• આઠ દ્રષ્ટિમાં..1stvrat-mainpic

  • 1
"मित्रियां दर्शनं मन्दं, यम इच्छादिकस्तथा । अखेदो देवकार्यादावद्वेषश्वापरत्र तु ।।21।। योगद्रष्टि समुच्चय"
"મિત્રા દ્રષ્ટિમાં ૧) મંદ દર્શન-બોધ ૨) ઇચ્છા આદિક યમ ૩) દેવકાર્ય વગેરેમાં અખેદ ૪) અને અન્યત્ર - અન્ય સ્થળે અદ્વેષ હોય છે.
આ દ્રષ્ટિનું મુખ્ય લક્ષણ સકલ જગત્ પ્રત્યે મિત્રભાવ - નિર્વૈર બુદ્ધિ હોવાથી તેને "મિત્રા" નામ યથાર્થપણે ઘટે છે.
આ દ્રષ્ટિમાં જે દર્શન - સત્ શ્રદ્ધાવાળો બોધ હોય છે તે મંદ - સ્વલ્પ શક્તિવાળો હોઇ તેને તૃણ અગ્નિકણની ઉપમા ઘટે છે."
હવે અહીંથી મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સા. એ યોગદ્રષ્ટિ સમુચ્ચય ગ્રંથ પરથી આઠ દ્રષ્ટિની સજ્જાય લખી છે
તે સજ્ઝાયની ગાથા અને તેનું વિવેચન દ્રષ્ટાંત સહિત સચીત્ર પ્રકાશીત કર્યું છે, વાચકોએ ખાસ ચિંતન-મનન કરવું.

 દૃષ્ટાંત : સંપ્રતિ મહારાજાનો પૂર્વ ભવ

`મોક્ષનો માર્ગ બતાવે તે મિત્ર ' સદ્ગુરુ એ જ સાચા મિત્ર છે. સદ્ગુરુનો યોગ થાય ત્યારથી મિત્રાદૃષ્ટિ છે. આ દૃષ્ટિમાં જીવને બોધનું બળ તૃણના અગ્નિ જેવું હોય છે, જેમ ઘાસમાં અગ્નિ નાંખવાથી ભડકો થાય, પછી પાછળ કંઇ અગ્નિ રહે નહિ તેવી બોધની તાત્કાલિક અસર થાય છે, તેથી ભાવમાં એકદમ ઊભરો આવે પરંતુ તે લાંબો વખત ટકે નહીં તેવો હોય છે.

સમ્રાટ્ સંપ્રતિ પૂર્વજન્મમાં ક્ષુધા પીડિત એક ભિખારી હતા, એક વખત બે સાધુ ભગવંતો ગોચરી વ્હોરીને જઇ રહ્યા હતા ત્યારે આ ભિખારીએ આહાર જોઇ તેમની પાસે ખાવા માગ્યું, સાધુઓએ કહ્યું કે ભિક્ષા ઉપર તો અમારા પૂજ્ય ગુરુ ભગવંતનો અધિકાર છે, તો તમે અમારી સાથે અમારા ગુરુ પાસે ચાલો. તેથી તે તેમના ગુરુ પાસે આવ્યો. જ્ઞાની ગુરુ ભગવંતે તેમના જ્ઞાનથી જાણ્યું કે આનું આયુષ્ય શીઘ્ર સમાપ્ત થવાનું છે. અને આત્મા ભવ્યાત્મા અને યોગ્ય પાત્ર છે માટે તેમણે પ્રથમ તેને વીતરાગ માર્ગનો બોધ આપ્યો કે હે જીવ! આ શરીર નાશવંત છે, તેમાં રહેલો શાશ્વત આત્મા તે તું છો, માટે શરિરાર્થે કરાતા આ હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહ આ પાંચ પાપો દુઃખ અને દુર્ગતિનાં કારણ છે, તે પોપાથી નિવૃત્ત થવારૂપ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ યમ કહેવાય છે. આ પાંચ યમો દેશ કાળ વગેરેની મર્યાદાથી મુક્ત સર્વમાન્ય છે, અર્થાત્ સર્વ મનુષ્યો યથાશક્તિ તેને પાળવામાં ધર્મ સમજે છે. (પ્રથમ દૃષ્ટિમાં તે પાંચ યમ વ્રતરૂપે ગ્રહણ કરાય છે. તે આ દૃષ્ટિનું `યમ' નામનું અંગ છે.) અને કહ્યું તારે અમારી સાથે ખાવું હોય તો તારે મોક્ષાર્થે સાધના અને સત્પુરુષાર્થ કરવા દિક્ષા ગ્રહણ કરવી પડે.

