• આઠ દ્રષ્ટિમાં..1stvrat-mainpic

  • 1
"समाधिनिष्ठा तु परा, तदासड्गविवर्जिता । सात्मीकृतप्रवृत्तिश्व, तद्रुत्तीर्णाशयेति च ।।178।।"
"આ પરા દ્રષ્ટિ સમાધિનિષ્ઠ અને તે સમાધિના આસંગ દોષથી સર્વથા રહિત એવી હોય છે. વળી તે ચંદનગંધ ન્યાયે સાત્મીભૂત પ્રવૃત્તિવાળી અને
તે પ્રવૃત્તિથી ઉત્તીર્ણ આશયવાળી હોય છે. કારણ કે વાસક ચિત્તનો અભાવ હોય છે. આ દ્રષ્ટિથી કોઇ પર નથી, એ સર્વથી પર છે, સર્વોત્કૃષ્ટ છે,
અત્રે આધ્યાત્મિક વિકાસરૂપ યોગની પરાકાષ્ઠા પ્રાપ્ત થાય છે, પરમ તત્વની સાક્ષાત્ પ્રવૃત્તિ અત્ર હોય છે અર્થાત્ આત્મા સાક્ષાત પરમાત્મા બને છે.

દૃષ્ટિ આઠમી સાર સમાધિ, નામ પરા તસ જાણુંજી;
આપ સ્વભાવે પ્રવૃત્તિ પૂરણ, શશિસમ બોદ વખાણુંજી;
નિરતિચાર પદ એહમાં યોગી, કહીયે નહીં અતિચારીજી;
આરોહે આરૂઢે ગિરિને, તેમ એહની ગતિ ન્યારીજી. 1

આ આઠમી દૃષ્ટિનું નામ પરા છે. આગળની સાત દૃષ્ટિ કરતાં આ આઠમી દૃષ્ટિમાં રહેલા યોગીઓની દશા સર્વોત્કૃષ્ટ હોવાથી તેનું પરા નામ સાર્થક છે. આ દૃષ્ટિનું અંગ સમાધિ છે. ધ્યાનની ઉચ્ચ કોટીનું નામ સમાધિ છે. કેટલાક તેને ધ્યાનનું ફળ કહે છે. ચિત્તનું દેશબંધન થવું તે ધારણા, એકતાનતા થવી તે ધ્યાન અને વર્તમાન બંધઅવસ્થાને શૂન્યરૂપ કરીને પરમાત્મસ્વરૂપે પ્રતિભાસવું તે સમાધિ છે. સાતમા ગુણસ્થાનને અંતે જ્યારે શ્રેણી માંડે છે ત્યારે સમાધિમાં આરૂઢ થયેલા યોગીઓ આ આઠમી દૃષ્ટિમાં પ્રવેશ કરે છે. તેથી આઠમી દૃષ્ટિમાં પૂર્ણપણે આત્મસ્વભાવમાં પ્રવૃત્તિ કરવા રૂપ તત્ત્વપ્રવૃત્તિ નામનો ગુણ પ્રાપ્ત થાય છે. આ દૃષ્ટિમાં બોધનો પ્રકાશ પૂર્ણચંદ્રની શીતળ ચાંદની જેવો આહ્લાદક છે, અર્થાત્ અપૂર્વ જ્ઞાન સાથે અપૂર્વ શાંતિ અનુભવાય છે. પૂનમના ચંદ્ર ઉપર જેમ આછું વાદળ આવ્યું હોય તેની પાર જેમ ચંદ્ર દેખાય, એવો આત્માનો અનુભવ છે. પછી પવન આવે ને વાદળું ખસી જાય તો પૂર્ણપણે ચંદ્ર પ્રકાશે એવી દશા પ્રાપ્ત થાય છે. અર્થાત્ સમાધિને કારણે ઘાતિ કર્મ ક્ષય થઈ શ્રેણીને અંતે કેવલજ્ઞાન પ્રગટ થાય છે. આ આઠમી દૃષ્ટિમાં વર્તતા યોગીઓને સાંપરાયિક ક્રિયાનો અભાવ હોવાથી કોઈ દોષ લાગતા નથી. એ રીતે વ્રત ક્રિયા વગેરેમાં લાગતા સર્વ અતિચારોનો અભાવ થવાથી તેમને નિરતિચાર પદ પ્રાપ્ત હોય છે. તે કેવી રીતે? એ શંકાનો ઉત્તર આપે છે કે જેમ પર્વત ઉપર ચઢતી વખતે થતી ક્રિયા ઉપર ચઢી ગયા પછી કરવાની હોય નહીં. અર્થાત્ આઠમી દૃષ્ટિવાળા યોગીઓની સર્વ ક્રિયા જુદા જ પ્રકારની હોય છે. આગળ જે કર્યું હતું તેના ફળ રૂપે વિના પ્રયાસે થાય છે.

