં આવ્યું. એ રીતે રાગદ્વેષરહિત અચિત્ર ભક્તિ છે, તે મોક્ષપ્રદ છે. જગતમાં દેવભક્તિના ચિત્ર ને અચિત્ર એ બે ભેદ છે. તે વિષે નીચે કહે છે

દેવ સંસારી અનેક છે જી, તેહની ભક્તિ વિચિત્ર;
એક રાગ પર દ્વેષથીજી, એક મુગતિની અચિત્ર. મન઼ 15

સંસારી દેવો અનેક પ્રકારના છે. તેમની ભક્તિ પણ અનેક પ્રકારની સંસારી ઈચ્છાઓથી રાગ કે દ્વેષ પૂર્વક અનેક પ્રકારે કરવામાં આવે છે તે ચિત્રા ભક્તિ, વિચિત્ર અર્થાત્ ભિન્ન ભિન્ન પ્રકારની છે. અને પરમપદને પામેલા એવા વીતરાગદેવની ભક્તિ જે રાગદ્વેષરહિત શાંત થયેલા યોગીઓ માત્ર મોક્ષને અર્થે કરે છે, તે ચિત્તવિશુદ્ધિરૂપ અચિત્ર ભક્તિ એક જ પ્રકારની છે કે જે પરમપદ મોક્ષને પ્રાપ્ત કરાવનારી છે.

ઈંદ્રિયાર્થગત બુદ્ધિ છે જી, જ્ઞાન છે આગમહેત;
અસંમોહ શુભ કૃતિ ગુણેજી, તેણે ફળ ભેદ સંકેત. મન઼ 16

વળી સમાન વિધિથી સદ્અનુષ્ઠાન કરનારા જીવોના આશયમાં પણ કર્માનુસાર અનેક ભેદ પડી જાય છે. તેથી હૃદયના આશયને અનુસરીને ફળ મળે છે તે પણ ભિન્ન ભિન્ન હોય છે તે કહે છે ö માત્ર ઇંદ્રિયગોચર પદાર્થને આશ્રય કરનાર તે બુદ્ધિમાન છે, આગમ અનુસાર અતીંદ્રિય પદાર્થને પણ જે સમજે તે જ્ઞાનવંત છે અને તદુપરાંત મોહરહિત આત્મહિતાર્થે જે પ્રવર્તે તે અસંમોહ ક્રિયાવંત છે : એમ મુખ્ય ત્રણ લક્ષણવાળા જીવો હોય છે. તેઓ દ્વારા કરાતી એક જ ક્રિયાના ફળમાં ભેદ પડી જાય છે.

આદર કિરિયા રતિ ઘણીજી, વિઘન ટળે મિલે લચ્છિ;
જિજ્ઞાસા બુદ્ધસેવનાજી, શુભ કૃતિ ચિહ્ન પ્રત્યચ્છિ. મન઼ 17

વર્તમાનકાળમાં આવશ્યક, પૂજા, પાઠ, ભક્તિ, વંદન, નમસ્કાર, વ્રત, તપ, જપ વગેરે જે ધર્મનાં અનુષ્ઠાનો કરવામાં આવે છે, તે મોટે ભાગે ઓઘદૃષ્ટિથી થાય છે. પણ આ અનુષ્ઠાનોને અમૃતક્રિયારૂપ બનાવવા આચાર્ય જણાવે છે કે õ આ અનુષ્ઠાનો પ્રત્યે આદર બહુમાન રાખવું, ક્રિયા કરવામાં અત્યંત પ્રીતિ કરવી, વેઠ ન ઉતારવી, હૃદયના શુદ્ધ આશયથી ધર્મક્રિયા કરવામાં આવે છે, ત્યારે ભાગ્યોદય થવાથી વિઘ્નો પણ પોતાની મેળે દૂર થઈ જાય છે. વિઘ્નો ચાલ્યા જવાથી શુભ ભાવની વૃદ્ધિ થતાં પુણ્યરૂપ લક્ષ્મી પ્રાપ્ત થાય છે, તેમજ સત્ ક્રિયામાં પ્રવૃત્તિ કરતાં જ્ઞાનદર્શનાદિ ભાવલક્ષ્મી પણ પ્રાપ્ત થાય છે. વળી તત્ત્વની જિજ્ઞાસા અને તે અર્થે જ્ઞાનીના ચરણની ઉપાસનાöસેવા કરવી એ પણ સદ્ અનુષ્ઠાન અને પુણ્યબંધનાં પ્રત્યક્ષ ચિહ્ન છે. હવે ઉપર કહ્યા તે બુદ્ધિ આદિના ભેદથી તેના ફળમાં ભેદ પડે છે તે કહે છે :

