• શ્રી ભક્તામરસ્તોત્ર

    ભગવાન ઋષભદેવ જાણે કે અત્યારે સમવસરણમાં સાક્ષાત્ બિરાજી રહ્યા હોય. દેવ¬દેવેદ્રો આવીને પ્રભુના ચરણોમાં ભક્તિથી મસ્તક ઝુકાવતા હોય, ને તે પ્રભુની સન્મુખ પોતે પણ ભાવભીની સ્તુતિ કરતા હોય;-એવી રીતે પરમાત્માને પોતાના જ્ઞાનમાં સાક્ષાત્ કરીને શ્રી માનતુંગ મુનિરાજ આ સ્તુતિનો પ્રારંભ કરે છે.

    ભક્તામર ગાથા 1થી 48

  • 1
ગાથા - ૨૩મી. - ગુણવાચક શબ્દ દ્વારા પ્રભુની સ્તુતિ
त्वा-मामन्ति मुनयः परमं पुमांस-मादित्य-वर्ण-ममलं तमसः परस्तात् ।
त्वामेव सम्यगुपलभ्य जयन्ति मृत्युं नान्यः शिवः शिवपदस्य मुनीन्द्र ! पन्थाः ।।23।।
  ત્વા-મામન્તિ મુનય: પરમં પુમાંસ-માદિત્ય-વર્ણ-મમલં તમસ: પરસ્તાત્ ।
ત્વામેવ સમ્યગુપલભ્ય જયન્તિ મૃત્યું નાન્ય: શિવ: શિવપદસ્ય મુનીન્દ્ર ! પન્થા: ।।23।।

હે દેવ! મુનિઓ આપને જ પરમપુરુષ માને છે; વળી સૂર્ય જેવા તેજસ્વી (સુવર્ણવર્ણ) પણ આપ જ છો કેમકે અજ્ઞાનઅંધકારથી રહિત છો; રાગાદિ દોષોની મલિનતાથી રહિત આપ અમલ-નિર્મળ છો. સમ્યક્પણે આપને ઉપલબ્ધ કરીને ભવ્યજીવો મૃત્યુને જીતે છે તેથી મૃત્યુંજય પણ આપ જ છો; અને હે મુનિદ્ર! આપ જ શિવ છો, શિવપદપ્રાપ્તિનો પંથ મોક્ષમાર્ગ આપે જ દેખાડયો છે, આપનાથી અન્ય કોઇ શિવમાર્ગ નથી. એક તીર્થંકરના ગુણની સ્તુતિમાં બધાય તીર્થંકર-કેવળી ભગવંતોની સ્તુતિ આવી જાય છે કેમકે ગુણમાં બધાય ભગવંતો સરખા છે; દેહ વગેરે ભલે મોટા-નાના હોય પણ કેવળ- જ્ઞાનાદિ આત્મગુણો બધાના એકસરખા છે; તે ગુણો વડે ભગવાનના સ્વરૂપની સાચી ઓળખાણ ને સ્તુતિ થાય છે. પરમપુરુષ:-હે Eષષભદેવ! આ યુગમાં સૌથી પહેલાં પરમપદને સાધનારા ને ભવ્ય જીવોને મોક્ષનો માર્ગ દેખાડનારા પરમ પુરુષ આપ જ છો. પરમપદને સાધીને પરમાત્મા થયા તેથી પુરુષોમાં આપ શ્રેષ્ઠ છો. જ્ઞાન-આનંદ વગેરે અનંત-ઉત્કૃષ્ટ ગુણરૂપી જે ચૈતન્યપૂર, આત્માનું પરમ સ્વરૂપ, તેમાં રમનારા...લીન રહેનારા હોવાથી આપ પરમપુરુષ છો.-આ રીતે મુનિજનો આપને જ પરમપુરુષ માનીને ઉપાસે છે. કેવળજ્ઞાનનો ઉત્કૃષ્ટ પુરુષાર્થ કરનારા પરમપુરુષ આપ જ છો. આદિત્ય-વર્ણ:-પ્રભો! આપનું જ્ઞાન સૂર્ય જેવું તેજસ્વી છે ને આપનો દેહ પણ સુવર્ણવર્ણ છે; આપના દેહની દિવ્યપ્રભા બહારના અંધકારને દૂર કરે છે ને આપનું ચૈતન્યતેજ અજ્ઞાનઅંધકારને દૂર કરે છે. જ્યાં આપ બિરાજો ત્યાં અંદર કે બહાર અંધારા હોય નહી. આ રીતે આપ `સૂર્ય' કરતાં પણ વિશેષ `કીર્તિ '’વાળા છો. અમલ:-કષાયરૂપ મોહમેલથી રહિત હોવાથી આપ અમલ છો, નિર્મળ છો;