ચંદનગંધ સમાન ક્ષમા ઈહાં, વાસકને ન ગવેષેજી;
આસંગે વર્જિત વળી એહમાં, કિરિયા નિજગુણ લેખેજી;
શિક્ષાથી જેમ રતન નિયોજન, દૃષ્ટિ ભિન્ન તેમ એહોજી;
તાસ નિયોગે કરણ અપૂરર્વ, લહે મુનિ કેવલગેહોજી. 2

જેમ ચંદનગંધને સુવાસિત કરનારની અપેક્ષા હોતી નથી, સહજ સ્વભાવે સુગંધી હોય છે, તેમ શ્રેણીમાં ક્ષમા વગેરે ગુણો સહજ સ્વભાવે હોય છે. તે માટે પ્રયત્ન કે સદ્ગુરુના બોધની જરૂર હોતી નથી. વળી આ દૃષ્ટિમાં આાસંગ (આસક્ત) નામનો દોષ દૂર થયો હોય છે તેથી સાતમી દૃષ્ટિમાં જેમ ધ્યાન માટે પ્રીતિ હતી તેમ અહીં નથી. અર્થાત્ સમાધિ રાખવી એવો ભાવ પણ નથી. ચંદનગંધના ન્યાયે પોતાનો સ્વભાવ પ્રગટ કરવાની જ માત્ર ક્રિયા, વિના પ્રયાસે સહજપણે થાય છે. હવે શ્રેણીમાં દર્શન ગુણ કેવો હોય છે તે કહે છે, કે જેમ રત્નની પરીક્ષા શીખતી વખતની દૃષ્ટિ અને શીખી રહ્યા પછી રત્નનો વ્યાપાર કરતી વખતની દૃષ્ટિમાં ઘણો ફેર હોય છે. અર્થાત્ શીખતી વખતે બહુ અનુભવ નથી, તેથી પરીક્ષા કરતાં વાર લાગે, વિચાર કરવો પડે; પરંતુ વ્યાપારમાં પ્રવીણ થયા પછી જોતજોતામાં પરીક્ષા કરે અને તેમાં ભૂલ સંભવે જ નહીં. તેમ શ્રેણીમાં જે દર્શન છે તે કેવળ નિર્મળ હોય છે. એવી રીતે દૃષ્ટિ ભિન્ન એટલે સાતિશય દૃષ્ટિ હોય છે. તેના કારણે અપૂર્વકરણની પ્રાપ્તિ થાય છે. શ્રેણી માંડે ત્યારે દર્શનમાં પણ ફેર પડે. ક્ષયોપશમ હોય તો ક્ષાયિક થઈ જાય કે ઉપશમ થઈ જાય અને તે દ્વિતીય ઉપશમ કહેવાય છે. તેથી ઉપશમ કે ક્ષપક શ્રેણીમાં દર્શનમોહની કોઈ પ્રકૃતિ ઉદયમાં હોતી નથી. દર્શન કેવળ નિર્મળ હોવાથી `દૃષ્ટિ ભિન્ન' કહ્યું છે. આ બધો ફેરફાર સહેજે આત્મામાં થાય છે. અહીં તો ક્ષપક શ્રેણીની વાત છે. તેમાં ઉપર કહ્યું તેમ નિર્મળ સમ્યક્ત્વના યોગે અપૂર્વકરણ પ્રાપ્ત થાય, પછી તે જીવ અટક્યા વગર આગળ વધી કેવળ શુદ્ધસ્વરૂપ એવું જે પોતાનું વાસ્તવિક ઘર તેને અવશ્ય પ્રાપ્ત થાય છે.

ક્ષીણદોષ સર્વજ્ઞ મહામુનિ, સર્વલબ્ધિફલભોગીજી;
પર ઉપકાર કરી શિવસુખ તે, પામે યોર્ગી અયોગીજી;
સર્વ શત્રુક્ષય સર્વ વ્યાધિલય, પૂરણ સર્વ સમીહાજી;
સર્વ અરથયોગે સુખ તેહથી, અનંત ગુણ નિરીહાજી. 3

