• શ્રી ભક્તામરસ્તોત્ર

    ભગવાન ઋષભદેવ જાણે કે અત્યારે સમવસરણમાં સાક્ષાત્ બિરાજી રહ્યા હોય. દેવ¬દેવેદ્રો આવીને પ્રભુના ચરણોમાં ભક્તિથી મસ્તક ઝુકાવતા હોય, ને તે પ્રભુની સન્મુખ પોતે પણ ભાવભીની સ્તુતિ કરતા હોય;-એવી રીતે પરમાત્માને પોતાના જ્ઞાનમાં સાક્ષાત્ કરીને શ્રી માનતુંગ મુનિરાજ આ સ્તુતિનો પ્રારંભ કરે છે.

    ભક્તામર ગાથા 1થી 48

  • 1
ગાથા - ૨૭મી. - સર્વગુણ સંપન્ન પ્રભુમાં દોષોનો અત્યંત અભાવ
को विस्मयोऽत्र यदि नाम-गुणै-रशेषैः त्वं संश्रितो निरवकाशतया मुनिश !
दोषै-रुपात्त-विविधाश्रय-जातगर्वैः स्वप्नान्तरेऽपि न कदाचिद-पीक्षितोऽसि ।।27।।
  કો વિસ્મયોऽત્ર યદિ નામ-ગુણૈ-રશેષૈ: ત્વં સંશ્રિતો નિરવકાશતયા મુનિશ !
દોષૈ-રુપાત્ત-વિવિધાશ્રય-જાતગર્વૈ: સ્વપ્નાન્તરેऽપિ ન કદાચિદ-પીક્ષિતોऽસિ ।।27।।

હે મુનિશ! આપ સર્વગુણસમ્પન્ન છો અને સર્વ દોષથી રહિત છો,-એમાં કોઇ આશ્ચર્ય નથી; કેમકે હું સમજું છું કે તે સર્વજ્ઞતા-વીતરાગતા વગેરે ગુણોને અન્યત્ર રાગી-દ્વેષી જીવોમાં કયાંય રહેવાની જગ્યા ન મળી, માત્ર એક આપનામાં જ તે ગુણોને આશ્રય મળ્યો, તેથી બધાય ગુણો આપનામાં આવીને રહ્યા છે. અને હે દેવ! આપનામાં ગુણો એટલા બધા ભર્યા છે કે હવે તેમાં દોષોને રહેવાની કોઇ જગ્યા જ નથી રહી, એટલે ક્રોધાદિ કોઇ દોષને આપે આશ્રય ન આપ્યો, આપે તેનો અનાદર કર્યો; છતાં એને તો જગતના રાગી-દ્વેષી-મોહી અનેક જીવોમાં આશ્રય મળી ગયો, તેથી અભિમાનને લીધે તે કોઇ દોષો સ્વપ્નમાંય આપની પાસે કદિ દેખાતા નથી. આ કારણે આપ સર્વે ગુણોથી પૂરા છો, ને સર્વે દોષોનો આપનામાં અભાવ છે.-આમ ભગવાનની સ્તુતિ કરીને ભક્ત-સાધક પોતામાં પણ ગુણને આશ્રય આપે છે ને દોષનો અનાદર કરે છે. ગુણ-દોષ વચ્ચેના ભેદજ્ઞાનપૂર્વકની આ ભક્તિ છે. હે દેવ! આપ ગુણના જ ભંડાર છો ને દોષને દૂર કરનારા છો; આપનામાં ગુણ દેખીને અમને પ્રમોદ આવે છે તેથી અમે આપને ભજીએ છીએ. અન્ય કુદેવોમાં તો ક્રોધાદિ કોઇને કોઇ દોષ દેખાય છે તેથી અમારું હૃદય ત્યાં નમતું નથી. અમને ગુણનો પ્રેમ છે ને દોષને દૂર કરવા માંગીએ છીએ. પ્રભો, આપે એટલા બધા ગુણોને આશ્રય આપ્યો કે સર્વ ગુણોથી આપ પરિપૂર્ણ થઇ ગયા (-પ્રભુ મેરે...તું સબહી બાતેં પૂરા), હવે દોષને રહેવાનું કોઇ સ્થાન આપનામાં નથી રહ્યું, તેથી દોષો તો આપની પાસે પણ ફરકતા નથી. આપનાથી તો દોષ દૂર થયા, આપની સમીપ આવનારા જીવોથી પણ દોષો દૂર ભાગે છે, ને ગુણો તેમની પાસે દોડતા આવે છે.-જુઓ, આમાં ભક્તિનું ફળ પણ બતાવી દીધું. દોષોની હાનિ ને ગુણની વૃદ્ધિ તે સાચી ભક્તિનું ફળ છે. શ્રાવકો અને શ્રમણો આવી ભક્તિ કરે છે. પ્રભો, આપનામાં સર્વજ્ઞતા વગેરે ગુણો દેખીને અમને વિસ્મય નથી થાતું, કેમકે તે મહાન ગુણો આપના જેવા પવિત્ર પુરુષમાં ન હોય તો બીજે કયાં હોય?

