• શ્રી ભક્તામરસ્તોત્ર

    ભગવાન ઋષભદેવ જાણે કે અત્યારે સમવસરણમાં સાક્ષાત્ બિરાજી રહ્યા હોય. દેવ¬દેવેદ્રો આવીને પ્રભુના ચરણોમાં ભક્તિથી મસ્તક ઝુકાવતા હોય, ને તે પ્રભુની સન્મુખ પોતે પણ ભાવભીની સ્તુતિ કરતા હોય;-એવી રીતે પરમાત્માને પોતાના જ્ઞાનમાં સાક્ષાત્ કરીને શ્રી માનતુંગ મુનિરાજ આ સ્તુતિનો પ્રારંભ કરે છે.

    ભક્તામર ગાથા 1થી 48

  • 1
ગાથા - ૧૧મી. પ્રભુ દર્શનથી અનુપમ તૃપ્તિ
द्रष्ट्वा भवन्त-मनिमेष-विलोकनीयं नान्यत्र तोष-मुपयाति जनस्य चक्षुः ।
पीत्वा पयः शशिकर – ध्युति-दुग्धसिन्धोः क्षारं जलं जलनिधे रसितुं क इच्छेत् ।।11।।
  દ્રષ્ટ્વા ભવન્ત-મનિમેષ-વિલોકનીયં નાન્યત્ર તોષ-મુપયાતિ જનસ્ય ચક્ષુ: ।
પીત્વા પય: શશિકર – ધ્યુતિ-દુગ્ધસિન્ધો: ક્ષારં જલં જલનિધે રસિતું ક ઇચ્છેત્ ।।11।।

પ્રભુમાં ચિત્ત લાગ્યું...
તે હવે બીજે નહી ભમે;
અતીદ્રિય ચૈતન્યસુખ ચાખ્યું..
હવે ઈદ્રિયવિષયો નહી ગમે.

હે દેવ! અનિમેષનયને-એકીટસે અવલોકવા યોગ્ય એવું આપનું શાંત-વીતરાગરૂપ દેખ્યા પછી હવે બીજે કયાંય અમારી આંખ ઠરતી નથી. આપના અદ્ભુત રૂપમાં જ અમારી દૃષ્ટિ સ્થિર થઇ છે તે હવે બીજે કયાંય સંતોષ પામતી નથી. ક્ષીરસમુદ્રનું ચંદ્રના કિરણ જેવું ઊજળું ને મીઠું દૂધ પીધા પછી લવણસમુદ્રનું ખારૂં ને મેલું જળ પીવા કોણ ઈચ્છે? આત્માનો અતીદ્રિય ચૈતન્યરસ ચાખ્યા પછી ઈદ્રિયવિષયોમાં કોણ રમે? જુઓ, આ ભગવાન પ્રત્યેની ભક્તિમાં અર્પણતા, અને સત્-અસત્નો વિવેક. આ જંબુદ્વિપને ફરતો ખારો-લવણ સમુદ્ર છે, પછી પાંચમો ક્ષીરસમુદ્ર છે, તેનું પાણી સ્વાદમાં દૂધ જેવું મીઠું ને રંગમાં ચંદ્ર જેવું ઊજળું છે; તે ક્ષીરસમુદ્રના જળથી તીર્થંકરોનો જન્માભિષેક થાય છે. અહીં કહે છે કે આવા ક્ષીર સમુદ્રનું મીઠું જળ પીધા પછી હવે ખારૂં પાણી કોણ પીએ? તેમ હે દેવ! આપ તો અતીદ્રિય શાંતિના સમુદ્ર છો; આપના માર્ગમાં ચૈતન્યની શાંતિ ચાખ્યા પછી હવે રાગ-દ્વેષ-કષાયનો કડવો સ્વાદ કોને ગમે? આપનું શાંત-વીતરાગસ્વરૂપ જોયા પછી અન્ય રાગી-દ્વેષી કુદેવો તો અમને ખારા-ખારા લાગે છે, તે કોઇ અમારા ચિત્તને આકર્ષી શકતા નથી. પ્રભો! રાગમાં અમને સંતોષ નથી થતો; વીતરાગમાં જ અમારું ચિત્ત સંતુષ્ટ થાય છે. જુઓ, આ સુદેવ અને કુદેવ વચ્ચેનો વિવેક! ને અંદરમાં સ્વભાવ અને વિભાવ વચ્ચેનો વિવેક! શાંતરસના મીઠા સ્વાદ પાસે કષાયો કડવા લાગે છે. પ્રભો આપના જેવા શુદ્ધસ્વભાવમાં અમારી દૃષ્ટિ અનિમેષપણે થંભી ગઇ છે, તે રૂપ એવું અદ્ભુત છે કે હવે દૃષ્ટિ ત્યાંથી હટતી નથી; શુદ્ધસ્વભાવની દૃષ્ટિથી જે સમ્યગ્દર્શન થયું, જે જ્ઞાનદૃષ્ટિ ઊઘડી તે હવે કદી બીડાવાની નથી. તીર્થંકર ભગવાનનું રૂપ બહારમાં પણ એકદમ શાંત આýાર્યકારી હોય છે, ને અંદરના ચૈતન્ય­અતીદ્રિય રૂપની તો વાત જ શી! તે રૂપને દેખતાં જે સ્વભાવદૃષ્ટિ થઇ તે હવે કદી રાગાદિમાં જવાની નથી; ને જિનદેવનો ભક્ત બહારમાં પણ રાગી-દ્વેષી કુદેવને કદી માનતો નથી. સર્વજ્ઞદેવને ઓળખીને તેમના પ્રત્યે શિર નમાવ્યું તે હવે બીજાને (કુદેવને) નહી નમે.

