• શ્રી રત્નાકર પચ્ચીશી

    "હે પ્રભુ! પ્રાયશ્ચિત કરવાથી જીવને શું લાભ થાય છે?"
    હે ગૌતમ! પ્રાયશ્ચિત કરવાથી પાપકર્મની વિશુદ્ધિ થાય છે, નિરતિચાર થવાય છે, સમ્યકત્વ રીતે પ્રાયશ્ચિત કરવાથી વિશુદ્ધ થવાય છે, તથા આચાર અને આચારફળની આરાધના થાય છે.
    ઉત્તરાધ્યાનસૂત્ર.
  • 1

01

textborder1 વિશ્વવન્દ્ય વિભૂ textborder2


મંદિર છો, મુક્તિ તણા, માંગલ્ય ક્રીડાના પ્રભુ!  ને ઈદ્ર નર ને દેવતા, સેવા કરે તારી વિભુ!
સર્વજ્ઞ છો સ્વામી વળી, શિરદાર અતિશય સર્વના,  ઘણું જીવ તું, ઘણું જીવ તું, ભંડાર જ્ઞાન કળા તણા.


`મંદિર' આ શબ્દ સંભળાય, લખેલો વંચાય તો તરત જ આપણી કલ્પનામાં સંગેમરમરના દૂધ જેવા ધવલ પત્થરોથી નિર્મિત, ગગનચુંબી ગોળ, ઘુમ્મટવાળું, જેના પર સોનાના કળશો ચમકતા હોય, ધ્વજાઓ ફરકતી હોય, દીપકોથી ]ળહળતું, ઘંટાવરથી ગુંજતું, ધૂપથી મધમધતું ભાવિકભક્તજનોથી ઊભરાતું તથા દૂરથી સૌને આકર્ષણ કરતું એક પવિત્ર સ્થાન આવી જાય છે. પરંતુ અહીં શિલ્પ અને સ્થાપત્યના અજોડ નમૂના રૂપ કોઇ સ્થાવર મંદિરની વાત નથી. સૂરિજી તો ચૈતન્યવંતા, મહામના એક જંગમ મંદિરને સ્મરણપટમાં લાવે છે. ``મંદિર છો મુક્તિતણાં'' હે પ્રભુ! આપ સાક્ષાત્ મુક્તિના મંદિર છો - મોક્ષના ધામ છો. પરમાત્મા મુક્તિના મંદિર કઇ રીતે બની શક્યા? વિશ્વના સર્વ દર્શનોની આત્મા અને પરમાત્માવિષયક ભિન્ન ભિન્ન માન્યતાઓ છે. ઇશ્વરકર્તૃત્વવાદ અને એકેશ્વરવાદમાં માનનારા દર્શનો એમ જ કહે કે ઇશ્વર એક જ છે અને તેજ સૃષ્ટિના સર્જક છે, અન્ય સર્વજીવો એ ઇશ્વરના અંશ છે. જ્યારે જૈનદર્શનની માન્યતા છે કે ``અપ્પા સો પરમપ્પા'' આત્મા જ પરમાત્મા બની શકે. ક્યો આત્મા પરમાત્મા બની શકે? જે માનવ આકૃતિને પામ્યા પછી માનવપ્રકૃતિને પામે. પરમાત્મા બનવું એટલે મુક્તિમંદિર બનવું-મુક્તિના ધામને મેળવવું. જેવી રીતે શુદ્ધ ઘીની પર્યાયને પ્રાપ્ત કરવા માટે દૂધને અનેક પ્રોસેસમાંથી પસાર થવું પડે તેમ માનવે મહામાનવ બનવા માટે અનેક પ્રોસેસમાંથી (પ્રક્રિયામાંથી) પસાર થવું પડે. શ્રી રત્નાકરસૂરિ આગળ કહે છે કે.. માંગલ્યક્રીડાના પ્રભુ! ક્રીડા હંમેશા આનંદદાયક હોય, ક્રીડાના અનેક