એ રીતે અપૂર્વકરણ પછી કેવલજ્ઞાન પ્રગટ થાય તે પહેલાં સર્વ રાગાદિ દોષોનો ક્ષય થાય છે અને તે સર્વજ્ઞ મહામુનિ સર્વ ક્ષાયિક લબ્ધિના કારણે પ્રાપ્ત થાય અનંત સુખના ભોગી થાય છે. અર્થાત્ અનંતજ્ઞાન, અનંતદર્શન, ક્ષાયિક સમકિત, ક્ષાયિક ચારિત્ર, અનંતદાન, અનંતદર્શન, ક્ષાયિક સમકિત, ક્ષાયિક ચારિત્ર, અનંતદાન, અનંતલાભ, અનંતભોગ, અનંતઉપભોગ, અને અનંતવીર્ય એ 9 ક્ષાયિક લબ્ધિ બારમા ગુણસ્થાનને અંતે પ્રગટ થાય છે. પછી તેરમે ગુણસ્થાને વિચરતા તે સર્વજ્ઞ ભગવાન સર્વ જગતજીવોના ઉપકારી થાય છે. તે અવસ્થામાં તેમને કોઈ પ્રકારની ઉત્સુક્તા કે ભલું કરવાની ઈચ્છા નથી. તો પણ પૂર્વના ઉદયાનુસાર તેમના મન વચન કાયાના યોગ લબ્ધિ સહિત પ્રવર્તે છે. તેથી સહેજે ઉપકારી થાય છે. એ રીતે સયોગીકાળ પૂરો કરીને આયુષ્ય પૂરું થવા આવે ત્યારે અયોગીઅવસ્થા અથવા છેલ્લું ચૌદમું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. તે અવસ્થામાં સર્વ કર્મરૂપી શત્રુઓનો નાશ થાય છે. અર્થાત્ બાકી રહેલા ચાર અઘાતી કર્મની પ્રકૃતિઓનો ક્ષય થાય છે. તેથી જન્મમૃત્યુના વિકારવાળો જે સંસારરૂપી રોગ તે તેમનો સર્વથા ટળી જાય છે. સંસાર એ આત્માનો રોગ છે એમ કહેવું તે ઉપચારöકહેવા માત્ર નથી પણ વાસ્તવિક છે, મુખ્ય રોગ છે. જન્મ, જરા, મરણ અનુભવવાં પડે છે એ પ્રત્યક્ષ છે. વળી તે અયોગી ભગવાનને અનંત સુખ પ્રાપ્ત હોવાથી હવે કંઈ મેળવવાનું બાકી રહ્યું નથી તેથી કૃતકૃત્ય થયા છે. તે સુખ કેવું છે? તે કહે છે કે આ લોકમાં જેટલા સુખના પદાર્થો કહેવાય છે તે બધાના સુખનો સરવાળો કરીએ તેથી અનંતગણું સુખ કેવળજ્ઞાન થતાં જ પ્રાપ્ત થાય છે. અને દશમે ગુણસ્થાને લોભનો ક્ષય થયો ત્યારથી કોઈ ઈચ્છા પણ નથી એટલે નિરીહ છે. આ પ્રમાણે ચૌદમે ગુણસ્થાને સર્વ યોગક્રિયા અટકી જવાથી સિંહ જેમ પાંજરાથી ભિન્ન હોય છે તેમ તેઓ દેહરૂપી પીંજરથી સર્વથા ભિન્ન થાય છે. એ અવસ્થામાં માત્ર પાંચ લઘુ અક્ષર બોલે તેટલો કાળ રહીને, આયુકર્મ ક્ષય થવાને છેલ્લે સમયે મુક્ત થઈને, સિદ્ધાલયમાં જઈને ત્યાં સદાને માટે સ્થિર થાય છે.

દૃષ્ટાંત: ગજસુકુમાર

કૃષ્ણ વાસુદેવના ગજસુકુમાર નામના નાના ભાઈ મહા-સુરૂપવાન, સુકુમાર માત્ર બાર વર્ષની વયે ભગવાન નેમિનાથે તેને દીક્ષા આપતા બોધ આપ્યો કે, `દેહ સંબંધી હર્ષ-વિષાદ, રાગ-દ્વેષ ન કરવો.' ગજસુકુમારે અતિઆનંદ પૂર્વક આ બોધ ગ્રહણ કરી, રોમે રોમમાં સમાવી દીધો અને સંસારત્યાગી સાધુ થઈ સ્મશાનમાં ઉગ્ર ધ્યાન કરી રહ્યા હતા; ત્યારે સોમીલ નામના બ્રાહ્મણની સુરૂપવર્ણ-સંપન્ન પુત્રી જોડે ગજસુકુમારનું સગપણ કર્યું હતું. પરંતુ લગ્ન થયા પહેલાં ગજસુકુમાર તો સંસાર ત્યાગી ગયા. આથી પોતાની પુત્રીનું સુખ જવાના દ્વેષથી તે સોમલ બ્રાહ્મણને ભયંકર ક્રોધ વ્યાપ્યો. તે ગજસુકુમારની શોધ કરતો કરતો એ સ્મશાનમાં જ્યાં મહામુનિ ગજસુકુમાર સમાધી-શુદ્ધ ભાવથી કાયોત્સર્ગમાં છે, (આત્મપરિણામની સ્વસ્થતાને શ્રી જિન સમાધી કહે છે. શુદ્ધ ભાવે અસહ્ય દુઃખમાં સમપરિણામથી ક્ષમા રાખનાર મનુષ્ય ભવસાગર તરી જાય છે.) ત્યાં આવી પહોંચ્યો. કોમળ ગજસુકુમારના માથા પર ચીકણી માટીની પાડ કરી અને અંદર ધખધખતા અંગારા ભર્યા, ઈંધન પૂર્યું એટલે મહાતાપ થયો. એથી ગસુકુમારનો કોમળ દેહ બળવા માંડÎો. સોમીલ જતો રહ્યો. એ વેળા ગજસુકુમારના અસહ્ય દુઃખમાં કહેવું પણ શું હોય? પરંતુ ત્યારે તે સમભાવ, સમાધીભાવમાં રહ્યા. કિંચિત્ ક્રોધ કે દ્વેષ એના હૃદયમાં જન્મ પામ્યો નહીં. પોતાના આત્માને સ્થિતિસ્થાપક કરીને બોધ દીધો કે `હું આત્મા છું, દેહ નથી. આ અનુભવ જ ધર્મ છે. દેહ સંબંધીના સુખ કે દુઃખમાં મારે રાજી થવાનું નથી કે દુઃખ પામવાનું નથી કે ખેદ કરવાનો નથી. દેહ તે હું નહિ અને મારો નહિ.' એટલું ચિંતવી દેહ પરથી વૃત્તિ દૂર કરી. અને `હું અસંગ છું, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું, અવિનાશી છું' એ વૃત્તિનો નિýાય અને આશ્રય કરી એ જ વૃત્તિનું બળ રાખ્યું અર્થાત્ નિર્વીકલ્પ સમાધીમાં રહ્યા એવા પરમ શુદ્ધ પરિણામમાં અડગ રહી સમભાવથી તે અસહ્ય વેદના સહીને સર્વજ્ઞ સર્વદર્શી થઈ અનંત જીવન સુખને પામ્યા. કેવી અનુપમ ક્ષમા અને કેવું તેનું સુંદર પરિણામ! તત્ત્વજ્ઞાનીઓનાં વચન છે કે, આત્મા માત્ર સ્વસદ્ભાવમાં આવવો જોઈએ; અને આવ્યો તો મોક્ષ હથેળીમાં જ છે. ગજસુકુમારની નામાંકિત ક્ષમા કેવો વિશુદ્ધ બોધ કરે છે!