આમ તેને બોધ પમાડÎો. (પણ આ દૃષ્ટિમાં બોધ તેટલો જ ટકે છે કે જેટલો તૃણમાં અગ્નિ.) ક્ષુધા પિડિત ભિખારી દીક્ષા ગ્રહી. તે હવે સાધુ બની તેમની સાથે ગોચરી વાપરવા બેસે છે, પણ વધુ પડતું ખાવાથી રાત્રે અજીર્ણથી તબિયત અતિશય બગડી જાય છે, બીજા સાધુ ભગવંતો તરત તેમની સેવામાં લાગી જાય છે, પણ તે શુભ વિચારે ચડી જાય છે, વિચારે છે કે હજી થોડી ક્ષણો પહેલા હું ભિખારી બની ભીખ માંગતો હતો, નગરમાં કોઈ મારા પર ધ્યાન આપતું ન હતું, પણ આ જ્ઞાની ગુરૂભગવંતના ઉપકારથી નગરશેઠો પણ જેને વંદન કરે છે તે સાધુ મહાત્માઓ મારી સેવા કરે છે, ફરી ગુરુભગવંતે આપેલો બોધ યાદ આવ્યો, કે હું શરિર નથી પણ આત્મા છું, માટે શા માટે જેઓ મને તુચ્છકારતા હતા, ભિખ ન આપતા હતા તે સર્વ સિદ્ધસમાન આત્મા છે આમ તેનો લોકો પરથી રોષ-દ્વેષ ઓછો થયો અને ખેદ જવાથી અદ્વેષ ગુણની પ્રાપ્તિ થઈ. આમ જ્ઞાનીગુરુનો ઉપકાર વેદતા વેદતા આ તૃણ અગ્નિ સમાન બોધ પણ તેને શુભભાવમાં રાખ્યો અને તે શુભગતિ મરણને પ્રાપ્ત થાય છે. તે રાજા અશોકના પૌત્ર નામે સંપ્રતિ, ઉજ્જયનિનો રાજા થાય છે.

એક વખત નગરમાં ફરતા તેમની નજર વિહાર કરતા તેમના ગત જનમના ગુરુ પર પડે છે અને ગુરુને જોઇ તેમને પૂર્વભવનું જ્ઞાન થાય છે, કૃતજ્ઞતાથી ગુરુના ચરણમાં નમી પડે છે અને ગુરુને ઉપકારના ઋણમાં પોતાનું રાજ્ય લેવા વિનંતી કરે છે, ગુરુભગવંતે તેને ફરીથી બોધ પમાડતા કહ્યું હે રાજન્, તું આ દેહથી પર શાશ્વત એવો આત્મા છે, તેને તું જાણ. અમે તો નિષપરિગ્રહી સાધુ માટે અમને રાજ્ય તો શું પણ એક તૃણ પણ ન કલ્પે, પણ તું પુણ્યકર્મથી પ્રાપ્ત થયેલી આ સંપત્તિથી શાસનની પ્રભાવના કર. તેથી સમ્રાટ્ સંપ્રતિએ દાનશાળાઓ ખોલી જિનમંદિરો બંધાવવા મંડ્યા, નિત્ય નવા મંદિરના પ્રારંભના શુભ સમાચાર આપનારને સંપ્રતિ ઝવેરાતોનું પણ દાન આપતાં. સવા લાખ જિનમંદિરો અને સવા ક્રોડ પ્રતિમાઓનું નિર્માણ કર્યું. આજે પણ આ પ્રતિમાઓ ઠેર ઠેર પૂજાય છે. ધન્ય શાસનપ્રભાવક સમ્રાટ્ સંપ્રતિને અને તેની દેવ-ગુરુ-ભક્તિને!

પ્રથમ મિત્રા દૃષ્ટિ

શિવ સુખ કારણ ઉપદિશી, યોગ તણી અડદિટ્ઠિ રે,
તે ગુણ થુણી જિન વીરનો, કરશું ધર્મની પુટ્ઠિ રે. વીર જિનેશ્વર દેશના. 1

