• શ્રી ભક્તામરસ્તોત્ર

    ભગવાન ઋષભદેવ જાણે કે અત્યારે સમવસરણમાં સાક્ષાત્ બિરાજી રહ્યા હોય. દેવ¬દેવેદ્રો આવીને પ્રભુના ચરણોમાં ભક્તિથી મસ્તક ઝુકાવતા હોય, ને તે પ્રભુની સન્મુખ પોતે પણ ભાવભીની સ્તુતિ કરતા હોય;-એવી રીતે પરમાત્માને પોતાના જ્ઞાનમાં સાક્ષાત્ કરીને શ્રી માનતુંગ મુનિરાજ આ સ્તુતિનો પ્રારંભ કરે છે.

    ભક્તામર ગાથા 1થી 48

  • 1
ગાથા - ૪થી
वक्तुं गुणान् गुण-समुद्र ! शसाड्क-कान्तान् कस्ते क्षमः सुरगुरु-प्रतिमोऽपि बुद्धया ।
कल्पान्त-काल-पवनोद्धत-नक्रचक्रं को वा तरीतु-मल-मम्बु-निधिं भुजाभ्याम् ।।4।।
  વક્તું ગુણાન્ ગુણ-સમુદ્ર ! શસાડ્ક-કાન્તાન્ કસ્તે ક્ષમ: સુરગુરુ-પ્રતિમોऽપિ બુદ્ધયા ।
કલ્પાન્ત-કાલ-પવનોદ્ધત-નક્રચક્રં કો વા તરીતુ-મલ-મમ્બુ-નિધિં ભુજાભ્યામ્ ।।4।।

હે ચંદ્ર જેવી ઉજ્જવળ ક્રાંતિવાળા દેવ! આપ તો ગુણના સમુદ્ર છો, અનંત ગુણનો સમુદ્ર આપના આત્મામાં ઊછળી રહ્યો છે, તે ગુણોનું વર્ણન કરવા બૃહસ્પતિ જેવા બુદ્ધિમાન પણ કોણ સમર્થ છે? અહા, આપના અચિંત્ય ગુણો!-વાણીનો વિલાસ ત્યાં પહોંચતો નથી, તે વિકલ્પમાં તે આવતા નથી. વચન-વિકલ્પોથી પાર સ્વાનુભવ વડે જ તેનો પાર પમાય છે. જેમ-પ્રલયકાળે (પંચમ આરાના છેડે) કલ્પાંતનો એવો ઉગ્ર પવન ફૂંકાશે કે દરિયાના મોટામોટા મોજાંમાં મગરમચ્છના સમૂહ પણ ઊછળી જશે. આવા ઊછળતા દરિયાને બે હાથથી તરવા કોણ સમર્થ છે! તેમ આ પંચમ કાળમાં શ્રદ્ધા-જ્ઞાનરૂપી બે હાથ વડે હું ભવસમુદ્રને તરવાનું સાહસ કરું છું; આપની ભક્તિવડે હું જરૂર ભવસમુદ્રને તરી જઇશ...વિકલ્પથી પાર થઇને સ્વાનુભૂતિ વડે હું અનંતગુણનો અનુભવ કરીશ.-આમ ધર્મીજીવ સમ્યક્ શ્રદ્ધા-જ્ઞાનના બળે ભવસમુદ્રને તરવાનો ઉદ્યમ કરે છે.  હે પ્રભો! રાગથી ભિન્ન ચૈતન્યભાવને જેઓ નથી અનુભવતા એવા અભવ્ય કે મિથ્યાદૃષ્ટિ જીવો ખરેખર આપને નમી શકતા નથી, ઉપાસી શકતા નથી, આપના અતીદ્રિય સ્વરૂપને તેઓ ઓળખતા જ નથી; તેઓ ભવસમુદ્રને તરી શકતા નથી. રાગથી ભિન્ન એવા ચૈતન્યભાવના અનુભવ વડે સમ્યગ્દૃષ્ટિ-જીવો જ આપને ખરેખર ઓળખીને નમે છે, ઉપાસે છે ને ભવસમુદ્રને તરી જાય છે. પ્રüા:- વ્યવહાર દેવ-ગુરુની શ્રદ્ધા કરીને અજ્ઞાની જીવ અનંતવાર ઊંચા સ્વર્ગમાં, નવમી ગ્રૈવેયક સુધી ગયો, છતાં `તે ભગવાનને નથી નમતો' એમ કેમ કહ્યું?
ઉત્તર:- હે ભાઇ! જે રાગમાં અટકયો તે વીતરાગને નમ્યો કેમ કહેવાય? રાગથી જુદો પડે તો જ વીતરાગને સાચા નમસ્કાર થાય. વીતરાગ દેવની ઉપાસના વીતરાગ ભાવ વડે થાય છે. રાગવડે નહિ.-સાથે રાગ હો ભલે, પણ રાગ તે કાંઇ ઉપાસના નથી, તે મોક્ષમાર્ગ નથી. જેટલી વીતરાગતા થઇ તેટલી જ સર્વજ્ઞની ઉપાસના અને તેટલો જ મોક્ષમાર્ગ છે; અને તે તો ભેદજ્ઞાની જીવોને જ હોય છે. જેને ભેદજ્ઞાન નથી તે ભગવાનને નથી નમતો, પણ રાગને નમે છે.