જે અડદિટ્ઠિ કહી સંક્ષેપે, યોગશાસ્ત્ર સંકેતેજી;
કુલયોગી ને પ્રવૃત્તચક્ર જે, તેહ તણે હિત-હેતેજી;
યોગીકુલે જાયા તસ ધર્મે, અનુગત તે કુલયોગીજી;
અદ્વેષી ગુરુદેવ દ્વિજપ્રિય, દયાવંત ઉપયોગીજી. 4

યોગશાસ્ત્રના લક્ષણને અનુસરીને સંક્ષેપમાં આ આઠ દૃષ્ટિ કહી છે. જેમ ઘણા દૂધમાંથી માખણ તારવીને તેનું ઘી બનાવવામાં આવે તેમ સર્વ યોગશાસ્ત્રાેના સારરૂપે શ્રી હરિભદ્રાચાર્યે યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથ રચ્યો તેના રહસ્યરૂપે શ્રી યશોવિજયજીએ આ આઠ દૃષ્ટિની સજ્ઝાય રચી છે. આ યોગદૃષ્ટિ આત્મસ્મૃતિ અર્થે તેમજ કુલયોગી અને પ્રવૃત્તચક્રયોગીના હિતને અર્થે કરવામાં આવી છે.

અંતરાત્મા પરમાત્માની સાથે જોડાય તે યોગ છે. "मोक्षेण योजनात् योगः।" મોક્ષ સાથે જે જોડે તે યોગ છે. એ પ્રકારના યોગને જે સાધે તે યોગી છે. સામાન્યપણે યોગીઓ ચાર પ્રકારના કહ્યા છે : ગોત્રયોગી, કુલયોગી, પ્રવૃત્તચક્રયોગી અને નિષ્પન્નયોગી. નિષ્પન્નયોગી યોગમાર્ગના સંપૂર્ણ પરિચિત હોઈ યોગસાધનમાં સારી રીતે આગળ વધેલા છે. તેઓ નિરંતર ધ્યાનસમાધિમાં રહીને યોગસાધનામાં જ વર્તે છે. તેથી તેઓને માટે આ ગ્રંથનું પ્રયોજન નથી. ગોત્રયોગી તે છે કે જેઓ યોગસાધક ગોત્ર અથવા આર્યભૂમિમાં જન્મ્યા છે અને ધર્મનું બાહ્ય આરાધન પણ કરે છે છતાં યોગ સાધન માટે જરૂરના સંસ્કારો અદ્વેષી, ગુરુદેવદ્વિજ પ્રિય આદિ છે તે તેમનામાં નથી અથવા તો તેથી વિપરીત સંસ્કારો છે. જેમકે દ્વેષીöપરનો દ્વેષ કરનારા, મતમતાંતરનો આગ્રહ કરનારા, જ્ઞાની ગુરુ, સર્વજ્ઞદેવ અને યોગસાધક ધર્માત્માઓનો વિરોધ કરનારા, દયા વિનાના અર્થાત્ પાપમાં પ્રવૃત્તિ કરનારા અને અનુપયોગીö અંતર્મુખ - લક્ષ્ય વિનાના હોય તે ગોત્રયોગી છે. તેઓ બાહ્યક્રિયા વગેરે કરવા છતાં યોગ સાધી શકતા નથી. સારી વસ્તુ પણ તેમને વિપરીત પરિણમે છે, તેથી તેઓને માટે પણ આ યોગદૃષ્ટિનું પ્રયોજન નથી. કુલયોગી ગોત્રયોગીથી તેઓના ગુણોને લઈને ભિન્ન પડે છે. કુલયોગી તે છે કે જેઓ યોગને અનુકૂળ સામગ્રીવાળા કુળમાં જન્મ્યા છે અથવા અન્ય અનાર્યકુળમાં જન્મ્યા હોય છતાં આર્દ્રકુમારની સમાન પૂર્વજન્મના સંસ્કારને કારણે યોગમાર્ગને જ અનુસરનારા થાય છે. જેમને યોગપ્રાપ્તિ પૂર્વના સંસ્કારથી છે, કે વર્તમાનમાં સદ્ગુરુયોગે પ્રાપ્ત થઈ છે તે બન્ને કુલયોગી કહેવાય છે. જેમ કુળવાન માણસ અમુક સારા સંસ્કારથી ઓળખાય છે, તેમ કુલયોગી પણ યોગસાધનને અનુકૂળ એવા સારા સંસ્કારથી ઓળખાય છે. તેમાંનાં મુખ્ય અહીં ગણાવ્યા છે :

