• આઠ દ્રષ્ટિમાં..1stvrat-mainpic

  • 1
"तारायं तु मनाक् स्पष्टं, नियमश्च तथाविधः अनुद्वेगो हितारम्भे, जिज्ञासा तत्वगोचरा ।।41।। योगद्रष्टि समुच्चय"
"મિત્રા દ્રષ્ટિમાં ૧) મંદ દર્શન-બોધ ૨) ઇચ્છા આદિક યમ ૩) દેવકાર્ય વગેરેમાં અખેદ ૪) અને અન્યત્ર - અન્ય સ્થળે અદ્વેષ હોય છે.
તારા નામની બીજી દ્રષ્ટિમાં કંઇક સ્પષ્ટબોધ, તેવા પ્રકારના યથાયોગ્ય નિયમ, હિતકારી કાર્યોના આરંભમાં અનુદ્વેગ અને
તત્વ જાણવાના વિષયવાળી જિજ્ઞાસા હોય છે. ।।૪૧।।
તારા દ્રષ્ટિમાં દર્શન-બોધ પહેલી મિત્રા દ્રષ્ટિ કરતાં કંઇક વધારે સ્પષ્ટ - ચોક્ખો હોય છે, એને ગોમયના એટલે છાણાના અન્ગિકણની ઉપમા ઘટે છે.

દર્શન તારાદૃષ્ટિમાં, મનમોહન મેરે; ગોમય અગ્નિસમાન;
મ઼ શૌચ સંતોષ ને તપ ભલું, મ઼ સજ્ઝાય ઈશ્વરધ્યાન. મ઼ 1

પ્રથમ મિત્રાદૃષ્ટિમાં સત્પુરુષનો યોગ થાય, બોધ મળે; પછી પ્રેમ જાગે અને બોધની વૃદ્ધિ થાય એ રૂપ આ બીજી તારાદૃષ્ટિ છે. તેમાં બોધ ગોમય-છાણાના અગ્નિ જેવો હોય છે. અર્થાત્ છાણાનો અગ્નિ તૃણ-અગ્નિ કરતાં ગરમીમાં વધારે હોય છે અને એકદમ ઓલવાઇ ન જતાં આગળ આગળ વધે છે, તેમ બીજી દૃષ્ટિમાં બોધનું બળ વધે છે અને પહેલી દૃષ્ટિ કરતાં કંઇક વધારે વાર ટકે પણ છે. આ દૃષ્ટિમાં નિયમ નામનું અંગ પ્રગટે છે. સદ્વર્તનમાં પ્રવર્તવારૂપ નિયમો મુખ્યપણે પાંચ છે. તે બાહ્ય અને અભ્યંતર એમ બે ભેદે સમજવા યોગ્ય છે.

1) શૌચ: શરીરાદિની પવિત્રતા જાળવે, ક્યાંય આશાતના ન થવા દે એ આદિ બાહ્ય શૌચ અને મનમાં રાગદ્વેષ ન થવા દે તે અભ્યંતર શૌચ.

2) સંતોષ: લાભ-હાનિથી હર્ષ-શોક ન કરે એ આદિ બાહ્ય સંતોષ અને સુખદુઃખમાં સમતા રાખે તે અભ્યંતર સંતોષ.

3) તપ: દેહ-દમનથી ઇદ્રિયનિગ્રહ કરે તે બાહ્ય તપ અને ઇચ્છા-નિરોધથી મન વશ કરે તે અભ્યંતર તપ.

4) સ્વાધ્યાય: સત્શાસ્ત્રનો અભ્યાસ કરે તે બાહ્ય સ્વાધ્યાય અને અંતરમાં બોધ નિરંતર વિચારે તે અભ્યંતર સ્વાધ્યાય.

5) ઇશ્વરધ્યાન: દરેક ક્રિયા કરતાં પ્રથમ ઇષ્ટદેવને સંભારે તે બાહ્ય અને કેવળ અર્પણતા કરીને સ્થિરતા કરે તે અભ્યંતર.

