• શ્રી ભક્તામરસ્તોત્ર

    ભગવાન ઋષભદેવ જાણે કે અત્યારે સમવસરણમાં સાક્ષાત્ બિરાજી રહ્યા હોય. દેવ¬દેવેદ્રો આવીને પ્રભુના ચરણોમાં ભક્તિથી મસ્તક ઝુકાવતા હોય, ને તે પ્રભુની સન્મુખ પોતે પણ ભાવભીની સ્તુતિ કરતા હોય;-એવી રીતે પરમાત્માને પોતાના જ્ઞાનમાં સાક્ષાત્ કરીને શ્રી માનતુંગ મુનિરાજ આ સ્તુતિનો પ્રારંભ કરે છે.

    ભક્તામર ગાથા 1થી 48

  • 1
ગાથા - ૪૪મી. - જિનમાર્ગનો આશ્રય કરનારને તોફાની સમુદ્રનો પણ ભય નથી.
अम्भोनिधौ क्षुभित-भीषण-नक्रचक्र-पाठीन-पीठ-भय-दोल्बण-वाडवाग्नौ ।
रड्गत्तरड्ग-शिखर-स्थित-यानपात्रा-स्त्रासं विहाय भवतः स्मरणाद् व्रजन्ति ।।44।।
  અમ્ભોનિધૌ ક્ષુભિત-ભીષણ-નક્રચક્ર-પાઠીન-પીઠ-ભય-દોલ્બણ-વાડવાગ્નૌ ।
રડ્ગત્તરડ્ગ-શિખર-સ્થિત-યાનપાત્રા-સ્ત્રાસં વિહાય ભવત: સ્મરણાદ્ વ્રજન્તિ ।।44।।

Bhaktamar-Gatha 44

મોટી મોટી સ્ટીમર પણ જેના મોઢામાં ચાલી જાય એવા મોટા ભીમકાય માછલાં, તેમજ ભયંકર મઘર, જળઘોડા વગેરે ક્રૂર જલચર પ્રાણીઓ, તેમના ઊછાળાથી જે ક્ષુબ્ધ-ડામાડોળ થઇ રહ્યો છે એવો સમુદ્ર; અને વળી તે સમુદ્રની વચ્ચે મોટો વડવાનલ અગ્નિ ફાટયો હોય; એવા સમુદ્રની વચ્ચે ઊછળતા તોફાની મોજાં ઉપર ડગમગતી નૌકામાં બેઠેલો પુરુષ પણ, હે જિનેદ્ર! આપનું સ્મરણ કરે છે ત્યાં ત્રાસ વગર તે સમુદ્રને પાર કરે છે. અહા, આપના ગુણચિંતનવડે તો ભવસમુદ્રનો પણ પાર પમાય છે ત્યાં બીજા સમુદ્રની શી વાત! તોફાની ભવસમુદ્રની વચ્ચે પણ જેના અંતરમાં જિનસ્વભાવનું ચિંતન છે તે નિર્ભયપણે સંસારસમુદ્રને પાર કરે છે.
એક શ્રદ્ધાળુ-પુણ્યવંત શેઠ વેપાર કરતા હતા; તેનું એક વહાણ માલ ભરીને આવતું હતું. પરદેશથી 100 વહાણ આવતા હતા તેમાં તેનું એક વહાણ હતું. એવામાં મુનિમજી સમાચાર લાવ્યા કે શેઠજી! જે સો વહાણ આવતા હતા તેમાંથી માત્ર 1 વહાણ બચ્યું છે, બાકીનાં 99 દરિયામાં ડૂબી ગયા છે.-શેઠે જરાય ગભરાયા વગર કહ્યું: મુનિમજી! ચિંતા ન કરો; જાઓ, તપાસ કરો...જે એક વહાણ બચ્યું છે તે આપણું જ હશે. મને મારા પુણ્યનો ભરોસો છે, મારું વહાણ દરિયામાં ડૂબે નહીં. પછી મુનિમજીએ તપાસ કરતાં જે એક વહાણ ઊગર્ય઼ું તે વહાણ તે શેઠનું જ હતું. તેમ અહી સમ્યગ્દૃષ્ટિ-ધર્માત્માને, ભગવાનના ભક્તને જિનમાર્ગનો અને પરમાત્મસ્વભાવનો વિશ્વાસ છે કે મારું વહાણ-મારો આત્મા સંસારસમુદ્રમાં ડૂબે નહિ. સંસારથી તરનારા જે થોડા જીવો-તેમાં હું છું. સંસારસમુદ્રમાં પુણ્ય-પાપના અનેક તોફાન, તેના મોજાં વચ્ચે પણ મારો આત્મા મોક્ષને સાધવાના માર્ગમાં જ છે.-આમ પોતાના પરમાત્મસ્વભાવનો વિશ્વાસ ને જિનમાર્ગની ભક્તિ ધર્મીજીવને ક્ષણમાત્ર પણ ખસતી નથી, નિર્ભયપણે તે ભવસમુદ્રને તરી જાય છે. જિનદેવની ભક્તિ ભવસમુદ્રને પાર કરાવનારી નૌકા છે; તેમાં બેસીને સાધકજીવો મોક્ષપુરીમાં જાય છે.
અહા, જેના અંતરમાં જિનદેવ બિરાજે છે, રાગથી ભિન્ન શુદ્ધચૈતન્યતત્ત્વ જેના અનુભવમાં છે, તેને તો ભવનો આ મોટો દરિયો પણ, ગાયની ખરીથી થયેલા નાના ખાબોચિયા જેવો અલ્પ થઇ જાય છે, રમતવાતમાં તે એને ઓળંગી જાય છે. ધર્મીને વિશ્વાસ છે કે જિનમાર્ગના પ્રતાપે હું હવે ભવસમુદ્રને તરીને મુક્તિપુરીના કિનારે પહોંચી ગયો છું. આ રીતે હે દેવ! આપનો ભક્ત કોઇ જાતના ત્રાસ વગર નિર્ભયપણે મોક્ષને સાધે છે. જેમ આપ ભવસમુદ્રને તરી ગયા તેમ આપનો ભક્ત પણ આપને નજરમાં રાખીને ભવસમુદ્રને તરી જાય છે.

advt03.png