 

Bhaktamar-Gatha 11

પ્રભો! આપનું દિવ્ય શાંત રૂપ હજાર નેત્રો વડે નીહાળતાં `હરિ' ને એટલે કે ઈદ્રને એવી તૃપ્તિ થઇ કે તેનાં નેત્રો હવે ટમકાર પણ મારતા નથી, (ન જાનૂં કિતનો સુખ હરિકો...નયન પલક ન મારે!) તેનાં નેત્રો થંભી ગયા છે. - આવું તો આપના શરીરનું રૂપ! તો સર્વજ્ઞતાથી શોભતા આપના શાંત રૂપની તો શી વાત! એને જોયા પછી અમારી દૃષ્ટિ હવે બીજે કયાંય જવાની નથી. અપ્રતિહતભાવે અંતર્દૃષ્ટિથી આપનું રૂપ (શુદ્ધાત્મ-સ્વરૂપ) દેખતાં-દેખતાં અમેય પરમાત્મા થઇ જશું. વચ્ચે વિભાવમાં કયાંય નહી અટકીએ. હવે સ્વભાવને છોડીને સ્વપ્નમાં પણ વિભાવનો આદર થવાનો નથી, ને કુદેવાદિ પ્રત્યે ]ાંખીને પણ જોવાના નથી. અહા, સ્વાનુભવમાં આપની સર્વજ્ઞતા દેખી, વીતરાગતા દેખી, શાંતિ દેખી, હવે બીજે કયાંય અમારું ચિત્ત મોહિત થવાનું નથી. જેમ બાળક પોતાની વહાલી માતાને વારંવાર નીરખ્યા કરે છે તેમ ધર્મી જીવ પોતાના પરમ ઈષ્ટ સર્વજ્ઞદેવની શાંત-વીતરાગમુદ્રાને એકીટશે નીહાળીને પ્રસન્ન થાય છે.
ભગવાનની અંતરંગ ને બહિરંગ બન્ને પ્રકારની ઓળખાણ સહિત આ ભક્તિ છે. તીર્થંકરોને આત્મામાં કેવળજ્ઞાનની દિવ્યતા, ને બહારમાં પુણ્યની પણ દિવ્યતા હોય છે. જેમ ]વેરાત વગેરે ઊંચા માલ રાખવાના ડબ્બા (ઉંથ્દૃ) પણ ઊંચા હોય છે, તેમ તીર્થંકરદેવના આત્માની સર્વજ્ઞતા તો અચિંત્ય-અદ્ભુત હોય છે, ને તેને રાખવાની પેટી પરમઔદારિક શરીર, તે પણ એવું સુંદર દિવ્ય રૂપવાળું હોય છે કે ઈદ્ર જેવા પણ તેને દેખીને આýાર્ય પામે છે.

