• શ્રી ભક્તામરસ્તોત્ર

    ભગવાન ઋષભદેવ જાણે કે અત્યારે સમવસરણમાં સાક્ષાત્ બિરાજી રહ્યા હોય. દેવ¬દેવેદ્રો આવીને પ્રભુના ચરણોમાં ભક્તિથી મસ્તક ઝુકાવતા હોય, ને તે પ્રભુની સન્મુખ પોતે પણ ભાવભીની સ્તુતિ કરતા હોય;-એવી રીતે પરમાત્માને પોતાના જ્ઞાનમાં સાક્ષાત્ કરીને શ્રી માનતુંગ મુનિરાજ આ સ્તુતિનો પ્રારંભ કરે છે.

    ભક્તામર ગાથા 1થી 48

  • 1
ગાથા - ૨૦મી. - ક્યાં સર્વજ્ઞ સુદેવ, ક્યાં રાગી કુદેવ. ક્યાં મણિ.. ક્યાં કાચનો કટકો
ज्ञानं यथा त्वयि विभाति कृताऽवकाशं नैवं तथा हरिहरादिषु नायकेषु ।
तेजः स्फुरन्मणिषु याति यथा महत्त्वं नैवं तु काच-शकले किराणऽऽ-कुलेऽपि ।।20।।
  જ્ઞાનં યથા ત્વયિ વિભાતિ કૃતાऽવકાશં નૈવં તથા હરિહરાદિષુ નાયકેષુ ।
તેજ: સ્ફુરન્મણિષુ યાતિ યથા મહત્ત્વં નૈવં તુ કાચ-શકલે કિરાણऽऽ-કુલેऽપિ ।।20।।

ભગવાનના અતીદ્રિયજ્ઞાનપ્રકાશનો મહિમા કરતાં સાધક કહે છે કે હે દેવ! અનંતભાવોથી ભરેલા આપના કેવળજ્ઞાનમાં જેવી શોભા છે, તેવી શોભા લોકના અન્ય દેવો બ્રહ્મા-વિષ્ણુ-મહેશ-શંકર વગેરેમાં નથી; તેમનું જ્ઞાન તો ઈદ્રિયોને આધીન તથા ક્રોધાદિ કષાયોથી મલિન છે. ચમકદાર મણિરત્નનું જેવું મહાન તેજ છે તેવું તેજ કાચના કટકામાં હોતું નથી,-ભલેને તે સૂર્યકિરણોથી ચમકતો હોય! (એ ચમક એની અંદરની નથી, એ તો બહારના કિરણોથી થયેલી છે.) કયાં ઝગમગતો મણિ ને કયાં કાચનો કટકો! તેમ હે દેવ, આપના અતીદ્રિયજ્ઞાન પાસે અન્ય કુદેવો તો અમને કાચના કટકા જેવા લાગે છે-ભલે કદાચ તેમનામાં પુણ્યનો થોડોક ચળકાટ દેખાતો હોય ને કોઇ વ્યંતરાદિ દેવો તેને પૂજતા હોય! પણ ત્રણલોકના ઈદ્રો જેને પૂજે એવું મહાન કેવળજ્ઞાન તો આપનામાં જ શોભે છે. આપના જેવી પવિત્રતા કે આપના જેવા પુણ્ય બીજાને હોતાં નથી. પ્રભો! અજ્ઞાનદશામાં કાંઇ ખબર ન હતી ત્યારે તો કાચના કટકા જેવા રાગી-દ્વેષી કુદેવોને મેં પૂજ્યા, પણ હવે ત્રણલોકમાં તેજ પાથરનારા આપ સર્વજ્ઞ-મણિ મને મળ્યા, મેં આપને ઓળખ્યા, હવે આપને છોડીને બીજે કયાંય મારું મન મોહતું નથી. જુઓ, આ જ્ઞાન અને રાગ વચ્ચે સાધકજીવોનો વિવેક! સુદેવ અને કુદેવના અંતરની પરીક્ષા! હીરાનો અપરીક્ષક અજાણ્યો માણસ તો ચમકતી કાચની કટકીને હીરો માની લ્યે, પણ કુશળ ઝવેરી કાચ અને હીરા વચ્ચેનો ભેદ તરત પારખી લ્યે;

