• શ્રી ભક્તામરસ્તોત્ર

    ભગવાન ઋષભદેવ જાણે કે અત્યારે સમવસરણમાં સાક્ષાત્ બિરાજી રહ્યા હોય. દેવ¬દેવેદ્રો આવીને પ્રભુના ચરણોમાં ભક્તિથી મસ્તક ઝુકાવતા હોય, ને તે પ્રભુની સન્મુખ પોતે પણ ભાવભીની સ્તુતિ કરતા હોય;-એવી રીતે પરમાત્માને પોતાના જ્ઞાનમાં સાક્ષાત્ કરીને શ્રી માનતુંગ મુનિરાજ આ સ્તુતિનો પ્રારંભ કરે છે.

    ભક્તામર ગાથા 1થી 48

  • 1
ગાથા - ૪૦મી. જિનમાર્ગનો આશ્રય કરનારને દાવાનળનો ભય નથી
कल्पान्त-काल-पवनोद्धत-वह्निकल्पं दावानलं ज्वलित-मुज्ज्वल-मुत्स्फुलिड्गम् ।
विश्वं जिधत्सुमिव सम्मुख-मापतन्तं त्वन्नाम-कीर्तन-जलं शमयत्य-शेषम् ।।40।।
  કલ્પાન્ત-કાલ-પવનોદ્ધત-વહ્નિકલ્પં દાવાનલં જ્વલિત-મુજ્જ્વલ-મુત્સ્ફુલિડ્ગમ્ ।
વિશ્વં જિધત્સુમિવ સમ્મુખ-માપતન્તં ત્વન્નામ-કીર્તન-જલં શમયત્ય-શેષમ્ ।।40।।

આ ભક્તામરસ્તોત્રમાં વિવિધ `ભયનિવારક'’9 શ્લોક (38 થી 46) છે; તેમાં `ગજભયભંજક' અને `િસંહભયભંજક' પછી `અગ્નિભયભંજક' નામનો આ ત્રીજો શ્લોક છે. હે દેવ! આપનો માર્ગ નો `ભવ-ભયભંજક' છે, તેમાં બીજા ભયોની તો શી વાત! 18પપ0 વર્ષ પછી આ ભરતક્ષેત્રમાં કલ્પાંતકાળ આવશે, ત્યારે પાંચમા આરાના અંતે એવા ભયંકર વાયરા વાશે કે ]ાડ-મકાન-પર્વતો વગેરે બધું ઊડી જશે, પ્રલય થઇ જશે. એવા પ્રલયકાળના પ્રચંડ વાયરા વડે મોટી આગ લાગી હોય, તે ધગધગતી આગના તણખાં ચારેકોર ઊડતા હોય-જાણે કે વિશ્વને સળગાવી દેશે! આવી આગનો ભભકતો દાવાનળ સામે આવતો હોય તોપણ, હે જિનદેવ! આપના નામકીર્તનરૂપી જળવડે તે એકદમ શાંત થઇ જાય છે; તેથી જેના અંતરમાં આપ બિરાજો છો તેને અગ્નિનો પણ ભય નથી. જે જીવ અંતરમાં આપનું ધ્યાન કરે છે તેના અંતરમાં સંસારનો દાવાનળ પ્રવેશી શકતો નથી, શાંતરસના સીંચન વડે ઘોર ભવાગ્નિ પણ ઠરી જાય છે. જુઓ તો ખરા જિનગુણનો મહિમા! બહારના સંયોગની પ્રધાનતા નથી, ભક્તના અંતરમાં વીતરાગતાનો રસ ઘૂંટાય છે તેનું મહત્વ છે. જ્યાં વીતરાગતા છે ત્યાં ભય કેવો? જ્યાં રાગ-દ્વેષ-કષાય છે ત્યાં જ ભય છે, ને વૈરાગ્ય તો અભય છે.
જિનભક્તિના બહાને ભક્તના અંતરમાં વીતરાગતા ઘોળાય છે. અહી કહે છે કે હે દેવ! આપનું નામ લેતાં પણ અગ્નિનો ઉપદ્રવ શાંત થઇ જાય છે, આત્મા કષાયથી છૂટી જાય છે. અયોધ્યાના લોકોએ જેમતેમ બોલીને જ્યારે કોઇ પાપકર્મના ઉદયથી સીતાજીનો અપવાદ કર્યો, શ્રીરામે તેમને વનમાં મોકલી દીધા, ને પછી છેવટે તેમનો લોકાપવાદ દૂર કરવા તથા શીલની પ્રસિદ્ધિ કરવા અગ્નિપરીક્ષા રચી; તે માટે ધગધગતા અગ્નિનો મોટો કુંડ તૈયાર કર્યો, ને સીતાજી તેમાં પડવા તૈયાર થયા... ત્યારે પંચપરમેષ્ઠી ભગવંતોનું સ્મરણ કરીને તેઓ કહે છે કે `મારા હૃદયમાં પંચપરમેષ્ઠી બિરાજે છે; જો મારા સ્વામી (રામચંદ્ર) સિવાય બીજા કોઇ પરપુરુષની મેં સ્વપ્ને પણ ઈચ્છા કરી હોય તો હે અગ્નિ! તું મને બાળીને ભસ્મ કરજે, અને જો મેં સ્વપ્ને પણ બીજાની ઈચ્છા ન કરી હોય ને અખંડ શીલવ્રત પાળ્યું હોય, તો તું શાંત થઇ જાજે...મને અડીશ નહી.' આમ કહીને સીતાજી જ્યાં અગ્નિકુંડમાં પ્રવેશે છે ત્યાં તેમના પુણ્યોદયે એક દેવદ્વારા તે અગ્નિ શાંત થઇ જાય છે.