અનાદિ કાળથી આત્માને પોતાના સ્વરૂપની ભ્રાંતિ રહી ગઈ છે. તે સ્વરૂપનો લક્ષ થાય, બાહ્ય પરિણતિ ટળીને અંતર પરિણતિ થાય, તે યોગ. અથવા અંતરાત્મા પરમાત્મા સાથે જોડાય તે યોગ. અથવા मोक्षेण योजनाद् योगः । મોક્ષ સાથે જે જોડે તે યોગ. ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા, દર્શન માત્રથી પણ પાવન કરનાર, કલ્યાણમૂર્તિ એવા જ્ઞાનીપુરુષરૂપ ભાવાચાર્યના દર્શન, સમાગમરૂપ યોગ થવો, ત્યાં યોગની શરૂઆત થાય છે. સત્પુરુષના સમાગમ યોગે જીવની મિથ્યા સમજણ અને શ્રદ્ધા ફરે છે, ત્યારે તે સત્સન્મુખ થાય છે, અને પરિણામે અસપ્રવૃત્તિનો ત્યાગ અને સપ્રવૃત્તિરૂપ વેદ્યöસંવેદ્યપદ કે અખંડ આત્મરમણતારૂપ પરમાત્મપદની પ્રાપ્તિ થાય છે. અહીં જિજ્ઞાસુને જે સશ્રદ્ધાયુક્ત બોધ જાગે છે તે દૃષ્ટિ છે, જે ઉત્તરોત્તર ચઢતા ક્રમથી મુખ્યપણે આઠ ભેદે કહી છે. પહેલી ચાર દૃષ્ટિ યોગ્યતા પ્રાપ્ત થવા માટે છે, તથા પાછળની ચાર દૃષ્ટિમાં સ્વરૂપનો યોગ થયા પછીની દશા જણાવી છે.

kotho

આઠે દૃષ્ટિ સંકલનાબદ્ધ છે, જ્ઞાન અને વર્તનમાં ઉન્નતિ કરતાં બોધબળની વૃદ્ધિ, દોષોનો હ્રાસ, ગુણોનો વિકાસ આદિ અનુક્રમે પ્રાપ્ત થાય છે. તે લક્ષમાં લેવા આઠ દૃષ્ટિનાં અનુક્રમે નામ, અંગ વગેરે નીચે આપ્યાં છે. આ આઠ દૃષ્ટિ મોક્ષને અર્થે ઉપદેશી છે, આ દૃષ્ટિ વિચારવામાં મોક્ષસાધન એ જ હેતુ નિરંતર લક્ષમાં રાખવા યોગ્ય છે અને તે જ્ઞાનીની આજ્ઞાએ વર્તતાં સિદ્ધ થાય છે, અન્યથા યમ-નિયમો-સંયમ આદિ સાધન આપબુદ્ધિએ અનંતીવાર કરવા છતાં જીવે પરિભ્રમણ જ કર્યા કર્યું છે. કારણ કે મોક્ષનો માર્ગ વિકટ છે, તે પોતાની મેળે હાથમાં આવતો નથી. તેથી નિરંતર લક્ષમાં રાખવા યોગ્ય છે કે આ યોગસાધન માત્ર મોક્ષાર્થે શ્રી વીર ભગવાનના ઉપદેશને અનુસરીને કરવાનું છે. અન્ય મતોમાં હઠવાદ કે રિદ્ધિ સિદ્ધિ અર્થે યોગસાધન કરાય છે તેમ ન થવા ``શિવ સુખ કારણ'' એટલે કેવળ નિરુપદ્રવ મોક્ષસુખ પ્રાપ્તિ માટે એ હેતુ પહેલેથી છેલ્લે સુધી લક્ષમાં રાખવા અહીં પ્રથમ શબ્દમાં જ કહ્યું છે. આ કાળના શાસન નાયક છેલ્લા તીર્થંકર શ્રી મહાવીર સ્વામીના ગુણöપરમ ઉપકારને સ્તવીને ધર્મની પુષ્ટિöપ્રભાવના કરીશું. અર્થાત્ આ દૃષ્ટિથી પોતાને તેમ જ અન્યને આત્મધર્મની પ્રાપ્તિöમોક્ષની આરાધના થશે.

આમાં સર્વ કથન શ્રી વીર પ્રભુની દેશના અનુસાર છે.

સધન અધન દિન રયણીમાં, બાલ વિકલ ને અનેરા રે;
અર્થ જુએ જેમ જુજુઆ, તેમ ઓધનજરના ફેરા રે. વીર જિનેશ્વર દેશના. 2

વાદળાંવાળા કે વાદળાં વગરના દિવસ કે રાત્રિમાં, કોઈ બાળક, વૃદ્ધ, ચિત્તભ્રમવાળા કે વિકારી નેત્રવાળા મનુષ્યો કે પશુ વગેરે એક જ પદાર્થને જેમ જુદા જુદા પ્રકારે દેખે છે, સમજે છે, તેમ જગતના જીવો ધર્મ સંબંધી પોતપોતાની સમજણ, ક્ષયોપશમ, કુલસંસ્કાર તથા મળેલા ઉપદેશ અનુસાર અનેક ભિન્ન ભિન્ન દૃષ્ટિ અથવા મત ધરાવે છે.