(1) અદ્વેષી: મંદકષાયી હોવાથી તેઓ કોઈનો દ્વેષ કે નિંદા કરતા નથી, તેથી મતમતાંતરમાં આગ્રહ ન કરતાં મધ્યસ્થપણે સત્યને ગ્રહણ કરનારા હોય છે.

 

(2) ગુરુદેવદ્વિજપ્રિય: સદ્ગુરુ, સર્વજ્ઞ વીતરાગ દેવ, અને દ્વિજ એટલે (બ્રહ્મને જાણે તે, અથવા બ્રહ્મચર્યના અર્થમાં વપરાય છે) સમ્યક્દૃષ્ટિ સંયમી એ ત્રણ ધર્મમૂર્તિ પ્રત્યે પ્રેમ રાખનાર ધર્મપ્રેમી હોય છે.

(3) દયાવંત: કોમળ અંત:કરણવાળા હોવાથી ક્લિષ્ટ પાપોથી વિરમનારા સંયમી કે દેશ સંયમી જિતેદ્રિય હોય છે.

(4) ઉપયોગી: બોધવંત ગ્રંથિભેદ જેને થયો છે. ``ઉપયોગ એ ધર્મ.'' અર્થાત્ સમ્યક્દૃષ્ટિ હોય છે. આ ગુણો જેનામાં પ્રગટ થયા હોય તે કુલયોગી કહેવાય છે.

શુશ્રૂષાદિક અડગુણ સંપૂરણ, પ્રવૃત્તચક્ર તે કહીએજી;
યમદ્વયલાભી પરદુગ અર્થી, આદ્ય અવંચક લહીએેજી;
ચાર અહિંસાદિક યમ ઈદ્ધા, પ્રવૃત્તિથિર સિદ્ધિ નામેજી;
શુદ્ધ રુચે પાલે અતિચારહ, ટાળે ફલ પરિણામેજી. 5

પ્રવૃત્તચક્રયોગી, કુલયોગી કરતાં વિશેષ યોગ્યતાવાળા અને યોગમાર્ગમાં આગળ વધેલા હોય છે. તેઓ શ્રુતજ્ઞાનના ધારક અને શ્રોતાના આઠ ગુણોથી યુક્ત હોય છે. તે આ પ્રમાણે :

(1) શુશ્રૂષા: સાંભળવાની ઈચ્છા.
(2) શ્રવણ: સાંભળવામાં એકાગ્રતા.
(3) ગ્રહણ: અર્થ સમજીને ગ્રહણ કરે.
(4) ધારણ: સ્મૃતિમાં રાખે.
(5) વિજ્ઞાન: તે સંબંધી વિશેષ જ્ઞાન.
(6) ઉહા: શંકા ઉપસ્થિત કરે.
(7) અપોહ: પોતાની કે પરની શંકાનું સમાધાન કરે.
(8) તત્ત્વાભિનિવેશ: જે તત્ત્વનિર્ણય થાય તેને છોડે નહીં.

એ પ્રકારે સમ્યક્ત્વ અને શ્રુત અભ્યાસ ઉપરાંત તેઓ પંચમહાવ્રતના ધારક હોય છે. અહિંસાદિક પાંચ મહાવ્રત તે યમ કહેવાય છે અને તે ઉત્તરોત્તર ચાર ભેદે પળાય છે. તે ભેદો તથા તેના લક્ષણો આપ્યાં છે તે નીચે પ્રમાણે સંબંધ પૂર્વક સમજવાં :

1. ઈચ્છા-શુદ્ધ રુચે. અર્થાત્ શુદ્ધ રુચિથી પંચ મહાવ્રતને ધારણ કરવાં, તે વિષેની કથામાં પ્રીતિ રાખવી તે ઈચ્છામય.