 

Bhaktamar-Gatha 20

તેમ અજ્ઞાનીઓ, દેવની પરીક્ષાને નહિ જાણનારા તો કાંઇક પુણ્યવંતને કે વ્યંતરાદિ દેવને ભગવાન માની લ્યે, પણ કુશળ-મુમુક્ષુ તો વીતરાગ-સુદેવ ને સરાગ-કુદેવ વચ્ચેનો ભેદ તરત પારખી લ્યે. અન્ય રાગી જીવોને ભલે જગતમાં કરોડો જીવો પૂજતા હોય પણ અમારા ચિત્તમાં તો વીતરાગ એવા આપ જ વસ્યા છો. સાચો મણિ કોઇકને જ મળે છે, કાચના કટકા તો ચારેકોર રખડતા હોય છે, તેમ કુદેવને માનનારા તો કરોડો જીવો હોય છે, પણ સર્વજ્ઞ-વીતરાગદેવને ઓળખનારા જીવો તો અતિ વિરલ હોય છે.

 

પ્રભો! આપના જેવું જ્ઞાન ને આપના જેવી વીતરાગતા જગતમાં બીજે કયાંય નથી. અતીદ્રિય સ્વસંવેદન-જ્ઞાનમાં અમને ચૈતન્યમણિ દેખાયો, તેના ચૈતન્યતેજ પાસે પુણ્ય તો કાચના કટકા જેવા લાગે છે, તે અમારા ચિત્તને આકર્ષી શકતા નથી.
આત્માની શોભા ને પૂજ્યતા રાગવડે નથી પણ સર્વજ્ઞતા અને વીતરાગતા વડે જ આત્માની શોભા છે. જેને રાગ-દ્વેષ હોય, જે ક્રોધ વડે દુશ્મનોનો કે રાક્ષસોનો સંહાર કરતા હોય, જેને સ્ત્રાળનો સંગ હોય, મુગટ-વસ્ત્ર-આભરણ વગેરે શણગાર હોય-એવા જીવો લોકમાં ભલે ગમે તેવા મોટા ગણાતા હોય, પણ જૈનધર્મમાં તે દેવ તરીકે શોભતા નથી. ભગવાનનો ભક્ત એવા કોઇ કુદેવને માને નહિ.
જૈનધર્મમાં તો જે સર્વજ્ઞ ને વીતરાગ હોય તે જ દેવ શોભે છે. પ્રભો, પુણ્ય વડે નહિ પણ સર્વજ્ઞતા વડે આપ અમારા પૂજ્ય ને ઈષ્ટ છો. સર્વજ્ઞ પરમાત્માનો ભક્ત, પંચપરમેષ્ઠી સિવાય બીજા કોઇ દેવ-દેવલાંને માને નહિ, પૂજે નહિ. પરમાત્માનો ભક્ત થયો તેને હવે જગતનો ભય હોય નહિ, કુદેવ-દેવીની બીક તેને હોય નહિ; ચૈતન્યમણિ-મારા સર્વજ્ઞપ્રભુ, તેમની પાસે તો એ બધાય કાચના કટકા જેવા છે- એમ સમજીને તે સર્વજ્ઞ પ્રભુના વીતરાગમાર્ગ સિવાય બીજા કોઇ કુમાર્ગમાં ]ષકતો નથી. નિ:શંકપણે વીતરાગમાર્ગમાં ચાલે છે.-આનું નામ ભગવાનની ભક્તિ. આ રીતે સર્વજ્ઞતાના મહાન આદરપૂર્વક ભગવાનની સ્તુતિ કરી છે. (20)

advt02.png