• શ્રી ભક્તામરસ્તોત્ર

    ભગવાન ઋષભદેવ જાણે કે અત્યારે સમવસરણમાં સાક્ષાત્ બિરાજી રહ્યા હોય. દેવ¬દેવેદ્રો આવીને પ્રભુના ચરણોમાં ભક્તિથી મસ્તક ઝુકાવતા હોય, ને તે પ્રભુની સન્મુખ પોતે પણ ભાવભીની સ્તુતિ કરતા હોય;-એવી રીતે પરમાત્માને પોતાના જ્ઞાનમાં સાક્ષાત્ કરીને શ્રી માનતુંગ મુનિરાજ આ સ્તુતિનો પ્રારંભ કરે છે.

    ભક્તામર ગાથા 1થી 48

  • 1
ગાથા - ૮મી. પ્રભુગુણના સાનિધ્યને લીધે સ્તોત્રની શોભા..
मत्वेति नाथ! तब संस्तवनं मयेद-भारभ्यते तनुधियाऽपि तव प्रभावात् ।
चेतो हरिष्यति सतां नलिनी-दलेषु मुक्ताफल-द्युति-मुपैति ननूद-बिन्दुः ।।8।।
  મત્વેતિ નાથ! તબ સંસ્તવનં મયેદ-ભારભ્યતે તનુધિયાऽપિ તવ પ્રભાવાત્ ।
ચેતો હરિષ્યતિ સતાં નલિની-દલેષુ મુક્તાફલ-દ્યુતિ-મુપૈતિ નનૂદ-બિન્દુ: ।।8।।

Bhaktamar-Gatha 8

હે દેવ! એ રીતે આપની સ્તુતિનો અપાર મહિમા જાણીને, હું અલ્પબુદ્ધિ હોવા છતાં આપના સ્તવનનો પ્રારંભ કરું છું; પ્રભો! આપના ગુણના પ્રભાવને લીધે આ સ્તવન (ભક્તામરસ્તોત્ર) સજ્જન પુરુષોના ચિત્તને હરી લેશે; આ સ્તવનમાં આપના ગુણનો મહિમા દેખીને સત્પુરુષોનું ચિત્ત પ્રસન્ન થશે.-જેમ ખીલેલા કમળ ઉપર બા]ેલું ]ાકળનું બિંદુ પણ મોતી જેવી ચમકથી શોભી ઊઠે છે, તેમ આ સ્તોત્રના શબ્દો પાછળ (વાચ્યરૂપે) આપના અચિંત્ય ગુણોનો પ્રભાવ હોવાથી તે પણ સજ્જનોના કંઠમાં મોતીની માળા જેમ શોભી ઊઠશે. આપ મહાન છો, આપના ગુણો મહાન છે, તેથી આપના ગુણનું વાચક આ સ્તોત્ર પણ અત્યંત શોભી ઊઠશે ને સજ્જનોના મનને હરી લેશે. પ્રભો! હું ભલે મંદબુદ્ધિ છું પણ જેમનું સ્તવન કરું છું એવા આપ તો કેવળજ્ઞાનના સમુદ્ર છો. મારા શબ્દો નહિ પણ આપના ગુણો સત્પુરુષના ચિત્તને હરી લ્યે છે. આ સ્તોત્રમાં આપની સર્વજ્ઞતાનાં વખાણ સાંભળીને મુમુક્ષુજીવો પ્રસન્ન થશે કે વાહ! પ્રભુની કેવી ભક્તિ કરી છે! આમ સ્તુતિ વડે આપના ગુણોમાં મુમુક્ષુનું ચિત્ત થંભી જશે. મારું સાધકજ્ઞાન અલ્પ હોવા છતાં તેની સંધિ પૂર્ણ સાધ્ય એવા સર્વજ્ઞસ્વભાવ સાથે છે તેથી તે જ્ઞાન પણ મોક્ષમાર્ગ તરીકે શોભી રહ્યું છે. પાણીનું ટીપું સામાન્ય જમીન પર પડયું હોય તો તેની કાંઇ કિંમત નથી, પણ કમળના ફૂલની પાંદડી પર લાગેલું પાણીનું ટીપું (તે કમળના અલિપ્ત સ્વભાવને લીધે), તેના પર સૂર્યકિરણ પડતાં મોતીની જેમ ]ગમગી ઊઠે છે. તેમ આપના ગુણ ઉપર લાગેલું મારું આ ભક્તિનું બિંદુ સાચા મોતીની જેમ શોભી ઊઠશે. જગતમાં સામાન્ય શબ્દોની કાંઇ કિંમત નથી, પણ જેની સાથે વાચ્યરૂપે આપના અચિંત્યગુણોનો મહિમા રહેલો છે તે શબ્દો સજ્જનોના ચિત્તને પ્રિય લાગે છે ને જિનવાણીની જેમ શોભી ઊઠે છે; તથા તેને લક્ષમાં લેનારું જ્ઞાનબિંદુ પણ મોક્ષમાર્ગમાં સાચા રત્નની જેમ શોભી ઊઠે છે. જુઓને, આ ભક્તામર-સ્તોત્ર કેવું પ્રસિદ્ધ શોભે છે! તે કાંઇ બહારના પ્રભાવને લીધે નહિ પણ તેની અંદર પરમાત્માના ગુણોનું અદ્ભુત વર્ણન ભરેલું છે તેથી તે શોભે છે. પ્રભો, હું (સ્તુતિકાર) ભલે નાનો, પણ સ્તુત્ય એવા આપ તો ત્રણલોકમાં મહાન છો તેથી આપની સ્તુતિનો મહિમા પણ ત્રણલોકમાં ફેલાઇ જાય છે; ઊર્ધ્વલોકના દેવેદ્રો પણ ભક્તિપૂર્વક આપની સ્તુતિ કરે છે, મધ્યલોકમાં મુનીંદ્રો પણ આપની સ્તુતિ કરે છે, ને અધોલોકમાં ધરણેદ્ર વગેરે પણ આપની સ્તુતિ-ગુણગાન કરે છે. અહા, આપ તો અનંત ગુણોની પ્રભુતાથી શોભી રહ્યા છો, ને અમારા અંતરમાં ઊછળતી આ ભક્તિ પણ મોતીની માળા જેવી શોભી ઊઠશે; તેનાથી અમારા પરિણામ ઊજ્જવળ થશે. ધર્માત્માનું હૃદય પરમાત્માના ગુણો પ્રત્યે આનંદથી ઉલ્લસી જાય છે. પ્રભો, કુકવિઓ વિષય-કષાયોની પોષક જે કાવ્યરચના કરે છે તે નથી શોભતી; તે તો જીવોનું અહિત કરનારી છે; પરંતુ આપના વીતરાગી ગુણોનું આ સ્તવન તો જીવોને વિષય-કષાયોથી છોડાવીને વીતરાગતાની ભાવના જગાડે છે, તેથી તે સુંદરપણે શોભે છે. સજ્જનોનું ચિત્ત તે સાંભળીને પ્રસન્ન થાય છે. પરમાત્મપદના ગુણગાન ગાતાં અને સાંભળતાં સાધક સન્તોને પ્રમોદ જાગે છે; ને તેના દ્વારા પોતાના ચિત્તને પરમાત્મગુણોની ભાવનામાં જોડીને સમ્યક્ત્વાદિ મોતી વડે તેમનો આત્મા શોભી ઊઠે છે.-આવા અધ્યાત્મભાવો આ વીતરાગી-સ્તવનમાં ભર્યા છે.

advt01.png