2. પ્રવૃત્તિ-પાળે. પંચમહાવ્રતને ઉપશમ ભાવપૂર્વક પાળવાથી પ્રવૃત્તિમય કહેવાય છે.

3. સ્થિર-અતિચાર ટાળે. અર્થાત્ ઘણો અભ્યાસ થયા પછી અતિચાર લાગતા નથી. એ પ્રકારે અતિચાર ટાળવાથી અર્થાત્ નિરતિચારપણે પંચમહાવ્રત પાળવાથી સ્થિરયમ કહેવાય છે.

4. સિદ્ધિ-ફળ પરિણામે. પંચમહાવ્રત ઘણો કાળ શુદ્ધપણે પાળતાં તેનું ફળ પરિણમવાથી અતિશયો પ્રગટે છે; તેથી અન્યને લાભ પમાડી શકે તે સિદ્ધિયમ છે.

પંચમહાવ્રત પાળનાર સિદ્ધયોગીને અનેક અતિશયો પ્રગટે છે. એવા યોગી પાસે જતાં વૈર શાંત થઈ જાય. તેમને વચનસિદ્ધિ પ્રાપ્ત થઈ હોય તો આશિષ વગેરે આપે તે ફળે. તેમના દર્શનમાત્રથી પણ વિપર્યાસ મટી જાય અને પવિત્ર થવાય. `સત્પુરુષની કૃપાદૃષ્ટિને સમ્યક્દર્શન કહ્યું છે.' એવા સત્પુરુષને પ્રણામાદિ કરવાથી પાપનો ક્ષય થાય, નીચે ગોત્ર તૂટે, તેમનો ઉપદેશ સાંભળતાં ધર્મપ્રાપ્તિ થાય.

પ્રવૃત્તચક્રયોગી ઉપરના ચારમાંથી બે યમને પામ્યા હોય છે અને બાકીના બે માટે પ્રયત્નવાન હોય છે. વળી તેઓ આદ્ય અવંચક એટલે યોગાવંચક હોય છે અર્થાત્ સાચા સદ્ગુરુની પ્રાપ્તિ, તેમના સમાગમે ઉલ્લાસ આવવો અને તેમની આજ્ઞા ગ્રહણ કરવી તથા અપૂર્વભાવે આરાધવી તે અવંચક યોગ છે.

આવા જ્ઞાની ગુરુનું શરણ ગ્રહણ કરવું, અંતરમાં તેમને ધારણ કરવા અને તેમની આજ્ઞાએ મોક્ષમાર્ગની આરાધના કરવી તે અવંચકયોગ છે. તેથી પછી અવંચક ક્રિયાઇંવચન અને કાયાથી વિનયાદિ કરવાં, અને અવંચક ફલઇંમોક્ષને અવિરોધક પુણ્ય બંધાવું, એ બે સહેજે થાય છે. એમ ત્રિવિધ અવંચક થવાથી મન વચન કાયાની વિસંવાદતા ટળે છે અને આત્માને સમાધિનું કારણ થાય છે.

કુલયોગી ને પ્રવૃત્તચક્રને, શ્રવણ શુદ્ધિ પક્ષપાતજી;
યોગદૃષ્ટિગ્રંથે હિત હોવે, તેણે કહી એ વાતજી;
શુદ્ધ ભાવ ને સૂની કિરિયા, બેહુમાં અંતર કેતોજી;
જલહળતો સૂરજ ને ખજુઓ, તાસ તેજમાં જેતોજી. 6

