• શ્રી ભક્તામરસ્તોત્ર

    ભગવાન ઋષભદેવ જાણે કે અત્યારે સમવસરણમાં સાક્ષાત્ બિરાજી રહ્યા હોય. દેવ¬દેવેદ્રો આવીને પ્રભુના ચરણોમાં ભક્તિથી મસ્તક ઝુકાવતા હોય, ને તે પ્રભુની સન્મુખ પોતે પણ ભાવભીની સ્તુતિ કરતા હોય;-એવી રીતે પરમાત્માને પોતાના જ્ઞાનમાં સાક્ષાત્ કરીને શ્રી માનતુંગ મુનિરાજ આ સ્તુતિનો પ્રારંભ કરે છે.

    ભક્તામર ગાથા 1થી 48

  • 1
ગાથા - ૧૨મી. શાંત આત્મા - શાંતિ શરિર - બંન્નેનું ઉત્કૃષ્ટપણું.
यैः शान्त-राग-रुचिभिः परमाणुभिस्त्वं निर्मापित-स्त्रिभुवनैक-ललामभूत ! ।
तावन्त एव खलु तेऽप्यणवः पृथिव्यां यत्ते समान-मपरं नहि रुपमस्ति ।।12।।
  યૈ: શાન્ત-રાગ-રુચિભિ: પરમાણુભિસ્ત્વં નિર્માપિત-સ્ત્રિભુવનૈક-લલામભૂત ! ।
તાવન્ત એવ ખલુ તેऽપ્યણવ: પૃથિવ્યાં યત્તે સમાન-મપરં નહિ રુપમસ્તિ ।।12।।

ત્રણલોકના તિલકરૂપ હે પ્રભો! આપનો આત્મા તો ઉત્કૃષ્ટ ને આપનું શરીર પણ પરમાણુઓમાં ઉત્કૃષ્ટ! રાગની ચેષ્ટા વગરના શાંતરસવાળા જે સુંદર પરમાણુઓ વડે આપનું શરીર રચાયું છે તેવા સુંદર પરમાણુઓ જગતમાં એટલા જ હતા; જગતમાં જેટલા શ્રેષ્ઠ પરમાણુઓ હતા તે બધાય આપના અતિ સુંદર પરમઔદારિક શરીરરૂપે પરિણમી ગયા; હવે એવા સુંદર પરમાણુઓ બાકી ન રહ્યા; તેથી આપના સમાન અદ્ભુત શાંત રૂપ બીજા કોઇને હોતું નથી. આપનો આત્મા તો શાંતરસનો સાગર ને દેહ સૌન્દર્યનો સાગર. ભગવાનની વીતરાગ મુદ્રા પર જેવી શાંતિ હોય છે તેવી શાંતિ અન્ય કોઇ રાગી-દ્વેષી કુદેવની મુદ્રામાં હોતી નથી. પ્રભુના આત્મામાં તો શાંતરસ પ્રસરી ગયો, ને દેહ પણ રાગચેષ્ટા વગરનો થઇને જાણે શાંતરસમાં ભીજાઇ ગયો હોય! `ઉપશમરસ વરસે રે પ્રભુ તારા નયનમાં.'’-જે મુદ્રા જોતાં મુમુક્ષુને આત્માના શાંતરસની પ્રતીત થઇ જાય, એવી શાંતિની ]લકવાળી પ્રભુની મુદ્રા હોય છે; અને તીર્થંકરપ્રભુનો એક અતિશય એવો હોય છે કે તેમના દિવ્ય શરીરમાં જોનારને પોતાના આગલા-પાછલા સાત ભવનું જ્ઞાન થઇ જાય છે; અને સર્વપ્રકારે શુદ્ધ પ્રભુના `ચૈતન્યરૂપને' જે જુએ તેને તો ભવ વગરનો પોતાનો સ્વભાવ અનુભવમાં દેખાય છે. સર્વજ્ઞદેવ તે આત્માનું શુદ્ધ રૂપ જોવા માટેનો અરીસો છે. જુઓ તો ખરા, ભગવાન જાણે સામે જ બિરાજતા હોય ને પોતે તેમની સ્તુતિ કરતા હોય એવા અદ્ભુત ભાવોથી આ સ્તોત્ર રચ્યું છે.
પ્રભુની મુદ્રા એકદમ વીતરાગ, મહા સુંદર, શાંત-શાંત, ગંભીર અને પ્રસન્ન હોય છે. જોનારને ચારે બાજુથી ભગવાન પોતાની સન્મુખ જ દેખાય છે. પ્રભુના શરીરમાં રોગાદિ હોતાં નથી; આહાર-પાણી વગર પણ હજારો લાખો-કરોડો વર્ષો સુધી ભગવાનનું શરીર એવું ને એવું તેજસ્વી રહે છે.

