• વત્થુ સુહાવો ધમ્મો

  ।। वत्थुसहावो धम्मो ।।
  વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે. આત્મા એક વસ્તુ છે, તેથી આત્માનો સ્વભાવ તે આત્મધર્મ કહેવાય છે. તે સંબંધી ધ્યાન, વિચારણા તે ધર્મધ્યાન કહેવાય છે. .

  નવકારમંત્ર

 • પરમેષ્ઠિ ભગવંતો

  ।।શુદ્ધાતમ અરુ પંચ ગુરુ, જગમેં શરના દોય,
  મોહ ઉદય જિય કે વૃથા, આન કલ્પના હોય.।।

  આત્મ સિદ્ધિ તથા સાચું સુખ પ્રાપ્ત કરવા માટે વિશ્વમાં બે જ શરણ છે. નિશ્ચયથી શુદ્ધાત્મા અને વ્યવહારથી પંચ પરમેષ્ઠી ભગવંતો. તેમનું સ્મરણ નવકાર મંત્રના જાપ તથા ગહન સમજણથી થઇ શકે છે.

  નવકારમંત્ર

 • શ્રી નવકાર

  ।। નમો અરિહંતાણં ।।
  અરિહંત પદ ધ્યાતા થકો, દવ્વહ ગુણ પજ્ઝાય રે;
  ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે.
  અરિહંત પદ ધ્યાતા થકો, દવ્વહ ગુણ પજ્ઝાય રે;
  ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે.

  નવકારમંત્ર

 • શ્રી નવકાર

  ।। નમો સિદ્ધાણં ।।
  રૂપાતીત સ્વભાવ જે, કેવલ દંસણ-નાણીરે;
  તે ધ્યાતા નિજ આત્મા, હોવે સિદ્ધ ગુણખાણીરે,
  વીર જિનેશ્વર ઉપદિશે, તુમે સાંભળજો ચિત્ત લાઇ રે;
  આતમધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઇ રે.

  નવકારમંત્ર

 • શ્રી નવકાર

  ।। નમો આયરિયાણં ।।
  ધ્યાતા આચરજ ભલા, મહામંત્ર શુભ ધ્યાની રે;
  પંચ પ્રસ્થાને આતમા, આચરજ હોય પ્રાણી રે.
  વીર જિનેશ્વર ઉપદિશે, તુમે સંભાળજો ચિત્ત લાઇ રે;
  આતમધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઇ રે.

  નવકારમંત્ર

 • શ્રી નવકાર

  ।। નમો ઉવજ્ઝાયાણં ।।
  તપ સજ્ઝાયે રત સદા, દ્વાદશ અંગનો ધ્યાતા રે;
  ઉપાધ્યાય તે આતમા, જગબંધવ જગભ્રાતા રે.
  વીર જિનેશ્વર ઉપદિશે, તુમે સાંભળજો ચિત્તલાઇ રે;
  આતમધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઇ રે.

  નવકારમંત્ર

 • શ્રી નવકાર

  ।। નમો લોએ સવ્વસાહૂણં ।।
  અપ્રમત્ત જે નિત રહે, નવિ હરખે શોચે રે;
  સાધુ સુધા તે આતમા, શું મુંડે શું લોચે રે.
  વીર જિનેશ્વર ઉપદિશે, તુમે સાંભળજો ચિત્ત લાઇ રે;
  આતમધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઇ રે.

  નવકારમંત્ર

 • 1
 • 2
 • 3
 • 4
 • 5
 • 6
 • 7
શ્રી અરિહંત પરમેષ્ઠી 
જેમના જેવું થવું છે અને જેમના જેવું સ્વરૂપ છે આપણું.. તેઓનું મંગલમય શરણું વારંવાર અંગિકાર કરી તેઓનું યથાર્થ સ્વરૂપ સમજવાનો પ્રયાસ કરવો..