ઉપર કહ્યા તે કુલયોગી ને પ્રવૃત્તચક્રયોગીને ગ્રંથિભેદ થયો હોય છે. તેથી સમકિત થયા પછી શું કરવું? તે જાણવાની તીવ્ર જિજ્ઞાસા હોય છે. ગ્રંથિભેદ થયો હોય તો પણ પછી આગળ કેમ વધવું તે જાણવામાં આવતું નથી. એવા સશ્રુતનો પણ વિરહ હોય છે. સાચુ જાણવામાં આવે એ પણ આ કાળમાં દુર્લભ છે. મુમુક્ષુને સમ્યક્દર્શનની વાતો જેમાં હોય તે શાસ્ત્ર આગમરૂપ જ છે. વળી ભગવાનના વચનો આમાં સંગ્રહ થતાં થતાં આવ્યાં છે, તેથી જે સાચા મુમુક્ષુ જિજ્ઞાસુ હોય તે આ ગ્રંથના શ્રવણને યોગ્ય છે, કારણ કે તેઓ આ યોગદૃષ્ટિ ઘણા લક્ષપૂર્વક સાંભળે છે. તે શ્રવણની ક્રિયા કરતાં પણ તેમના લક્ષ્ય તો શુદ્ધ ભાવમાં જ સ્થિર થવાનું હોય છે. એ રીતે તેમને યોગદૃષ્ટિનું શ્રવણ અને શુદ્ધ ભાવનો પક્ષપાત એ બન્ને લાભ થશે એમ ધારીને આ યોગની વાત કહી છે. આવશ્યક આદિ ક્રિયા કરતી વખતે શુદ્ધ ભાવનો પક્ષપાત હોય. ધ્યાનમાં શુદ્ધભાવ હોય. અહીં કોઈ શંકા કરે કે જેને શુદ્ધભાવનો પક્ષપાત નથી તે શ્રવણ કરે તો તેને પણ લાભ કેમ નહીં? તેના ઉત્તરમાં કહે છે કે શુદ્ધભાવ અર્થે કરેલી ક્રિયા અને શુદ્ધભાવના લક્ષ્ય વગરની ક્રિયા એ બેમાં મધ્યાહ્ને પ્રકાશતો જળહળતો સૂર્ય અને રાત્રે અંધારામાં તગતગતો આગીઓ એ બેના તેજ જેટલો મહાન તફાવત છે. અર્થાત્ શુદ્ધભાવનો પક્ષપાત મહાન પુણ્યબંધનું કારણ, તેમજ સ્થિર અવિનાશી મોક્ષસુખને પ્રાપ્ત કરાવનાર છે, જ્યારે શુદ્ધભાવના લક્ષ્ય વિનાની શૂન્ય ક્રિયા અલ્પ પુણ્યબંધનું કારણ થાય છે તેમજ અસ્થિર એવાં સંસારસુખને જ પ્રાપ્ત કરાવનારી થાય છે. એવો શુદ્ધભાવ થવામાં જીવની યોગ્યતા જરૂરની છે. કારણ કે ઉત્તમ જીવોને જ ઉત્તમ ભાવના થાય છે, તેથી આ ગ્રંથ યોગ્યને આપવો ઘટે છે, અયોગ્યને આપવો ઘટતો નથી. એ વાત ઉપર આચાર્ય હવે ખાસ ભાર મૂકે છે -

ગુહ્યભાવ એ તેહને કહિયે, જેહશું અંતર ભાંજેજી;
જેહશું ચિત્ત પટંતર હોવે, તેહશું ગુહ્ય ન છાજેજી;
યોગ્ય અયોગ્ય વિભાગ અલહતો, કરશે મોટી વાતોજી;
ખમશે તે પંડિત પરષદમાં, મુષ્ટિપ્રહાર ને લાતોજી. 7

ગુહ્યભાવ-આ ગ્રંથનું રહસ્ય જેને અંતર, કર્મથી આંતરો પડÎો હોય અર્થાત્ ગ્રંથિભેદ થઈને સમકિત પ્રગટÎું હોય, તેમજ શુશ્રૂષા ગુણ અર્થાત્ સાંભળવાની તીવ્ર જિજ્ઞાસા જાગી હોય તેવા કોઈ યોગ્ય જીવને જ કહેવા યોગ્ય છે. પરંતુ જેને મિથ્યાત્વરૂપી અંતરપટ ટળ્યું નથી, તેમજ સાંભળવાની ઈચ્છાöજિજ્ઞાસા તેમજ પાત્રતા નથી એવા અયોગ્ય જીવને આ ગુહ્યöગુપ્ત રહસ્ય કહેવું ઘટતું નથી. જેને શ્રવણ ગુણ પ્રગટÎો હોય તેને પ્રાર્થનીય કહ્યો છે. એવા યોગ્ય જીવને બોલાવીને પણ સત્પુરુષો તત્ત્વનું રહસ્ય સમજાવે છે, કારણકે યોગ્યને આપવાથી શ્રેયમાં વિઘ્ન હોય તે દૂર થાય છે. પરંતુ સાંભળનાર અયોગ્ય હોય, અને તેને ગરજ ન હોય અથવા વિપર્યાસવાળો હોય, તો તેને તેમજ આપનારને ઘણી હાનિ થાય છે. જો કે સામાન્યપણે આચાર્યો આ વાત સમજે છે, છતાં આ ગ્રંથનું મહત્ત્વ જોતાં ઉપરની વાત ખાસ લક્ષ્માં રાખવા શ્રી હરિભદ્રાચાર્ય ભાર મૂકીને કહે છે કે જો કોઈ યોગ્યöઅયોગ્યનો ભેદ વિચાર્યા વિના આ ગ્રંથની મહાન ગૂઢ વાતો બાલ અને અપાત્ર જીવો આગળ કહેશે તો તે જીવો માત્ર તે પ્રમાણે બોલતાં શીખી જશે અને તે પ્રમાણે વર્તવા પ્રયત્ન કરશે નહીં, તેથી ઘણો અનર્થ થશે, શાસનની હીલના થશે, અને તેવા અવિચારી આચાર્ય વિદ્વાનોની સભામાં અતિશય ઠપકાપાત્ર ગણાશે. જેમકે કોઈ કિંમતી વસ્તુ ગુપ્ત રાખી હોય, તે વિષે નાના છોકરાને કહેવામાં આવે, તો તે ન કહેવાનું હોય ત્યાં કહી દે, તેથી તે વસ્તુ લૂંટાઈ જાય અને ડાહ્યા માણસો ઠપકો આપે કે નાદાન છોકરાને તે એવું કહેવાતું હશે ! એ રીતે આ ગ્રંથ અયોગ્યને આપનાર વિદ્વાનોની સભામાં ઠપકાપાત્ર લેખાશે. હવે પ્રસંગાનુસાર સભાના પ્રકાર વિષે કહી ભવ્ય જીવોને આશીર્વાદ આપતાં આચાર્ય ગ્રંથ સમાપ્તિ કરે છે-

