• શ્રી રત્નાકર પચ્ચીશી

    "હે પ્રભુ! પ્રાયશ્ચિત કરવાથી જીવને શું લાભ થાય છે?"
    હે ગૌતમ! પ્રાયશ્ચિત કરવાથી પાપકર્મની વિશુદ્ધિ થાય છે, નિરતિચાર થવાય છે, સમ્યકત્વ રીતે પ્રાયશ્ચિત કરવાથી વિશુદ્ધ થવાય છે, તથા આચાર અને આચારફળની આરાધના થાય છે.
    ઉત્તરાધ્યાનસૂત્ર.
  • 1

01

textborder1 બાલસહજ ભાવથી યથાર્થ કથનtextborder2


શું બાળકો મા બાપ પાસે બાળક્રીડા નવ કરે? ને મુખમાંથી જેમ આવે, તેમ શું નવ ઉચ્ચરે?
તેમજ તમારી પાસ તારક, આજ ભોળા ભાવથી, જેવું બન્યું તેવું કહું, તેમાં કશું ખોટું નથી.


શું બાળકો મા બાપ પાસે બાળ ક્રિડા નવ કરે, ને મુખમાંથી જેમ આવે તેમ શું નવ ઉચ્ચરે ઃ- હે પ્રભુ! જેમ બાળ ક્રિડામાં આનંદ પામનાર બાળક પોતાના માબાપ પાસે કોઇપણ જાતના સંકોચ વિના પોતાના મનમાં જે આવે તે નથી બોલતો? માબાપ પ્રત્યે અત્યંત વિશ્વાસ અને આત્મિયતાના કારણે બાળક નિખાલસતાથી સરળતાથી તેઓને સારું લાગશે કે ખરાબ એનો પણ વિચાર કર્યા વિના જેમ છે તેમ કહી દે છે, તેમ હું પણ બાલભાવે આપની પાસે જેવું બન્યું તેવું-સર્વથા સત્ય કહું છું, જરા પણ અસત્ય કહેતો નથી. સરળતા અને સમર્પણતા ભરેલી આ ગાથા ગાતા જ શ્રી ગુરુ ગૌતમસ્વામી મન મંદિરમાં છવાઇ જાય છે. ગૌતમસ્વામીનો અહંકાર પણ જ્ઞાન પ્રાપ્તિનું કારણ બન્યું, એમનો વીર પ્રભુ પ્રત્યેનો પ્રશસ્ત રાગ પણ ગુરુભક્તિનું અવિસ્મરણીય ઉદાહરણ બની ગયું, એમનો વિષાદ (શોક) કેવળજ્ઞાનનું નિમિત્ત બન્યું. ગૌતમસ્વામીના જીવનના આ અવળા પાસા સવળા ક્યા કારણથી બન્યા? માત્ર એમના હૃદયની સરળતા, નિખાલસતા અને કોમળતાના કારણે જ. તેમજ તમારી પાસ, તારક! આજ ભોળાભાવથી, જેવું બન્યું તેવું કહું તેમાં કશું ખોટું નથી- અહીં આચાર્યશ્રી બાળક જેવા ભોળાભાવથી સ્વમુખે પોતાના પાપોની ગર્હા કરીને કર્મોને હળવા બનાવી રહ્યા છે. આમા જરા પણ અસત્ય નથી કહી રહ્યા. ``િતન્નાણં તારયાણં'' જે સ્વયં તરે છે અને અન્યને તારે છે એવા હે તારક! ભવરૂપી સમુદ્રમાં ડૂબતા જીવોને તારનાર માત્ર આપ જ છો! કરેલા પાપોનો સ્વીકાર કરી સ્વમુખે તે પાપો કહેવા ઘણાં કઠિન છે. જગતમાં ચાર પ્રકારના જીવો છે (1) અજ્ઞઃ- ભૂલ, દોષ, કે પાપ કરે પણ તેને પાપ તરીકે સ્વીકાર ન કરે તે અજ્ઞ. (2) સુજ્ઞ ઃ ભૂલનો ભૂલ તરીકે, પાપનો પાપ તરીકે સ્વીકાર કરે તે સુજ્ઞ. (3) પ્રાજ્ઞ ઃ ભૂલને ભૂલ તરીકે સ્વીકારી ફરીથી એ ભૂલ ન થાય તેવો નિર્ણય કરનારા. (4) સર્વજ્ઞ ઃ ક્યારેય પણ ભૂલ ન કરનારા. અહીં આચાર્ય શ્રી ભૂલનો ભૂલ તરીકે સ્વીકાર કરી સુજ્ઞમાંથી પ્રાજ્ઞ અને સર્વજ્ઞ થવાની રાહ પર વાયુવેગે આગળ વધી રહ્યા છે.

textborder

advt05.png