દર્શન જે થયાં જુજુઆં, તે ઓઘ નજરને ફેરે રે;
ભેદ થિરાદિક દૃષ્ટિમાં, સમકિત દૃષ્ટિને હેરે રે. વીર જિનેશ્વર દેશના. 3

જત્તતમાં જે અનેક પ્રકારના ધર્મમતો પ્રવર્તે છે, તેનું કારણ આ મિથ્યાજ્ઞાન અથવા ઓઘદૃષ્ટિ છે. એ ઓઘદૃષ્ટિને કારણે ધર્મમાં અનેક મતભેદો પડી ગયા છે, ઓઘદૃષ્ટિએ જોતાં ધર્મના અનેક પ્રકાર જણાય છે. પરંતુ થિરાદિક ચાર દૃષ્ટિમાં સમ્યક્દર્શન અથવા આત્માનો વાસ્તવિક યોગ હોય છે, તેથી તે યોગદૃષ્ટિ છે. તે એક જ પ્રકારની છતાં તેમાં ઉત્તરોત્તર વિકાસ થતો જાય છે, તે અપેક્ષાએ મુખ્ય ચાર ભેદ પાડÎા છે. પહેલી ચાર દૃષ્ટિ પણ તે યોગપ્રાપ્તિ માટે યોગ્યતા મેળવવા પ્રયત્નવાળી હોવાથી કારણમાં કાર્યનો આરોપ કરવારૂપે યોગદૃષ્ટિ કહેવાય છે. આ રીતે યોગદૃષ્ટિ આઠ છે. અનાદિથી જીવ ઓઘદૃષ્ટિમાં છે. જ્યારે કોઈ જ્ઞાની સત્પુરુષ મળે અને તેમનું વચન ગ્રહણ કરે ત્યારે તેની ઓઘદૃષ્ટિ ફરીને યોગદૃષ્ટિ થાય છે. તે સદ્ગુરુ કેવા હોય તે કહે છે.

દર્શન સકલના નય ગ્રહે, આપ રહે નિજ ભાવે રે;
હિતકારી જનને સંજીવની, ચારો તેહ ચરાવે રે. વીર જિનેશ્વર દેશના. 4

તે સદ્ગુરુ આત્મજ્ઞાની હોય છે. તેઓ અન્ય દર્શન અથવા મતના નય એટલે દૃષ્ટિબિંદુને જેમ છે તેમ સમજે છે અને પોતે કોઈ મતમાં રાગ, દ્વેષ કે આગ્રહ ન કરતાં આત્મસ્વભાવમાં વર્તવારૂપ સત્ય ધર્મને આરાધે છે. તેઓ અન્ય જીવોની ભિન્ન ભિન્ન સમજણને અનુકૂળ આવે એ રીતે મધ્યસ્થતાથી વાસ્તવિક ધર્મનો ઉપદેશ આપે છે, તે વિષે ચારિસંજીવની ન્યાયનું દૃષ્ટાંત છે.

કોઈ એક પુરુષને બે સ્ત્રાળઓ હતી. તેમાંની નાની સ્ત્રાળએ પતિને પોતાને વશ વર્તાવવા કોઈ યોગિની પાસેથી વશીકરણ ચૂર્ણ માગ્યું, પરંતુ તે યોગિનીએ ભૂલમાં એકને બદલે બીજું ચૂર્ણ આપી દીધું. તે ચૂર્ણ પેલા પુરુષને ખવરાવતાં તેના મંત્રના પ્રભાવથી તે એકાકએક મનુષ્ય મટીને બળદ બની ગયો. આ જોઈ તે બન્ને સ્ત્રાળઓ બહુ જ દુ:ખી થઈ. હવે મોટી સ્ત્રાળ રાત દિવસ તે બળદની ચાકરી કરવા લાગી. એક દિવસ તે બળદને લઈને એક ઝાડ નીચે ચરાવતી રુદન કરતી હતી, ત્યાં ઉપર વિદ્યાધરનું વિમાન આવ્યું. તેમાં બેઠેલી વિદ્યાધરીએ વિદ્યાધરને સ્ત્રાળના રુદનનું કારણ પૂછતાં વિદ્યાધરે પ્રજ્ઞપ્તિ વિદ્યાના પ્રભાવથી જાણીને તે કહ્યું. ત્યારે વિદ્યાધરીએ પૂછÎું કે, હે સ્વામીનાથ ! હવે આ બળદ ફરીથી મનુષ્ય થાય એવો કોઈ ઉપાય છે? વિદ્યાધરે કહ્યું કે આ જ ઝાડ નીચે સંજીવની વનસ્પતિ છે, તેને ચરે તો તે તરત મનુષ્ય બની જાય. આ વાત પેલી સ્ત્રાળએ સાંભળી ત્યાં તો વિમાન દૂર જતું રહ્યું.