નિયમ પંચ ઈહાં સંપજે, મ઼ નહીં કિરિયા ઉદ્વેગ; મ઼
જિજ્ઞાસા ગુણતત્ત્વની, મ઼ પણ નહીં નિજ હઠ ટેગ. મ઼ 2

એમ સત્માં પ્રવૃત્તિ કરવારૂપ નિયમ મુખ્યપણે પાંચ છે. વિભાવથી નિવર્તીને સ્વભાવમાં આવવા માટે મૌનાદિ બીજા પણ ઉપાય કરે તે બધા એ પાંચમાં સમાય છે. એ નિયમ નામનું અંગ આ દૃષ્ટિમાં પ્રાપ્ત થાય છે. થાકીને કાર્ય છોડી ન દે છતાં તેમાં ઉદ્વેગ એટલે અભાવ થાય એ રૂપ દોષ આ દૃષ્ટિમાં દૂર થાય તેથી શુભ ક્રિયામાં ઉદ્વેગ થતો નથી. પ્રથમ માત્ર સદ્ગુરુ આધારે વર્તતો હતો, પરંતુ હવે પોતાને તત્ત્વ સમજવાની જિજ્ઞાસા થાય તેથી સમજવા માટે પુરુષાર્થ કરે. તત્ત્વ શું હશે? તે જાણવાની તીવ્ર ઈચ્છા એ રૂપ જિજ્ઞાસા નામનો ગુણ આ દૃષ્ટિવાળાને હોય.

આત્માની દયા જાગે કે અહો! મેં અનાદિકાળથી બહુ પરિભ્રમણ કર્યું! હવે તત્ત્વ ક્યારે સમજાશે? કે જેથી સર્વ પરિભ્રમણનો અંત આવે! એવી જિજ્ઞાસા જાગતાં સદ્ગુરુ પાસેથી જાણવાની ઈચ્છા કરે. સદ્ગુરુ મળ્યા પહેલાં જે જે ગ્રહ્યું હોય તેનો આગ્રહ ન કરે. મારું જાણેલું સાચું એમ કરીને તેને જ ન પોષે. અનાદિ કાળથી સ્વચ્છંદ પોષાય તે સારું લાગે છે, તેથી હવે અટકે. પોતાની હઠ છોડે. મેં વાંચ્યું છે, હું સમજું છું, એમ નિર્ણય કરી રાખ્યા હોય તે ન છોડે તો સદ્ગુરુનો બોધ લાગે નહીં. આ ભૂમિકામાં પોતાના ઉપરનો વિશ્વાસ મૂકીને સદ્ગુરુ ઉપર વિશ્વાસ આવે. તે કહે તે કરવા તત્પર થાય. તેમાં વિકલ્પ ન કરે.

દૃષ્ટાંત : વંકચૂલ

વિરાટ દેશના પેઢાલપુર નગરમાં શ્રીચૂળ રાજાને પુષ્પચૂલ અને પૂષ્પચૂલા નામે પુત્ર-પુત્રી હતાં. પુષ્પચૂલ જુગારી, ચોર તથા મારફાડ કરનાર હોવાથી તેનું નામ વંકચૂલ જાહેર થયું. છેવટે તેના પિતાએ પોતાની રાજધાનીમાંથી તેને કાઢી મુક્યો. તે બહેન અને પત્નીની સાથે કોઇ પલ્લીમાં જઇને રહ્યો અને ત્યાંનો એક નાયક મરણ પામવાથી તે પલ્લીનો નાયક થયો અને ચોરની જેમ ધાડ પાડી પોતાનું જીવન ગુજારતો હતો. હવે એક વખત જ્ઞાનતુંગસૂરિ વિહાર કરતા કરતા છેવટે પલ્લી પહોંચી આવ્યા. વંકચૂલ ક્યારેય મહાત્માઓને પલ્લીમાં ઉતારો આપતા નહિ, પણ કોઇ કારણસર પલ્લીમાં ફરજીયાત ચોમાસું કરવું પડશે એમ તેઓએ વંકચૂલને જણાવ્યું, પરંતુ વંકચૂલે કહ્યું કે એક શરતથી જ તમને અહીં ઉતારો આપું કે અહીં કોઇને પણ તમારે ઉપદેશ આપવો નહિ.

જ્ઞાન-ધ્યાનમાં ચોમાસું પુરું કર્યા બાદ વિહાર કરતાં તેઓ પલ્લિનગરની હદ ઓળંગે છે અને વંકચૂલને ભવ્ય જીવ જાણી તેને બોધ આપતા કહે છે, `હે ભવ્ય! દેહ ને દેહાદી સંબંધો અને લક્ષ્મી આ બધું એક ભવના સંબંધ છે, તું તો ત્રિકાળ સત્ અને શાશ્વત સિદ્ધ સમાન આત્મા છે આમ બોધ આપી તેને ચાર નિયમો આપે છે. પૂર્ણ ચોમાસા દરમ્યાન વંકચૂલની શરત પર અડગ રહેનાર આ મહાત્માએ હૃદયના કોઇક ખૂણામાં સ્થાન પ્રાપ્ત કરી લીધું હતું આથી તે આ ચાર નિયમ પાળવાનું વચન આપે છે.

જ્ઞાનીએ આપેલા નિયમો 1) અજાણ્યા ફળ ખાવા નહિ 2) કોઇ પણ જીવ પર તલવાર ઉગામતા પહેલા સાત ડગલા પાછળ જવું. 3) રાજાની રાણી જોડે ભોગ કરવો નહિ. 4) કાગડાનું માંસ ખાવું નહિ.

ચારેય વ્રતોના ફળ આ પ્રમાણે છે. 1) બન્યું એવું કે ધાડ પાડવા જતા એક વખત રસ્તામાં ભૂખને લીધે તેની સાથેના ભિલ્લ લોકોએ કિંપાક નામના આકર્ષક ઝેરી ફળ ખાધાં આ ફળ ઝેરી હોવાથી તત્કાલ તેઓ મૃત્યુ પામ્યા પણ વંકચૂલ તેના નિયમ પ્રમાણે અજાણ્યા ફળ ખાતો નથી માટે તેને આ નિયમથી જીવનદાન મળે છે. વંકચૂલ તેના જ્ઞાની ગુરૂ ભગવંતનો બોધ યાદ કરી ઉપકાર વેદે છે. 2) વંકચૂલ એક વખત ગામ બહાર ગયેલો અને અહીં તેના જ ગામમાં શત્રુ દેશના નટો આવીને પોતાનો ખેલ જોવા વંકચૂલને આમંત્રણ આપ્યું, `વંકચૂલ ઘેર નથી' એમ કહે તો શત્રુઓ તેના તમામ ઘર, માલ-મિલ્કત લૂંટી લે, તેથી તેના શત્રુઓને જાણ ન થવા દેવા માટે તેની બહેન પુષ્પચૂલાએ પુરુષવેષ પહેરી ખેલ જોઇ તેઓને ઇનામથી રાજી કરી દીધા. 

 

