• શ્રી રત્નાકર પચ્ચીશી

    "હે પ્રભુ! પ્રાયશ્ચિત કરવાથી જીવને શું લાભ થાય છે?"
    હે ગૌતમ! પ્રાયશ્ચિત કરવાથી પાપકર્મની વિશુદ્ધિ થાય છે, નિરતિચાર થવાય છે, સમ્યકત્વ રીતે પ્રાયશ્ચિત કરવાથી વિશુદ્ધ થવાય છે, તથા આચાર અને આચારફળની આરાધના થાય છે.
    ઉત્તરાધ્યાનસૂત્ર.
  • 1

01

textborder1સાધુતા મળી પણ ફળી નહી.textborder2


હું શુદ્ધ આચારો વડે, સાધુ હૃદયમાં નવ રહ્યો, કરી કામ પર ઉપકારનાં, યશ પણ ઉપાર્જ ન નવ કર્યો;
વળી તીર્થના ઉધ્ધાર આદિ, કોઈ કાર્યો નવ કર્યા, ફોગટ અરે ! આ લક્ષ ચોરાશી તણા ફેરા ફર્યા.


સંસાર અનાદિ કાળથી છે. તેમાં રહેતા જીવો અને જીવોના કર્મો પણ અનાદિ કાળથી છે. જે જીવનમાં ધર્મ, પુરૂષાર્થ ન આવે તો સંસાર કે કર્મનો અંત ક્યારે પણ ન થાય. પુરૂષાર્થ એટલે મનની, વચનની, તનની શક્તિનો ઉપયોગ પરંતુ તે શક્તિ ધર્મકાર્યના વિચારમાં ધર્મના, મંત્રો કે શાસ્ત્રાેના ઉચ્ચારણમાં અને ધર્મક્રિયાઓમાં વિધિઓ અને અનુષ્ઠાનો કરવામાં વપરાય ત્યારે તે ધર્મ પુરૂષાર્થ કહેવાય. કયો ધર્મ શ્રેષ્ઠ! વિવિધ પ્રાંતના, દેશના ધર્મો ભિન્ન ભિન્ન હોય, જુદા જુદા હોય, ધર્મ પ્રણેતાઓએ અલગ માર્ગની પ્રરૂપણા કરી હોય પણ એ બધા જ ધર્મો જેમાં સમાવિષ્ટ થઈ જાય તેવા શ્રેષ્ઠતમ ધર્મને બતાવતું એક સોનેરી બોધ વાક્ય મહાપુરૂષોએ કહ્યું છે કે ``આચારઃ પ્રથમો ધર્મ'' આચાર એ સૌ પ્રથમ ધર્મ છે. કામશાસ્ત્રના રચયિતા વાત્સાયન કહે છે કે જો કામ મેળવવો હોય તો પણ ધર્મ કરજો. ધર્મથી પુન્ય થશે. આ પુન્યથી જ અર્થ અને કામ બંને મળશે. અર્થ એટલે મનુષ્ય પુરુષાર્થ કરી જે કંઇ ધન કમાવે છે તે અને કામ એટલે જીવન જીવવા દરમ્યાન જે કંઇ મનની ઇચ્છા છે તે અને જીવન ઊપયોગી જે કંઇ સાધન જોઇતા હોય કે જે કંઇ કામના પુરી કરવી હોય તે. જો પુણ્યરૂપી ભાતુ સાથે હશે તો જ અર્થ અને કામ બન્ને મળશે અર્થાત્ ધર્મ વિના અર્થ ને કામ બન્ને મળતા નથી. આખરે તો ધર્મ તો કરવોજ પડે છે. મહાભારતમાં વ્યાસ મુનિ કહે છે કે `હું બંન્ને હાથ ઊંચા કરીને, રાડો પાડીને કહું છું કે અર્થ, કામ જોઇએ તો પણ ધર્મ આચરો. ધર્મથી પુન્ય મળે છે. પુન્યથી અર્થ અને અર્થથી કામ મળે છે. અલબત ધર્મ તે આચરણ કરવાની ચીજ છે. એની ભૂમિકા રચાય છે. માત્ર વિચારોથી કાર્ય સિદ્ધિ થતી નથી. વિચારથી ઉચ્ચારનું મહત્વ વધારે અને ઉચ્ચારથી આચારનું મહત્વ વધુ છે. વ્યવ્હારીક જીવોના જીવનમાં જો અર્થ, કામ, વ્યવસ્થિત હોય તો ચાર વસ્તુ પ્રાપ્ત થાય. ચિત્તમાં પ્રસન્નતા, જીવનમાં શાંતિ, શરીરમાં આરોગ્ય, કુટુંબમાં સંપ. પણ જેનો આચાર ધર્મ શુદ્ધ હોય તો જ અર્થ, કામ વ્યવસ્થિત રહી શકે. દરેક અનુષ્ઠાનોમાં શુદ્ધિ આવશ્યક છે જેમ કે.. ભાવોની શુદ્ધિ આજ્ઞાનુસારિતાથી થાય, વિચારોની શુદ્ધિ આત્મજાગૃતિથી થાય, ક્રિયાની શુદ્ધિ વિધિના પાલનથી થાય, તપની શુદ્ધિ વાસનાના ઘટાડાથી થાય, દાનની શુદ્ધિ મમત્વના ઘટાડાથી થાય, ધર્મની શુદ્ધિ ગુણાનુરાગથી થાય તેમ આચારની શુદ્ધિ યથાતથ્ય પાલનથી થાય. શ્રી રત્નાકર આચાર્ય પોતાના આચારધર્મમાં આવેલી શિથિલતાને પ્રભુસમક્ષ પ્રગટ કરતા કહે છે કે.. હું શુદ્ધ આચારો વડે સાધુહૃદયમાં નવ રહ્યો. `કરી કામ પર ઉપકારના યશ પણ ઉપાર્જન નવ કર્યા' મનુષ્ય, પશુ, પક્ષી બધાજ પોતાનું કામ કરે છે. એમાં કોઈ વિશેષતા નથી. પરંતુ જેના દ્વારા બીજાને મદદરૂપ કે સહાયક થવાય. એવા પરોપકારના કામો તો કોઈ વીરલ વ્યક્તિ જ કરે. પરોપકારી વ્યકિત `બીજાનું દુખ તે મારું દુખ' એમ જાણીને લોકોની પ્રશંસા, યશ, માન કે સન્માન માટે બીજા પર ઉપકાર કરતા નથી પણ, સ્વ-પર આત્મ હિત માટે કરે છે. દરેક માણસે પોતાના માટે જ નથી જીવવાનું. પારકા માટે પણ જીવવું પડે છે. અને તેમ સમજી જે પારકાના કામ કરી પરોપકારી બને છે. રત્નાકર આચાર્ય કહે છે હે પ્રભુ! મેં પરોપકારનું કોઈ કામ કર્યું નથી. તેથી મને યશપણ પ્રાપ્ત થયો નથી. વળી તીર્થ ઉદ્ધાર આદિ કાંઈ કાર્યો ન કર્યા. મારા ચોરાશી તણા ફેરા ફોગટ ગયા. મેં મારો જન્મારો નિષ્ફળ ગુમાવ્યો. શ્રાવકને જે કરવું જોઈએ તે મેં ન કર્યું. હું મારું કર્તવ્ય ભૂલી ગયો. પ્રભુ ! મને ધિક્કાર છે. મને ક્ષમા કરો. મને માફ કરો. વિભુ!

textborder

advt01.png