• શ્રી ભક્તામરસ્તોત્ર

    ભગવાન ઋષભદેવ જાણે કે અત્યારે સમવસરણમાં સાક્ષાત્ બિરાજી રહ્યા હોય. દેવ¬દેવેદ્રો આવીને પ્રભુના ચરણોમાં ભક્તિથી મસ્તક ઝુકાવતા હોય, ને તે પ્રભુની સન્મુખ પોતે પણ ભાવભીની સ્તુતિ કરતા હોય;-એવી રીતે પરમાત્માને પોતાના જ્ઞાનમાં સાક્ષાત્ કરીને શ્રી માનતુંગ મુનિરાજ આ સ્તુતિનો પ્રારંભ કરે છે.

    ભક્તામર ગાથા 1થી 48

  • 1
ગાથા - ૩૮મી. - જેના અંતરમાં ભગવાન બીરાજે છે એને ભય કેવ?
श्च्योतन्-मदाविल-विलोल-कपोल-मूल मत्त-भ्रमद्-भ्रमरनाद-विवृद्ध-कोपम् ।
एरावताभमिभ-मुद्धत-मापतन्तं दृष्ट्वा भयं भवति नो भवदा-श्रितानाम् ।।38।।
  શ્ચ્યોતન્-મદાવિલ-વિલોલ-કપોલ-મૂલ મત્ત-ભ્રમદ્-ભ્રમરનાદ-વિવૃદ્ધ-કોપમ્ ।
એરાવતાભમિભ-મુદ્ધત-માપતન્તં દૃષ્ટ્વા ભયં ભવતિ નો ભવદા-શ્રિતાનામ્ ।।38।।

પ્રભો! આપનો ભક્ત તો મોક્ષનો સાધક, એને સંસારમાં ભય કેવો? અહા, જેના અંતરમાં જિનદેવ બિરાજે છે, શુદ્ધાત્મા બિરાજે છે એવા જિનભક્તને સંસારમાં જુદા જુદા ભયોનો અભાવ હોય છે. તેમાં ગાંડો હાથી, ક્રૂર સિંહ, દાવાગ્નિ, સર્પ, શત્રુસેના, યુદ્ધભૂમિ, તોફાની સમુદ્ર, જલોદર-રોગ કે બેડીનાં બંધન-એ બધાના ભયોનો અભાવ બતાવનારાં નવશ્લોક (38 થી 46) કહે છે; તેમાં આ પહેલો શ્લોક છે; આ શ્લોકનું નામ છે-એ`ગજભયભંજક સ્તુતિ ' તેમાં કહે છે કે-હે દેવ! મદ]રતો ને ભમરાના ગુંજારવથી આકુળવ્યાકુળ, ઐરાવત જેવો મોટો હાથી ગાંડો થઇને, ક્રોધપૂર્વક સૂંઢ ઊંચી કરીને સામે દોડતો આવતો હોય, તોપણ ભય પામીને આપનો ભક્ત પોતાના અંતરમાંથી આપને ભૂલતો નથી; આ રીતે આપનો આશ્રય કરનારને ગાંડો હાથી દેખીને પણ ભય થતો નથી. અરે, આપનો ભક્ત ચૈતન્યભાવના વડે અંદરના ક્રોધભાવને પણ જીતી લ્યે છે ત્યાં વળી બહારના હાથીનો ભય કેવો? આત્માની શાંતિમાં ભય કોનો? અજ્ઞાની દુષ્ટ લોકો કહેતા કે `હસ્તિનાં તાડયેદપિ ન ગચ્છેત જિનમંદિરે અર્થાત્ હાથી મારવા માટે પાછળ પડયો હોય તોપણ જિનમંદિરમાં ન જવું.' (એ તો અજ્ઞાનીની ધર્મદ્વેષની મિથ્યા વાત છે.) અહી તો કહે છે કે તારે હાથીના ભયથી બચવું હોય તો જિનદેવનું શરણ લે. જિનદેવનો ભક્ત, બહારમાં ગાંડો હાથી કે ક્રૂર સિંહ વગેરે ઉપસર્ગોની વચ્ચે પણ નિર્ભયપણે હૃદયમાં જિનભક્તિને ભૂલતો નથી. જેનું ચિત્ત જિનગુણમાં લાગેલું છે તેને બહારનો ભય હોતો નથી; અને જિનગુણચિંતનમાં વિશુદ્ધપરિણામ થતાં તેને પૂર્વના શુભકર્મોનો રસ વધી જાય છે ને અશુભકર્મોના રસની હાનિ થઇ જાય છે; તેથી તેના ફળમાં ક્યારેક બાહ્ય ઉપસર્ગ ટળી જાય છે ને દેવાદિ તેનો આદર કરે છે. (બ્રહ્મચારી સુદર્શન શેઠ, ફાંસીગર યમપાલ ચાંડાલ, સતી સીતા-સોમા-ચંદના-અંજના-દ્રૌપદી વગેરેના જીવનમાં આવા પ્રસંગો પ્રસિદ્ધ છે.) અને કોઇને પુણ્યનો રસ વધવા છતાં પૂર્વનો કોઇ ઉદય બાકી રહી ગયો હોય તો, મુનિ જેવાને પણ સિંહ વગેરે ખાઇ જાય કે અગ્નિમાં બાળી નાંખે-એવા પ્રસંગો પણ બને છે. (પારસનાથના પૂર્વ ભવો તથા પાંડવમુનિરાજ વગેરેના જીવનમાં એવા પ્રસંગો બન્યા છે.)