શ્રી અરિહંત પરમેષ્ઠિ `ણટઠચદુધાઇકમ્મો, દંસણ સુહણાણ વીરિયમઇયો; સુહદેહત્થો અપ્પા સુદ્ધો અરિહો વિચિંતિજજો' જેઓએ ચાર ઘાતિ કર્મોનો નાશ કર્યો છે, જેઓ (અનંત) દર્શન-જ્ઞાન-વીર્યવાન છે, જેઓ ઉત્તમ દેહધારી છે અને જેઓ શુદ્ધ (અઢાર દોષ રહિત) છે. એવા આત્માઓ અરિહંત છે. તેઓનું ધ્યાન કરવા યોગ્ય છે. અરિહંત ભગવંતો ગૃહસ્થપણું ત્યાગીને, મુનિધર્મ અંગીકાર કરી, નિજ સ્વભાવ સાધન દ્વારા ચાર ઘાતિકર્મોનો નાશ કરીને અનંત ચતુષ્ટયરૂપ બીરાજમાન થયા છે. ત્યાં અનંતજ્ઞાન દ્વારા તો પોતાના અનંત ગુણ પર્યાય સહિત સમસ્ત જીવાદી દ્રવ્યોને યુગપત વિશેષરૂપે પ્રત્યક્ષ જાણે છે, અનંત દર્શન દ્વારા તેઓનું સામાન્ય અવલોકન કરે છે, અનંત વીર્યદ્વારા એવા સામર્થ્યને ધારણ કરે છે, અનંત સુખ દ્વારા નિરાકુળ પરમાનંદનો અનુભવ કરે છે. વળી જે રાગ-દ્વેષ વિકારી ભાવોથી રહિત થઇને શાન્તરસ રૂપ પરિણમિત થયા છે અને ભૂખ-તરસ આદિ સમસ્ત દોષોથી મુક્ત થઇ દેવાધિદેવપણાને પ્રાપ્ત થયા છે અને શસ્ત્ર, વસ્ત્રાદિક તેમ જ અંગે વિકારાદિક કામ ક્રોધાદિ નિદ્ય ભાવોના ચિન્હોથી રહિત જેઓનું પરમ ઔદારિક શરીર થયું છે. વળી જેમની દિવ્યધ્વનિથી લોકમાં ધર્મતીર્થનું પ્રવર્તન થાય છે. જેમના દ્વારા જીવોનું કલ્યાણ થાય છે. તથા જેમની લૌકિક જીવો પર પ્રભુત્વ માનવાના કારણરૂપ અનેક અતિશય અને ઘણા પ્રકારના વૈભવોનું સંયુક્ત પણું જોવામાં આવે છે તથા જેઓને ઇદ્રો તથા ગણધરો પોતાના હિત માટે પૂજે છે એવા સર્વ પ્રકારે પૂજવા યોગ્ય શ્રી અરિહંત ભગવંતને નમસ્કાર હો.. અરિહંત પદનું સ્વરૂપ જાણવા માટે આચાર્ય સમન્તભદ્રનું નીચે મુજબનું કથન પણ મનન યોગ્ય છે.. ""આપ્તેનોચ્છિન્ન દોષેણ સર્વજ્ઞેનાગમે શિના ભવિતવ્યં નિયોગેન નાન્યથા હ્યાપ્તતા ભવેત'' ।।5।। જેઓ વિતરાગી, સર્વજ્ઞ તેમ જ હિતોપદેશી હોય તેને આપ્ત કહે છે. આ ત્રણ ગુણો વગર કોઇને પણ આપ્તપણું સંભવતું નથી. અરિહંત ભગવંત પોતાની વીતરાગતા, સર્વજ્ઞતા તેમ જ હિતોપદેશપણાને કારણે જ પૂજ્ય છે, આરાધ્ય છે. દરેક આત્માર્થીઓ માટે આરાધના કરવા યોગ્ય છે. સાચા દેવ એટલે કે આપ્તની પરિભાષામાં સમાયેલ ત્રણે વિશેષણો (વીતરાગ, સર્વજ્ઞ અને હિતોપદેશી) સાચા અર્થમાં તેઓનું સ્વરૂપ જાણવું જરૂરી છે. પહેલું વિશેષણ છે વીતરાગ ઃ જન્મ જરા તિરષા ક્ષુધા, વિસ્મય આરત ખેદ, રોગ શોક મદ મોહ ભય, નિદ્રા ચિન્તા સ્વેદ, રાગ દ્વેષ અરુ મરત જુત યહ અષ્ટાદસ દોષ, નાહિં હોત અરિહંત કે, સો છવિ લાયક મોષ ।। જે રાગ-દ્વેષ-મોહ, જન્મ-મરણ, ભૂખ-તરસ વગેરે અઢાર દોષોથી રહિત છે તેને વીતરાગ કહે છે. વીતરાગી પરમાત્માનો ઉપાસક જ વીતરાગતાનો ઉપાસક હોચ છે. લૌકિક સુખ (ભોગ-સામગ્રી) ની ઈચ્છાથી પરમાત્માની ઉપાસના કરવાવાળી વ્યક્તિ વીતરાગી સર્વજ્ઞ ભગવાનનો ઉપાસક ન હોઈ શકે. ખરેખર તે ભગવાનનો ઉપાસક ન હોઈ ભોગોનો ઉપાસક જ છે. વીતરાગી ભગવાનનું સાચું સ્વરૂપ નહિં સમજવાને કારણે આરાધના (ઉપાસના) માં અનેક વિકૃતિઓ આવવી સંભવ છે. અને તે જ કારણ છે કે આજે આપણે દેવ - મૂર્તિઓમાં વીતરાગતા ન જોતાં ચમત્કાર જોવા લાગ્યા છીએ. અને ``ચમત્કાર ને નમસ્કાર''ની કહેવત પ્રમાણે જે મૂર્તિ અને મંદિર સાથે ચમત્કારીક કથાઓ જોડાયેલી હોય છે. એવા મંદિરોમાં વિશેષ કરીને તે મૂર્તિઓ સમક્ષ કહેવાતા ભક્તોની ભીડ વધુમાં વધુ જોવા મળે છે. જેની સાથે લૌકિક સમૃદ્ધિ, સંતાન પ્રાપ્તિની કલ્પનાઓ સંકળાયેલી છે ત્યાં તો ઉભા રહેવાની જગ્યા પણ નથી મળતી અને તે સિવાયના મંદિરો ખંડેર થવા લાગ્યા છે. ત્યાંની મૂર્તિઓની ધૂળ સાફ કરવા પણ કોઈ દેખાતું નથી. એક ભગવાન મહાવીરની હજારો મૂર્તિઓ છે એ બધી જ મૂર્તિઓનાં માધ્યમથી આપણે ભગવાન મહાવીરની પૂજા કરીએ છીએ. જુદા જુદા મંદિરોમાં જુદી જુદી મૂર્તિઓનાં માધ્યમથી પૂજવામાં આવતા મહાવીર ભગવાન જુદા જુદા નહિ પણ એક જ છે. ભગવાન મહાવીર તેમની વીતરાગતા સર્વજ્ઞતા અને હિતોપદેશીપણાના કારણે પૂજ્ય છે કોઈ લૌકિક ચમત્કારો તથા સંતાન, ધન વગેરે આપવાના કારણે નહિ. જે મહાન આત્મા પોતે જ ધન આદિ ઘરબાર છોડીને આત્મસાધનામાં મગ્ન થયા હોય તેમની પાસેથી જ ધન આદિની ઈચ્છા કરવી કેટલી હાસ્યાપદ છે તેમને ભોગાદિ (સામગ્રી) આપવાવાળા કહેવા તે તેમની મૂર્તિને ખંડિત કરવા જેવું છે. સત્ય તો એ છે કે વીતરાગી ભગવાન પ્રસન્ન થઈને કોઈને કાંઈ આપતા નથી તેમ જ અપ્રસન્ન થઈ કોઈનું નુકસાન પણ નથી કરતાં છતાં પણ જો ભોળા જીવોની કલ્પના અનુસાર તેમને સુખ દુઃખ દેનાર માની પણ લઈએ તોપણ અમુક મૂર્તિના માધ્યમથી જ કાંઈ આપશે, બીજ મૂર્તિના માધ્યમથી નહિ. તે કેવી રીતે સંભવે? વળી જો એમ કહેવામાં આવે કે તેઓ તો કાંઈ આપતા જ નથી, પરંતુ તેમના ઉપાસકને સ્વાભાવિક પુણ્યબંધ થાય