બુદ્ધિક્રિયા ભવફલ દીયેજી, જ્ઞાનક્રિયા શિવ અંગ;
અસંમોહ કિરિઆ દીયેજી, શીઘ્ર મુગતિફલ ચંગ. મન઼ 18

પોતાની બુદ્ધિએ આજ્ઞાના લક્ષ્ય વિના બાહ્યદૃષ્ટિથી ઈદ્રિયના વિષયોના લક્ષ્યે જે ક્રિયા કરવામાં આવે છે, તે બુદ્ધિક્રિયા છે અને તેનું ફળ ચાર ગતિરૂપ સંસાર છે. આગમમાં કહેલા આશયને સમજીને અથવા જ્ઞાનીની આજ્ઞાના લક્ષ્યપૂર્વક જે ક્રિયા થાય છે, તે જ્ઞાનક્રિયા છે અને તેનું ફળ પરંપરાએ મોક્ષ છે. કોઈ પણ પ્રકારના પુદ્ગલાદિક ફળની ઈચ્છા રાખ્યા વિના શુદ્ધ ભાવે જે અનુષ્ઠાન કરાય છે, તે અસંમોહ ક્રિયા છે અને તે ઈષ્ટ એવા મોક્ષફળને શીઘ્ર આપનારી છે. અસંમોહક્રિયા કરનારનુ લક્ષ કેવું હોય તે હવે કહે છે.

પુદ્ગલ રચના કારમી જી, તિહાં જસ ચિત્ત ન લીન;
એક માર્ગ તે શિવ તણોજી, ભેદ લહે જગ દીન. મન઼ 19

તે અસંમોહ અનુષ્ઠાન કરનારા મહાત્માઓ સંસારથી વિરામ પામેલા હોવાથી આકર્ષક છતાં એકાંત દુ:ખદાયક એવી પુદ્ગલની રચનામાં તેમનું ચિત્ત લીન થતું નથી. પુદ્ગલને પુદ્ગલરૂપે જાણો. ``રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યાં પુદ્ગલ એવ સ્વભાવ છે.'' (અપૂર્વ અવસર ગાથાö12) એવી દૃષ્ટિથી જગતને જોનારા મહાત્માઓ ચિત્તવિશુદ્ધિરૂપ જે મોક્ષમાર્ગને આરાધે છે તે વાસ્તવિક એક જ પ્રકારનો છે. અવસ્થાભેદથી ગુણસ્થાન આદિ ભેદ પડે છે પરંતુ માર્ગ વાસ્તવિક એક જ છે. તેમ છતાં જગતના બાહ્ય વિષયોમાં મોહ પામેલા દીનપામર જીવો અજ્ઞાનને લઈને મોક્ષમાર્ગ ભિન્ન ભિન્ન હોવાનું કલ્પે છે. ધર્મમાં બાહ્યદૃષ્ટિથી ભેદ દેખાવા છતાં વાસ્તવિક ભેદ નથી તે હવે કહે છે

શિષ્યભણી જિનદેશનાજી, કહે જન પરિણતિ ભિન્ન;
કહે મુનિની નયદેશનાજી, પરમારથથી અભિન્ન. મન઼ 20

જિનેશ્વર ભગવાનની દેશના સર્વનય ö ગર્ભિત હોય છે અને તેમાં એવો અતિશય હોય છે કે સભાના સર્વે જીવો પોતપોતાની ભાષામાં અને પોતપોતાની અપેક્ષાએ જેમ ઘટે તેમ તત્ત્વને યથાર્થ સમજી જાય છે; અને એ રીતે તેમની શંકાઓનું સમાધાન આપોઆપ થઈ જાય છે. સર્વજ્ઞને અનુસરનારા જે મુનિઓ છે, તેઓ પ્રમાણભૂત વસ્તુને લક્ષ્યમાં રાખીને અમુક નયની અપેક્ષાએ દેશના આપે છે. પરભવની શ્રદ્ધા કરાવવા નિત્યöદ્રવ્ય દૃષ્ટિ ઉપર ભાર મૂકે, અથવા વૈરાગ્યના હેતુથી અનિત્યöપર્યાય દૃષ્ટિ ઉપર ભાર મૂકે. એમ જુદા જુદા જીવોને ધર્મનું બીજારોપણ જે રીતે થાય એ રીતે જુદા જુદા નયથી દેશના આપે છે. પરંતુ તેમાં મોક્ષપ્રાપ્તિ એ જ એક પરમાર્થ હોવાથી તે અભિન્ન છે.

