• આઠ દ્રષ્ટિમાં..1stvrat-mainpic

  • 1
"ध्यानप्रिया प्रभा प्रायो, नास्यां रुगत एव हि । तत्वप्रतिपत्तियुता, सत्प्रवृत्तिपदावहा ।।170।।"
"આ પ્રાયે ધ્યાનપ્રિય હોય છે, એથી કરીને જ આમાં "રોગ" નામનો દોષ હોતો નથી. આ દ્રષ્ટિ તત્વપ્રતિપતિ યુક્ત યથાર્થ આત્માનુભવયુક્ત હોય છે અને સતપ્રવૃત્તિ પદને અણનારી હોય છે. "પ્રભા" અર્થાત્ પ્રકુષ્ટ બોધ પ્રકાશ જેનો છે તે. આ દ્રષ્ટિનો બોધ સૂર્યની પ્રભા જેમ અતિ ઉગ્ર તેજસ્વી, બળવાન ક્ષયોપસમસંપન્ન છે. સૂર્યપ્રકાશથી જેમ સર્વ પદાર્થનું બરાબર દર્શન થાય છે તેમ આ દ્રષ્ટિના બોધપ્રકાશથી સર્વ પદાર્થસાર્થનું યથાર્થ દર્શન થાય છે.

અર્કપ્રભાસમ બોધપ્રભામાં, ધ્યાન પ્રિયા એ દિટ્ઠિ; તત્ત્વ તણી પ્રતિપત્તિ ઈહાં વળી,
રોગ નહીં સુખપુટ્ઠિ રે. ભવિકા, વીર વચન ચિત્ત ધરીએ. 1

પ્રભા નામની સાતમી દૃષ્ટિમાં સૂર્યના પ્રકાશ જેવો બોધ હોય છે. તે જ્ઞાનની અત્યંત નિર્મળતા સૂચવે છે. આ દૃષ્ટિમાં શ્રુતકેવલી જેવું જ્ઞાન હોઈ શકે છે. આ દૃષ્ટિનું અંગ ધ્યાન છે. તેથી ધ્યાનમાં અત્યંત પ્રીતિ હોય છે. પાંચમી સ્થિરા દૃષ્ટિમાં સમ્યક્દર્શનની નિર્મળતા દર્શાવી ત્યાં ચોથું ગુણસ્થાન ઘટે છે. છઠ્ઠી કાન્તા દૃષ્ટિમાં શ્રુતજ્ઞાન સ્વાધ્યાયની મુખ્યતા દર્શાવી ત્યાં પાંચમું, છઠ્ઠંષ ગુણસ્થાન ઘટે છે અને આ સાતમી પ્રભાદૃષ્ટિમાં ચારિત્રની અત્યંત નિર્મળતારૂપ ધ્યાનની મુખ્યતા છે. ત્યાં સાતમું ગુણસ્થાન ઘટે છે.

આ દૃષ્ટિમાં તત્ત્વની પ્રતિપત્તિ નામનો ગુણ પ્રગટે છે. અર્થાત્ શુદ્ધાત્મતત્ત્વ પ્રગટ જેમ છે તેમ સ્પષ્ટ જણાય છે. કહ્યું છે કે ચોથા ગુણસ્થાનવાળાને સાતમે કેવી દશા હોય તે સમજાય છે અને સાતમા ગુણસ્થાનવાળાને ચૌદમે કેવી દશા હોય તે સમજાય છે.

ધ્યાનનો પ્રતિપક્ષી રોગ છે. ચારિત્રમોહ એ જ ખરો રોગ છે અને જીવને મુઝવે છે, તેથી દુ:ખ લાગે છે. ચારિત્રમોહ મંદ થાય તેમ તેમ સ્થિરતા રહે અને ધ્યાનનું સુખ અનુભવી શકાય. પૂર્વે જ્ઞાનનો ક્ષયોપશમ કર્યો હોય તેને ચારિત્રમોહ બહુ રોકી શકે નહીં, પરંતુ ધ્યાનના આનંદને રોકે છે. એ રોગ નામનો દોષ આ દૃષ્ટિમાં દૂર થાય છે. બાહ્ય રોગ, ઉપાધિ, અસમાધિ પણ તેને ન હોય અને કદાચ હોય તો તેને ગણે નહીં.