છે, તો શું અમુક મૂર્તિની પૂજા કરવાથી અથવા અમુક મંદિરમાં ઘી વગેરેનાં દીવા કરવાથી જ પુણ્ય બંધાશે. બીજા મંદિરોમાં કે બીજી મૂર્તિઓ સમક્ષ નહિ. ભોળા ભક્તોએ પોતાની કલ્પના અનુસાર તીર્થંકર ભગવંતોમાં પણ ભેદભાવ ઊભા કર્યા છે. તેઓની માન્યતા મુજબ પાર્શ્વનાથ રક્ષા કરે છે, તો શાન્તીનાથ શાંતિ. તે જ પ્રમાણે શીતલનાથ શીતળાને મટાડવાવાળા અને સિદ્ધ ભગવાન કોઢ (કૃષ્ટ) મટાડનાર કહેવામાં આવે છે. ખરેખર ભગવાન તો બધા જ વીતરાગી સર્વજ્ઞ એક જ પ્રકારની શક્તિ (અનંતવીર્ય) નાં ધણી છે. તેમના કાર્યોમાં આવા ભેદ કેવી રીતે સંભવે? એક તો ભગવાન કાંઈ જ કરતા નથી અને જો કરે તો શું શાન્તીનાથ, પાર્શ્વનાથના જેવી જ રક્ષા નથી કરી શકતા? એવો કોઈ ભેદ તો અરિહંત - સિદ્ધ ભગવંતોમાં છે જ નહિ. લૌકિક અનુકૂળતા - પ્રતિકૂળતા પોત-પોતાના ભાવોથી પૂર્વોપાર્જિત પુણ્ય-પાપનું ફળ છે. ભગવાન તેમાં કાંઈ કરતાં નથી કેમ કે તેઓ તો કૃત - કૃત્ય છે. તેઓ કાંઈ કરતા નથી કેમ કે તેઓને કાંઈ કરવાનું બાકી રહ્યું નથી તેમણે તો પૂર્ણતા પ્રાપ્ત કરી લીધી છે. ભગવાનને સાચા સ્વરૂપમાં ઓળખ્યા સિવાય સાચા અર્થમાં તેમની ઉપાસના પણ થઈ શકતી નથી. પરમાત્મા વીતરાગી તથા પૂર્ણજ્ઞાનના ઉપાસક જ હોવા જોઈએ. વિષય-કષાયના અભિલાષી વીતરાગના ઉપાસક હોઈ શકે નહિ. વિષય-કષાયની ઈચ્છાથી ભક્તિ કરવાથી તીવ્ર કષાયના કારણે પાપનો બંધ જ થાય છે. પુણ્યનો બંધ થતો નથી. સાચાદેવનું ખરું સ્વરૂપ નહિ જાણવાવાળા ભક્તોની માટે મહાત્માઓએ કહ્યું છે કે... ``વળી અરિહંતાદિના નામ પૂજનાદિકથી અનિષ્ટ સામગ્રીનો નાશ અને ઈષ્ટ સામગ્રીની પ્રાપ્તિ થવી માની રોગાદિ મટાડવા તથા ધનાદિની પ્રાપ્તિ અર્થે તેનું નામ લે છે અને પૂજન આદિ ક્રિયા કરે છે. પણ ઈષ્ટ અનિષ્ટના કારણ તો પૂર્વકર્મનો ઉદય છે, અરિહંત તો કર્તા છે જ નહિં, અરિહંતાદિકની ભક્તિરૂપ શુભોપયોગ પરિણામોથી પૂર્વ પાપનું સંક્રમણાદિ થઈ જાય છે. માટે ત્યાં અનિષ્ટ નાશ ને ઈષ્ટ પ્રાપ્તિના કારણમાં ઉપચારથી અરિહંતાદિની ભક્તિ કરીએ છીએ; પણ જે જીવ પહેલાથી જે સાંસારિક પ્રયોજનથી ભક્તિ કરે છે તેને તો પાપનો જ અભિપ્રાય રહ્યો; કાંક્ષા, વિચિત્સારૂપ ભાવ થતાં એ વડે પૂર્વપાપનું સંક્રમણાદિ કેવી રીતે થાય? તેથી તેનું કાર્ય સિદ્ધ થયું નહિં. સાચા દેવનું બીજું વિશેષણ સર્વજ્ઞ છે.