 

એકલા બહારના ડબાને (શરીરને) દેખે પણ અંદરના માલને ન ઓળખે તો ખરો લાભ ન થાય. ધર્મી જીવો તો અંદરના માલને એટલે કે ચૈતન્યસ્વભાવને ઓળખીને ભગવાનની ભક્તિ કરે છે. જગતથી ઉદાસ પણ ભગવંતના દાસ એવા ધર્મી જીવ ભગવાનને જોતાં શાંતરસમાં ઠરી જાય છે. પરમાત્માને પૂર્ણતા અને સાધકને શરૂઆત, એવી સંધિપૂર્વકની આ ભક્તિ છે. પૂર્ણતાના લક્ષે સાધકને શાંતભાવની જે શરૂઆત થઇ છે તે અપ્રતિહતપણે પૂરી થશે. જેમ 16 વર્ષના વિરહ બાદ પુત્ર-પદ્યુમ્નને દેખીને માતારુક્મિણી અત્યંત પ્રસન્ન થઇ ને હૈયાના હારની જેમ તેને ભેટી પડી; તેમ પરમ પ્રિય એવા હે પરમાત્મા! અનાદિથી આપનો વિરહ હતો, હવે મને આપનો ભેટો થતાં મારું હૃદય પ્રસન્નતાથી ઊછળી જાય છે; મારા હૈયાના હાર, મારી આંખોના તારા...આપ મને મળ્યા, હવે મેં આપને ઓળખ્યા; આપની લગની લાગી, હવે સંસારમાં કયાંય મારું ચિત્ત ચોટતું નથી. કુદેવાદિની સામે જોવાનું તો દૂર રહો, ધન-સ્ત્રાળ-રાગ-પુણ્ય...એ બધું નહી...નહી...તે કાંઇ અમને હવે ઈષ્ટ લાગતું નથી, માત્ર આપના જેવું પરમ ચૈતન્યપદ જ અમને પરમ ઈષ્ટ-વહાલું લાગે છે; તેની સાધના માટે હે દેવ! આપ જ અમારા નેતા, માર્ગદર્શક છો. જુઓ, ભક્ત આવા ભાવની જવાબદારી સહિત ભગવાનની ભક્તિ કરે છે. ક્ષીરસમુદ્રમાં મચ્છ-કછ નથી, મેલ નથી, તેનું પાણી ખીર જેવું મીઠું છે; તે ચાખ્યા પછી લવણસમુદ્રનું ખારું પાણી મોઢામાં કોણ નાંખશે? તેમ હે દેવ! આપના શાસનમાં આવીને ચૈતન્યસમુદ્રની અતીદ્રિય શાંતિનો રસ ચાખ્યો,, હવે આખોય સંસાર અમને ખારો લાગે છે... સમસ્ત પરભાવોથી પાછી વળીને અમારી પરિણતિ અંતરના સ્વભાવ તરફ ઢળે છે. હવે સર્વજ્ઞ વીતરાગદેવ સિવાય બીજા અજ્ઞાની-રાગી કુદેવોની માન્યતા આત્માના સર્વ પ્રદેશેથી છૂટી ગઇ છે. જે રાગાદિમાં ધર્મ માને તેણે તો હે દેવ! વીતરાગ એવા આપને દીઠા જ નથી. આપનું વીતરાગી રૂપ જગતમાં સૌથી સુંદર છે, તેને ઓળખ્યા પછી અમારી દૃષ્ટિ હવે બીજે ક્યાંય થંભતી નથી, અમારા રોમરોમમાં-પ્રદેશપ્રદેશમાં આપની વીતરાગતા વસી ગઇ છે. આ પ્રમાણે વીતરાગસ્વભાવની ભક્તિ કરતાં કરતાં સિદ્ધપદને સાધી રહ્યા છીએ. (11)

advt06.png