શબ્દ ભેદ ઝઘડો કિસ્યોજી, પરમારથ જો એક;
કહો ગંગા કહો સુરનદીજી, વસ્તુ ફરે નહીં છેક. મન઼ 21

કપિલ, બુદ્ધ આદિ અન્ય દર્શનના મહાપુરુષોએ ઉપદેશ કર્યો છે; તેઓએ પણ, સર્વજ્ઞને માન્ય કરીને કહું છું, એમ કહ્યું છે. તે મહાત્માઓનો આશય તે તે દેશ કાળને અનુસરીને હોય તે જાણ્યા વિના તેમના પર આક્ષેપ કરવો તે સર્વજ્ઞ પર આક્ષેપ કરવા જેવું છે. પરમાર્થ એક છતાં શબ્દ ભિન્ન ભિન્ન હોય તે વિષે વિવેકીજનો વિવાદ કે ઝઘડો કરે નહીં. જેમ કે ગંગાને કોઈ સુરનદી કહે તેથી તે નદી કંઈ ફરી જતી નથી. માટે સામાનો અભિપ્રાય જાણ્યા વિના એકદમ તેનું ખંડન કરવું યોગ્ય નથી. મતભેદ વખતે મધ્યસ્થ રહેવું યોગ્ય છે.

ધર્મ ક્ષમાદિક પણ મટેજી, પ્રગટે ધર્મ સંન્યાસ;
તો ઝઘડા ઝોટા તણોજી, મુનિને કવણ અભ્યાસ. મન઼ 22

મુમુક્ષુ એવા મુનિઓ તો ક્ષમા આદિને ધરનારા અને હિત મિત બોલનારા હોય છે. તેમનું લક્ષ્ય તો ક્ષપકશ્રેણી માંડવાનો જ હોય છે. ક્ષપકશ્રેણીમાં ક્ષયોપશમ ધર્મોöવ્રત, ક્ષમા આદિના વિકલ્પો પણ મૂકવારૂપ ધર્મ-સંન્યાસયોગ પ્રગટ થાય છે, ત્યારે આત્માના ક્ષાયિક ધર્મો પ્રગટે છે. તેથી મુનિઓ તો પરમાર્થ પ્રત્યે લક્ષ્ય રાખે. તુચ્છ નજીવી વાતોમાં મોટા ઝઘડા કરવા તેમને કેમ ઘટે?

અભિનિવેશ સઘળો ત્યજીજી, ચાર લહી જેણે દૃષ્ટિ;
તે લેશે હવે પંચમીજી, `સુયશ' અમૃતધનવૃષ્ટિ. મન઼ 23

કુતર્ક મોટો શત્રુ છે. તેથી વિપરીત અભિનિવેશ થાય છે. તેને તજવા માટે 11 થી 22 ગાથામાં પ્રસંગોપાત કથન કર્યું છે. મુનિઓ તો મહાપુરુષો કહ્યા પ્રમાણે વર્તે છે. પરને લેશ પણ પીડા કરે નહીં, સર્વ પર ઉપકાર કરે, પૂજ્ય પુરુષોનો વિનય કરે, દોષિતની દયા ચિંતવેöએમ મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ભાવના ભાવે. એ રીતે સર્વ મિથ્યા આગ્રહોને તજીને પ્રથમની ચાર દૃષ્ટિના ગુણો પ્રગટ કરે તેને પાંચમી સ્થિરાદૃષ્ટિ પ્રાપ્ત થાય છે. શ્રી યશોવિજયજી કહે છે કે તે સ્થિરાદૃષ્ટિ અમૃતધનની વૃષ્ટિ જેવી છે.

textborder1

◄ ત્રીજી બલા દ્રષ્ટિ

 

પાંચમી સ્થિરા દ્રષ્ટિ ►