arihant અલોકાકાશ સહિત ત્રણ લોક અને ત્રણ કાળના સમસ્ત પદાર્થોને એના ગુણ-પર્યાય સાથે એક જ, સમયમાં પૂર્ણ રૂપે જાણે છે; તેને સર્વજ્ઞ કહે છે. ``સર્વદ્રવ્યપપર્યાયેષુ કેવલસ્ય,'' તત્ત્વાર્થ સૂત્ર, અધ્યાય 1, સૂત્ર 29 લોકમાં બધા મળીને અનંત દ્રવ્ય છે, પ્રત્યેક દ્રવ્યમાં અનંત ગુણો છે, અને પ્રત્યેક ગુણની ત્રિકાળવર્તી અનન્તાન્ત પર્યાયો હોય છે. એ સમસ્ત દ્રવ્યો, પર્યાયોને, ગુણોને સર્વજ્ઞ ભગવાન એક સમયમાં ઈદ્રિયોની સહાયતા વગર પરિપૂર્ણરૂપે જાણે છે. સમસ્ત જગતમાં જે કાંઈ થઈ ગયું છે. થાય છે, અને ભવિષ્યમાં જે કાંઈ થવાનું છે. સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં બધું વર્તમાનમાં સ્પષ્ટ જણાય છે. `જે બધાને જાણે તે જ સર્વજ્ઞ' - સામાન્ય રીતે આ કથન સ્વીકાર કરવા છતાં પણ સર્વજ્ઞત્વના પ્રતિ સાચું શ્રદ્ધાન - જ્ઞાન ન હોવાને કારણે એમના સમક્ષ આ વાત આવે છે કે ઃ- `` જો જો દેખી વીતરાગને, સો સો હોસી વીરા રે, અનહોની કબહું નહિં હોસી, કાહે હોત અધીરા રે.'' વીતરાગી સર્વજ્ઞ દેવે ભવિષ્યનાં સંબંધમાં જે જે જોયું જાણ્યું છે, એ જ થશે વિપરીત કાંઈ નથી થવાનું, એટલે મુમુક્ષુઓએ અધીરા થવાની કોઈ આવશ્યકતા નથી. અમુક મુમુક્ષુઓ આ સાંભળીને એકદમ ચોંકી ઉઠે છે કે એટલે અમારું પરિણમન ભગવાનના જ્ઞાનને આધીન થઈ ગયું છે, અમે જે ઈચ્છીએ એમ ના કરી શકીએ. અમે તો પરાધીન થઈ ગયા છીએ. પણ અહીં એમ સમજવું જોઈએ કે ભગવનનાં જ્ઞાનને આધીન વસ્તુનું પરિણમન નથી થતું, જે સ્વરૂપ વસ્તુ સ્વયં પરિણમી હતી, પરિણમી રહી છે અને પરિણમશે, ભગવાને તો તેને તે સ્વરૂપે માત્ર જાણી છે. જ્ઞાન તો ``પર'' ને માત્ર જાણે છે. પરિણમાવતું નથી. જે રીતે જ્ઞાનને આધીન પર વસ્તુ નથી, એ રીતે વસ્તુને આધીન જ્ઞાન નથી; બન્નેનું સ્વતંત્ર પરિણમન પોત-પોતાના કારણે થાય છે. જ્ઞાનને જાણી લેવાથી વસ્તુની સ્વતંત્રતા કેવી રીતે ખંડિત થઈ જશે? સ્વતંત્રતા જ્ઞાનથી નહિ પરંતુ આપણા અજ્ઞાનથી ખંડિત થાય છે. જ્ઞાન તો વસ્તુના પરિણમનમાં કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ કર્યા વગર જ માત્ર એને જાણે છે. એમને સર્વજ્ઞતાની વાસ્તવિક શ્રદ્ધા તો હોતી જ નથી, પણ શાસ્ત્રાેમાં લખેલ છે તે ભગવાન વીતરાગી અને સર્વજ્ઞ હોય છે; એટલે ભગવાનને સર્વજ્ઞ માન્યા વગર પણ રહેવાતું નથી. આ જ કારણ છે કે સર્વજ્ઞતામાં પોતાની રુચિ અનુસાર કલ્પનાઓ કરે છે. કહે છે કે ભૂતકાળ અને વર્તમાનમાં તો જે કાંઈ થવાનું હતું તે થઈ ગયું છે, અને થઈ રહ્યું છે; એને તો ભગવાન નિýિાત રૂપે જાણે છે. પણ ભવિષ્યમાં જે હજુ થયું જ નથી એના વિષયમાં એમ કેમ કહેવાય કે નિýિાત આમ જ થશે. ભવિષ્યને નિýિાત માનવામાં એને સ્વતંત્રતા ખંડિત થતી લાગે છે. કહે છે કે જ્યારે ભવિષ્યમાં નિýિાત જ નથી, તો એને નિýિાત કેમ કહેવાય, એટલે એને સર્વજ્ઞ સશર્ત જાણતા હશે. જ્ઞાન અનિýાયાત્મક ન હોતાં નિýાયાત્મક હોય છે. ભવિષ્યને અનિýિાત માનવાથી જ્યોતિષ આદિ નિમિત્ત જ્ઞાન કાલ્પનિક સિદ્ધ થશે. જ્યારે સૂર્યગ્રહણ આદિની ઘોષણા હજારો વર્ષો પહેલાં કરવાં આવે છે અને તે સત્ય હોય છે. લાખો વર્ષો પહેલા ભવિષ્યની નિýિાત ઘોષણાઓથી