• શ્રી ભક્તામરસ્તોત્ર

    ભગવાન ઋષભદેવ જાણે કે અત્યારે સમવસરણમાં સાક્ષાત્ બિરાજી રહ્યા હોય. દેવ¬દેવેદ્રો આવીને પ્રભુના ચરણોમાં ભક્તિથી મસ્તક ઝુકાવતા હોય, ને તે પ્રભુની સન્મુખ પોતે પણ ભાવભીની સ્તુતિ કરતા હોય;-એવી રીતે પરમાત્માને પોતાના જ્ઞાનમાં સાક્ષાત્ કરીને શ્રી માનતુંગ મુનિરાજ આ સ્તુતિનો પ્રારંભ કરે છે.

    ભક્તામર ગાથા 1થી 48

  • 1
ગાથા - ૨૧મી. - સર્વજ્ઞ સિવાય બીજું કોઇ મારા ચિત્તને હરી શકે નહિ..
मन्ये वरं हरिहरादय एव दृष्टा दृष्टेषु येषु हृदयं त्वयि तोषमेति ।
किं वीक्षितेन भवता भुवि येन नान्यः कश्चिन्मनो हरति नाथ ! भवान्तरेऽपि ।।21।।
  મન્યે વરં હરિહરાદય એવ દૃષ્ટા દૃષ્ટેષુ યેષુ હૃદયં ત્વયિ તોષમેતિ ।
કિં વીક્ષિતેન ભવતા ભુવિ યેન નાન્ય: કશ્ચિન્મનો હરતિ નાથ ! ભવાન્તરેऽપિ ।।21।।

હે અરિહંતા! પહેલાં અજ્ઞાનદશામાં હું કુદેવોને માનતો હતો, ત્યારે મેં બ્રહ્મા-વિષ્ણુ-મહેશ વગેરે અનેક રાગી-દ્વેષી દેવોને દેખી લીધા,-તે સારું થયું એમ હું માનું છું કેમ કે તેમને જોયા પછી હવે એક આપનામાં જ મારું હૃદય સંતુષ્ટ થયું છે. પહેલાં તો મેં આપને જોયા જ ન હતા,-ઓળખ્યા ન હતા, પણ હવે આપને ઓળખ્યા પછી આ ભવમાં કે બીજા ભવમાં પણ મારા મનને બીજું કોઇ હરી શકશે નહી.   જુઓ, આ ભગવાન સાથે ભક્તના કોલકરાર! પ્રભુ, હવે હું જાગ્યો; વીતરાગ-સર્વજ્ઞ સુદેવ અને અન્ય કુદેવ, તેમની વચ્ચેના મહાન ભેદને મેં જાણી લીધો. અન્ય મતોમાં ઇશ્વરને જગતકર્તા તથા રાગદ્વેષી માને છે,-એ વાતમાં ક્યાં ભૂલ છે તે મેં આપના વીતરાગ મતમાં આવીને જાણી લીધું. આપે તો સ્વયંસિદ્ધ જે જગતનું (જડ-ચેતનનું) અસ્તિત્વ હતું તેને સર્વજ્ઞતા વડે જાણી લીધું. એટલે આપ જગતના જ્ઞાતા છો, કર્તા નથી. જે પોતાને સ્વયં-સિદ્ધ વસ્તુના કર્તા માને તે અનાદિસિદ્ધ વસ્તુના જ્ઞાતા હોઇ શકે નહિ એટલે કે સર્વજ્ઞ હોઇ શકે નહિ, ને તેને સર્વજ્ઞની શ્રદ્ધા પણ હોઇ શકે નહિ; કેમકે જો પહેલાં વસ્તુ ન હતી તો તેના કોઇ જ્ઞાતા પણ ન હતા એટલે કે સર્વજ્ઞ-ત્રિકાળજ્ઞ પણ ન હતા;-એમ નાસ્તિકપણું થઇ જાય. પ્રભો! હવે આપને જોતાં એ બધો ભ્રમ ભાંગી ગયો, ને સત્ય સ્વરૂપ સમજાયું. પહેલાં આપના સિવાય બીજા બધાને જોયા, પણ એમાં કયાંય મને મોક્ષમાર્ગ ન મળ્યો, એટલે મારું ચિત્ત એમાં કયાંય ઠર્ય઼ું નહિ; પ્રભો, હવે મને સર્વજ્ઞ-વીતરાગ એવા આપ મળ્યા, ને આપની પાસેથી મોક્ષમાર્ગ મળ્યો, તેથી મારું ચિત્ત સંતુષ્ટ થયું ને આપનામાં ઠર્ય઼ું...કે સાચા દેવ હો તો આવા હો.
અહો, સર્વજ્ઞભગવાનનું જ્ઞાન, તેમનો દેહ, ને તેમની વાણી એ બધુંય જગત કરતાં જુદી જાતનું હોય છે. પ્રભો! અમે પરીક્ષા કરીને તુલના કરી કે આપ જેવા અરિહંત ભગવાનમાં જ સર્વજ્ઞ-વીતરાગપણું છે, અને એકેક આત્મામાં પરમાત્મપણું ભર્ય઼ું છે- એમ આપે જ અમને ઉપદેશ્યું; તે જાણીને તેમાં જ અમારું મન લલચાયું.