ધ્યાનમાં સુખની જ વૃદ્ધિ થાય છે. હે ભવ્ય જીવો ! વીર ભગવાનના વચનોને ચિત્તમાં ધારણ કરો.

દૃષ્ટાંત: સુકોશલમુનિ

અયોધ્યા નગરીમાં કીર્તિધર રાજાના સહદેવી માતાની કુક્ષિએ જન્મેલા સુકોશલ નામે રાજપુત્ર હતા. રાજાએ ધર્મઘોષ સૂરિવર મ.સા.ની દેશના સાંભળી દીક્ષા લીધી. સુકોશલકુમાર રાજા થયા અને તેમની માતાએ સુકોશલકુમારના દાંત સોનાથી મઢાવ્યા હતા. સુકોશલકુમાર જેમ જેમ પિતાના વખાણ કરે, તેમ તેમ `પુત્ર દીક્ષા ન લઇ લે' એ ભયથી તેની માતા સુકોશલ સામે તેમના પિતાના દોષ કાઢતા.

એક વખત કીર્તિધર મુનિ પોતે તેમના રાજ્યમાં ભિક્ષા માટે આવ્યા હતા, તેની જાણ થતાં જ સહદેવી માતાએ તેમના પુત્રને જાણ ન થાય તે રીતે તેમને રાજ્યની બહાર કઢાવી મુકાયા. જે રાણી સ્વામીનાથ.. સ્વામીનાથ કરતા થાકતી ન હતી તે જ રાણી આજે દેશ નિકાલનો હુકમ આપે છે.

વૃદ્ધ દાસી જ્યારે આ સમાચાર સાંભળે છે ત્યારે તેને રડવું આવી જાય છે, તેને રડતી જોઇ સુકોશલ કારણ પૂછે છે દાસી બધી વાત કરે છે. સુકોશલને થાય છે, અરે! મારા પિતાશ્રી મારા નગરમાં!! મારે એમના દર્શન કરવા છે, એમને મળવું છે. તેણે તુરત જ સૈનિકો દ્વારા નગરમાં પધારવા ફરી આમંત્રણ મોકલ્યું, પરંતુ કીર્તિધર મુનિ ઉપસર્ગનો સંભવ ધારીને તેઓ આવ્યા નહિ. માતાની ગેરવર્તણૂકથી પુત્રને પણ વૈરાગ્ય થયો અને તેઓ પોતે મારતે ઘોડે ત્યાં પહોંચી જાય છે. શાંત અને સૌમ્ય મુનિને જોઇ દિકરાના હૃદયમાં અત્યંત અહોભાવ જાગે છે. તેમના પરમ સાંનિધ્યમાં શીતળતા અને શાંતિ અનુભવી. સુકોશલને ત્યાંને ત્યાં વિચાર આવવા લાગ્યો કે એક તરફ રાજમહેલના સુખો છે અને એક તરફ આ પરમ શાંત સાંનિધ્ય, એક તરફ સાધન સામગ્રીનો વૈભવ છે અને એક તરફ આત્મગુણનો વૈભવ છે. તે તરત જ નિર્ણય લઇ લે છે અને બે હાથ જોડી વિનયપૂર્વક વંદન કરી કહે છે, `હે મુનિરાજ! જો મારામાં યોગ્યતા હોય તો મારે આપના ચરણ અને શરણમાં રહેવું છે.

મુનિએ તેને યોગ્ય અને ભવ્યજીવ જાણી સંસારની અસારતાનો બોધ આપી આત્માની નિત્યતા સંબંધી બોધ આપ્યો. તેથી તે વૈરાગ્યપામી ભગવતી દીક્ષા અંગીકાર કરે છે.