આગમ ભરપૂર પડેલા છે. અને એ ઘોષણા ``એમ જ થશે'' એવી ભાષામાં છે. એટલે નિýિાત ભવિષ્યજ્ઞતામાં શંકા થવાથી સંપૂર્ણ આગમ મહેલ વિધ્વંસ થતો નજરે જોવામાં આવશે. એટલે સાચા દેવનું સ્વરૂપ સમજવા માટે સર્વજ્ઞતાનો નિર્ણય અત્યન્ત આવશ્યક છે, કેમ કે એ જ ધર્મનું મૂળ છે. સર્વજ્ઞની ત્રિકાળ સત્તાના સંબંધમાં નીચે મુજબ કથન દ્રષ્ટવ્ય છે ઃ- ``જદિ પચ્ચકખમજાદં પજ્જાયં મલિયદં ય ણાણસ્ય, ણ હવદિ વાતં ણાણં દિવ્વં તિ હિત કે પરૂવેંતિ.'' ``જો અનુત્પન્ન (ભવિષ્યની) અને વિનિષ્ટ (ભૂતની) પર્યાયો સર્વજ્ઞના જ્ઞાનમાં પ્રત્યક્ષ ન હોય તો એ જ્ઞાનને દિવ્ય કોણ કહેશે?'' આત્માનો સ્વભાવ સમસ્ત જ્ઞેયોને એક સમયમાં જાણવાનો છે. એટલે જ્યારે આત્માના જ્ઞાનગુણોની પૂર્ણ વિકસિત શુદ્ધ પયાર્ય કેવળજ્ઞાન થઈ જાય છે. ત્યારે એમાં સમસ્ત લોકાલોક સહજ પણે પ્રતિબિંબીત થાય છે. આપ્તનું ત્રીજું વિશેષણ હિતોપદેશી છે. આત્માનું હિત સાચા સુખની પ્રાપ્તિ જ છે, અને સાચું સુખ નિરાકુળતામાં જ હોય છે. આકુળતા મુક્તિમાં નથી, એટલે મુક્તિના માર્ગમાં લાગવું એ પ્રત્યે સુખાભિલાષીઓનું કર્તવ્ય છે. મુક્તિના માર્ગનો ઉપદેશ જ હિતોપદેશ છે. અરિહંત ભગવાનની દિવ્ય વાણીમાં મુક્તિના માર્ગનો ઉપદેશ આવે છે. એટલે જ એ હિતોપદેશી છે. એમની વાણી અનુસાર સમસ્ત જિનાગમ લખેલ છે. એટલે શાસ્ત્રનું સાચું સ્વરૂપ જાણવું તે જ ``હિતોપદેશી'' વિશેષણનું સાચું જ્ઞાન છે.'' આ પ્રકારે જીવ `નમો અરિહંતાણં' નો અર્થ સમજીને અરિહંત ભગવાનને નમસ્કાર કરે છે, તેના બધાં પાપોનો નાશ અવશ્ય થાય છે અને એક દિવસ એ પોતે અરિહંત પદને પ્રાપ્ત કરે છે. દરેક મુમુક્ષુઓએ એટલે કે મોક્ષના ઇચ્છુકો એ અરિહંત ભગવાનનું સ્વરૂપ દ્રવ્ય ગુણ - પર્યાયથી જરૂર જાણવું જ જોઈએ તે રીતે જાણવાનું ફળ બતાવતા આચાર્ય ભગવંત પ્રવચનસારમાં શ્રી કુંદકુંદાચાર્ય લખે છે કે.. ``જો જાણદિ અરિહંતં દવ્વત્તગુણત્તપજજયત્તેહિં, સો જાણદિ અપ્પાણં મોહો ખલુ જાદિ તસ્સ લયં'' જે અરિહંતને દ્રવ્યપણે, ગુણપણે, અને પર્યાયપણે જાણે છે, તે પોતાના આત્માને જાણે છે અને એનો મોહ અવશ્ય નાશ થાય છે. એટલે કે અરિહંતના દ્રવ્યગુણ પર્યાયના જ્ઞાનથી પોતાના આત્માનું જ્ઞાન થઇ જાય છે. અને આત્મ જ્ઞાનથી મોહ વિનાશ પામે છે. એટલે જ જેમને મોહનો નાશ કરવો હોય, તેમણે અરિહંત પરમેષ્ઠીનું સ્વરૂપ અવશ્ય જાણવું જોઇએ. એક મહાત્મા પણ આ વસ્તુ ઉપર ખાસ પ્રકાશ પાડતા લખી ગયા છે કે.. ``શુદ્ધ દ્રવ્ય ગુણ પજ્જવ જેહ, શુક્લધ્યાન છે તેહનું ગેહ. ધર્મધ્યાન છે તેહનું હેતુ, શુક્લધ્યાન મોહજીપન કેતુ.'' આ ગાથાનું વિવેચન એ પ્રમાણે થાય છે કે પ્રત્યેક પદાર્થ દ્રવ્ય અને પર્યાયાત્મક હોય છે, અર્થાત દ્રવ્યની અપેક્ષાએ નિત્ય અને પર્યાયોની અપેક્ષાએ અનિત્ય છે. દરેક પદાર્થમાં બે અંશ હોય છે. એક અંશ ત્રિકાલ શાશ્વત અને બીજો અંશ અશાશ્વત છે. શાશ્વત અંશના કારણે દરેક વસ્તુ ધ્રૌવ્યાત્મક-નિત્ય અને અશાશ્વત અંશના કારણે ઉત્પાદવ્યયશીલ-અનિત્ય ગણાય છે. આ બન્ને દૃષ્ટિએ વિચાર કરવાથી વસ્તુનું પૂર્ણ અને યથાર્થ સ્વરૂપ જાણી શકાય છે. એ પ્રકારે પદાર્થના સ્વભાવનું ચિંતન કરવું તે જ `શુક્લધ્યાન' કહેવાય છે.

