• શ્રી ભક્તામરસ્તોત્ર

    ભગવાન ઋષભદેવ જાણે કે અત્યારે સમવસરણમાં સાક્ષાત્ બિરાજી રહ્યા હોય. દેવ¬દેવેદ્રો આવીને પ્રભુના ચરણોમાં ભક્તિથી મસ્તક ઝુકાવતા હોય, ને તે પ્રભુની સન્મુખ પોતે પણ ભાવભીની સ્તુતિ કરતા હોય;-એવી રીતે પરમાત્માને પોતાના જ્ઞાનમાં સાક્ષાત્ કરીને શ્રી માનતુંગ મુનિરાજ આ સ્તુતિનો પ્રારંભ કરે છે.

    ભક્તામર ગાથા 1થી 48

  • 1
ગાથા - ૪૫મી. - જિનમાર્ગનો આશ્રય કરનારને ભિષણ રોગનો ભય નથી.
उद्भूत-भीषण-जलोदर-भारभुग्नाः शोच्यां दशा-मुपगता श्च्युत-जीविताशाः ।
त्वत्पाद-पड्कज-रजोऽमृत-दिग्धदेहा मर्त्या भवन्ति मकर-ध्वज-तुल्य-रुपाः ।।45।।
  ઉદ્ભૂત-ભીષણ-જલોદર-ભારભુગ્ના: શોચ્યાં દશા-મુપગતા શ્ચ્યુત-જીવિતાશા: ।
ત્વત્પાદ-પડ્કજ-રજોऽમૃત-દિગ્ધદેહા મર્ત્યા ભવન્તિ મકર-ધ્વજ-તુલ્ય-રુપા: ।।45।।

