• શ્રી ભક્તામરસ્તોત્ર

    ભગવાન ઋષભદેવ જાણે કે અત્યારે સમવસરણમાં સાક્ષાત્ બિરાજી રહ્યા હોય. દેવ¬દેવેદ્રો આવીને પ્રભુના ચરણોમાં ભક્તિથી મસ્તક ઝુકાવતા હોય, ને તે પ્રભુની સન્મુખ પોતે પણ ભાવભીની સ્તુતિ કરતા હોય;-એવી રીતે પરમાત્માને પોતાના જ્ઞાનમાં સાક્ષાત્ કરીને શ્રી માનતુંગ મુનિરાજ આ સ્તુતિનો પ્રારંભ કરે છે.

    ભક્તામર ગાથા 1થી 48

  • 1
ગાથા - ૧૩મી. ભગવાનની પ્રશાંત મુદ્રા ચંદ્રની ઉપમાથી પણ પાર
वक्त्रं क्व ते सुर-नररोग-नेत्रहारि-निःशेष-निर्जित-जगत्-त्रितयो-पमानम् ।
बिम्बं कलड्क-मलिनं क्व निशाकरस्य यद्धासरे भवति पाण्डु-पलाश-कल्पम् ।।13।।
  વક્ત્રં ક્વ તે સુર-નરરોગ-નેત્રહારિ-નિ:શેષ-નિર્જિત-જગત્-ત્રિતયો-પમાનમ્ ।
બિમ્બં કલડ્ક-મલિનં ક્વ નિશાકરસ્ય યદ્ધાસરે ભવતિ પાણ્ડુ-પલાશ-કલ્પમ્ ।।13।।

ઘણાં કહે છે કે ભગવાનનું મુખ ચંદ્રસમાન છે; પરંતુ હે દેવ! અમને તે ઉપમાથી સંતોષ થતો નથી. કેવળજ્ઞાનની દિવ્યપ્રભાથી ]ળકતી આપની નિષ્કલંક મુદ્રા પાસે ચંદ્રની શી ગણતરી? ચંદ્ર તો કલંકવાળો છે (તેમાં કાળા-કાળા ડાઘા દેખાય છે), ને આપ તો રાગ-દ્વેષ રહિત નિષ્કલંક છો; તથા ચંદ્રનું તેજ તો દિવસે સૂકા ઘાસની જેમ સાવ ]ાંખુ ને પીળું પડી જાય છે, ત્યારે આપનું તેજ તો દિવસે કે રાત્રે સદાય એક સરખું રહે છે. કેવળજ્ઞાન-તેજ તો સદાય અનંતકાળ એવું ને એવું રહે છે ને શરીર હજારો-લાખો-કરોડો વર્ષો સુધી રહે તોપણ ઠેઠ સુધી તેનું તેજ એવું ને એવું રહે છે, કદી ]ાંખુ પડતું નથી. માટે ક્યાં ચંદ્રબિંબ ને કયાં આપનું મુખમંડળ! આપની પરમ ઉપશાંત દિવ્ય વીતરાગી મુદ્રા તો ઊર્ધ્વલોકના સુરેદ્ર, મધ્યલોકના નરેદ્ર ને અધોલોકના નાગેદ્ર-ધરણેદ્ર એમ ત્રણે લોકના જીવોના નેત્રને મુગ્ધ કરનારી છે, અને ત્રણલોક સંબંધી સમસ્ત ઉપમાને જીતનારી છે; આપના દિવ્ય રૂપની સરખામણી કરી શકે એવું ત્રણ જગતમાં કોઇ નથી. પ્રભો! આપનો આત્મા તો પરમ શાંત છે ને તે શાંતિની પ્રભા આપની મુદ્રામાં પણ દેખાઇ આવે છે. જેમ મીઠા તળાવનું પાણી પીવામાં તો ઠંડું...ને તેની નજીકની હવા પણ ઠંડી તેમ પ્રભુનો આત્મા તો શાંતરસમાં મગ્ન, ને દેહની મુદ્રા પણ શાંત!
ચંદ્રમાની અંદર તો કાળા ધાબા દેખાય છે પણ પ્રભુની મુદ્રામાં કોઇ કલંક નથી, રાગદ્વેષના કોઇ ડાઘા પ્રભુમાં નથી. આવા પ્રભુને દેખ્યા પછી જગતની કોઇ વસ્તુ મુમુક્ષુના ચિત્તને હરી શકતી નથી, કેમકે સર્વજ્ઞપ્રભુની તૂલના કરી શકે એવી કોઇ વસ્તુ જ જગતમાં નથી.