આવું શુક્લધ્યાન કરી શકાય એ માટે પ્રથમ ધર્મધ્યાનથી શરૂઆત થાય છે. કેમ કે ધર્મધ્યાન પૂર્વક જ શુક્લ ધ્યાન પ્રગટે છે. અને તે શુક્લધ્યાન આવે તો દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય કર્મો સર્વથા છેદાઈ જતાં મુક્તિનો માર્ગ સરળ બને છે. જો આ જ વાત ઉદાહરણ દ્વારા સમજાવામાં આવશે તો થોડી હજી સહેલી પડી જશે. જેમ મોતીની માળામાં દ્રવ્ય, ગુણ અને પર્યાય એ ત્રણેનો વિચાર આ પ્રમાણે કરી શકાય. મોતીની માળા એ સામાન્ય છે, માટે એ દ્રવ્ય છે, તેમાં મોતી એ વિશેષ છે માટે પર્યાય. માળામાં ઊજ્જવલતા એ ગુણ છે, કારણ કે એ પણ વિશેષ છે. અહીં એ વાત ખાસ લક્ષ્યમાં રાખવાની છે કે ઉપર જણાવ્યા એ દ્રવ્ય-પર્યાય સાપેક્ષભાવે છે. સેંકડો માળાઓમાં આ માળા મોતીની છે, આ પ્રમાણે માળાને વિશેષિત મોતી કરે છે - માળા તો સામાન્ય રહે છે, માટે મોતી વિશેષ છે, મોતી વિશેષ હોવાને કારણે પર્યાય છે, ને માળા સામાન્ય હોવાને કારણે દ્રવ્ય છે. આ અપેક્ષાને બદલે જો મોતીની અનેક વસ્તુઓ હોય જેમ કે માળા, વલય, કર્ણફૂલ, મુદ્રિકા આદિ તો તે સર્વમાં મોતી સામાન્ય રહે છે ને તે ભૂષણો વિશેષ બને છે એવી અપેક્ષા હોય ત્યારે એ મોતી દ્રવ્ય ગણાય છે અને માળા - વલય વગેરે પર્યાય ગણાય છે. ગુણ તરીકે ઊજ્જવલતા તો બન્ને અપેક્ષામાં સમાન છે. શાસ્ત્રાેમાં અરિહંત પરમેષ્ઠીનાં 46 ગુણોનું વર્ણન છે. એમાં કોઇ ગુણ તો શરીરાશ્રિત છે, કોઇ પુણ્યાશ્રિત છે અને કોઇ આત્મા સંબંધી છે. 46 ગુણોમાં 34 અતિશય, 8 પ્રાતિહાર્ય અને 4 અનંતચતુષ્ટય છે. 34 અતિશયોમાં 10 જન્મના અતિશય તો શરીરથી સંબંધીત છે, 10 કેવળજ્ઞાન અતિશય બાહ્ય પુણ્યસામગ્રીથી સંબંધીત છે, અને 14 દેવકૃત તો સ્પષ્ટ દેવો વડે કરેલા જ છે. 8 પ્રાતિહાર્ય પણ બાહ્ય વિભૂતિઓ જ છે કેવળ 4 અનંતચતુષ્ટય જ આત્માના પોતાના ગુણ છે, જે બધાં અરિહંતોને હોય છે, અનંત ચતુષ્ટય સિવાય 42 ગુણ કેવળ તિર્થંકર અરિહંતોને જ હોય છે, બધાં અરિહંતોમાં નથી હોતા. 46 ગુણોનો વિસ્તાર આ પ્રકારે છે. ``અતિશય રૂપ સુગંધ તન, નાંહિ પરસેવ નિહાર, પ્રિયહિતવચન અતુલ્ય બલ, રુધિર શ્વેત આકાર; લચ્છન સહન રુ આઠ તન, સમ ચતુષ્ટક સંઠાન, વજ્ર વૃષભ નારાચ જુત, યે જન્મત દશ જાન'' 1) અત્યન્ત સુંદર શરીર 2) અતિ સુગંધમય શરીર 3) પરસેવા રહિત શરીર 4) મળ-મુત્ર રહિત શરીર 5) હિત-મિત-પ્રિય વાણી બોલાવી 6) અતુલ્ય બળ 7) દૂધ જેવું સફેદ લોહી (રક્ત) 8) શરીરમાં એક હજાર આઠ લક્ષણ 9) સમ ચોરસસંસ્થાન 10) વજ્રવૃષભનારાચસંહનન આ દશ અતિશય જન્મથી જ હોય છે. : કેવળજ્ઞાનના દશ અતિશય : યોજન શત ઇક મેં સુભિખ ગગન-ગમન મુખ ચાર, નહિં અદયા ઉપસર્ગ નહિં, નાહીં કવલહાર સબ વિદ્યા ઇશ્વર પનો, નાંહિ બઢે નખ કેશ, અનમિષ દૃગ છાયા-રહિત, દશ કેવલ કે વેશ. (1) એકસો યોજનમાં સુભિક્ષતા, (2) આકાશમાં ગમન (3) ચારેય બાજુ મોં દેખાવવું (4) અદયાનો ભાવ (5) ઉપસર્ગનું ન થવું (6) કવલાહાર ન થવો (7) સમસ્ત વિદ્યાઓનું