મોડી રાત્રે ઘેર પાછી ફરવાથી એમને એમ પુરુષવેષમાં જ ભાભીની પડખે સૂઇ ગઇ. તેવામાં વંકચૂલ પોતાના ગુપ્ત માર્ગથી ઘરે પહોંચે છે, તો પોતાની સ્ત્રાળને પુરુષની સાથે સૂતેલી જોઇ ક્રોધમાં તેને મારી નાંખવા તલવાર ઉગામે છે, પરંતુ નિયમ પ્રમાણે તે સાત ડગલા પાછળ ફરતા ફરતા તલવાર ભીંત સાથે અથડાતા અવાજથી તેની બહેન પોતાના ભાઇને ખમ્માવિરા કહેતા જાગી ઊઠી, અને પુરુષના વેશનો ખુલાસો કર્યો. પોતે ભયંકર પાપ કરતાં બચી ગયો માટે તેને જ્ઞાની ગુરુ ભગવંતનો બોધ યાદ આવે છે કે, `આ દેહ, સ્ત્રાળ, બહેન આદી માત્ર એક ભવના સંબંધ છે માટે હે ભવ્ય! મોહ કરીશ નહિ, દ્વેષ કરીશ નહિ.' આમ બોધને વીચારતા તેનો નિયમ પ્રત્યેનો ઉદ્વેગ દુર થાય છે. 3) એક વાર રાત્રે તે ચોરી કરવા રાજ મહેલમાં ગયો, રાત્રિના અંધારામાં રાણીને હાથ અડી જવાથી રાણી જાગી જાય છે. રાણી કામી હોવાથી વંકચૂલ પાસે ભોગની માંગણી કરે છે, ત્યારે વંકચૂલને તેના ત્રીજા નિયમ પ્રમાણે તેને રાણીને પોતાની માતાની સમાન કહી. આ સાંભળી રાણી ક્રોધાયમાન થઇ બૂમો પાડી સિપાહીઓને બોલાવી લીધા, પણ રાજાએ ગુપ્તપણે તેમના સંવાદો સાંભળી લીધા હતા અને રાજાએ તેને પોતાનો વિશ્વાસુ સામંત બનાવ્યો અને ચોરીનો ધંધો છોડાવી દીધો. અહીં ફરી તેને જ્ઞાની ગુરૂનો બોધ સાંભર્યો, શ્રદ્ધા દૃઢ થઇને સત્માર્ગ પ્રત્યે પ્રેરાવા લાગ્યો. 4) સામંત હોવાને લીધે એક યુદ્ધમાં તે શત્રુઓના હાથે ઘવાઇ જાય છે, રાજાના હુકમથી રાજવૈદ્યો તેને સાજો કરવા ઔષધીઓ તૈયાર કરે છે અને કાગડાનું માંસ ઔષધ તરીકે લેવા ભલામણ કરે છે, પણ વંકચૂલ નિયમ અનુસાર ના કહી અડગ રહે છે. નગરના શ્રેષ્ઠ શ્રાવક અને રાજાના મિત્ર જિનદાસને બોલાવી વંકચૂલને સમજાવવા પ્રયત્ન કરે છે. જિનદાસે માત્ર પરીક્ષા લેવા તેને ભલામણ કરી, પણ વંકચૂલે તેને ઠપકો આપ્યો અને નિયમમાં અડગ રહ્યો. તે શુભવિચારે ચડી ગયો કે મારા જ્ઞાની ગુરુએ જેવો આત્મા જાણ્યો, જોયો, અનુભવ્યો તેવો જ મારો આત્મા છે તેની મને નિરંતર શ્રદ્ધા રહો અને આમ ગુરૂનો ઉપકાર વેદતા વેદતા આત્મભાવની વિચારણા કરતા સુગતિ મરણને પામ્યો.

આ દૃષ્ટિવાળાને અશુભમાં પ્રવૃત્તિ ન હોવાથી ભવનો અત્યંત ભય થવાનું કારણ નથી છતાં સંસારનાં સુખ પણ તેને દુઃખરૂપ લાગે છે, તેથી સંસારને સર્વથા દુઃખની ખાણ માને, ભવના ભયથી ત્રાસ પામે, ફરી તેમાં જવા જેવું નથી એમ લાગે, ભવનો અંત આવશે એમ લાગે છે, તેથી ગભરામણ થતી નથી, પણ તે વધારવા જેવો નથી અથવા વધી ન જાય તે માટે જાગૃત રહેવા યોગ્ય છે, એમ નIાળ લાગે છે. આત્માર્થ સિવાયની બીજી નકામી વાતચીતોમાં વધારે ખોટી ન થાય. છાણાનો અગ્નિ ગુપ્ત રીતે લાગ્યા કરે તેમ આત્મહિતનું કાર્ય ગુપચૂપ કર્યા કરે. શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે આ દૃષ્ટિમાં વર્તતો જીવ લોકમાં સુયશને પામે.