પ્રકારો છે. પણ અહીં પ્રભુને કહ્યું છે કે આપ માંગલ્યક્રીડાના ધામ છો - સ્થાન છો જે આત્માને આનંદ આપે. અજ્ઞાનીઓની ક્રીડામાં માંગલ્યના ભાવો ન હોય. મંગલ કોને કહેવાય? `મમ્ પાપમ્ ગાલયતિ ઇતિ મંગલમ્' - જે પાપને ગાળે તે મંગલ. `મંગમ્ સુખમ્ લાતિ ઇતિ મંગલમ્' જે સુખને લાવે તે મંગલ. જગતના જીવોના પાપોને ગાળી, સુખ પમાડનાર મંગલકારી ક્રીડાના આપ ધામ છો. શુદ્ધ આત્મા સત્, ચિત્, આનંદમય હોય. પરમાત્મા આ ત્રણે ગુણયુક્ત હોવાથી માંગલ્યક્રીડાના ધામ છે. અનેક દેવતાઓ પ્રભુની સેવા માટે તત્પર રહેતા હોવાથી આચાર્ય એ કહ્યું કે `ને ઇદ્ર નર ને દેવતા સેવા કરે તારી વિભુ!' શ્રી ભક્તામર સ્તોત્રમાં માનતુંગસૂરિજી કહે છે કે ભક્તિથી દેવલોકના દેવો, ઇદ્રો આપના ચરણોમાં નમે છે. શ્રી કલ્યાણમંદિર સ્તોત્રમાં સિદ્ધસેન દિવાકરસૂરિ કહે છે કે, દેવેદ્રવન્દ્યવિદિતાખિલવસ્તુસારઃ વિશ્વની સર્વ વસ્તુઓ સારતત્ત્વને જાણનાર હે પ્રભુ પાર્શ્વનાથ! આપ દેવેદ્રોથી વંદ્ય છો. નરેદ્રો અને દેવેદ્રો તેમની વિશિષ્ટ સંપત્તિના અહમ્ને ત્યાગી, ત્યાગધર્મની સાક્ષાત્મૂર્તિ સમા આપના ચરણોમાં નતમસ્તકે તત્પર રહે છે. વિશ્વના પ્રત્યેક ક્ષેત્રમાં બે વર્ગ જોવા મળે. 1) સેવ્ય વર્ગ ઃ- જેની સેવા કરાય તે. 2) સેવક વર્ગ ઃ- જે સેવા કરે તે. નોકર શેઠની સેવા કરે, અનુયાયીવર્ગ ગુરુજનોની સેવા કરે તેમ જ ભક્તજનો ભગવાનની સેવા કરે. તિર્થંકરનામ કર્મની પ્રકૃતિના ઉદયને કારણે તીર્થંકરોની સેવામાં કરોડો દેવતાઓ હાજર રહે છે. અવધીજ્ઞાનથી જાણી તિર્થંકર પ્રભુ જ્યાં દેશના પ્રકાશવાના હોય છે ત્યાં સમવસરણની રચના કરે છે, તિર્થંકર ચરણ ધરે ત્યાં લાખ પાંખડીઓનું પદ્મકમળ થઇ આવે, બારગણું અશોકવૃક્ષ, છત્ર, ચામર, દેવદુદુંભિ, પુષ્પવૃષ્ટિ આદિ સર્વ દેવો કરે. આગળ કહે છે કે.. સર્વજ્ઞ છો સ્વામિ! વળી, શિરદાર અતિશય સર્વનાઃ જે સર્વને જાણે તે સર્વજ્ઞ. હે પ્રભુ આપ સર્વજ્ઞ છો! ઊર્ધ્વલોક, અધોલોક અને તિર્છાલોક આ ત્રણે લોકમાં રહેલા સર્વદ્રવ્યો અને તેની ભૂતકાલીન, વર્તમાનકાલીન, ભવિષ્યકાલીન સર્વ પર્યાયોને અંજલિજલ પ્રમાણે સ્પષ્ટ અને પ્રત્યક્ષ જાણી શકે તે સર્વજ્ઞ. ચાર ઘનઘાતી કર્મ ખપાવે તે