• શ્રી ભક્તામરસ્તોત્ર

    ભગવાન ઋષભદેવ જાણે કે અત્યારે સમવસરણમાં સાક્ષાત્ બિરાજી રહ્યા હોય. દેવ¬દેવેદ્રો આવીને પ્રભુના ચરણોમાં ભક્તિથી મસ્તક ઝુકાવતા હોય, ને તે પ્રભુની સન્મુખ પોતે પણ ભાવભીની સ્તુતિ કરતા હોય;-એવી રીતે પરમાત્માને પોતાના જ્ઞાનમાં સાક્ષાત્ કરીને શ્રી માનતુંગ મુનિરાજ આ સ્તુતિનો પ્રારંભ કરે છે.

    ભક્તામર ગાથા 1થી 48

  • 1
ગાથા - ૪૩મી. - જિનમાર્ગનો આશ્રય કરનારને યુદ્ધનો ભય નથી.
कुन्ताग्र-भिन्न-गज-शोणित-वारिवाह-वेगावतार-तरणाऽतुर-योध-भीमे ।
युद्धे जयं विजित-दुर्जय-जेय-पक्षास् त्वत्पाद-पड्कज-वना-श्रयिणो लभन्ते ।।43।।
  કુન્તાગ્ર-ભિન્ન-ગજ-શોણિત-વારિવાહ-વેગાવતાર-તરણાऽતુર-યોધ-ભીમે ।
યુદ્ધે જયં વિજિત-દુર્જય-જેય-પક્ષાસ્ ત્વત્પાદ-પડ્કજ-વના-શ્રયિણો લભન્તે ।।43।।

Bhaktamar-Gatha 43

આ શ્લોકનું નામ `યુદ્ધભયનિવારકસ્તુતિ' છે. ભક્તમુમુક્ષુ ભયંકર યુદ્ધભૂમિ વચ્ચે પણ જિનરાજને ભૂલતો નથી. જે યુદ્ધભૂમિમાં ભાલાંની અણીથી ભેદાઇ ગયેલા હાથીના લોહીનો રેલો પાણીના પ્રવાહની જેમ વહેતો હોય અને યોદ્ધાઓ તે લોહીના પ્રવાહને ઓળંગવા આકુળ-વ્યાકુળ થઇને દોડતા હોય, એવા ભયંકર યુદ્ધમાં, જેને જીતવા કઠણ હોય એવા શત્રુઓને પણ, હે જિનેદ્ર! આપના પાદ-પંકજરૂપ વનનો આશ્રય કરનારા ભવ્યજીવો, રમતવાતમાં જીતી લ્યે છે.
પ્રભો! આપના જેવા અજેય સર્વજ્ઞપુરુષનો અમે આશ્રય લીધો, હવે અમને જીતનારા કોણ?-અમારો જ વિજય છે. શુભાશુભ કર્મોના ઉદયરૂપ યુદ્ધભૂમિ, તેમાં પોતાનો શુદ્ધ-બુદ્ધસ્વભાવ અનંતા ગુણપુષ્પોથી ખીલેલો બાગ, તેનો જે આશ્રય લ્યે છે, તે ઉદયની સેનાને જીતી લ્યે છે; અંતરના કે બહારના શત્રુથી તે ભયભીત થતો નથી; સ્વભાવમાં નિ:શંક અને નિર્ભયપણે તે પોતાના મોક્ષ-સામ્રાજ્યને સાધે છે. જેમ સુંદર ઉપવનની શીતલ છાયાનો આશ્રય કરનારને આતાપ લાગતો નથી, તેમ સ્વભાવના અતિ સુંદર શાંત ચેતનબાગમાં વિશ્રામ કરનારને સંસારનો કે શત્રુનો આતાપ લાગતો નથી, તે શીતળ-શાંતિને વેદે છે. હે દેવ! આત્માના સર્વજ્ઞપદનો ને જિનપદનો જ આ મહિમા છે. આપના સર્વજ્ઞપદનો અચિંત્ય મહિમા જેના અંતરમાં વસી ગયો તેને હવે નિર્ભયપણે મોહશત્રુને જીતતાં કોઇ રોકી શકે નહિ. યુદ્ધભૂમિની વચ્ચે પણ જાણે શાંત­બગીચામાં બેઠા હોય, તેમ ઉદયભાવોની વચ્ચે પણ ધર્મી-જિનભક્ત શાંત-ચૈતન્યબાગમાં કેલિ કરે છે.
જેમ શ્રીકૃષ્ણ જેવા પુણ્યવંત મહાત્મા જેના પક્ષમાં, તેની જીત જ હોય, તેમ સર્વજ્ઞ સ્વભાવી પરમાત્મા જેના હૃદયમાં, તેની મોહ સામે જીત જ હોય. ધર્માત્મા યુદ્ધભૂમિ વચ્ચે પણ પરમાત્માને ભૂલતા નથી, સ્વભાવને ભૂલતા નથી; તે વખતેય શરીર અને રાગાદિથી ભિન્ન ચિદાનંદસ્વભાવના શ્રદ્ધા-જ્ઞાન તેને અખંડપણે ચાલુ રહે છે અને તેના જોરે તે મોહવિજેતા બને છે; તથા પુણ્યયોગે બહારના શત્રુને પણ તે જીતી લ્યે છે. ધર્માત્માને સાધકદશામાં વિશિષ્ટ પુણ્ય બંધાય છે, તેનો ઉદય આવતાં તે બહારના શત્રુને પણ યુદ્ધમાં જીતી લ્યે છે, અજેય શત્રુ પણ તેનો દાસ બની જાય છે.
મથુરાનગરીના રાજા મધુ સમ્યગ્દૃષ્ટિ હતા; ભરત સામે લડતાં લડતાં તેનું શરીર બાણથી વીંધાઇ ગયું, પણ તે ધર્મને ન ભૂલ્યા, ઊલ્ટું વિશેષ વૈરાગ્ભાવના જાગી, ને ઘાયલપણે હાથી ઉપર બેઠા બેઠા જ ભાવસંયમ ધારણ કરીને સમાધિમરણ કર્ય઼ું. કર્મનો ઉદય એના ધર્મને ઘાયલ ન કરી શક્યો, વીતરાગભાવ વડે તેણે ઉદયને જીતી લીધો.
બહારનો શત્રુ ન જીતાયો, પોતે ઘાયલ થયા તોપણ મોહશત્રુને તો જીતી લીધો. યુદ્ધભૂમિની વચ્ચે, હાથી ઉપર બેઠા બેઠા, ઘાયલ શરીરે પણ અંદરની ચેતનાને ઘાયલ થવા ન દીધી, ચેતનાને જગાડીને વૈરાગ્યપૂર્વક સંયમ લીધો. આ રીતે જિનદેવના ભક્ત કોઇ સ્થિતિમાં જિનધર્મને ભૂલતા નથી, તેથી તેમનો વિજય જ છે. એક રીતે જોઇએ તો આખો સંસાર તે ઉદયભાવો સામેનો સંગ્રામ છે, તેમાં સાધકજીવ જિનભક્તિરૂપ શાંત હથિયાર વડે જીત મેળવે છે. (43)

advt04.png