સભા ત્રણ શ્રોતા ગુણ અવગુણ, નંદી સૂત્રે દીસેજી;
તે જાણી એ ગ્રંથ યોગ્યને, દેજો સુગુણ જગીશેજી;
લોક પૂરજો નિજ નિજ ઈચ્છા-યોગભાવગુણરયણેજી;
શ્રી નયવિજય વિબુધ પયસેવક, વાચક "યશ"ને વયણેજી. 8

શ્રોતાના ગુણ-અવગુણ અનુસાર ત્રણ પ્રકારની સભા શ્રી નંદીસૂત્રમાં કહી છે :

1. ભેદજ્ઞાની ઉત્તમ પુરુષોની સભાöતે રાજહંસની સભા સાથે સરખાવી છે. તેમાં તત્ત્વના ઉત્તમ રહસ્યની વાત કરવામાં આવે તો ઘણી પ્રશંસા થાય છે.

2. બાલ અજ્ઞાનીઓની સભાöતે મૃગબાલની સભા સાથે સરખાવી છે. તેમાં કરેલી તત્ત્વની વાતને શ્રોતાઓ સમજી શકે નહીં તેથી વૃથા જાય છે.

3. દંભી હઠાગ્રહીઓની સભાöતે ગ્રામ્ય વૈદ્યની સભા સાથે સરખાવી છે. તેમાં તત્ત્વની સાચી વાત કહેવા જતાં અનેક કુતર્કો અને હઠવાદ વડે શ્રોતાઓ તેને ખોટી ઠરાવે, નિંદા તથા પક્ષપાત કરે. એમ અનર્થનું કારણ થાય છે.

આ ઉપરથી શ્રોતાનાં લક્ષણો જાણીને જે યોગ્ય હોય તેને સદ્ગુણોની સમૃદ્ધિ થવા અર્થે આ ગ્રંથ આપજો.

યોગશાસ્ત્રમાં વર્ણવેલા ઈચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગની ભૂમિકા પર આ યોગદૃષ્ટિની રચના કરેલી છે, તેથી તે ત્રણેનું સ્વરૂપ અહીં લક્ષ્યમાં લેવું જરૂરનું છે.આત્માનો યોગ થયા પછી વિકથાદિ પ્રમાદને લઈને ધર્મમાં પ્રવર્તન ન થઈ શકે છતાં ઈચ્છા તો તેની જ રહે તે ઈચ્છાયોગ છે. પ્રમાદને જીતીને આગમ અનુસાર અથવા જ્ઞાનીના વચનને અનુસરીને યથાશક્તિ દેશસંયમ કે સંયમમાં પ્રવર્તે તે શાસ્ત્રયોગ છે.

સંયમના બળે કર્મ ખપાવીને આત્માના અનુભવના સામર્થ્યથી કર્મનો ક્ષય કરવામાં પ્રવર્તે તે સામર્થ્યયોગ છે.પાંચમી દૃષ્ટિથી ઈચ્છાયોગ, છઠ્ઠી, સાતમી દૃષ્ટિથી શાસ્ત્રયોગ અને આઠમી દૃષ્ટિથી સામર્થ્યયોગ મુખ્યપણે હોય છે. સામર્થ્યયોગના ધર્મસંન્યાસ અને યોગસંન્યાસ એ બે પ્રકાર છે. તેમાંનો ધર્મસંન્યાસ નામનો સામર્થ્યયોગ છેલ્લે અયોગી અવસ્થામાં મોક્ષે જતા પહેલાં હોય છે.

તથા પ્રકારે આ આઠ દૃષ્ટિની સજ્ઝાયના રચનાર શ્રી નયવિજય પંડિતના શિષ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના વચનોને આધારે ઈચ્છાયોગ, શાસ્ત્રયોગ, અને સામર્થ્યયોગ નામના ભાવગુણરૂપી રત્નો વડે લોકને શોભાવજો.

textborder1