 

Bhaktamar-Gatha 40

અને સીતાજીના શીલનો મહિમા જગપ્રસિદ્ધ થાય છે; પાપનો ઉદય ટળીને શુભનો ઉદય થઇ જાય છે. કોઇને પ્રüા થાય કે, અયોધ્યાયમાં સીતાજીનો અગ્નિ તો શાંત થઇ ગયો ને શત્રુંજય પર પાંડવમુનિઓનો અગ્નિ કેમ શાંત ન થયો? તેઓ તો અગ્નિમાં સળગી ગયા! તેનું સમાધાન: સીતાજીએ તો `જો શીલ હોય તો અગ્નિ શાંત થઇ જાઓ'’એમ કહીને પુણ્યની ઉદીરણા કરી હતી, તેથી અગ્નિ શાંત થઇ ગયો; જ્યારે પાંડવોએ તેવી ઉદીરણા ન કરી, વિકલ્પ ન કર્યો, પણ નિર્વિકલ્પપણે વીતરાગી શુક્લધ્યાનમાં એકાગ્ર થઇને, શાંતરસ વડે કર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાન પામ્યા ને મુક્ત થયા, એટલે તેમને તો સમસ્ત સંસારઅગ્નિ શાંત થઇ ગયો. તેમને અગ્નિનો ભય ન હતો. એ પાંડવો અગ્નિમાં બળ્યા નથી (દેહ બળ્યો) પણ તેઓ તો ચૈતન્યના હિમાલયમાં પ્રવેશીને શાંતિમાં ઠર્યા છે. અંતરની ચૈતન્ય-ગૂફામાં તો કષાયઅગ્નિનો કે બહારના અગ્નિનો સંબંધ જ ક્યાં છે? દેહ બળ્યો પણ ચેતના નથી બળી. અગ્નિએ દેહને બાળ્યો પણ તે કાંઇ તેમને કેવળજ્ઞાન સાધવામાં કે મોક્ષ પામવામાં રોકી શક્યો નહિ; માટે તેમને અગ્નિનો ભય નથી. (શત્રુંજય ઉપર પાંડવોના આ પ્રસંગના વર્ણન માટે, ચોવીસ તીર્થંકર ભગવંતોનું મહાપુરાણ વાંચો). હે જિનદેવ! ગમે તેવા અગ્નિથી પણ ભય પામીને આપના ભક્તો મોક્ષની સાઘનાને છોડી દેતા નથી, અગ્નિ વચ્ચે પણ નિર્ભયપણે મોક્ષને સાધે છે. હે દેવ! શીલધર્મના પ્રતાપે ને આપના નામકીર્તનથી સીતાજીને અગ્નિ બાળી શકયો નહિ, શાંત થઇ ગયો;