Bhaktamar-Gatha 45

ઉત્પન્ન થયેલા ભયંકર જલોદર રોગના ભારથી જે ભાંગી પડયો છે, જેની દશા અત્યંત કરુણાજનક છે, અને જેના જીવનની પણ આશા નથી, એવો મનુષ્ય પણ હે જિનેદ્ર! જો આપના પાદપંકજની રજરૂપ અમૃતવડે પોતાના શરીરને સીંચે છે તો તે પુરુષ રોગરહિત અને કામદેવ જેવા સુંદર રૂપવાળો બની જાય છે.
અહો દેવ! શુદ્ધ ચૈતન્યસ્વરૂપે આપને ઓળખતાં મિથ્યાત્વ જેવો ભયંકર મોહરોગ પણ ક્ષણમાં દૂર થઇ જાય છે ને આત્મા સમ્યક્ત્વના અપૂર્વ રૂપને ધારણ કરીને અલ્પકાળમાં સ્વયં આપના જેવો પરમાત્મા બની જાય છે; ત્યાં આપની ભક્તિના પ્રતાપે (શુભભાવથી પુણ્યની ઉદીરણા થતાં) બાહ્ય રોગ મટીને સુંદર રૂપની પ્રાપ્તિ થાય-તો તેમાં કઇ મોટી વાત છે! જલોદરથી ફૂલીને જેનું પેટ ફાટી પડતું હોય, એકદમ બેડોળ શરીર થઇ ગયું હોય, ચાલી પણ શકતો ન હોય, મરણતુલ્ય દશા થઇ ગઇ હોય, જ્યાં દુનિયાનું બીજું કોઇ ઔષધ કામ ન કરતું હોય, એવા રોગમાં કે કોઢ વગેરે ભયાનક રોગમાં પણ જિનગુણના મહિમારૂપ, ઔષધનું જે સેવન કરે છે તે નીરોગ થઇ જાય છે કામદેવ જેવું સુંદર રૂપ તેને મળે છે આવા પ્રસંગ માટે રાજા શ્રીપાળ વગેરેના દ્રષ્ટાંત પુરાણોમાં પ્રસિદ્ધ છે. આવા પ્રસંગ કોઇને બને છે, કોઇને બહારમાં નથી પણ બનતા. સનતકુમાર ચક્રવર્તી, જેનું રૂપ દેવોએ પણ વખાણ્યું તેઓ સાધુ થયા ને શરીરમાં કોઢનો ભયંકર રોગ લાગુ પડયો...પણ ચૈતન્યસાધનામાં મસ્ત તેમને શરીરના રોગની દરકાર ક્યાં હતી? અરે, એક દેવ વૈદનું રૂપ ધારણ કરીને રોગ મટાડવા આવ્યો...ત્યારે સાધુ-સનતકુમાર કહે છે: મારે તો મારો ભવરોગ મટાડી દેવો છે; આ શરીરનો રોગ તો મોઢાનું થૂંક ચોપડતાં મટી જાય તેમ છે. (-તેમને એવી લબ્ધિ હતી.) આ રીતે શરીરમાં રોગ આવે તોપણ ધર્માત્મા નિર્ભયપણે આત્માને સાધે છે.
કેટલાક મુનિવરોને એવી લબ્ધિ હોય છે કે તેમના શરીરને સ્પર્શીને જે હવા આવે તેના વડે પણ ગમે તેવો રોગ દૂર થઇ જાય; તેમના ચરણવડે સ્પર્શાયેલી ધૂળવડે પણ રોગ દૂર થઇ જાય. કેવળી ભગવાનને તોએ`ચરણરજ' હોતી નથી, તેઓ તો આકાશમાં વિચરે છે. પણ ચરણરજ કહેતાં ભગવાનના ચરણ પ્રત્યેની ભક્તિ સમજવી, તેના વડે રોગ મટી જાય છે. હે દેવ! આપના ચરણની રજ વડે પણ ભયંકર રોગ મટી જાય છે તો પછી સાક્ષાત્ આપને જ અમારા હૃદયમાં બેસાડી દેતાં અમારો મોહરોગ મટી જાય એમાં શું આýાર્ય! આપ જ્યાં બિરાજો ત્યાં કોઇ રોગ રહે નહી. હે જિનદેવ! આપે કહેલા શુદ્ધચૈતન્ય તત્ત્વના સમ્યશ્રદ્ધા-જ્ઞાનરૂપ અમૃત વડે જે પોતાના અસંખ્યપ્રદેશને સીંચે છે તેને મિથ્યાવાદિ સર્વ રોગ દૂર થઇ જાય છે ને સમ્યક્ત્વાદિરૂપ સુંદરતા પ્રગટે છે; તે સંપૂર્ણ નીરોગી એવા સિદ્ધપદને પામે છે. ત્યાં વચ્ચેના કાળમાં ઈદ્ર-કામદેવ-ચક્રવર્તી-તીર્થંકર વગેરે દિવ્ય રૂપવાળી પદવી સહેજે ઈચ્છા વગર આવી જાય છે. બાહુબલી કામદેવ હતા, ભરતરાજ ચક્રવર્તી હતા, ઋષભદેવ તીર્થંકર હતા, પણ તે બધાય અંતરમાં દેહથી ભિન્ન અતીદ્રિય ચૈતન્યપદને દેખનારા હતા, ને તેની જ ઉપાસના વડે સિદ્ધપદને પામ્યા છે. ભગવાનના ભક્તનું ધ્યેય પુણ્યમાં-રાગમાં કે સંયોગમાં નથી, એના ધ્યેયમાં તો શુદ્ધ આત્મા જ છે; પરમાત્મા જેવા પોતાના શુદ્ધાત્માને ધ્યેય બનાવીને નિર્ભયપણે તે મોક્ષમાર્ગમાં વિચરે છે. પરમાત્મપણું તે જ આત્માનું સર્વોત્કૃષ્ટ સુંદર રૂપ છે; જિનચરણનું અમૃત સેવનારને તેની પ્રાપ્તિ થાય છે. (4પ)

advt04.png