 

Bhaktamar-Gatha 38

પણ એવા પ્રસંગેય તે ધર્મી જીવો ભગવાન જિનેશ્વરના ગુણચિંતનને કે તેમના વીતરાગ માર્ગને છોડતા નથી, તેમાં દૃઢ રહીને આરાધના કરે છે. એટલે તેમને પણ તે ઉપદ્રવો ધર્મસાધનામાં વિઘ્ન કરી શકતા નથી, નિર્ભયપણે તેઓ ધર્મને સાધે છે. આ રીતે પુણ્ય-પાપના વિચિત્ર ખેલની વચ્ચે ધર્મીજીવો જિનમાર્ગને (જ્ઞાનચેતનાને) કદી છોડતા નથી, પોતાની ધર્મસાધનામાં નિýાલ રહે છે; ઉદયભાવોરૂપી ગાંડા હાથીને જ્ઞાન ચેતનાવડે વશ કરી લ્યે છે.
`ઘણા મુનિઓને ઘાણીમાં પીલી નાંખ્યા, તો શું તેમના અંતરમાં જિનભક્તિ ન હતી?' -હતી; પણ કોઇ અશુભકર્મના ઉદયે તેમ બન્યું; છતાં તે વખતેય પરમાર્થ જિનભક્તિથી ચૈતન્યના ચિંતનમાં ચિત્તને જોડીને, ઘાણીની વચ્ચે પણ કેવળજ્ઞાન પામ્યા, ને તરત ઉપસર્ગ પણ શાંત થઇ ગયો. વળી ઘણાં મુનિઓમાં એવી શક્તિ હોય છે કે વિકલ્પમાત્રથી ઉપસર્ગ દૂર કરી શકે. સંગમદેવના ઉપસર્ગને એક સંકલ્પમાત્રથી દૂર કરવાની તાકાત પ્રભુ-પારસ-મુનિમાં હતી;-પણ તેઓ બાહ્ય સંકલ્પમાં ન રોકાયા, અંદર ચૈતન્યના ચિંતનમાં જ ચિત્તને એકાગ્ર કરીને કેવળજ્ઞાન પામ્યા. ત્યાં ઉપસર્ગો એની મેળે શાંત થઇ ગયા. વિકલ્પ કરીને ઉપસર્ગને દૂર કરવો તેના કરતાં નિર્વિકલ્પ થઇને ઉપસર્ગને શાંત કર્યો, તે ઉત્તમ છે. માટે કહ્યું છે કે-

 

કર્મો તણો જે વિવિધ ઉદય-વિપાક જિનવર વર્ણવ્યો,
તે મુજ સ્વભાવો છે નહિ, હું એક જ્ઞાયકભાવ છું.

(ગુરુકહાનને આ ગાથા ઘણી પ્રિય હતી; ઈસ્પિતાલમાં અંતિમ દિવસોમાં પણ તેમની સમક્ષ બ્ર. હરિભાઇ આ ગાથા બોલ્યા હતા, ને ગુરુદેવે પ્રમોદ વ્યક્ત કર્યો હતો.) -આ રીતે કર્મોથી ભિન્ન જ્ઞાયકભાવની ભાવના તે જ ધર્મીનું મુખ્ય કાર્ય છે, ને તે જ સાચી જિનભક્તિ છે. અંદર આત્માના આનંદના વેદનસહિતની આ ભક્તિ છે. આત્મસ્વભાવનો આશ્રય કરીને આવી ભક્તિ (-આત્મસાધના) માં મસ્ત જીવોને મદમસ્ત હાથીનો પણ ભય હોતો નથી. હાથી કેવો? કે મદમસ્ત. કામવાસનાથી જેના કુંભસ્થળમાંથી મદ ]રે છે, ભમરાના ગુંજારવથી ત્રાસીને જે ક્રોધિત થયો છે . જે ઐરાવત જેવો મોટો છે ને નિરંકશપણે દંતશૂળ વી]તો થકો સૂંઢ ઊંચી કરીને  સામે દોડયો આવે છે આવા હાથી દેખીને પણ હે જિનેચરણનો આશ્રય કરનારને કોઇ ભય થતો નથી.
તેમજ અંતરમાં અશુભકર્મરૂપી મોટો હાથી ઉદયમાં આવે ને પ્રતિકૂળતાના ઢગલા થાય તોપણ, નિજ ચૈતન્યસ્વરૂપનું શરણ લઇને તેનો આશ્રય કરનારા ધર્માત્મા તે કર્મોને ગાંજતા નથી; હે દેવ! સ્વભાવનું શરણ લેનારો આપનો ભક્ત કર્મોથી ડરી જાય કે માર્ગથી ડગી જાય-એમ બનતું નથી. તે તો માર્ગથી અચ્યૂત રહીને કર્મોથી નિર્જરા કરી નાંખે છે. એને પ્રતિકૂળતા કેવી? પ્રતિકૂળ સંયોગો એની આરાધનાને દાબી શકતા નથી. આ રીતે સમકિતી જીવો નિ:શંક અને નિર્ભય હોય છે. બહારમાં કદાચ હાથીથી ડરીને ભાગતા હોય તોપણ અંતરમાં આત્માના સ્વરૂપ-સંબંધમાં તેઓ નિર્ભય છે, સ્વરૂપના નાશની તેમને શંકા થતી નથી. વજ્રપાત થાય ને આખું જગત ખળભળી જાય તોપણ ધર્મી પોતાના સ્વભાવથી ચ્યુત થતા નથી ને જિનમાર્ગનું શરણ છોડતા નથી તેથી શાસ્ત્રમાં કહ્યું છે કે જેના અંતરમાં દૃઢ જિનભક્તિ છે તેને સંસારમાં ભય નથી.
આ રીતે ભક્તામર-સ્તોત્રમાં `ગજભયભંજક ' નામનો 38 મો શ્લોક કહ્યો; હવે - સિંહભયભંજક નામનો 39 મો શ્લોક કહેશે. (38)

advt02.png