 

 હવે તે સ્ત્રાળ ઝાડની હૃદ સુધી કુંડાળું કરીને તેમાંની સર્વ વનસ્પતિ લાવી લાવીને બળદને ચરાવવા લાગી. એમ કરતાં પેલી સંજીવની વનસ્પતિ અજાણતાં બળદના ખાવામાં આવી કે તરત તે મનુષ્ય બની ગયો ! તેવી રીતે જ્ઞાની ગુરુ અન્ય જીવોની સમજણને અનુકૂળ આવે અને હિત થાય એ રીતે વાસ્તવિક ધર્મનો ઉપદેશ કરે છે. તે વચનો ગ્રહણ કરતાં જ્યારે જીવને સત્ય ધર્મ શું તે સમજાય છે, ત્યારે તેની અનાદિ ઓઘદૃષ્ટિ મટીને યોગદૃષ્ટિની શરૂઆત થાય છે.

દૃષ્ટિ થિરાદિક ચારમાં, મુગતિ પ્રયાણ ન ભાજે રે;
રયણીશયન જેમ ક્ષમ કરે, સુરનર સુખ તેમ છાજે રે. વીર જિનેશ્વર દેશના. 5

સ્થિરાદિક ચાર દૃષ્ટિમાં જે જીવ હોય છે તેને મોક્ષમાર્ગનો ભંગ થતો નથી. અર્થાત્ પહેલી ચાર દૃષ્ટિમાં જે દર્શન છે તે પ્રતિપાતી સ્વભાવવાળું છે. તેમાં દર્શનથી ભ્રષ્ટ થતાં જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે, પરંતુ પાંચમી સ્થિરાદૃષ્ટિમાં આવ્યા પછી મોક્ષમાર્ગમાં જ ગમન ચાલુ રહે છે. તે કેવી રીતે? કે જેમ કોઈ નિયત સ્થળે પહોંચવાની તીવ્ર ઈચ્છાથી પ્રયાણ કરતો પથિક રાત્રે આરામ લેવા માર્ગમાં આવતાં કોઈ મુસાફરખાનામાં શયન કરે છે, પરંતુ દિવસ થતાં ફરી બમણા વેગથી ગમન ચાલુ કરે છે. તેમ જ્ઞાની મોક્ષપ્રાપ્તિ માટે પુરુષાર્થ કરતાં આયુષ્ય પૂરું કરે તો ઉત્તમ દેવ અને મનુષ્ય સંબંધી સુખ પામે છે. ત્યાં પણ શુદ્ધ સમ્યક્દર્શન સહિત હોવાથી મોક્ષની ભાવનાને દૃઢ કરે છે અને ફરી અનુકૂળતા મળતાં સંયમમાર્ગ આરાધીને સંપૂર્ણ કર્મનો ક્ષય કરે છે. માટે પ્રતિદિન સમ્યક્-દર્શનની નિર્મળતા કરી પાંચમી દૃષ્ટિ પ્રાપ્ત કરી લેવા માટે આ યોગદૃષ્ટિનું પ્રયોજન છે.

એહ પ્રસંગથી મેં કહ્યું, પ્રથમ દૃષ્ટિ હવે કહીએ રે,
જિહાં મિત્રા તિહાં બોધ જે, તે તૃણ અગનિ સો લહીએ રે. વીર જિનેશ્વર દેશના. 6

ઉપરનું કથન ગ્રંથારંભના પ્રસંગથી પ્રસ્તાવનારૂપે કર્યું. હવે પ્રથમ દૃષ્ટિ કહીએ છીએ. તેનું નામ મિત્રા. મોક્ષમાળામાં કહ્યું છે કે ``મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી.'' સદ્ગુરુ એ જ સાચા મિત્ર છે. સદ્ગુરુનો યોગ થાય ત્યારથી મિત્રાદૃષ્ટિ છે. આ દૃષ્ટિમાં વર્તતા જીવને બોધનું બળ તૃણના અગ્નિ જેવું હોય છે. જેમ ઘાસમાં અગ્નિ નાંખવાથી ભડકો થાય, પછી પાછળ કંઈ અગ્નિ રહે નહીં. તેવી બોધની તાત્કાલિક અસર થાય છે, તેથી ભાવમાં એકદમ ઊભરો આવે પરંતુ તે લાંબો વખત ટકે નહીં તેવો હોય છે.