 

Bhaktamar-Gatha 13

 સમવસરણની વચ્ચે બિરાજમાન સાક્ષાત્ તીર્થંકર પરમાત્માને જોવાનું મહા ભાગ્ય તો ઘણા પુણ્ય હોય તેને જ મળે છે; સાધારણ જીવોને તેની અદ્ભુત શોભાનો ખ્યાલ ન આવે. પ્રભુના મુખ પર અતીદ્રિય સુખ છવાયેલું દેખાય છે; તે દેખીને મુમુક્ષુને આત્માનો સુખ-સ્વભાવ પ્રતીતમાં આવી જાય છે. પ્રભો! સૂર્ય-ચંદ્રની ઉપમાવડે આપની ખરી ઓળખાણ થઇ શકતી નથી; સૂર્ય-ચંદ્રમાં રહેનારા જ્યોતિષીદેવો તો આપના સેવક છે.
ઉપરના ઈદ્રો, મધ્યમાં મનુષ્યો ને નીચેના નાગેદ્રો એમ ત્રણલોકના જીવો આપનું રૂપ દેખીને મુગ્ધ બની જાય છે. (બિચારા નારકી જીવોને તો આપના દર્શનનું સુભાગ્ય મળતું નથી.)

 

આહા, આપની મુદ્રાની નમણાઇ, શાંતિ, વીતરાગતા, ગંભીરતા એ બધું અનુપમ છે...અદ્ભુત છે. `મારા ભગવાન આવા સુંદર...!' એમ ભગવાનના વખાણ કરતાં ભક્તજનો ધરાતા નથી. સંસારમાં મા પુત્રનાં વખાણ કરી કરીને રાગને પોષે છે, અહી ધર્મમાં વીતરાગદેવનાં વખાણ કરી કરીને ભક્તજન પોતાની વીતરાગી ભાવનાને મલાવે છે. અહો પ્રભો! આપના નિષ્કલંક રૂપને દેખીને ધ્યાવતાં અમારા આત્મામાંથી પણ કલંક દૂર થઇ જાય છે. હે દેવ! આપનું મુખ કાંઇ ચંદ્ર જેવું કલંકિત નથી, આપનું નાક કાંઇ પોપટની ચાંચ જેવું વાંકુ નથી, આપની આંખ કાંઇ હરણીયાની આંખ જેવી ભયભીત નથી, એ તો અંતર્મુખ સ્થિર છે; આપનો અવાજ કાંઇ કોયલ જેવો નથી, એનાથીયે અત્યંત મધુર છે; આપની મુખમુદ્રા કાંઇ કમળ ની જેમ કરમાઇ જતી નથી, સદા પ્રસન્ન રહે છે.-આ રીતે લોકના સર્વે પદાર્થોની ઉપમાને હરી લેનારા આપ સર્વોત્તમ સર્વાંગ સુંદર છો. જગતના પદાર્થોમાં કોઇને કોઇ પ્રકારે દોષ હોય છે ત્યારે આપ તો સર્વ પ્રકારે દોષરહિત, સર્વગુણસમ્પન્ન છો, તેથી નિરૂપમ છો. પ્રભુના આત્મામાં રાગ નથી ને શરીરમાં રોગ નથી. આત્મામાં સૌથી ઊંચી કેવળજ્ઞાન દશા થઇ છે, ને શરીરમાં સૌથી ઊંચી પરમ ઔદારિક દશા થઇ છે.-આમ બંને પ્રકારે (અંતરમાં ને બાહ્યમાં) સર્વોત્કૃષ્ટપણું બતાવીને ભગવાનની સ્તુતિ કરી છે.

advt08.png