 

Bhaktamar-Gatha 23

આપનો દેહ પણ સર્વપ્રકારની મલિનતાથી રહિત પવિત્ર છે. અહી તો આત્માની મુખ્ય વાત છે. મૃત્યુંજય:-હે દેવ! મોહને સર્વથા નષ્ટ કરીને આપે મૃત્યુને જીતી લીધું છે. (મૃત્યુ મરી ગયું રે લોલ...) આપ જન્મ-મરણ રહિત થયા છો; અને સમ્યક્પણે આપને ઉપલબ્ધ કરીને, આપના જેવા સમ્યક્ આત્મસ્વરૂપને ઓળખીને અને પ્રગટ કરીને અમારા જેવા ભવ્યજીવો પણ મૃત્યુને જીતીને જન્મ-મરણથી રહિત થઇ જાય છે, તેથી આપ મૃત્યુના વિજેતા `મૃત્યુંજય' છો. અહા, અંતર્મુખ થઇને આપના સમ્યક્ સ્વરૂપને જે અનુભવે તેને જન્મ-મરણના ફેરા રહે નહિ. આપના સ્વરૂપની સાચી ઓળખાણ કરે ત્યાં તો રાગથી ભિન્ન ઉપયોગસ્વરૂપ શુદ્ધ આત્મા અનુભવમાં આવે ને સમ્યગ્દર્શન થાય; પછી તે જ સ્વરૂપમાં એકાગ્ર થઇને રાગ-દ્વેષ દૂર કરતાં શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય એટલે પરમાત્મદશા પ્રગટે;

 

હવે તેને ભવ ન રહ્યા, મૃત્યુ ન રહ્યું એટલે તે મૃત્યુંજયી થયો. આ રીતે હે નાથ! આપ પોતે તો મૃત્યુંજય છો ને આપની સમ્યક્ ઉપલબ્ધિ કરનારા જીવો પણ મૃત્યુંજય થઇ જાય છે. વળી હે મુનિદ્ર! હે મુનિઓના નાથ! આપ પોતે શિવ એટલે કલ્યાણસ્વરૂપ છો, ને આપ જ અમને શિવપંથ દેખાડનારા છો. આપના સિવાય બીજો કોઇ શિવપદ-પ્રાપ્તિનો પંથ નથી.
મોક્ષ અને મોક્ષપંથ આપ જ છો. આપના સેવન વડે જ મુનિજનો મોક્ષમાર્ગને સાધે છે. મોક્ષમાર્ગે ચાલનારા મોક્ષાર્થીજીવોના આપ નાયક છો, એટલે મોક્ષમાર્ગના નેતા છો. આપના વીતરાગી શાસન સિવાય બીજે કયાંય મોક્ષમાર્ગ નથી.-આવી સ્તુતિદ્વારા મુનિરાજ માનતુંગસ્વામી પ્રસિદ્ધ કરે છે કે હે ભવ્યજીવો! મોક્ષને માટે તમે આવા પરમાત્માને સેવો, તેમણે ઉપદેશેલા મોક્ષમાર્ગનું સેવન કરો; મોક્ષ માટે બીજો કોઇ પંથ નથી.
જિનેદ્રપરમાત્મા, ધર્માત્મા જીવોના નાથ છે; સમકિતી જીવો જ ભગવાનને નાથ તરીકે સ્વીકારે છે, તેઓ જ ધર્મના રક્ષક અને પોષક છે. જેને રાગની રુચિ છે તેવા અજ્ઞાની જીવો ભગવાનને નાથ તરીકે સ્વીકારતા નથી, કેમકે ભગવાન કાંઇ રાગના રક્ષક કે પોષક નથી.
ભગવાને બતાવેલો મોક્ષપંથ તો રાગનો નાશક ને ધર્મનો રક્ષક છે; તેથી ધર્માત્મા જીવોના હૃદયમાં જ પરમાત્મા બિરાજે છે. રાગમાં ભગવાન નથી વસતા. અહા, આ રીતે ભગવાનનું સ્વરૂપ ઓળખીને તેની ઉપાસના કરે તેને ભવનો અંત આવી જાય. આ જ મૃત્યુને જીતવા માટેનો `મૃત્યુંજય-મંત્ર ' છે ને આ જ શિવપંથ છે. મરણથી બચવાનો ને મોક્ષને પામવાનો બીજો કોઇ માર્ગ જગતમાં નથી. (23) 

advt03.png