એહ દૃષ્ટિ હોય વરતતાં, મ઼ યોગકથા બહુ પ્રેમ; મ઼
અનુચિત તેહ ન આચરે, મ઼ વાળ્યો વળે જેમ હેમ. મ઼ 3

આ દૃષ્ટિમાં વર્તતા મુમુક્ષુને યોગકથા ö સમ્યક્દર્શનની પ્રાપ્તિ અને તે પછી મહા-પુરુષોએ કરેલા પુરુષાર્થની કથા સાંભળવી અત્યંત પ્રિય હોય છે. ભવભીરુ હોવાથી અનુચિત આચરણ, પાપમાં પ્રવૃત્તિ કોઈ પ્રકારે કરતો નથી. છૂટવાની કામી હોવાથી સદ્ગુરુ જેમ કહે તેમ કરવા તત્પર હોય. પહેલાં આમ કહેતા હતા, હવે આમ કેમ કહે છે એવી શંકા ન કરે, પરંતુ સુવર્ણની સમાન જેમ વાળે તેમ વળે. અર્થાત્ મારા આત્માના હિત માટે કહે છે, તેથી જેમ કહે તેમ કરે.

વિનય અધિક ગુણીનો કરે, મ઼ દેખે નિજગુણહાણ; મ઼
ત્રાસ ધરે ભવભય થકી, મ઼ ભવ માને દુ:ખખાણ. મ઼ 4

પોતાના કરતાં અધિક ગુણવાનનો વિનય કરે, પોતામાં ગુણ છતાં ગુણ ન માને. પોતામાં ઊણપ લાગે, તેથી જે બાકી હોય તે પુરું કરું એમ રહે, પોતાનાં વખાણ ન કરે. વીસ દોહામાં કહ્યું છે તેમ પોતાના દોષ જુએ. આ દૃષ્ટિવાળાને અશુભમાં પ્રવૃત્તિ ન હોવાથી ભવનો અત્યંત ભય થવાનું કારણ નથી છતાં સંસારનાં સુખ પણ તેને દુ:ખરૂપ લાગે છે. તેથી સંસારને સર્વથા દુ:ખની ખાણ માને. ભવના ભયથી ત્રાસ પામે. ફરી તેમાં જવું નથી એમ લાગે. ભવનો અંત આવશે એમ લાગે છે, તેથી ગભરામણ થતી નથી, પણ તે વધારવા જેવો નથી અથવા વધી ન જાય તે માટે જાગૃત રહેવા યોગ્ય છે, એમ નIાળ લાગે છે.

શાસ્ત્ર ઘણાં મતિ થોડલી, મ઼ શિષ્ટ કહે તે પ્રમાણ; મ઼
"સુયશ" લહે એ ભાવથી, મ઼ ન કરે જૂઠ ડફાણ. મ઼ 5

શાસ્ત્રાે ઘણાં છે, તેનો પાર નથી. તે બધા સમજવા જેટલી બુદ્ધિ પણ મારામાં નથી. વળી આ કાળમાં આયુષ્ય ઓછાં તેથી આપ્તપુરુષ - જ્ઞાની કહે તે માન્ય કરવું. જ્ઞાની જાણે છે એવો ભાવ થયો તો એમણે કહ્યું તે માન્ય કરવું. જ્ઞાનીનું વચન તે જ શાસ્ત્ર છે ને તે જ મને તારવાને સમર્થ છે, અનાદિકાળથી શાસ્ત્રાભ્યાસ વગેરે તો ઘણુ કર્યું પરંતુ આ નથી કર્યું, એમ જ્ઞાની પર શ્રદ્ધા વધતી જાય છે. આપ્તપુરુષ કહે તે માન્ય કરવા યોગ્ય છે, એ ભાવ પ્રાપ્ત થવાથી સ્વચ્છંદે સમજવા ö સમજાવવાનો ડોળ ન કરે. તેમજ જે ગુણ પોતાને પ્રગટÎો નથી તે હોવાનો જૂઠો અસત્ય આડંબર કરે નહીં. આત્માર્થ સિવાયની બીજી નકામી વાતચીતોમાં વધારે ખોટી ન થાય. છાણાનો અગ્નિ ગુપ્ત રીતે લાગ્યા કરે તેમ આત્મહિતનું કાર્ય ગુપચૂપ કર્યા કરે. શ્રી યશોવિજયજી કહે છે કે એમ આ દૃષ્ટિમાં વર્તતો જીવ લોકમાં સુયશને પામે.

textborder1

◄ પહેલી મિત્રા દ્રષ્ટિ

 

ત્રીજી બલા દ્રષ્ટિ ►