સર્વજ્ઞ. વળી, આપ સર્વ અતિશયોથી વિશિષ્ટતાએ શોભી રહ્યા છો. `અતિશય' એટલે જે સર્વસામાન્ય જીવોમાં ન હોય, પરંતુ માત્ર તિર્થંકરોમાં જ હોય તે અતિશય. તીર્થંકર પરમાત્મા ઋષભદેવના દેહવૈભવનું વર્ણન કરતા શ્રીમદ્ માનતુંગસૂરિ કહે છે હે નાથ! શાંતરસ જે પરમાણુઓમાંથી ત્રણભુવનમાં અદ્વિતીય એવાં આપના શરીરનું નિર્માણ થયું, તે પરમાણુઓ આ લોકમાં એટલાં જહતા, તેથી આપના સમાન અન્ય કોઇનું રૂપ નથી. જેમ તિર્થંકરની દેહવિભૂતિ અદ્વિતીય છે, તેમ પરમાત્માના અતિશયો પણ અદ્વિતીય હોય છે. તીર્થંકરો 34 અતિશયયુક્ત હોય છે. 4 અતિશયો જન્મથી હોય. 1. તિર્થંકરના કેશ, નખ ન વધે, 2. શરીર નિરોગી રહે. 3. લોહી માંસ ગોક્ષીર જેવા હોય. 4. શ્વાસોચ્છ્વાસ પદ્મકમળ જેવો સુગંધી હોય. 11 અતિશયો કેવળજ્ઞાન થયા પછી ઃ 1) આહારનિહાર અદૃશ્ય 2) આકાશમાં ધર્મચક્ર ચાલે 3) આકાશમાં ત્રણ છત્ર, બે ચામર ધરાય. 4) આકાશમાં પાદપીઠ (બાજોઠ) સહિત સિંહાસન ચાલે. 5) આકાશમાં ઇદ્રધ્વજ ચાલે. 6) અશોકવૃક્ષ 7) ભામંડળ 8) વિષમભૂમિ સમ થાય. 9) કાંડા ઊંધા થઇ જાય. 10) છ એ ઋતુ અનુકૂળ થાય. 11) અનુકુળ વાયુ વાય. 19 અતિશયો દેવકૃત હોય ઃ 1) પંચવર્ણના ફૂલ પ્રગટે. 2) અશુભપુદ્ગલોનો નાશ 3) ભૂમિ પર સુગંધી વર્ષા 4) શુભપુદ્ગલ પ્રગટે 5) યોજનગામી વાણીની ધ્વની 6) અર્ધમાગધીમાં દેશના દે 7) સૌ પોતપોતાની ભાષામાં સમજે. 8) જન્મવેર શાંત થાય. 9) અન્યમતિ પણ દેશના સાંભળે. 10) પ્રતિવાદી નિરુત્તર બને 11) પચ્ચીશ યોજન સુધી કોઇ રોગ ન થાય. 12) મહામારિ ન થાય. 13) ઉપદ્રવ ન થાય. 14-15) સ્વચક્ર-પરચક્રનો ભય ન રહે. 16) અતિવૃષ્ટિ ન થાય 17) અનાવૃષ્ટિ ન થાય. 18) વૃષ્ટિથી થતા ઉપદ્રવો ન થાય, 19) પહેલાના ઉપદ્રવો શાંત થાય. ઉપરોક્ત 34 અતિશયોથી તિર્થંકર પરમાત્મા યુક્ત હોય છે. મુખ્ય ચાર અતિશયોમાં 1) અનંતજ્ઞાનદ્વારા જ્ઞાનાતિશય 2) રાગદ્વેષરૂપી દોષો જવાથી અપાયાપગમ અતિશય. 3) અબાધ્ય સિદ્ધાંતોના કારણે વચનાતિશય અને 4) અમર્ત્ય (દેવો) દ્વારા પૂજાતા હોવાથી પૂજાતિશયયુક્ત, આપ્તપુરુષોમાં મુખ્ય. આચાર્ય શ્રી કહે છે કે હે પ્રભુ! આપ સર્વ અતિશયોથી શિરમોર સ્થાને શોભી રહ્યા છો.

textborder

advt04.png