 

Bhaktamar-Gatha 4

અરે ભાઇ, તેં આત્માને તો ન ઓળખ્યો ને સર્વજ્ઞ ભગવાનનેય સાચા સ્વરૂપે કદી ન ઓળખ્યા.
ભગવાનની ભક્તિના નામે પણ તેં અજ્ઞાનથી રાગનું જ સેવન કર્ય઼ું. જે રાગને નમ્યો તે ભગવાનને નહી નમે; ને જે ભગવાનને નમ્યો તે રાગને નહી નમે. નહિ નમશે...નહિ નમશે, નિશાન ભૂમિ ભારતનું સ્વરાજ લેવા માટે એમ બોલતા;-તેમ અહી કહે છે કે- એનહિ નમશે, નહિ નમશે, ધર્મી રાગને નહિ નમશે સર્વજ્ઞપદના સાધક (મોટાના છોરૂ) થયા તે હવે તુચ્છ-રાગને નહી નમે. જુઓ તો ખરા, સર્વજ્ઞની અલૌકિક સ્તુતિ કરતા જાય છે અને સાથે સાથે નમ્રતા પણ પ્રગટ કરતા જાય છે.
આપના ગુણો તો દરિયા જેટલા ને મારી બુદ્ધિ અલ્પ! હે દેવ! ઉપશમરસથી ઉછળતા આપના કેવળજ્ઞાનાદિ અનંત ગુણસમુદ્રનું વર્ણન કોણ કરી શકે? અરે, બૃહસ્પતિ જેવા એટલે દેવોમાં ગુરુસમાન, બારઅંગ ધારક, તેઓ પણ અસંખ્ય વર્ષો સુધી હજારો જીભે આપનાં ગુણગાન ગાય તોપણ આપના ગુણોનું પૂરું વર્ણન કરી નથી શકતા; એનો પાર તો અનુભવથી જ પમાય છે, વચનથી કે વિકલ્પોથી પાર નહિ પમાય. એમ લક્ષમાં રાખીને, પરમ પ્રીતિને લીધે હું આપના ગુણોનું સ્તવન કરું છું.

 

ભગવાનના ગુણોની આ સ્તુતિ કાંઇ ભગવાનને રાજી કરવા માટે નથી પણ પોતાના ભાવમાં ગુણના પ્રમોદ વડે તેની ભાવના કરીને વિશુદ્ધિ માટે છે. ને તે વિશુદ્ધિથી સંવર નિર્જરા પણ થાય છે. એટલે ખરેખર તો સ્તુતિના બહાને ભેદજ્ઞાનની ભાવના વડે જ ભવનો નિસ્તાર થાય છે.

  • કુંદકુંદસ્વામીએ એ જ વાત પ્રવચનસારમાં સમજાવી છે-

જે જાણતો અરહંતને ગુણદ્રવ્ય ને પર્યયપણે,
તે જીવ જાણે આત્મને, તસુ મોહ પામે લય ખરે. (80)

  • સમયસારમાં પણ પરમાર્થસ્તુતિના વર્ણનમાં એ જ વાત બતાવી છે-

જીતી ઈદ્રિયો જ્ઞાનસ્વભાવે અધિક જાણે આત્મને, નિýાયવિષે સ્થિત સાધુઓ, ભાખે જિતેદ્રિય તેહને. (31)

  • નિયમસારમાં પણ તેઓશ્રી કહે છે-

શિવપંથ સ્થાપી આત્મને નિર્વાણની ભક્તિ કરે, તે કારણે અસહાય ગુણ નિજ આત્મને આત્મા વરે. (136)

  • પંચાસ્તિકાયમાં પણ કહે છે કે -

તે કારણે મોક્ષેચ્છુ જીવ અસંગ ને નિર્મમ બની, સિદ્ધો તણી ભક્તિ કરે, ઉપલબ્ધિ જેથી મોક્ષની. (169)

તેથી ન કરવો રાગ જરીયે કયાંય પણ મોક્ષેચ્છુએ; વીતરાગ થઇને એ રીતે તે ભવ્ય ભવસાગર તરે. (172)

જુઓ તો ખરા, જૈનશાસનમાં સર્વત્ર જ્ઞાનસ્વભાવના અનુભવનો ને વીતરાગતા કરવાનો જ ઉપદેશ છે. જેમ નાનો બાળક પણ `આવડો મોટો દરિયો'’-એમ પોતાના બે હાથ પહોળા કરીને દરિયાનું વર્ણન કરવાની ચેષ્ટા કરે છે, તેમ હે દેવ! મારા શ્રદ્ધા-જ્ઞાનરૂપી બે નાનકડા હાથને વિસ્તારીને હું આપના ગુણસમુદ્રની સ્તુતિ કરું છું.-આમ કહીને મુનિરાજે સર્વજ્ઞની સ્તુતિના અદ્ભુત ભાવોની રેલમછેલ કરી છે. (4)

advt02.png