 

તેમ આપના ધર્મનું આરાધન કરનાર જીવને અગ્નિ બાળી શકતો નથી, અંતરમાં ને બહારમાં પણ અગ્નિ શાંત થઇ જાય છે. અરૂપી-અસ્પર્શી આત્મામાં અગ્નિનો સ્પર્શ કેવો? ધર્માત્મા જ્યાં સ્વભાવના શાંતરસની ગૂફામાં પ્રવેશી ગયા ત્યાં હવે કષાયઅગ્નિનો કે બહારના અગ્નિનો સંબંધ કેવો? `રાગ આગ દહે સદા, તાતેં સમામૃત સેવીએ' રાગ તે આગ છે, તે જીવને બાળે છે, તેનાથી બચવાનો ઉપાય એક જ છે કે ચૈતન્યમાં પ્રવેશીને શાંતભાવરૂપ અમૃતનું સેવન કરવું. સ્વાનુભવના શાંતરસની ધારાવડે રાગ-આગ બુ]ાઇ જાય છે. કષાયઅગ્નિ સમસ્ત સંસારી જીવોને બાળે છે પણ જિનમાર્ગના ઉપાસક ધર્માત્માની જ્ઞાનચેતના તે બાળી શકતો નથી; તે જ્ઞાનચેતના તો અંતરના શાંતરસમાં મગ્ન છે.
જુઓ તો ખરા, દ્વારકા જેવી સુંદર નગરી, ઈદ્રની આજ્ઞાથી કુબેરે જેની રચના કરી, નેમિનાથ જ્યાં અવતર્યા ને શ્રીકૃષ્ણે જ્યાં રાજ્ય કર્ય઼ું, તે દ્વારકાનગરી જ્યારે સળગી ત્યારે દેવો બચાવવા ન આવ્યા. છમાસ સુધી હડહડ સળગી તેમાં બધા નગરજનો ને પશુ-પંખીઓ ભસ્મીભૂત થઇ ગયા. તથાપિ એવા અગ્નિ વચ્ચે પણ, જેના અંતરમાં જિનદેવ બિરાજે છે ને જે જિનધર્મના આરાધક છે તેને ભય થતો નથી. જિનધર્મની આરાધના વડે જ્યાં ભવનો અગ્નિ પણ શાંત થઇ જાય છે ત્યાં બહારના અગ્નિની શી વાત! માટે હે જીવ! તું સર્વ પ્રકારના ભય છોડીને જિનધર્મની આરાધના કર.. જિનગુણકીર્તનરૂપ ભક્તિમાં તત્પર થા. તારા ચૈતન્યતત્ત્વમાં આનંદનો શીતળ કુંડ છે, તેમાં પ્રવેશ કરતાં જ કષાયોનો અતાપ શમી જશે; બહારમાં અગ્નિના ગોળા વરસતા હોય તોપણ તને ભય નહી થાય. સર્વજ્ઞ-વીતરાગનું કીર્તન કરીને ચૈતન્યની શાંતિનું વેદન કર્ય઼ું ત્યાં કષાયઅગ્નિ શાંત થયો, પછી બહારનો ભય પણ રહેતો નથી; તેનું ચિત્ત શીતલ-શાંત થઇ જાય છે.

ભેદવિજ્ઞાન જગ્યો જિન્હકે ઘટ,
શીતલ ચિત્ત ભયો જિમ ચંદન;

કેલિ કરે શિવમારગમેં,
જગમાંહી જિનેશ્વરકે લઘુનંદન.

ભેદજ્ઞાન કરીને જેણે શાંત આત્માનું શરણ લીધું, તેનું ચિત્ત શાંત થયું, તે જિનેશ્વરનો નંદન થયો, સર્વજ્ઞનો પુત્ર થયો, ને આનંદ કરતો કરતો શિવપુરીના માર્ગમાં ચાલ્યો જાય છે. ભગવાનના આવા ભક્તોને અગ્નિ વગેરેનો ભય હોતો નથી. (40)

advt06.png