સ્વામીત્વપણું (8) નખ-વાળનું ન વધવું (9) આંખની પલક ન ઝપકવી (10) શરીરનો પડછયો ન પડવો, આ દશ અતિશય કેવળ જ્ઞાનના સમયે પ્રગટ થાય છે. ઃ દેવકૃત ચૌદ અતિશય ઃ ``દેવ રચિત હે ચારદશ, અર્ધમાગધી ભાષ, આપસ માંહિ મિત્રતા, નિર્મલ દિશ આકાશ; હોત ફૂલ-ફલ ઋતુ સબૈ, પૃથ્વી કાચ સમાન, ચરણ-કમલ તલ કમલ હૈસ નમતૈ જય-જય બાન'' મંદ-સુગંધ બયાર પુનિ, ગંધોદક કી વૃષ્ટિ, ભૂમિવિષૈ કટંક નહીં, હર્ષમયી સબ સૃષ્ટિ; ધર્મચક્ર આગે રહે, પુનિ વસુ મંગલસાર, અતિશય શ્રી અરિહંત કે, યે ચૌતીસ પ્રકાર. (1) સમોવસરણની રચના (2) ભગવાનની અર્ધમાગધી ભાષા હોવી, (3) સમસ્ત જીવોમાં પરસ્પર મિત્રતા હોવી, (4) દિશાઓનું નિર્મળ હોવું, (5) બધા ઋતુના ફળ - ફુલો એક સમયમાં થવા (6) એક યોજન સુધી પૃથ્વી દર્પણની જેમ સ્વચ્છ હોવી (7) ચાલતા સમયે ભગવાનના ચરણ-કમળના તળિયે સ્વર્ણ-કમળો હોવા (8) આકાશમાં જય - જય ધ્વનિ હોવી (9) મંદ સુગંધિત પવનનું ચાલવું (10) સુગંધમય પાણીની વર્ષા થવી (11) જમીન કાંટાથી રહિત હોવી (12) સમસ્ત જીવ આનંદમય હોવા (13) ભગવાનના આગળ ધર્મચક્રનું ચાલવું (14) છત્ર-ચામર, ધ્વજ-ઘંટ આદિ આઠ મંગળ દ્રવ્યોનું સાથે રહેવું. આ ચૌદ અતિશય દેવકૃત છે. : આઠ પ્રાતિહાર્ય ઃ તરુ અશોક કે નિકટમેં, સિંવાસન, છવિદાર, તીન છત્ર સિર પૈ લસેં, ભામંડલ પિછવાર; દિવ્ય ધ્વનિ મુખ તેં ખરેં, પુષ્પવૃષ્ટિ સુર હોય, ઢોરૈં ચૌંસઠ ચમર જખ, બાજે દુન્દુભિ જોય. 1) અશોક વૃક્ષનું હોવું 2) રત્ન જડિત સિંહાસન 3) ભગવાનના મસ્તક ઉપર ત્રણ છત્રોનું હોવું 4) ભગવાનની પીઠ પાછળ ભામંડળનું હોવું 5) ભગવાનના મુખેથી અક્ષર રહિત દિવ્યધ્વનિનું હોવું 6) દેવો દ્વારા ફૂલોની વર્ષા થવી 7) યક્ષ દેવો દ્વારા ચોસઠ ચામરોનું ઢાળવું 8) દુન્દુભિ વાજિંત્રોનું વાગવું આ આઠ પ્રાતિહાર્ય છે. : ચાર અનંત ચતુષ્ટય ઃ જ્ઞાન અનંત અનંત સુખ, દરશ અનંત પ્રમાન, બલ અનંત અરિહંત સો, ઇષ્ટદેવ પહચેન 1) અનંદ દર્શન 2) અનંતજ્ઞાન 3) અનંત સુખ 4) અનંત વીર્ય આ ચાર અનંત ચતુષ્ટય છે. આપણે આ પ્રમાણે જોઇએ છીએ કે ઉપર મુજબ 46 ગુણોમાં નિýાયથી આત્માના તો કેવળ (4) અનંત ચતુષ્ટય જ છે. બાકીના 42 ગુણો તો માત્ર કથનથી જ આત્માના છે. વાસ્તવિક તોએ આત્માના ગુણ નથી એ તો પુણ્યોદયથી પ્રાપ્ત વિશેષતા છે, જે પુણ્યની સાથે જ સમાપ્ત થઇ જાય છે. તેઓને જ અહીં વ્યવહારથી અરિહંત પરમેષ્ઠીના ગુણોમાં ગણ્યા છે. તીર્થંકર કેવળીના સિવાય જે સામાન્ય કેવળી, મૂક કેવળી, ઉપસર્ગ કેવળી, અંતઃકૃત આદિ હોય છે, એમને આ ઉપર મુજબના પહેલા 42 ગુણો ન હોઇ માત્ર અનંત ચતુષ્ટય રૂપ (4) ગુણ જ હોય છે ઉપર મુજબ પૂર્ણ 46 ગુણો તો માત્ર તીર્થંકર અરિહંતોને જ હોય છે. આ રીતે જ્યારે સાધક જીવ આવા અનંત ચતુષ્ટય સ્વરૂપી અરિહંત પરમેષ્ઠીના આલંબનથી પોતાના શુદ્ધાત્માની સાધના - આરાધના કરે છે ત્યારે તેને ટૂંક સમયમાં આત્મોપલબ્ધિ થઇને સ્વાનુભૂતિ પ્રગટ થઇ જાય છે. “"નમો અરિહંતાણં'' .
arihant-1

 

advt06.png