વ્રત પણ યમ ઈહાં સંપજે, ખેદ નહીં શુભ કાજે રે;
દ્વેષ નહીં વળી અવરશું, એહ ગુણ અંગ વિરાજે રે. વીર જિનેશ્વર દેશના. 7

હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહ એ પાંચ પાપો દુ:ખ અને દુર્ગતિના કારણ છે. તે પાપોથી નિવર્તવારૂપ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ યમ કહેવાય છે. આ પાંચ યમો દેશ કાળ વગેરેની મર્યાદાથી મુક્ત સર્વમાન્ય છે, અર્થાત્ સર્વ મનુષ્યો યથાશક્તિ તેને પાળવામાં ધર્મ સમજે છે. આ પ્રથમ દૃષ્ટિમાં તે પાંચ યમ વ્રતરૂપે ગ્રહણ કરાય છે. તે આ દૃષ્ટિનું `યમ' નામનું અંગ છે. આ દૃષ્ટિવાળાને ખેદ નામનો દોષ દૂર થાય છે અને અદ્વેષ નામનો ગુણ પ્રગટ થાય છે. તેથી ધર્મના કાર્યમાં ખેદ અથવા થાક લાગતો નથી. આજ્ઞા અનુસાર શુભ ક્રિયા કરવામાં ઉત્સાહ હોય છે. સારા કાર્યમાં પ્રીતિ થાય અને ખોટા માર્ગ પ્રત્યે ઉપેક્ષા હોવાથી કોઈ પ્રત્યે દ્વેષ થતો નથી. એમ આ દૃષ્ટિવાળો જીવ અદ્વેષ ગુણવડે શોભે છે. અનાદિ કાળથી ઓઘદૃષ્ટિમાં વર્તતાં જીવને સંસાર અને સંસારનાં કારણોમાં પ્રીતિ હોય છે ત્યાં સુધી મોક્ષ અને મોક્ષનાં કારણો પ્રત્યે જાણે અજાણે દ્વેષ રહ્યા કરે છે તે યોગની આ પહેલી ભૂમિકામાં દૂર થાય છે. કહ્યું છે કે

"સંભવદેવ તે ધુર સેવો સવે રે,
લહી પ્રભુસેવન ભેદ; સેવન કારણ પહેલી ભૂમિકા રે,
અભય અદ્વેષ અખેદ.'' શ્રી આનંદધનજી

યોગનાં બીજ ઈહાં ગ્રહે, જિનવર શુદ્ધ પ્રણામો રે;
ભાવાચારજ સેવના, ભવ-ઉદ્વેગ સુઠામો રે. વીર જિનેશ્વર દેશના. 8

આ દૃષ્ટિમાં જીવ યોગનાં બીજ અથવા સમકિત પ્રાપ્ત થવાનાં કારણો પ્રાપ્ત કરતો રહે છે. આ દૃષ્ટિમાં આવ્યા પહેલાં કંઈ પણ સંસારની ઈચ્છાથી જ ભગવાનને ભજતો હતો, પરંતુ નિષ્કામભાવે શ્રી જિનેશ્વર વીતરાગદેવને વંદન કરવારૂપ શુદ્ધ પ્રણામ થાય તે યોગનું પ્રથમ બીજ છે. ભાવાચાર્ય એવા જ્ઞાની પુરુષની સેવા વૈયાવૃત્ત્ય કરે તથા સંસાર ક્યારે છૂટે એવી અંતરમાં ભાવનારૂપ ભવઉદ્વેગ અથવા વૈરાગ્ય ધારણ કરે. એ ત્રણ યોગનાં મુખ્ય બીજ છે.