 

Bhaktamar-Gatha 21

એના સિવાય જગતના બીજા કોઇ પદાર્થમાં હવે અમારું મન લાગતું નથી. અનાદિના વિભાવોમાં કદી જે તૃપ્તિ નહોતી થઇ, તે તૃપ્તિ હવે આપના માર્ગમાં આપના જેવા સ્વભાવને દેખતાં જ થઇ. આવી તૃપ્તિ આપના વીતરાગમાર્ગમાં આવીને જ થઇ. તેથી એક જ વીતરાગ-ધણી ધાર્યો, હવે બીજો ધણી ધારવાના નથી; ને આપના માર્ગને કદી છોડવાના નથી. અહા પ્રભો! એકેક આત્મામાં સ્વતંત્રપણે નિજવૈભવથી પરિપૂર્ણપણું છે તે આપ જ બતાવો છો. આપ કહો છો કે `અમારા પ્રત્યેની ભક્તિમાં તમને જે રાગ છે તે પણ હિતનું કારણ નથી; રાગ વગરનો જેવો અમારો આત્મા છે તેવો જ તમારો સ્વભાવ છે, તે સ્વભાવની સન્મુખ થશો ત્યારે જ તમને અમારા જેવું પરમાત્મપદ પ્રગટ થશે '’-આમ સ્વાધીન-પરિપૂર્ણતાનો ઢંઢેરો હે નાથ! આપે જ પ્રસિદ્ધ કર્યો છે, ને તેથી અમારું ચિત્ત આપનામાં જ સંતોષને પામ્યું છે. પ્રભો! આપના સિવાયના બીજાને પહેલાં દેખી લીધા તે સારું થયું કેમકે તે રાગી-દ્વેષી-અજ્ઞાની જીવોની સાથે સર્વજ્ઞ-વીતરાગ એવા આપની સરખામણી કરતાં અમને આપનો સમ્યક્ મહિમા સમજાયો, મોક્ષમાર્ગ સમજાયો;

 

હવે અમારું ચિત્ત એવું સંતુષ્ટ થયું કે આ ભવમાં કે અન્ય ભવમાં પણ આપના માર્ગથી અમે ચલિત થશું નહી ને બીજા કુમાર્ગો કે કુદેવો પ્રત્યે કદી ]ાંખીને પણ જોશું નહી.
`ભગવાને દુશ્મનોને માર્યા, ભગવાને ભક્તો ઉપર કરુણા કરીને ઉદ્ધાર કર્યો'’-એવી વાત અજ્ઞાનીઓને મીઠી લાગે છે, પણ તેમાં તો ઘણી વીપરીતતા છે, અને ભગવાનની વીતરાગતાની વિરાધના છે.
ભક્ત-જીવોનાં દુ:ખ દેખીને જેનું હૃદય દ્રવી જાય ને કરુણાની રાગવૃત્તિ થઇ આવે તે વીતરાગ નથી, પરમાત્મા નથી, પણ રાગી-અલ્પજ્ઞ છે; તેમજ દુષ્ટ જીવોની દુષ્ટતા દેખીને જેના હૃદયમાં ક્રોધ જાગે ને તે દુષ્ટને મારે તે પણ ભગવાન નહિ, તે તો ક્રોધી છે. પરમાત્માને શત્રુ-મિત્ર પ્રત્યે સમભાવ છે, કયાંય પણ રાગ-દ્વેષ તેમને થતા નથી; આવી અત્યંત વીતરાગતાથી શોભતા સર્વજ્ઞ પરમાત્મા તે જ સાચા દેવ છે. એવા ભગવાનની અદ્ભુત સર્વજ્ઞતા અને વીતરાગતા દેખીને મુમુક્ષુ જીવને પરમ તૃપ્તિ અને બહુમાન જાગે છે. પ્રભો, બીજાને દેખવાથી તો આપનામાં સંતોષ થયો, પણ આપને દેખીને તો અમે બીજા બધાને ભૂલી ગયા, બધેયથી અમારું મન ઊઠી ગયું.-આવો અચિંત્ય આપનો મહિમા અમારા હૃદયમાં વસી ગયો છે. આપના દર્શને ને આપની ઓળખાણે તો અમારા આત્મામાં કોઇ જાદુઇ-આýાર્યકારી અસર કરી અનાદિકાળમાં બીજા બધા કુદેવો જે સંતોષ ન આપી શક્યા તે સંતોષ આપને દેખવામાત્રથી અમને પ્રાપ્ત થઇ ગયો. પરભાવમાં તો કદી સંતોષ ન થયો, હવે આપના માર્ગમાં શુદ્ધાત્માનું સમ્યક્દર્શન થતાં જ અપૂર્વ સંતોષ થયો, પરમ તૃપ્તિ થઇ, મહા આનંદ થયો.-
આમ પરમ બહુમાનપૂર્વક જિનેદ્ર દેવની શ્રદ્ધા કરીને તેમની સ્તુતિ કરવામાં આવે છે. ઓળખાણ વગરની આંધળી ભક્તિ નથી, સત્-અસત્નો વિવેક કરીને જાગેલો સાધકજીવ આવી ભક્તિ કરી શકે છે. તે સ્વપ્નેય રાગનો આદર નથી કરતો; વીતરાગતાનો જ આદર કરતો કરતો અલ્પકાળમાં રાગ તોડીને પોતે પણ પરમાત્મા થઈ જાય છે. 

advt08.png