 

Bhaktamar-Gatha 27

તે આપનામાં જ શોભે છે; બીજા કોઇ મોહી-અજ્ઞાની જીવોમાં તે સર્વજ્ઞતા વગેરે ગુણો રહી શકતા નથી. અને કોઇ દોષ આપની પાસે આવતા નથી કેમકે દોષને રહેવા માટે આપ પોતામાં જરાય સ્થાન આપતા નથી, તેથી તે બિચારા આશ્રય રહિત થઇને સંસારમાં જ્યાં-ત્યાં ભટકે છે. આમાં એ સિદ્ધાંત આવી ગયો કે, સમ્યક્ત્વાદિ ગુણોનો જ આશ્રય થવાનો આત્માનો સ્વભાવ છે; રાગાદિ કોઇ દોષનો આશ્રય થાય એવો આત્માનો સ્વભાવ નથી, તે તો પરાશ્રિત ભાવો છે. આમ સમજીને હે દેવ! અમે સ્વભાવઆશ્રયે ગુણ પ્રગટ કરીએ છીએ, ને પરાશ્રિત એવા દોષ ભાવોને આત્મામાંથી દૂર કરીએ છીએ; આ જ આપની પરમાર્થ ભક્તિ છે. જેને રાગાદિ દોષમાં આદરબુદ્ધિ છે તે જીવો સ્વપ્નમાંય આપને દેખી શકતા નથી, આપની સાચી ભક્તિ કરી શકતા નથી, ને આત્માને અનુભવી શકતા નથી. મિથ્યાત્વ-અજ્ઞાન-ક્રોધાદિ તે દોષો પ્રભુની સામે પણ કેમ નથી જોતા?-કેમકે તે દોષોને એવો ગર્વ થઇ ગયો છે કે `ભલે સર્વજ્ઞ-અરિહંતદેવે અમને આશરો ન આપ્યો, પણ જગતમાં બીજા અનંતા જીવો તો અમારો આદર કરનારા છે!'’-આવા અભિમાનને લીધે તે દોષો ભગવાનની સામુંય જોતા નથી. ભગવાનની સન્મુખ જોવા જાય તો, ભગવાનનો એવો પ્રતાપ છે કે તે દોષો નાશ પામી જાય છે. ભગવાનમાં દોષ નહિ ને દોષ ત્યાં ભગવાન નહી.

 

એહે સર્વજ્ઞ! તમારામાં ગુણો જ ઠાંસી ઠાંસીને ભર્યા છે એટલે તમે અમને (દોષોને) રહેવાનું સ્થાન નથી આપતા, પણ અમને તમારી પરવા નથી કેમકે જગતમાં અનંતા જીવો અમને સ્થાન તથા આદર આપનારા છે; એક તમે સ્થાન ન આપો તેથી શું થઇ ગયું?-’ આમ આપના વડે અનાદર પામવાથી અપમાનિત થયેલા તે મોહાદિ દોષો ગર્વને લીધે આપની સામે પણ જોતા નથી.
કુદેવ-કુગુરુઓ વગેરે સંસારમાર્ગી જીવો તે ક્રોધાદિ દોષોને આદરપૂર્વક સ્થાન આપીને પુષ્ટ કરે છે એટલે તે જીવોમાં તેઓ મોજ કરે છે; તેમને છોડીને તે દોષો આપની નજીક પણ આવતા નથી.-પણ એમાં અમને કાંઇ આýાર્ય લાગતું નથી, કેમકે જ્યાં અનાદર થાય ત્યાં કોણ જાય? એટલે દોષો આપની પાસે આવતા નથી. અને હે દેવ! આપે તે દોષોને પોતામાં જરાપણ અવકાશ ન આપીને, આત્મામાંથી તેમને કાઢી મૂકીને તેના ગર્વના ચૂરેચૂરા કરી નાંખ્યા છે, તેથી તેઓ આપના વિરોધી એવા કુદેવોના આશ્રયે જતા રહ્યા છે, ને આપનામાં તો એકલા ગુણો જ બાકી રહી ગયા છે. આ રીતે અલંકારથી સર્વજ્ઞદેવમાં દોષનો અભાવ ને ગુણની પૂર્ણતા બતાવીને તેમની ભાવસ્તુતિ કરી છે. સાથે સાથે કુદેવોને દોષના આયતન ને ગુણના અનાયતન પણ સિદ્ધ કર્યા છે.
દોષના આધાર તો જગતમાં ઘણાય છે, પણ ગુણોના આધાર તો હે જિન! આપ એક જ છો. જે જીવો રાગને ધર્મ માને છે તેઓ દોષને જ આધાર આપે છે. એવા અજ્ઞાની જીવોમાં સર્વજ્ઞતા-વીતરાગતા વગેરે ગુણોને રહેવા માટે જગ્યા ન મળી, તેથી તે બધા ગુણો આપનામાં જ આવીને રહી ગયા. (27) એક સખીએ બીજી સખીને આંખમાં અંજન આંજવાનું કહ્યું; ત્યારે તે કહે છે-હે સખી! મારી આંખમાં પ્રભુનો પ્રેમ એટલો બધો ઠાંસી ઠાંસીને ભર્યો છે કે તેમાં હવે અંજનને માટેય અવકાશ નથી; તેમ ભગવાનનો ભક્ત કહે છે-અમારી દૃષ્ટિમાં ચૈતન્યગુણોનો એટલો બધો પ્રેમ છે કે તેમાં હવે રાગના શુભ-કણિયાને પણ રહેવાનો અવકાશ નથી. સાધકને આત્માના સ્વભાવનો આવો પ્રેમ હોય છે; ને ભગવાનમાં તેવા ગુણો પ્રગટ દેખીને તેમના પ્રત્યે પ્રેમ-ભક્તિ ઉલ્લસે છે.

advt07.png