દ્રવ્ય અભિગ્રહ પાળવા, ઔષધ પ્રમુખને દાને રે;
આદર આગમ આસરી, લિખનાદિક બહુમાને રે. વીર જિનેશ્વર દેશના. 9

વળી બીજાં પણ યોગનાં બીજ કહે છે. સમકિત, ગ્રંથિભેદ થાય ત્યારે યથાર્થ ભાવની પ્રાપ્તિ થાય, ત્યાં સુધી દ્રવ્યથી સ્થૂળપણે નિયમ પચ્ચક્ખાણ આદિ પાળે તે દ્રવ્ય અભિગ્રહ છે; અથવા અમુક અમુક દ્રવ્યોને ત્યાગવારૂપ દ્રવ્ય અભિગ્રહ તે પણ પાળે. સત્પાત્રે ઔષધાદિ દાન આપવારૂપ ત્યાગ-વૃત્તિને સેવે. આગમ સાંભળે, તેને અનુસરીને વર્તવાનો આદર ભક્તિભાવ જાગે. વળી આગમમાં જે સારું લાગે તે લખે, લખાવે. તેમજ શાસ્ત્રનું બહુમાનöવિનય કરે. લિખનાદિમાં ``આદિ'' છે તે બીજાં પણ યોગબીજને જણાવવા કહે છે.

લેખન પૂજન આપવું, શ્રુતવાચના ઉગ્રાહો રે; ભાવવિસ્તાર સજ્ઝાયથી,
ચિંતન ભાવન ચાહો રે. વીર જિનેશ્વર દેશના. 10

આત્માની જાગૃતિ રહે અને સંસાર ઉપરથી વૈરાગ્ય થાય એવાં શાસ્ત્રાે લખાવવાં, તેવાં શાસ્ત્રાેનું પુષ્પાદિ વડે પૂજન કરવું, પોતાની પાસે હોય તે શાસ્ત્ર અન્યને વાંચવા આપવું, આચાર્ય પાસે શાસ્ત્રનું વારંવાર શ્રવણ કરવું, અને વાચના એટલે શીખવાની આજ્ઞા, ઉગ્રાહો એટલે વિધિપૂર્વકöવિનય નમસ્કાર સહિતö ગ્રહણ કરવા ઉદ્યમી થવું, ગુરુ પાસે તેનો ભાવöઅર્થ, તેમજ વિસ્તાર કરે તે સમજવો અને પછી તદનુસાર સ્વાધ્યાય કરવો, તે સંબંધી ચિંતન, ભાવન એટલે મનન તથા અનુપ્રેક્ષામાં તત્પર રહેવું, એ વગેરે પણ યોગનાં બીજ અથવા કારણ છે.

બીજકથા ભલી સાંભળી, રોમાંચિત હુવે દેહ રે;
એહ અવંચકયોગથી, લહીએ પરમ સનેહ રે. વીર જિનેશ્વર દેશના. 11

એ યોગનાં બીજની જે જે સુંદર કથા હોય તે સાંભળીને પણ રોમાંચ થાય. જેમકે ભીલે જ્ઞાનીની આજ્ઞાથી કાગડાનું માંસ ત્યાગ્યું, એ રૂપ દ્રવ્ય અભિગ્રહ પાળવાથી શ્રેણિકના ભવમાં તે સમ્યક્દર્શન પામ્યો. પૂજા, દાન, તપ, શીલ, વ્રત આદિ યોગનાં બીજ વિષે કથા સાંભળે ત્યારે, પોતે યોગનાં બીજ ગ્રહણ કરતો હોવાથી, અત્યંત ઉલ્લાસ આવે અને અવંચકયોગ પ્રાપ્ત થાય. એમ અવંચકયોગ થવાથી પોતાનું અભિમાન મૂકીને કંઈક ગ્રહણ કરવાની ભાવનારૂપ ધર્મસ્નેહ પ્રગટે છે. જ્યાં સુધી વંચકયોગ હોય ત્યાં સુધી સદ્ગુરુસમીપે પણ પોતાની મહત્તાનો જ વિચાર આવે અને અન્ય પ્રત્યે તુચ્છ ભાવ રહે. મનöવચનöકાયાની પ્રવૃત્તિ જગતને રૂડું દેખાડવા અહંભાવસહિત કરે. તેથી ધર્મસાધન કરતાં પણ સંસારની વૃદ્ધિ થાય. આ સર્વ વંચકયોગ છે. પરંતુ અવંચકયોગ પ્રાપ્ત થતાં ધર્મસ્નેહ પ્રગટે છે. એ રીતે ધર્મસ્નેહ ö ધર્મપ્રાપ્તિની ઈચ્છા જાગૃત થતાં જ્ઞાનીનો વિનય કરે, તે કહે છે.