રાણીને આ સમાચાર મળે છે અને એનો ક્રોધ બેકાબુ બની જાય છે, પહેલા પતિ અને હવે પુત્ર! ક્રોધની આગ તો લાગેલી જ હતી એમાં ઘી પુરાયુ એટલે ભડકો થયો. તે ગુસ્સાને સહન ન કરી શકી, આમથી તેમ થતાં થાંભલા સાથે માથું ભટકાણું અને ત્યાંને ત્યાં મૃત્યુને શરણ થઇ. પતિ અને પુત્રના વિયોગથી આર્ત-રૌદ્ર ધ્યાનમાં મૃત્યુ પામવાથી તિર્યંચગતિ બંધાઇ અને એક જંગલમાં વાઘણનો ભવ લીધો.

સમય પસાર થતો ગયો અને એક દિવસ મુનિ બનેલા પિતા - પુત્ર વિહાર કરતા કરતા એ જ જંગલમાંથી પસાર થાય છે, દૂરથી વાઘણ બનેલી રાણી બંનેને જુએ છે. વાઘણને સામે આવતા જોઇ કીર્તિધર મુનિએ `ઉપસર્ગ થશે' એમ ધારી બીજે જવા સૂચના કરી. પરંતુ સુકોશલમુનિ તો ત્યાં ધ્યાનમગ્ન રહ્યા. (પ્રભાદૃષ્ટિનું અંગ ધ્યાન છે, તેથી ધ્યાનમાં અત્યંત પ્રીતિ હોય છે. આ દૃષ્ટિમાં તત્ત્વની પ્રતિપત્તિ નામનો ગુણ પ્રગટે છે અર્થાત્ શુદ્ધાત્મતત્ત્વ પ્રગટ જેમ છે તેમ સ્પષ્ટ જણાય છે. ધ્યાનનો પ્રતિપક્ષી રોગ છે. ચારિત્રમોહ એ જ ખરો રોગ છે અને જીવને મુંઝવે છે. એ રોગ નામનો દોષ આ દૃષ્ટિમાં દૂર થાય છે. બાહ્ય રોગ, ઉપાધિ, અસમાધિ પણ તેને ન હોય અને કદાચ હોય તો તેને ગણે નહિ. ધ્યાનમાં સુખની જ વૃદ્ધિ થાય છે.) વાઘણ આવી મુનિને ઉપસર્ગ કર્યો, પરંતુ શુદ્ધધ્યાનમાં પોતાના સ્વરૂપમાં લીન થઇ મુનિએ દેહત્યાગ કર્યે.

સુવર્ણમંડિત દાંત પંક્તિ જોઇને વાઘણને જાતિસ્મરણ જ્ઞાન થયું અને ગત્ જન્મના પુત્રને ઓળખી પશ્ચાતાપ કર્યો અને શુભધ્યાનથી મરી આઠમે દેવલોકે ઉત્પન્ન થઇ.

 

 સઘળું પરવશ તે દુ:ખ લક્ષણ, નિજવશ તે સુખ લહીએ;
એ દૃષ્ટે આતમ ગુણ પ્રગટે, કહો સુખ તે કુણ કહીએ રે? ભવિકા, વીર વચન ચિત્ત ધરીએ. 2

પર વસ્તુના સુખને સુખ ન માનવાનો અભ્યાસ તો પાંચમી દૃષ્ટિથી હોય છે. પરંતુ હવે ધ્યાનમાં તે પ્રત્યક્ષ પ્રમાણભૂત થાય છે. સ્થિરતા ગુણ ધ્યાન દ્વારા પ્રગટે છે. પરવશ પુદ્ગલને, દેહને આધીન જે સુખ માન્યું છે, તે સર્વ સુખ નહીં પણ દુ:ખરૂપ છે. તેથી ત્યાગવા યોગ્ય છે. જે સુખની પાછળ દુ:ખ આવે તે સુખ નથી. અને નિજવશ=આત્માના ધ્યાનમાં કે સમાધિમાં જે સુખ અનુભવાય છે તે સાચું સુખ છે, તે પ્રાપ્ત કરવા યોગ્ય છે. એ દૃષ્ટે એવી સમજણથી ધ્યાનમાં પ્રવૃત્તિ કરતાં આત્માનો જે સુખ ગુણ અનુભવાય છે, તે સુખ કોને કહીએ? અર્થાત્ તે સુખ કોઈને કહી શકાય તેવું વચનમાં વર્ણવી શકાય તેવું નથી. કદાચ કહેવામાં આવે તો પણ જેને ધ્યાનનો અનુભવ નથી તેને તે સ્વાધીન સુખનો કંઈ ખ્યાલ આવી શકે જ નહીં. એ વાતને દૃષ્ટાંતથી વ્યક્ત કરે છે :