 

Bhaktamar-Gatha 12

અશરીરી-અતીદ્રિય શાંતરસમય જીવન જીવનારા ભગવાનને વળી ખોરાક-પાણી કે ]ાડા-પેશાબ કેવા? ભગવાન થયા પછી પણ ખોરાક-રોગ કે મળમૂત્ર હોવાનું માને તેણે ભગવાનના દેહની દિવ્યતાને પણ ઓળખી નથી. ને અંદરના અતીદ્રિય સુખને પણ તેણે જાણ્યું નથી. ભગવાનની ગંભીરતા સમુદ્ર જેવી હોય છે, ને તેમની સમીપમાં એવી શાંતિ છવાઇ જાય છે કે સિંહ-વાઘ વગેરે જીવો પણ એકબીજા ઉપર ઉપદ્રવ નથી કરતા, તો પછી ભગવાનની પોતાની ઉપર કોઇ ઉપદ્રવ કરે એ તો વાત જ કેવી? ભગવાન તો શાંતરસમાં લીન છે ને તેમની સમીપમાં બીજા રાગી દ્વેષી જીવો પણ શાંતભાવમાં ઠરી જાય છે. અરે જીવ! આવા ત્રણલોકમાં શ્રેષ્ઠ પરમાત્માને ઓળખીને તેમની ભક્તિ કર...તો તારોય ભવનો અંત આવી જશે. કેવળી ભગવાનની ને તેમના અતીદ્રિય સુખની પ્રતીતિ જેના અંતરમાં બેઠી તે જીવ અત્યંત આસન્નભવ્ય એટલે કે નજીકમાં જ મોક્ષગામી છે-એમ કુંદકુંદસ્વામીએ પ્રવચનસાર ગા. 6ર માં કહ્યું છે.

 

અરે, હજી તો કેવળી-તીર્થંકરના દિવ્ય પુણ્યની પ્રતીત પણ જે જીવોને અઘરી પડે છે, તો અંતરના દિવ્ય જ્ઞાન અને સુખને તો તેઓ ક્યાંથી જાણે? એ જાણવા માટે પોતાને પણ તેવી જાતનો અતીદ્રિય ભાવ જાગવો જોઇએ. એકલા રાગથી કે ઈદ્રિયજ્ઞાનથી પ્રભુની સાચી ઓળખાણ કે સાચી ભક્તિ થઇ શકતી નથી. અંશે અતીદ્રિય ભાવ ને અંશે વીતરાગભાવ પોતામાં પ્રગટ કરે ત્યારે જ એવા પૂર્ણ-પરમાત્માની પ્રતીત ઓળખાણ અને ભક્તિ થાય છે. આ અપૂર્વ ન્યાય છે...ને તે ભેદજ્ઞાનનું તથા સમ્યગ્દર્શનનું કારણ છે. હે દેવ! ત્રણ ભુવનમાં આપ જ સૌથી સુંદર ને શ્રેષ્ઠ છો; અહી ચૈતન્યમાં ઉત્કૃષ્ટ પરિણમનરૂપ સર્વજ્ઞતા થઇ, ત્યાં બહાર પુદ્ગલમાં પણ ઉત્કૃષ્ટ પરિણમનરૂપ પરમ શાંત દેહરચના થઇ-આવો જ કુદરતનો મેળ છે.-બીજાને એવો દેહ હોય નહિ. જેમ કેવળજ્ઞાનથી ઊંચુ કોઇ જ્ઞાન જગતમાં નથી, તેમ પ્રભુના પરમ ઔદારિક શરીરથી વધુ કોઇ રૂપ જગતમાં નથી. ચેતનની જેટલી શોભા હતી તે બધી આપના આત્મામાં ભેગી થઇ, ને પુદ્ગલની જેટલી શોભા હતી તે બધી આપના દેહમાં ભેગી થઇ. તેથી આપના સમાન સુંદરતા જગતમાં બીજા કોઇમાં નથી. અરે, આવા ભગવાનને છોડીને બીજાને કોણ ભજે? પ્રભો! પૂર્વે સાધકદશામાં શુદ્ધોપયોગ વધતાં વધતાં તેની પરાકાષ્ટારૂપે કેવળજ્ઞાન થયું, અને સાધકદશા સાથેના રાગથી પુણ્યનો રસ વધતાં વધતાં ઉત્કૃષ્ટપુણ્યરૂપ તીર્થંકરપણું થયું. આ રીતે ચેતન અને જડ બંને પોતપોતાની સુંદરતાની ઉત્કૃષ્ટ હદને પામીને, છેવટે બંને છૂટા પડીને આપ સિદ્ધપરમાત્મા બની ગયા. પુણ્ય જીવનો સ્વભાવ નથી તેથી અંતે તે છૂટી જાય છે. સર્વજ્ઞતા ને સિદ્ધપદ જીવનો સ્વભાવ છે તે કદી છૂટતા નથી. આ રીતે બંનેનું ભેદજ્ઞાન સમજવું જોઇએ. આવા ભેદજ્ઞાનપૂર્વક ભગવાનનાં ગાણાં ગાય તેને ભવની બેડીનાં બંધન તૂટી જાય; એનાં પૂર્વનાં પાપકર્મો પણ પુણ્યરૂપે પલટી જાય. આવું સમ્યક્ સ્તુતિનું ફળ છે. (12)

advt02.png