સદ્ગુરુયોગે વંદન-ક્રિયા, તેહથી ફળ હોય જેહો રે; યોગ-ક્રિયા-ફળ ભેદથી,
ત્રિવિધ અવંચક એહો રે. વીર જિનેશ્વર દેશના. 12

સદ્ગુરુનો યોગ થાય પછી તેની આજ્ઞામાં મનોયોગ પ્રવર્તાવે તે યોગાવંચક છે, જ્ઞાનીની આજ્ઞાએ વચન અને કાયા પ્રવર્તાવે, વંદના આદિ ક્રિયા વિનયપૂર્વક કરે તે ક્રિયા અવંચક છે. અને સદ્ગુરુ સાચા હોવાથી જે પુણ્યરૂપ ફળ બંધાય તે પણ મોક્ષમાર્ગને અવિરોધક એવું હોય તે ફલાવંચક છે. એમ યોગ, ક્રિયા ને ફળ એ ત્રિવિધ અવંચક યોગ થાય ત્યારે પ્રથમ દૃષ્ટિમાં જીવ આવ્યો લેખાય.

ચાહે ચકોરે તે ચંદ્રને, મધુકર માલતી ભોગી રે; તેમ ભવિ સહજ ગુણે હોયે,
ઉત્તમ-નિમિત્ત-સંયોગી રે. વીર જિનેશ્વર દેશના. 13

અહીં અવંચકયોગનું દૃષ્ટાંત આપે છે કે જેમ ચકોર પક્ષી ચંદ્રને ઈચ્છે છે, મધુકર એટલે ભમરો માલતીના પુષ્પમાં આસક્ત થાય છે, તેમ સદ્ગુરુયોગે વંદન ક્રિયા આદિ ઉત્તમ નિમિત્તને આ દૃષ્ટિમાં વર્તતો ભવ્ય જીવ સ્વભાવિક રીતે ચાહે છે. ભાવપૂર્વક તન્મયપણે વંદનાદિ કરે છે. અવંચકયોગથી ભાવમલ દૂર થાય છે.

એહ અવંચક યોગ તે, પ્રગટે ચરમાવર્તે રે; સાધુને સિદ્ધદશા સમું,
બીજનું ચિત્ત પ્રવર્તે રે. વીર જિનેશ્વર દેશના. 14

આ વંચકયોગ છેલ્લા પુદ્ગલ પરાવર્તનમાં વર્તતા એવા અલ્પસંસારી જીવને પ્રગટે છે. જેમ સાધુને સિદ્ધદશાનું નિરંતર લક્ષ્ય રહે છે, બે ઘડી થાય ને અપ્રમત્ત થઈ જ જાય, અર્થાત્ સાધુ જેમ મોક્ષનુ લક્ષ્ય ક્યારેય ચૂકતા નથી, તેમ આ દૃષ્ટિમાં રહેલ જીવ યોગના કાર્યનું વિસ્મરણ ન થવા દે. ઉપર કહ્યાં તેવાં યોગનાં બીજ આરાધવામાં નિરંતર વૃત્તિ રાખે, બીજાં કાર્યમાં વધારે વાર ખોટી ન થાય.

કરણ અપૂર્વના નિકટથી, જે પહેલું ગુણઠાણું રે; મુખ્યપણે તે ઈહાં હોયે,
"સુયશ" વિલાસનું ટાણું રે. વીર જિનેશ્વર દેશના. 15

ક્ષયોપશમ, વિશુદ્ધિ, દેશના, પ્રાયોગ્ય અને કરણ એ પાંચ લબ્ધિ પૂર્ણ કરે ત્યારે જીવને સમકિત થાય છે. તેમાં પાંચમી કરણલબ્ધિના પ્રથમ યથાપ્રવૃત્તિકરણ સુધી આ દૃષ્ટિવાળો જીવ આવી શકે છે. અનાદિથી અહંભાવ, મમત્વભાવને કારણે તેને રાગ દ્વેષ- મિથ્યાત્વની ગ્રંથિ છેદે એવો ભાવ પૂર્વે કોઈ વાર આવ્યો નથી, તે અપૂર્વભાવ અથવા અપૂર્વકરણ માટે જે ઉત્સાહ જોઈએ તે આ દૃષ્ટિમાં હોય છે. તેથી આ દૃષ્ટિના ગુણવાળાને અપૂર્વકરણની નજીકનું એવું પહેલું ગુણસ્થાન કહ્યું છે. શ્રી યશોવિજયજી કહે છે કે સારો યશ ફેલાય એવો અવસર આ પ્રથમ દૃષ્ટિવાળાને પ્રાપ્ત થાય છે.

textborder1

◄ પ્રસ્તાવના

 

બીજી તારા દ્રષ્ટિ ►