નાગરસુખ પામર નવિ જાણે, વલ્લભ સુખ ન કુમારી;
અનુભવ વિણ તેમ ધ્યાનતણું, કોણ જાણે નરનારી રે. ભવિકા, વીર વચન ચિત્ત ધરીએ. 3

શહેરના ધનાઢÎ નાગરિકો કેવાં સુખ ભોગવે છે તેનો ખ્યાલ જેણે શહેર કદી જોયું નથી એવા ભીલ વગેરે પામરજનોને ગમે તેવું વર્ણન કરવા છતાં આવતો નથી. તેમજ પતિનું સુખ કેવું હોય તેનો ખ્યાલ કુમારિકાને આવતો નથી. તેવી રીતે જેમને ધ્યાનનો અનુભવ નથી એવાં સ્ત્રાળપુરુષોને તે અતીંદ્રિય સુખનો ખ્યાલ આવી શકતો નથી.

એહ દૃષ્ટિમાં નિર્મળ બોધે, ધ્યાન સદા હોય સાચું;
દૂષણરહિત નિરંતર જ્યોતિ, રત્ન તે દીપે જાચું રે. ભવિકા, વીર વચન ચિત્ત ધરીએ. 4

આ દૃષ્ટિમાં અપ્રતિપાતી સમકિત સાથે શ્રુતજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થવાથી સૂર્યના પ્રકાશ જેવી બોધની નિર્મળતા કહી છે. તેથી ભગવાનના વચનનું રહસ્ય ચૌદપૂર્વનો સાર યથાર્થ સમજાય છે, એવા નિર્મળ બોધને કારણે ધ્યાનમાં સહજ પ્રવૃત્તિ થાય છે. વળી ધ્યાનમાં પરમ સુખ અનુભવાતું હોવાથી આ દૃષ્ટિવાળા યોગી બને, તેટલો વખત અપ્રમત્તપણે ધ્યાનમાં સ્થિર રહે છે. તેથી જેમ દૂષણ વિનાનું જાતિવંત રત્ન નિરંતર દીપે છે, તેમ આ દૃષ્ટિમાં રહેલા યોગીનો આત્મા સત્ય ધ્યાન વડે સદા દેદીપ્યમાન દેખાય છે. અહીં પ્રસંગાનુસાર ધ્યાન વિષે સમજવાની જરૂર છે.

ધ્યાન કરવામાં પ્રથમ ધ્યેયનો નિર્ણય કરવો પડે છે. હઠયોગ વગેરેમાં કોઈ પરવસ્તુ ઉપર ચિત્ત એકાગ્ર કરવાનો અભ્યાસ કરવામાં આવે છે અને તેમાં કર્મબંધથી છૂટવું કે મોક્ષપ્રાપ્તિ એ લક્ષ્ય હોતું નથી. અહીં તો મોક્ષને અર્થે પ્રયત્ન કરવાનો હોવાથી આત્માથી જુદું ધ્યેય નથી. પરંતુ સમ્યક્દર્શન ન થાય ત્યાં સુધી આત્મસ્વરૂપનું લક્ષ્ય થતું નથી. અનાદિથી વૃત્તિ બાહ્ય છે, તે દર્શનમોહ અને ચારિત્રમોહને કારણે અંતરમાં વાળવી અશક્ય છે, તેથી સદ્ગુરુ આજ્ઞાએ પ્રથમ ચાર દૃષ્ટિમાં કહ્યા પ્રમાણે પુરુષાર્થ કરતાં જ્યારે દર્શનમોહની મંદતા થાય ત્યારે ધ્યેય વિષે નિ:શંકતા થાય અને જીવ પાંચમી દૃષ્ટિમાં આવ્યો ગણાય. ત્યાર પછી ચિત્તવૃત્તિ વિશેષ વિશેષ એકાગ્ર કરવી અથવા ધ્યેયમાં ચિત્તનું સ્થાપન કરવું તે ધારણા છે. તે માટે છટ્ઠી દૃષ્ટિમાં કહ્યું તેમ નિરંતર શ્રુતનું અવલંબન લેવું પડે છે. એ રીતે અભ્યાસ કરતાં ધારણાના વિષયમાં એક સરખી વહેતી વૃત્તિ અથવા ધ્યેયમાં અંતર્મુહૂર્ત સુધી એકાકાર સ્થિર થવું તે ધ્યાન છે. ધ્યાન કરતાં કરતાં ધ્યેયરૂપ થઈ જવું તે સમાધિ છે. સમાધિમાં ધ્યાન કરનાર અને ધ્યેય વચ્ચે ભેદનો વિકલ્પ નથી. અર્થાત્ ધ્યાનમાં `હું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરું છું' એવો વિકલ્પ છે. તે વિકલ્પ દૂર થાય અને ધ્યેયાકાર વૃત્તિ અંતર્મુહૂર્ત કરતાં અધિક ટકી રહે તે સમાધિ છે. તે મુખ્યપણે શ્રેણીમાં હોય છે. તે વિષે આઠમી દૃષ્ટિમાં કહેવાશે. હવે અહીં અસંગ અનુષ્ઠાન વિષે કહેવામાં આવે છે:

વિષભાગ ક્ષય શાંતવાહિતા, શિવમારગ ધ્રુવ નામ; કહે અસંગ ક્રિયા ઈહાં યોગી,
વિમલ સુયશ પરિણામ રે. ભવિકા, વીર વચન ચિત્ત ધરીએ. 5

જેમ ચાક ફેરવીને દંડ લઈ લેવામાં આવે છતાં ચાક ફર્યા કરે છે તેમ ધ્યાન થઈ રહ્યા પછી ધ્યાનના સંસ્કારના બળથી ધ્યાનના સમય જેવો જે શુદ્ધ પરિણામનો પ્રવાહ રહેવો તે અસંગ અનુષ્ઠાન છે. આ અસંગ અનુષ્ઠાન પ્રાપ્ત થયેલી દશાને ટકાવી રાખનારું અને આગળ ઉપરની દશાને પ્રાપ્ત કરાવનારું હોવાથી મહત્ત્વનું છે. તેને જુદાજુદા દર્શનમાં ભિન્ન ભિન્ન નામથી ઓળખે છે. બૌદ્ધમતના યોગીઓ તેને વિસભાગöક્ષય (વિસ-દ્રશભાવöવિકાર દૂર થવો) એ નામથી ઓળખે છે. સાંખ્યમતના યોગીઓ તેને શાંતવાહિતા કહે છે. શૈવમતના યોગીઓ તેને શિવમાર્ગ કહે છે. પાતંજલ યોગમાર્ગના યોગીઓ તેને ધ્રુવાધ્વા અથવા ધ્રુવમાર્ગ કહે છે અને અહીં એટલે જૈનદર્શનમાં યોગી મુનિઓ તેને અસંગ અનુષ્ઠાન નામથી ઓળખે છે. આ તો છેક ઉપરની વાત કહી પરંતુ તે પહેલા યોગની પ્રાપ્તિ અર્થે પણ અસંગક્રિયાનું અત્યંત મહત્ત્વ છે. ``અસંગપણંા એટલે આત્માર્થ સિવાયના સંગપ્રસંગમાં પડવું નહીંö'' વગેરે કહી છેવટે સર્વ પ્રતિબંધથી છૂટવા કહ્યંષ છે. અહીં સાતમી દૃષ્ટિમાં જે અસંગક્રિયા કહેલી છે તે તો અપ્રતિપાતી ધ્યાનની છેવટની અવસ્થા છે કે જ્યાંથી આગળ શ્રેણી માંડીને જીવ મુક્ત થાય છે. શ્રી યશોવિજયજી કહે છે કે એ રીતે યોગીઓ અસંગભાવથી અબંધકક્રિયા કરીને નિર્મળ પરિણામને સાધે છે અને એ જ મોક્ષમાર્ગ છે.

textborder1

◄ છઠ્ઠી કાંતા દ્રષ્ટિ

 

આઠમી પરા દ્રષ્ટિ ►